Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વ્યથા અને પરેશાની મનની: શા માટે વગર કારણે વ્યાધિ વધારીને હેરાનગતિની દિશા ખોલવી છે?

વ્યથા અને પરેશાની મનની: શા માટે વગર કારણે વ્યાધિ વધારીને હેરાનગતિની દિશા ખોલવી છે?

07 August, 2022 05:46 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ડિપ્રેશનને આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતીઓમાં બહુ ઉતારી પાડવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


ડિપ્રેશન. આમ જોવા જઈએ તો આ એક એવી તકલીફ છે જેને જો અવગણવામાં આવે તો એ હેરાનગતિ ઊભી કરી દે અને એ હેરાનગતિ પણ એવી હોય છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. વાતનો આરંભ કરતાં પહેલાં મારે એક કિસ્સો કહેવો છે. થોડાં વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના એક બહુ જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ, ખૂબ ખ્યાતનામ અને અનેક ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ મૅગેઝિનમાં પણ લેખ લખનાર પત્રકાર. સારી ઇન્કમ અને એટલી જ સારી શાખ. બધું એટલું સરસ ચાલે કે કોઈ ધારી જ ન શકે કે આ વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફ કે દુઃખ હશે અને હકીકત એ પણ એટલી જ સાચી કે તેમની લાઇફમાં કોઈ તકલીફ, કોઈ દુઃખ હતું જ નહીં અને એ પછી પણ એ પત્રકારે એક સાંજે સુસાઇડ કરી લીધું. હકીકત માત્ર એટલી હતી કે મિડલ એજ ક્રાઇસિસ સાથે આવતા ડિપ્રેશનનો તેઓ ભોગ બન્યા હતા. તેઓ ડિપ્રેશનનો ભોગ બન્યા અને તેમનો પરિવાર તેમણે લીધેલા પગલાનો.
ડિપ્રેશનને આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતીઓમાં બહુ ઉતારી પાડવામાં આવે છે. તમારો કૉન્ફિડન્સ બહુ સારો હોય અને તમે ખૂબ સારું આત્મબળ ધરાવતા હો તો અત્યંત સારી વાત છે, પણ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે મનને કોઈ વાતની કનડગત નથી એવું પણ તમે માન્યા કરો. મન પોતાનું કામ કરવાનું છે અને એ કામ કરે ત્યારે કોઈને ગણકારવાનું પણ નથી. બહેતર છે કે તમારે એ મનની વાત, મનના સંદેશ અને મનમાંથી જન્મનારા તરંગોને ઓળખવા પડશે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ, મારા મિત્ર અને આપણા જ ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ ડૉ.મુકુલ ચોકસી સાથે ઘણી વાર વાત થતી હોય એ દરમ્યાન તેમની પાસેથી સાંભળ્યું છે કે ગુજરાતીઓએ ડિપ્રેશનની વાતને સ્વીકારવાની હજી પણ તૈયારી નથી દર્શાવી અને એ જ કારણ છે કે આજે પણ આપણે મનની બાબતમાં વધારે હેરાન થતા રહ્યા છીએ. વાત તેમની ખોટી નથી અને વાત તેમની અવગણવા જેવી પણ નથી.
જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે તમે તમારી જાતને ખુશ રાખવામાં નિષ્ફળ છો. તમને એવું લાગતું હોય કે તમે એકલા પડી ગયા છો કે પછી તમને એવું લાગતું હોય કે તમારી આજુબાજુનું વાતાવરણ તમને કનડી રહ્યું છે તો એ વાત કહેવાની હામ એકત્રિત કરવી જોઈએ. માણસની મોટામાં મોટી તકલીફ એ છે કે તે પોતાને જે કહેવું છે એ કહેવામાં ઊણો ઊતરે છે અને એને લીધે મન પર ભાર વધતો જાય છે.
મન પર વધતા ભારને કારણે એવી માનસિકતા ઊભી થવાની શરૂ થાય છે કે તમારું એકાંત પણ એકલતામાં ફેરવાતું જાય છે અને જ્યારે એકાંત એકલતા બને ત્યારે માણસ ડિપ્રેશન તરફ ધકેલાતો જાય છે. સાઇકિયાટ્રિસ્ટ દોસ્તની બીજી પણ એક વાત બહુ અગત્યની લાગી. આપણે ત્યાં ફૅમિલીનું વાતાવરણ એવું નથી હોતું કે એ ડિપ્રેશન ભોગવતા કે પછી એની કિનારીએ આવીને ઊભી રહી ગયેલી માનસિક અવસ્થા સમજે અને એ જ સૌથી લાચારીનો વિષય છે. માણસ જ્યારે હૂંફની અપેક્ષા રાખતો હોય ત્યારે તેને મળનારી અવગણના જ તેને સૌથી વધારે હર્ટ કરી જતી હોય છે. એકલા પડી ગયાનો અનુભવ કરતાં વ્યક્તિને સહર્ષ આવકારો અને એને માટે સમય ફાળવો, બહુ જરૂરી છે એ.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2022 05:46 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK