બલરાજ સાહની અને દિલીપકુમાર પણ માનતા થઈ ગયા કે આ અભિનેતા લાંબી રેસનો ઘોડો છે.
ફાઇલ તસવીર
શેક્સપિયરના નાટક ‘રોમિયો ઍન્ડ જુલિયટ’નો જાણીતો સંવાદ છે, ‘What’s in a name? That which we call a rose by any other name would smell as sweet.’ પ્રેક્ષકોની વાહ-વાહ મેળવવા આવા નાટકીય સંવાદો જરૂરી છે. અનુભવીઓ પણ કહે છે, ‘નામ મેં ક્યા રખ્ખા હૈ?’ હકીકત એ છે કે નામ છે તો ઓળખ છે. આજે લોકો નામ જાણતા હશે તો કાલે યાદ રાખશે. નાટકની દુનિયામાં લોકો સંજીવકુમારને હરિભાઈ (જરીવાલા) તરીકે ઓળખતા; પણ તેમને આ નામ ગમતું નહોતું એટલે તેમણે એક વાર નહીં, બે વાર પોતાનું નામ બદલ્યું.
ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’નાં ક્રેડિટ ટાઇટલ્સમાં તેમનું નામ હતું સંજય. આ નામ પસંદ કરવાનું કારણ એ કે માતા શાન્તાબહેનને તેઓ ખૂબ પ્રેમ કરતા અને લકી માનતા. તેમના નામના પહેલા અંગ્રેજી મૂળાક્ષર ‘S’ પરથી જ પોતાનું નામ રાખવાની તેમની ઇચ્છા હતી. તેઓ માનતા કે એક ફિલ્મસ્ટાર જેવું નામ હોવું જોઈએ. એટલે મિત્રો સાથે વાતચીત કરીને સંજયકુમાર નામ પસંદ કર્યું.
ADVERTISEMENT
ફિલ્માલયની ‘આઓ પ્યાર કરેં’માં પહેલી વાર હિન્દી ફિલ્મ માટે તેમનું નામ ક્રેડિટ ટાઇટલ્સમાં સંજય તરીકે આવ્યું જેમાં તેમનો એક નાનો રોલ હતો. થોડા સમય બાદ અસ્પી ઈરાનીની સ્ટન્ટ ફિલ્મ ‘નિશાન’માં તેમને હીરોનો રોલ મળ્યો. એ સમયમાં કમાલ અમરોહીએ પોતાની ફિલ્મ ‘શંકર હુસૈન’ માટે તેમનો સંપર્ક કર્યો. વાતચીત થઈ અને તેમને કામ આપવાનું નક્કી કર્યું, પરંતુ કમાલ અમરોહીને સંજય નામ સામે વાંધો હતો. તેમણે કહ્યું કે તારું નામ ગૌતમ રાજવંશ રાખીએ. સંજીવકુમારે નામી પ્રોડ્યુસર સાથે કામ કરવા મળશે એ માટે કમને હા પાડી.
આ તરફ ‘નિશાન’નું શૂટિંગ ચાલતું હતું અને કમાલ અમરોહીએ ‘શંકર હુસૈન’ની તૈયારીઓ શરૂ કરી. એ દરમ્યાન તેમના અને પત્ની-અભિનેત્રી મીનાકુમારી વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઝઘડામાં સુલેહ થઈ એટલે તેમણે વર્ષો પહેલાં શરૂ કરેલી ‘પાકીઝા’નું બાકી રહેલું શૂટિંગ શરૂ કર્યું. આમ ‘શંકર હુસૈન’ બાજુ પર રહી ગઈ જે તેમણે પાછળથી ૧૯૭૭માં બનાવી. જો ‘શંકર હુસૈન’ ૧૯૬૪માં બની હોત તો આજે હરિ જરીવાલા ગૌતમ રાજવંશ તરીકે જાણીતા હોત.
૧૯૬૪માં રાજશ્રી પ્રોડક્શનની ‘દોસ્તી’ આવી જેમાં સંજય ખાનનો નાનો પણ મહત્ત્વનો રોલ હતો. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલના સંગીતને કારણે ફિલ્મ લોકપ્રિય બની અને સંજય ખાન જાણીતું નામ થઈ ગયું. હરિભાઈ માટે નવી મુશ્કેલી ઊભી થઈ. બે કલાકારનું એક જ નામ હોય તો ઘણું કન્ફ્યુઝન થાય. ફરી એક વાર મિત્રો અને સ્વજનો સાથે વિચારવિમર્શ કરીને હરિભાઈ જરીવાલાએ પોતાનું નવું નામ રાખ્યું સંજીવકુમાર. આમ ‘નિશાન’માં પહેલી વાર રૂપેરી પડદા પર સંજીવકુમાર તરીકે તેમને રજૂ કરવામાં આવ્યા.
તેમના એક સ્નેહી જમનાદાસ તેમના સેક્રેટરી તરીકે કામ કરતા હતા. તે પ્રોડ્યુસર્સ પાસે જઈને સંજીવકુમાર માટે કામ માગતા. તેમને સંજીવકુમારમાં ઘણી શ્રદ્ધા હતી. ‘નિશાન’ બાદ સંજીવકુમારને ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’, ‘બાદલ’, ‘સ્મગલર’ જેવી ‘બી’ ગ્રેડની ફિલ્મોમાં કામ તો મળ્યું; પરંતુ મોટાં બૅનર્સ સાથે કામ કરવાની ઇચ્છા હજી પૂરી નહોતી થઈ.
તેમની કારકિર્દીનો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો ૧૯૬૮માં ‘સંઘર્ષ’થી. પ્રોડ્યુસર એચ. એસ. રવૈલ ‘સંઘર્ષ’માં દિલીપકુમાર સામે એક મહત્ત્વના રોલ માટે અભિનેતાની શોધમાં હતા. રમેશ સૈગલ નાટકોના દિવસોથી સંજીવકુમારને સારી રીતે ઓળખે. તેમણે રવૈલને યાદ અપાવ્યું કે અમદાવાદમાં આપણે એક નાટક જોયું હતું ‘બારહ બજ કે પાંચ મિનિટ’, જેમાં સંજીવકુમારનું કામ તમને ખૂબ ગમ્યું હતું, તેને રોલ આપો. રવૈલ કહે, તે તો કોઈ હરિ જરીવાલા હતો. રમેશ સૈગલ કહે, ‘હવે તે ફિલ્મોમાં સંજીવકુમારના નામે કામ કરે છે.’ આમ ‘સંઘર્ષ’માં સંજીવકુમારને દિલીપકુમાર સામે મોકો મળ્યો.
ફિલ્મમાં સંજીવકુમારનો પહેલો જ શૉટ દિલીપકુમાર સામે હતો જેમાં બન્ને શતરંજ રમતા હોય છે. સંજીવકુમારનો ડાયલૉગ હતો, ‘ચાલ તો ચલો ઠાકુર’. જે અદા અને એક્સપ્રેશનથી તે સંવાદ બોલ્યા એ જોઈને સૌ પ્રભાવિત થઈ ગયા. બલરાજ સાહની અને દિલીપકુમાર પણ માનતા થઈ ગયા કે આ અભિનેતા લાંબી રેસનો ઘોડો છે.
૧૯૬૪માં ગુરુ દત્તનું અકાળે અવસાન થયું ત્યારે કે. આસિફની ‘લવ ઍન્ડ ગૉડ’માં તેઓ હીરો હતા. ત્યાર બાદ કે. આસિફે એ ફિલ્મ અધૂરી મૂકીને ‘સસ્તા ખૂન મેહંગા પાની’ શરૂ કરી. ઉનાળામાં રાજસ્થાનમાં શૂટિંગ ચાલતું હતું અને અચાનક કે. આસિફે સંજીવકુમારને રાજસ્થાન બોલાવ્યા. દિવસો વીતી ગયા પણ સંજીવકુમાર સાથે શૂટિંગ ન થયું. તેઓ બેચેન હતા એટલે કોઈના મારફત સંદેશો મોકલાવ્યો કે કામ વિના ગરમીમાં હેરાન-પરેશાન નવરો બેઠો છું. કે. આસિફે જવાબ આપ્યો, ‘હું અહીં કોઈની મુશ્કેલી દૂર કરવા નથી આવ્યો.’ કંટાળીને સંજીવકુમાર મુંબઈ પાછા આવી ગયા. થોડા મહિના બાદ કે. આસિફે જાહેરાત કરી, ‘લવ ઍન્ડ ગૉડ’ના નવા હીરો છે સંજીવકુમાર.
૧૯ વર્ષના હતા ત્યારે ‘ઇપ્ટા’ના એક નાટકમાં એ. કે. હંગલે ૭૦ વર્ષના વૃદ્ધનો રોલ સંજીવકુમારને આપ્યો ત્યારે તેમણે કારણ પૂછ્યું. હંગલે કહ્યું, ‘જો તું જુવાનનો રોલ કરત તો કાયમ માટે હીરો બની જાત. મારે તને હીરો નહીં, ઍક્ટર બનાવવો છે. યુવાન હોય કે વૃદ્ધ, કૉમેડી હોય કે ટ્રૅજેડી, હીરો હોય કે ચરિત્ર અભિનેતા; દરેક ભૂમિકા સંજીવકુમારે સહજતાથી ભજવી. એક ઇન્ટરવ્યુમાં તબસ્સુમે તેમને સવાલ કર્યો હતો કે ‘વયોવૃદ્ધ ભૂમિકા ભજવવાની આટલી ચાહત કેમ છે?’
સંજીવકુમારે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે ઘરડા થવાનું મારા નસીબમાં નથી એટલે વડીલોના રોલ ભજવીને હું વૃદ્ધ બનવાના અરમાન પૂરા કરી રહ્યો છું.’
આવું કહેતી વખતે શું સંજીવકુમારને અંદેશો આવી ગયો હતો કે ૪૭ વર્ષની ઉંમરે જ તેઓ આ દુનિયામાંથી વિદાય લેવાના છે? ચાહકો સદાય તેમને એક સ્ટાર તરીકે નહીં પણ અભિનેતા તરીકે યાદ કરે છે.


