Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?

તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?

21 March, 2021 11:59 AM IST | Mumbai
Kana Bantwa

તમારું મન નબળું છે? ખરેખર? હકીકત તદ્દન ઊલટી છે; જેના નિશ્ચય પડી ભાંગે છે એ માણસ નબળો છે અને તેનું મન એટલું શક્તિશાળી છે કે માણસ પર એનો કાબૂ છે

તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?

તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?


કેટલીય વખત તમે નક્કી કરો છો કે હવેથી રોજ સવારે ઊઠીને કસરત કરવી છે, ચાલવા જવું છે, પણ એ નિશ્ચય એક-બે દિવસથી લાંબો નથી ચાલતો? તમાકુ છોડી દેવાનું નક્કી કર્યા પછી બે જ દિવસમાં એવી તાલાવેલી લાગે છે કે રહેવાતું નથી અને ખવાઈ જાય છે? સિગારેટને હાથ જ નથી લગાડવો એવું રેઝોલ્યુશન એક દિવસ પણ ટકતું નથી?  જન્ક-ફૂડ નથી જ ખાવું એવો નિશ્ચય બહુ જ ટૂંકા સમયમાં પડી ભાંગે છે? ચૉકલેટ જોઈને મન લલચાઈ જાય છે? એવું ટેમ્પ્ટેશન થાય છે કે રહેવાતું નથી? તમે લીધેલા નિર્ણયો તરત જ તૂટી જાય છે? આ પ્રશ્નોમાંથી મોટા ભાગના સવાલોના જવાબ ‘હા’ માં હશે અને તમે માનતા હશો કે તમારી ઇચ્છાશક્તિ એટલી મજબૂત નથી કે કરેલા નિશ્ચયોને દૃઢપણે વળગી રહી શકો. વિલપાવર મજબૂત નથી એવું તમને લાગતું હશે. તમે એવું પણ માનતા જ હશો કે વિલ-પાવર મજબૂત હોય તો ગમે એવા કપરા ધ્યેયને હાંસલ કરી જ શકાય અને જો વિલપાવર ન હોય તો નિષ્ફળતા મળે. તમારા નિર્ણયો પર તમે અડગ નહીં રહેતા હો ત્યારે પણ તમને સમજાતું જ હશે કે નિર્ણયશક્તિ, ઇચ્છાશક્તિ, મનોબળ હોય તો પોતાના સંકલ્પ પર દૃઢ રહી શકાય.
મન હોય તો માળવે જવાય એવી કહેવત આપણે ત્યાં છે. નાનપણથી આપણને શીખવવામાં આવે છે કે દૃઢ મનોબળ રાખવું. આ મનોબળ-વિલપાવર એટલે શું? બહુ જ સાદી વ્યાખ્યા એવી કરી શકાય કે લાંબા ગાળાના ધ્યેય માટે ટૂંકા ગાળાના પ્રલોભનને ત્યજી શકવાની શક્તિ અથવા કંઈક પામવા માટે માનવીય મર્યાદાઓને અતિક્રમી જવાની તાકાત. જે કામ કરવા માટે પ્રયત્નની જરૂર હોય, જે કામ કરવાનું આપણે પડતું મૂકી દઈશું એવી સંભાવના વધુ હોય એ કરવા માટે જ નિશ્ચયની આવશ્યકતા રહે છે. માણસ આ સંકલ્પશક્તિની તાકાતથી જ પ્રાકૃતિક મર્યાદાઓને વળોટી શક્યો છે. સામાન્ય રીતે માણસ જે કામ ન કરી શકે એ કરવા માટે જે વધારાની આંતરિક તાકાતની જરૂર પડે એ તાકાતને આપણે મનની તાકાત, મનોબળ, સંકલ્પબળ કહીએ છીએ, એના આધારે પંગુઓ પહાડ ઓળંગી જઈ શકે. મનોબળ મહત્ત્વપૂર્ણ છે, પણ આપણો પ્રશ્ન અલગ છે.
મન નબળું કે શક્તિશાળી?
તમે પોતાના સંકલ્પને ટકાવી ન શકતા હો તો તમારું મન નબળું છે એમ કહેવાય કે મન વધુ શક્તિશાળી છે એવું કહેવાય? તમે તરત જ કહેશો કે કેવી વાત કરો છો, મન નબળું છે એમ જ કહેવાયને? હકીકતમાં મન નબળું છે ડિયર રીડર? ના. એવું નથી. ભલે બધા જ કહે કે જે પોતાના નિશ્ચય, રેઝોલ્યુશન પાળી શકતા ન હોય તેનું મન નબળું કહેવાય, પણ મનને સમજશે એ કહેશે કે મન નહીં, માણસ નબળો છે એમ કહેવાય. તમે નબળા છો, તમારું મન તમારા કરતાં વધુ શક્તિશાળી છે એમ કહેવાય. હજી ભરોસો નથી થતોને? ઊલટ બાંસી લાગે છેને આ વાત? તમે જેકંઈ કરો છો એ તમારું મન કહે છે એ મુજબ કરો છો કે તમે પોતે ઇચ્છો છો એ પ્રમાણે? ડાયાબિટીઝ હોવા છતાં, ચોરી-છૂપીથી મીઠાઈનો ટુકડો મોંમાં મૂકી દેવા તમને તમે પોતે જ લલચાવો છો કે તમારું મન લલચાવે છે? પત્નીને વચન આપ્યું હોય કે હવેથી દારૂને હાથ પણ નહીં લગાડું છતાં અંગૂર કી રાની તરફ પરાણે કોણ ખેંચી જાય છે? તમારું મન કે તમે?  તમે અને તમારું મન બન્ને એક જ છો કે તમે અલગ છો? તમારું મન તમને સતત લલચાવતું રહે છે. સતત તમને બીવડાવતું રહે છે. તમને ઉશ્કેરતું રહે છે અને તમે મન કહે એમ કરતા પણ રહો છો. મન પાસે તમારું ચાલતું નથી. લોભ, લાલચ, મોહ, ક્રોધ, ઈર્ષા વગેરે તમામ વૃત્તિઓ બાબતે તમે યોગ્ય શું અને અયોગ્ય શું એ જાણતા હોવા છતાં પોતાના પર નિયંત્રણ રાખી શકતા નથી એ મનનો તમારા પર વિજય છે. મન હંમેશાં સામ, દામ, દંડ, ભેદ એવી બધી યુક્તિઓ અજમાવતું જ રહે છે, જ્યાં સુધી તમે એને વશ ન થઈ જાઓ.
મનનો નિગ્રહ કરતાં શીખ 
મન કેટલું શક્તિશાળી છે? શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં મનને બહુ જ વિશદ રીતે સમજાવ્યું છે. તેઓ કહે છે, જેમ પાણીમાંની નૌકાને પવન ખેંચી જાય એમ મન માણસની બુદ્ધિને પોતાની ઇચ્છા મુજબ ખેંચી જાય છે અને અર્જુન પણ કહે છે કે ‘ચંચલ હિ મન: કૃષ્ણ! પ્રમાથિ બલવદદ્દઢમ્’. હે કૃષ્ણ મન ચંચળ છે અને વિહ્‍વળ બનાવી દેનારું, મથી નાખનારું છે.’ શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ધીમે-ધીમે અભ્યાસથી તું મનનો નિગ્રહ કરતાં શીખ. અભ્યાસથી જ તું મન પર કાબૂ મેળવી શકીશ. કૃષ્ણએ મનને જે રીતે ઓળખ્યું છે, જોયું છે એટલું સ્પષ્ટ કદાચ અન્ય કોઈએ જોયું નથી. મનને કેમ નિયંત્રણમાં લેવું એ કૃષ્ણ જાણે છે. મન પર કાબૂ મેળવવો. તમે અને તમારું મન અલગ છે. તમે ધારો તો મનના માલિક બની શકો. તમારા મનને આદેશ આપી શકો. ખરું મનોબળ એ જ છે, જેમાં તમે મનને તમારું ધાર્યું કરવા માટે મજબૂર કરી શકો, એનું ધાર્યું નહીં. એટલે મનોબળ ખરેખર તો તમારું સ્વબળ છે અને એટલે જ જ્યારે તમે તમારા નિશ્ચયમાંથી ચલિત થાઓ છો ત્યારે તમારું મન નબળું છે એવું ન કહેવાય, તમારું મન તમારા પર હાવી થઈ ગયું છે એમ કહેવાય. તમારું મન મજબૂત છે અને તમે નબળા છો એમ કહેવાય.
મજાની વાત તો એ છે કે નિશ્ચય કરવા માટે, સંકલ્પ લેવા માટે પણ મન જ તમને પ્રેરે છે અને એ સંકલ્પને એ જ તોડાવે છે. કેમ આવું કરે છે મન? મનનો એક જ ઉદ્દેશ હોય છે, જે શરીરમાં એ વસે છે એ શરીરને, તમને સંપૂર્ણ કાબૂમાં રાખવા. આ મનની આદિમ વૃત્તિ છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ વૃત્તિ જરૂરી પણ હતી. તમારા પર કાબૂ રાખવા માટે મને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી પડે, તમને નબળા દેખાડવા પડે. એ તમને સંકલ્પ લેવડાવે છે અને એ જ તોડાવે છે અને પછી તમને ગિલ્ટી ફીલ કરાવે છે, તમે માનવા માંડો છો કે હું બહુ નબળો છું, મારાથી સંકલ્પ પાળી શકાયો નહીં. એ તમને સતત અપરાધભાવમાં રાખવા માટે આવા નિશ્ચયો કરાવ્યા કરે છે અને તોડાવ્યા કરે છે. એ તમારી પાસે ન કરવાનાં કામ કરાવે છે અને તમને ગિલ્ટમાં રાખે છે. એ બેવડી રમત રમતું રહે છે. એ પોતે જે કરે છે એ તમારા પર ઢોળતું રહે છે. એ પાપ કરાવે છે ને પુણ્ય કરીને એ પાપ ધોવા પણ પ્રેરે છે. એ તમને એનાથી અલગ જોવા દેતું જ નથી. આટલું તાકાતવાન મન જો તમારા કન્ટ્રોલમાં આવી જાય તો? તો તમે ધારો એ કરી શકો. તમારા નિયંત્રણમાં આવેલા મન પાસે તમે અદ્ભુત કામ કરાવી શકો. પછી એ તમારી પાસે ન કરવાનાં કામ નહીં કરાવી શકે.
મુદ્દો મનને જીતવાનો છે, મન પર કન્ટ્રોલનો છે. સફળ તેઓ થયા છે જેનો કન્ટ્રોલ પોતાના મન પર હતો અને આ કન્ટ્રોલ જ ખરી સંકલ્પશક્તિ છે એટલે જ મનોબળ વધારવાના આધુનિક નુસખાઓ નિષ્ફળ જાય છે. પ્રયત્ન મનને ધીમે-ધીમે પલોટીને, કેળવીને તેણે નાથવા માટે કરવાનો છે. એક વાર નથાઈ ગયા પછી એ લગામ વડે તમે એને તમારી ઇચ્છા મુજબ ચલાવી, દોડાવી શકશો.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2021 11:59 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK