આવો દિવસ આવે એની પ્રતીક્ષા કરે છે અને જો ન આવે તો એને ઊપજાવી કાઢે છે. ધર્મના નામે હોય, સમાજના નામે હોય કે પછી કોઈક શોધી કાઢેલા પ્રસંગને કારણે હોય - માણસ ગમે એમ કરીને પોતાના જીવનમાર્ગમાં ક્યાંક તહેવાર કે પર્વના નામે ઉત્સવ શોધી કાઢે છે.
પ્રતિકાત્મક તસવીર
તહેવારો, પર્વો કે અન્ય ઉત્સવો માણસ ઊજવે છે. પોતાના રોજિંદા જીવનકર્મમાંથી તે આવો એક દિવસ શોધી કાઢે છે. આવો દિવસ આવે એની પ્રતીક્ષા કરે છે અને જો ન આવે તો એને ઊપજાવી કાઢે છે. ધર્મના નામે હોય, સમાજના નામે હોય કે પછી કોઈક શોધી કાઢેલા પ્રસંગને કારણે હોય - માણસ ગમે એમ કરીને પોતાના જીવનમાર્ગમાં ક્યાંક તહેવાર કે પર્વના નામે ઉત્સવ શોધી કાઢે છે.
માણસ સિવાયનાં અન્ય પ્રાણીઓમાં ક્યાંય આવો તહેવાર હોવાની શક્યતા નથી. તમામ પ્રજાતિઓમાં દિવસ એકસરખા જ હોય છે. માણસને દિવસ જન્માષ્ટમીનો હોય, રામનવમીનો હોય કે પછી એવું જ કંઈક ઉત્સવનું નિમિત્ત હોય ત્યારે સવાર જ જુદી લાગે છે. આજની સવાર માટે તે અગાઉથી તૈયારી કરે છે. સવાર એકસરખી જ હોય છે અને એમ છતાં એ સવાર તેને જુદી લાગે છે, કારણ કે તેના માટે એ સવાર જુદી હોય છે. આ તહેવારોની ઉજવણીઓની એક વિશેષતા એ હોય છે કે જે દિવસે અમુક વર્ગ માટે અહિંસાનો જયજયકાર હોય છે એ જ દિવસે બીજા ચોક્કસ વર્ગને જીવંત પ્રાણીની હિંસા પુણ્યકર્મ ગણાય છે. દિવસ એક જ છે અને એમ છતાં એ જ દિવસ એક કર્મ માટે પુણ્યકર્મ છે તો બીજા વર્ગ માટે એ ભયાનક પાપ છે.
ADVERTISEMENT
દિવાળી આવે છે, ફટાકડા ફોડશો?
દિવાળી આપણા દેશમાં સૌથી મોટો તહેવાર ગણાયો છે. બધા પ્રદેશ કે ધર્મોએ અવારનવાર પોતાના તહેવાર ઊજવ્યા છે, પણ આ બધા માટે વધતા ઓછા અંશે દિવાળીના દિવસો જ મુખ્ય તહેવાર બની ગયા છે. દિવાળીના દિવસો ફટાકડા સાથે જોડાઈ ગયા છે. કોઈ પણ આનંદ કે ઉત્સવને મોટા સ્વરૂપે પ્રગટતો અવાજ ગમે છે. નજીવી વાતમાં જો કશુંક આનંદ કે મજાક જેવું હાથવગું થાય તો માણસ નાચકૂદ કરવા માંડે છે, જોરશોરથી બૂમો પણ પાડવા માંડે છે. આમાં કશું સંસ્કારહીન નથી. તમે ક્રિકેટ મૅચ જોતા હો અને તમારા મનગમતા ખેલાડીના હાથે જ્યારે ચોક્કો કે છગ્ગો દેખાય છે ત્યારે અનાયાસ જ તમારાથી હાથ-પગ ઊંચા-નીચા થઈ જાય છે અને મોઢેથી હા હા, હે હે, હો હો... એવો ધ્વનિ પ્રગટે છે. આનું કોઈ કારણ નથી. માણસને પોતાની મજા બીજા સાથે વહેંચવી ગમે છે. અહીં મજા અને આનંદ વચ્ચેનો ફરક પણ સમજી લેવા જેવો છે. મજાને માણવી હોય તો સાથીદારો જોઈએ એટલું જ નહીં, પેલો હો હો કે હા હા એવો અવાજ પણ ઊઠવો જોઈએ. આનંદ એ મજા કરતાં વિશેષ સ્વરૂપ છે. માણસ એકલો પણ આનંદ માણી શકે છે. અચાનક એકાદ સરસ કવિતા કે વાર્તા કે નિબંધ આવું જ કંઈક મારા વાંચવામાં આવે અને વાંચતાં-વાંચતાં એમાં જે લખાયું હોય એ મારા હૃદયમાં સ્પર્શી જાય કે હું રાજીના રેડ થઈ જાઉં. આ રાજીના રેડ થવાની વાત એ આનંદ છે અને આનંદની આ ક્ષણે કોઈ મારી સાથે હોય તો મને જરૂર ગમે, પણ જો ન હોય તો પણ મારા આનંદની આ ક્ષણ ઓછી નથી થતી. આનંદ એકલા માણી શકાય છે, મજાને માણવા માટે મહેફિલ જોઈએ છે.
દિવાળીના દિવસોમાં ફટાકડાનું સ્થાન સૌથી આગળ હોય છે. ફટાકડા નુકસાનકારક છે અને એનાથી સ્વાસ્થ્ય તો ઠીક પણ કાન ફાડી નાખે એવા અવાજથી રોજિંદી શાંતિ પણ હણાઈ જાય છે. આ જાણવા છતાં આપણે ફટાકડાની પ્રતીક્ષા કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને ફટાકડાની મજા માણીએ છીએ. ભૂલેચૂકે આ ફટાકડા ફોડવામાં જો ક્યાંક ઊણપ આવે તો આપણને કશુંક ખૂટે છે એવું લાગવા માંડે છે. ફટાકડાને દિવાળી સાથે જ સંબંધ છે એવું નથી. લગ્ન કે પછી ધાર્મિક ઉત્સવો જેવા પ્રસંગે પણ ફટાકડા આપોઆપ અગ્રસ્થાને આવી જાય છે. ફટાકડા એટલે માત્ર કાન ફાડી નાખતો અવાજ જ નહીં પણ જાતજાતના અને ભાતભાતના પ્રકાશનાં આકાર અને આવર્તનો હોય છે. અહીં રહેલા અવાજને બાદ કરી નાખીએ તો આ પ્રકાશ અને એનાં આવર્તનો આંખને ગમે એવાં હોય છે. આપણા ઉત્સવને એ એક ક્ષણ બે આંગળી ઉપર લઈ જતાં હોય છે. આમાં કશું ખોટું નથી, પણ એ યાદ રાખવું જોઈશે કે એનાથી કોઈ સામાજિક સ્થળ કે પછી રોજિંદું જીવન અટવાઈ તો નથી જતુંને?
ઉત્સવ આમ ન થાય
સંગીત આપણને પ્રસન્ન કરે છે. કેટલીક વાર સંગીતના સૂરો માણસના રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યવર્ધક પણ સિદ્ધ થતા હોય છે. આ સંગીત જો કોઈક મધરાતે સંગીતકાર પોતાના ઘરેથી અન્ય માટે વહેતું કરે તો અન્યો માટે એ સ્વાસ્થ્યવર્ધક નહીં પણ સ્વાસ્થ્યવિનાશક બની જાય છે. ફટાકડા કે પછી બીજી કોઈ સામાજિક ઘટના વિશે ખ્યાલ રાખવો જોઈએ. સભા, સરઘસો કે અન્ય સામાજિક ઉજવણીઓને પણ અહીં લક્ષમાં લેવી જોઈએ. ઉત્સવો ઊજવવાનો આપણને સૌને અધિકાર છે, પણ આ અધિકાર એવો ન બની જાય જેના કારણે તમારી મજા બીજાની સજા થઈ જાય. દિવાળી ટાંકણે ફટાકડાને કારણે આડોશપડોશમાં જે હેરાનગતિ થાય છે એને પણ ધ્યાનમાં તો લેવી જ જોઈએ. ફટાકડાને પ્રતિબંધિત કરવા એ મુશ્કેલ કામ છે. આમ છતાં આ મુશ્કેલ કામ પર સ્વયં નિર્મિત એક પ્રતિબંધ જાતે જ સ્વીકારીશું નહીં તો એનાં પરિણામો આપણે જ સહન કરવાં પડશે. ઉજવણી જરૂર કરીએ, આનંદ જરૂર માણીએ; પણ એ ઉજવણી કે આનંદ ક્યાંય સજારૂપ ન થવો જોઈએ.


