ગરીબ ગાય જેવા થઈને હિમાદાદા મારી પાસે બોલ્યા ને હું તેમના ઈ ગરીબડા શબ્દોમાં એવો તે સલવાણો કે વાત મેલી દ્યો
પ્રતીકાત્મક તસવીર
હમણાં મદ્રાસના કચ્છી પટેલોએ મારા શોનું આયોજન કરેલું. અમારા કાઠિયાવાડી માટે આ ચેન્નઈ હજીયે મદ્રાસ જ છે. મદ્રાસમાં શો છે એવું સાંભળીને હિમાદાદા મારી પાસે આવ્યા અને નમાલા મોઢે બાજુમાં બેસી મને ક્યે, ‘સાંઈ, આ તારી કાકી ડાન્સબારના ડખ્ખામાં મને ઘરની બાર જાવા નથી દેતી. મુંબઈ નહીં તો મને મદ્રાસ તો લઈ જા.’
મેં વળી વિચાર્યું કે હિમાદાદા ગલઢા માણસ, કેટલું જીવવાના ને એમાંય પાછા જીવતેજીવ નડનારા હિમાદાદા, જો તેમની ઇચ્છા અધૂરી રહી જાય તો તે મર્યા પછી મને સુખે જીવવા ન દે! જોકે એક અંગત ખુલાસો કરી દઉં, કોઈને કહેતા નહીં. ૩ વ૨સ પહેલાં દાદાને છાતીમાં દુખાવો ઊપડ્યો’તો. એ વખતે ડૉક્ટરે કહ્યું’તું કે દાદા વરસ માંડ કાઢશે.
ADVERTISEMENT
ઈ ડૉક્ટર ગુજરી ગ્યો, દાદા હજી અખંડ અણનમ અબ્રાહમ લિંકનની જેમ હાલ્યા આવે છે.
અમે હિમાદાદાને લઈને મદ્રાસ પહોંચ્યા. શાંતિકાકીને દેશના નેતાઓની જેમ ખોટેખોટું આશ્વાસન આપ્યું કે દાદા બિયર પણ નહીં ચાખે. મદ્રાસના રેલવે-સ્ટેશન ૫૨ ઊતરતાંવેંત દાદા તાડૂક્યા, ‘સાંઈ, તું ખોટાડો છો... આ ક્યાં મદ્રાસ છે? આ સ્ટેશનનું નામ તો ચિન્નાઈ છે.’
મેં વાળ્યું, ‘દાદા, અહીં બધા લુંગી પહેરે ને લુંગીમાં ચેન ન હોય એટલે મદ્રાસનું નામ હવે ‘ચેન નહીં’ ઉર્ફે ‘ચેન્નઈ’ છે.
દાદા કહે, ‘વાહ સાંઈ, તારો નૉલેજિયનનો પાવર ગજબનો છે હોં!’
ચેન્નઈમાં લોકોનો કલર સાવ કંપની-ફિટિંગ છે. તમામમાં એમડી (મૅન્યુફૅક્ચરિંગ ડિફેક્ટ) જોવા મળે. અંધારામાં કો’ક હસે તો જ ખબર પડે અહીં માણસ ઊભો છે. ભેંહુના વાંહા જેવા કલરવાળા લોકો ને એય હોલસેલ મોઢે. આયોજકે એક સરસ હોટેલમાં ઉતારો આપ્યો’તો. બાથરૂમ મોટા, પણ મોટી હોટેલોમાં દાદાને એક જ દુઃખ હોય. સાબુ સાવ બોરના ઠળિયા જેવડા આપે.
રસોડા જેવડું બાથરૂમ જોઈને દાદા સ્નાન માટે પ્રેરાયા. બોરના ઠળિયા જેવો સાબુ હિમાદાદાના મસ્તકથી ‘ફીણયાત્રા’ કરતો-કરતો બગલમાર્ગેથી નાભિ સુધી પહોંચ્યો અને હાથીના મદનિયા જેવી દાદાની ફાંદમાં ભેદી રીતે ગુમ થઈ ગયો.
અર્ધસ્નાને દાદાએ બાથરૂમમાંથી
‘સાબુ-સાબુ’ના બરાડા પાડ્યા. એ સાંભળીને હું હોટેલની નીચે સાબુ લેવા ઊતર્યો. લોટામાં પથરા ખખડે એવી મદ્રાસી ભાષામાં એક લુંગીધારી દુકાનદાર મારી હિન્દી સાંભળીને મારા ૫૨ દેશદ્રોહીની નજરે તાકી રહ્યો. મેં ભાવ પૂછ્યો તો કહે, ‘લાઇફબૉય થર્ટી રૂપીઝ, લક્સ થર્ટી રૂપીઝ, નિરમા થર્ટી રૂપીઝ!’
મારા મગજની નસો ખેંચાણી કે ‘ભાઈ, સબકે થર્ટી રૂપીઝ?’ તંઈ તેણે સસ્પેન્સ ખોલ્યું કે કોઈ ભી કંપની કા સાબુન લે જાઓ, કલર મેં કોઈ નહીં ફરક પડેગા!
આ સનાતન સત્ય સ્વીકારીને હું લાઇફબૉય લઈને રૂમમાં પહોંચ્યો. હિમાદાદા ધૂંઆપૂંઆ થઈને ટુવાલ પહેરીને બેઠા હતા. મેં વિષયને ટર્ન આપ્યો કે ‘દાદા, હું નાહી લઉં એટલે આપણે મદ્રાસ કૅફેમાં ઢોસો ખાવા જવાનું છે.’
દાદા ક્યે, ‘ઈ તો આપણાં ગોંડલમાંય છે.’
હિમાદાદાને સમજાવવામાં કલાક નીકળી ગ્યો કે ઈ બધીયે ડુપ્લિકેટ, આંયાવાળાની મદ્રાસ કૅફે સાચી. કલાક સમજાવવામાં ને અડધો કલાક મદ્રાસ કૅફે પહોંચાવામાં થ્યો.
મદ્રાસ કૅફેમાં જઈને ફૅમિલી ઢોસાનો ઑર્ડર દીધો. નગરપાલિકાની પાઇપ જેવડો લાંબો ટઇડ જેવો ઢોસો અમારા ટેબલ ૫૨ મૂકી ગયો, જે છેક બીજા ટેબલના છેડે પૂરો થાય એવડો હતો. ઓ’લા બીજા ટેબલવાળાએ તો અમારા ફૅમિલી ઢોસામાંથી ખાવાનુંય ચાલુ કરી દીધું. હુંયે મૂગો રયો, મને એમ કે ભલે ચાખે.
ખાવાનું ચાલુ કરતાં પે’લા ફૅમિલી ઢોસાની પપૂડીના આ બાજુના છેડેથી મેં વળી એમાં નજર કરી તો સામે સીધો રૂપિયા ગણતો મૅનેજર દેખાણો! તેણેય નીચે જોયું ને પછી મારી સામે જોઈને ઘુરકિયાં કર્યાં. બીકના માર્યા મેં બધાયને કીધું કે હાલો, જલદી ખાવાનું પતાવો.
દાદાને ડુંગળી વગર કોરોમોરો ઢોસો ન ભાવ્યો. મને કહે, ‘સાંઈ, ડુંગળી મગાવ!’
મેં વળી વેઇટરને ઇંગ્લિશમાં કીધું, ‘હૅવ યુ ઓનિયન પ્લીઝ?’
ઈ સજ્જડબમ વદને સામો ઊભો રહ્યો. પછી મેં ઑનલાઇન હિન્દી કર્યું અને પૂછ્યું કે પ્યાજ હૈ? તોય મારો વાલિડો મનમોહન મોડમાં સાઇલન્ટ જ ઊભો રહ્યો. મને ખાતરી થઈ કે કોઈ પ્યૉર મદ્રાસીબંધુ છે જે હિન્દી-અંગ્રેજી સમજતો નથી એટલે હું મારી રીતે કિચનમાંથી બે ડુંગળી ગોતીને હરખભેર પાછો ફર્યો. મેં વળી ઓ’લા વેઇટરને દેખાડીને સામે કીધું, ‘ઇટ કૉલ ઓનિયન! સીખ લે, ઇસે પ્યાજ કહતે હૈં!’
વેઇટર ઘૂરક્યો. મને કહે, ‘ડુંગળી જોઈએ છે એમ ફટાયને...!’ તેનું ગુજરાતી સાંભળી મને ચક્કર આવી ગયાં.
અતુલ કહે, ‘એ’લા તને ગુજરાતી
આવડે છે?’
‘સાહેબ, હું સુરતનો છું. હીરાની મંદીમાં સુરતથી ભાગીને અહીં આવી ગ્યો.’
હિમાદાદા બોલ્યા, ‘તો હવે આખો દી અમારી ભેગો રહેજે. તારા ગામમાં કોઈ હિન્દી સમજતું નથી ને તામિલ સમજવામાં અમારા ઝભ્ભા પલળી જાય છે.’
પછી તો દાદાએ હટી-હટીને ડુંગળી ખાધી. ડુંગળી ખાતા જાય ને ડુંગળીની વાતું કરતા જાય.
‘સાંઈ, સદીઓથી આ જૈન લોકો પૈસાદાર શું કામ હોય છે ખબર છે તને?’ હું કંઈ જવાબ આપું એ પહેલાં તો દાદાએ જ જવાબ આપી દીધો, ‘કારણ કે તેઓ ડુંગળી નથી ખાતા... ડુંગળી વરહમાં બે વાર સો રૂપિયે પોંચે ને તોય જૈનોને ફરક નો પડે. દેવું નઈ ને દાઝવું નઈ...’
હિમાદાદાએ સવારે ડુંગળી પર ઝપટ બોલાવી ને રાત્રે ડાયરો કરીને અમે એક જ રૂમમાં ઊંઘ્યા. અડધી રાતે એ ડુંગળીની આડઅસર શરૂ થઈ! મદ્રાસની ડુંગળી ગુજરાતીમાં ધૂણી અને ધણધણી! મેં એની આખી બૉટલ રૂમની દીવાલોમાં છાંટી તોય ડુંગળીના એ તીવ્ર ધ્વનિની અસર તૂટી નહીં! હિમાદાદાએ તો મજેથી ઊંઘ કરી ને હું આખી રાત જાગતો બેઠો રયો. વાચકમિત્રો, એક જ વિનંતી તમને કરવાની. પ્લીઝ રાતે ડુંગળી ન ખાતા. સામેવાળા પર જુલમ કરવાની પણ કોઈ હદ હોય છે!

