જે હોય તે. આ વિવાદ તો વર્ષો પહેલાં પૂરો થઈ ગયો. એનાથી લતાજીની સિદ્ધિઓને કોઈ આંચ નથી આવી. જે વાત સાચી છે એ સાચી જ રહેશે. લતાજી વિશ્વની આઠમી અજાયબી છે.
લતા મંગેશકર
આપણે સોશ્યલ મીડિયા અને બીજા પ્લૅટફૉર્મ પર ચાલતા ‘ફેક ન્યુઝ’ની ફૅક્ટરી ચલાવતા તકસાધુઓની વાત કરતા હતા. જીવનના દરેક ક્ષેત્રમાં આ દૂષણ એટલી હદ સુધી વ્યાપક છે કે સમાજ સાચી હકીકત માનતા પહેલાં એના પુરાવા માગે છે. જે વ્યક્તિઓ જૂઠી ખબરો ફેલાવતી વખતે કોઈ પણ જાતના સંદર્ભ અને તથ્યો વિના બિન્દાસ આ કામ કરતી હોય છે તેને સત્યના પુરાવા માગવાનો કોઈ હક નથી.
આજે વાત કરવી છે ભારતીય ફિલ્મ સંગીતના ક્ષેત્રે દુનિયાની જાણીતી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તરફથી અપાયેલી એક ગેરમાહિતીની. ૧૯૭૫માં તેમણે જાહેર કર્યું કે લતા મંગેશકરે ૨૫,૦૦૦ ગીતો ગાયાં છે, જે એક વર્લ્ડ રેકૉર્ડ છે. એક રીતે આ ન્યુઝને ‘મધર ઑફ ઑલ ફેક ન્યુઝ’ કહી શકાય, કારણ કે વર્ષો સુધી દુનિયા એમ માનતી રહી કે લતા મંગેશકરે ૨૫,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. સ્વાભાવિક છે કે જ્યારે ગિનેસ બુક આ માહિતી આપીને લતા મંગેશકરનું સન્માન કરે ત્યારે એમાં શક કરવાનો પ્રશ્ન જ પેદા નથી થતો. પરંતુ ૧૯૯૨માં અચાનક આ રેકૉર્ડ કોઈ પણ જાતની પૂર્વસૂચના વિના રદ કરવામાં આવ્યો ત્યારે હકીકત સામે આવી કે ભૂતકાળમાં ક્યાંક કાચું કપાયું હતું.
ADVERTISEMENT
લતાજીની ગાયકી બેમિસાલ છે. તેમની તોલે કોઈ ન આવે. તેમનો સ્વર એટલે સરસ્વતીનો રણકાર. આ વાતોને કોઈ નકારી ન શકે. તેમણે ૨૫,૦૦૦ નહીં પણ ૨૫૦ ગીત ગાયાં હોત તો પણ તેઓ સર્વશ્રેષ્ઠ જ રહ્યાં હોત. સંખ્યાનું મહત્ત્વ નકારી ન શકાય, પરંતુ એનું મમત્વ રાખવું યોગ્ય નથી. આમ જોવા જઈએ તો ભપ્પી લાહિરીએ અનેક જાણીતા સંગીતકારો કરતાં વધુ ગીત આપ્યાં છે. એનો અર્થ એમ નથી કે તેઓ આ દરેકથી બહેતર સંગીતકાર હતા.
રેકૉર્ડ તો અનેક છે. દાદા કોંડકેએ સળંગ સાત સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપી એ પણ એક રેકૉર્ડ છે. એ જ રીતે અભિનેતા જગદીશ રાજે ૧૨૫ ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી એ રેકૉર્ડ પણ ગિનેસ બુકમાં છે. સંખ્યાને અગત્યની ગણીને અનેક રેકૉર્ડ લોકોએ પોતાને નામે હાંસિલ કર્યા છે, પણ સંખ્યા કદી ગુણવત્તાની ગૅરન્ટી આપતી નથી.
૫૫ વર્ષમાં દિલીપકુમારે ૬૨ ફિલ્મોમાં કામ કર્યું એનાથી અનેકગણી ફિલ્મો બીજા હીરોએ કરી છે, પરંતુ અભિનયના બેતાજ બાદશાહ તરીકે દિલીપકુમારનું સ્થાન નિર્વિવાદ છે. તેમણે કેટલી ફિલ્મોમાં કામ કર્યું એની કોઈ વાત નથી કરતું. એવી જ રીતે લતાજીએ કેટલાં ગીતો ગાયાં એ ચર્ચા અસ્થાને છે. ગાયકી અને અભિનયના ક્ષેત્રે અવ્વલ નંબરે રહેલાં લતા મંગેશકર અને દિલીપકુમારની ગુણવત્તાની વાત આવે ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે.
વાતની શરૂઆત થઈ ૧૯૭૫માં જ્યારે ગિનેસ બુકે વિખ્યાત પત્રકાર રાજુ ભારતનની વાત માનીને એચએમવીને પૂછ્યું કે શું લતા મંગેશકરે ૨૫,૦૦૦ ગીત રેકૉર્ડ કર્યાં છે? જવાબ મળ્યો કે વિસ્તૃત માહિતી નથી પરંતુ આ વાત શક્ય છે, કારણ કે ફિલ્મ સંગીતમાં વર્ષોથી તેઓ નંબર વન ગાયિકા છે. આ માહિતી સાચી માનીને ગિનેસ બુકે આ રેકૉર્ડ લતા મંગેશકરને નામે વિધિવત સ્થાપિત કર્યો અને બાદમાં તેમનું સન્માન પણ કર્યું.
વર્ષો સુધી આ રેકૉર્ડ લતા મંગેશકરના નામે રહ્યો. આમાં કોઈને શક ન આવ્યો, કારણ કે ૧૯૪૫થી લતાજી ફિલ્મોમાં ગાતાં હતાં. જોકે થોડાક બુદ્ધિજીવીઓ આ બાબત શંકા કરતા હતા પરંતુ તેમના વિરોધને કોઈએ ગણકાર્યો નહીં. એટલું ઓછું હોય એમ મોહમ્મદ રફીના પરિવારે આ દાવાને પડકારીને કહ્યું કે તેઓ લતા મંગેશકરના સિનિયર છે અને તેમની કારકિર્દીમાં તેમણે ૨૮,૦૦૦ ગીતો ગાયાં છે એટલે આ રેકૉર્ડ મોહમ્મદ રફીના નામે હોવો જોઈએ.
જાણકારો આ રેકૉર્ડને સાચો માનતા નહોતા એનાં અનેક કારણો હતાં. વિગતવાર એની ચર્ચા કરીએ. સામાન્ય રીતે એક વર્ષમાં ૭૦થી ૭૫ હિન્દી ફિલ્મો બનતી હોય છે. એક ફિલ્મમાં સરેરાશ સાતથી આઠ ગીતો હોય તો વર્ષના અંતે લગભગ ૫૫૦ ગીતો રેકૉર્ડ થાય. લતા મંગેશકરની ૪૫ વર્ષની સક્રિય કારકિર્દી ગણીએ અને દરેકેદરેક ગીત કેવળ તેમણે જ ગાયાં હોય તો કુલ ૨૨૫૦૦ ગીતો થાય. એનો અર્થ એવો થયો તેમણે ૪૫ વર્ષ સુધી સતત દિવસનાં બે ગીત રેકૉર્ડ કરવાં પડે.
હકીકત તો એ હતી કે એ દિવસોમાં અનુ મલિક કે ભપ્પી લાહિરી જેવા સંગીતકારો નહોતા જે દિવસમાં બે ગીત રેકૉર્ડ કરે. ત્યારના સંગીતમાં સત્ત્વ હતું, ઊંડાણ હતું. એ સમયના સંગીતકારો ઓછામાં ઓછું એક અઠવાડિયું એક ગીતનું રિહર્સલ કરાવતા. અમુક કિસ્સામાં તો મહિનો નીકળી જતો. એ ઉપરાંત રેકૉર્ડિંગમાં પણ લાંબો સમય લાગતો, કારણ કે જરા સરખી ભૂલ થતાં શરૂઆતથી રેકૉર્ડિંગ શરૂ કરવું પડતું.
એક મુદ્દો રૉયલ્ટીનો પણ હતો. લતાજી એ બાબતમાં ચોક્કસ હતાં. જે પ્રોડ્યુસર રૉયલ્ટી શૅર કરવાની ના પાડે એનાં ગીત રેકૉર્ડ નહોતાં કરતાં (રાજ કપૂર સાથેનો કિસ્સો જાણીતો છે). થોડાં વર્ષ માટે મોહમ્મદ રફી સાથે આ પ્રશ્ને મતભેદ થવાથી તેમની સાથે ગીતો ન ગાયાં, જેના પરિણામે તેમણે ફાળે આવતાં ગીતો સુમન કલ્યાણપુરને ભાગે આવ્યાં.
કારકિર્દીની શરૂઆતમાં લતાજીને એક ગીત માટે ૨૫૦ રૂપિયા મળતા. ધીમે-ધીમે એ રકમ ૫૦૦ની થઈ. એમાંથી આગળ વધતાં ૫૦૦૦, ૧૦,૦૦૦ અને છેવટે ૨૫,૦૦૦ થઈ. બી અને સી ગ્રેડની ફિલ્મોના પ્રોડ્યુસરને આ રકમ પરવડે નહીં એટલે થોડાં ગીતો બીજી ફીમેલ સિંગરને ભાગે આવે. આવાં અનેક કારણોસર એક વાત નક્કી હતી કે ૨૫,૦૦૦ ગીતોનો આંકડો સત્યથી જોજનો દૂર હતો.
૧૯૯૦માં વિશ્વાસ નેરૂરકરે લતા મંગેશકર ગાંધાર સ્વરયાત્રા બુક બહાર પાડી, જે લતાજીનાં ગીતોની પહેલી ઑથેન્ટિક બુક છે. એમાં ૧૯૪૫થી ૧૯૮૯ સુધી તેમણે દરેક વર્ષે ગાયેલાં ગીતોની યાદી છે. તમને નવાઈ લાગશે કે એમાં લતાજીનાં ગીતોની સંખ્યા છે ૫૦૬૭. જી હા, આ સંખ્યા ફિલ્મી ગીતોની છે. એ ઉપરાંત તેમણે બીજી ભાષામાં ગાયેલાં ગીતોનો સરવાળો ધારો કે ૧૫૦૦ ગીતોનો મૂકીએ તો પણ તેમનાં ગીતો ૭૦૦૦થી ઓછાં છે.
એક આડવાત. વિશ્વાસ નેરૂરકર મારા મિત્ર છે. આ બુક પાછળની તેમની વર્ષોની જહેમતનો સાક્ષી છું અને એ દરમ્યાન લતાજી સાથેના તેમના સંબંધોનો ઉતારચડાવ કેવો રહ્યો એ કિસ્સાઓ પણ ખબર છે. એ વાતો અસ્થાને છે. એટલું કહેવું જ પર્યાપ્ત છે કે ખુદ લતાજી પણ આ બુકને રેફરન્સ બુક માનીને વાત કરતાં હતાં.
જ્યારે આ બુક રિલીઝ થઈ ત્યારે ઊહાપોહ મચી ગયો. ગિનેસ બુકના સત્તાધીશોએ લતાજીને પત્ર લખ્યો કે આપે ગાયેલાં ૨૫,૦૦૦ ગીતોની યાદી આપની પાસે હોય તો મોકલાવો. એ શક્ય જ નહોતું. અંતે ગિનેસ બુકે આ રેકૉર્ડ પાછો ખેંચી લીધો.
વિખ્યાત ફિલ્મ પત્રકાર સ્વ. ઈસાક મુજાવરે ૭ જુલાઈ, ૧૯૯૧ના ‘માર્મિક’માં આ વિશે લખતાં એક તારણ કાઢ્યું. ‘લતાજીને ખબર તો હોવી જ જોઈએ કે તેમણે ૨૫,૦૦૦ ગીતો નથી ગાયાં. તો પછી આ વાતને માનવા માટેનું તેમની પાસે એક જ કારણ હોવું જોઈએ અને એ છે એમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ. સુનીલ ગાવસકર અને સચિન તેન્ડુલકરને અમુકતમુક રેકૉર્ડ પોતાને નામે કરવાનો જુસ્સો હતો એમ લતાજીને પણ કદાચ આવો રેકૉર્ડ પોતાને નામ કરવાનો શોખ હશે.’
જે હોય તે. આ વિવાદ તો વર્ષો પહેલાં પૂરો થઈ ગયો. એનાથી લતાજીની સિદ્ધિઓને કોઈ આંચ નથી આવી. જે વાત સાચી છે એ સાચી જ રહેશે. લતાજી વિશ્વની આઠમી અજાયબી છે. હા, હજી અમુકતમુક પ્લૅટફૉર્મ પરથી ખોટી માહિતીઓનો ફેલાવો થાય છે એ તરફ ધ્યાન ખેંચવાનો આ પ્રયાસ હતો. લાગે છે સમય જતાં સૌ સારાં વાનાં થશે.
બાય ધ વે, વિશ્વાસ નેરૂરકરના કહેવા પ્રમાણે સૌથી વધુ ગીતો (ફિલ્મી અને ઇતર ભાષા) આશા ભોસલેએ ગાયાં છે અને એ આંકડો છે લગભગ ૧૧,૦૦૦નો. પરંતુ દૂધનો દાઝેલો છાશ ફૂંકી-ફૂંકીને પીએ એમ આ રેકૉર્ડની સત્તાવાર ક્યાંય નોંધ નથી લેવાઈ.

