Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે ગ્રહોની સ્થિતિથી નક્કી થાય વેપારની નીતિ

જ્યારે ગ્રહોની સ્થિતિથી નક્કી થાય વેપારની નીતિ

04 December, 2022 10:45 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કયા પ્રકારના નિર્ણયોમાં જ્યોતિષને લોકો ઉપયુક્ત માને છે? લોકોનો સ્વાનુભવ શું કહે છે અને જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતોનો દૃ​ષ્ટિકોણ શું હોય છે? જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે

જ્યારે ગ્રહોની સ્થિતિથી નક્કી થાય વેપારની નીતિ

જ્યારે ગ્રહોની સ્થિતિથી નક્કી થાય વેપારની નીતિ


કંપનીની મહત્ત્વની પૉલિસી ફાઇનલ કરવાથી લઈને જમીનની ખરીદી માટે, કંપનીના પાર્ટનર નક્કી કરવાથી લઈને મોટા પદ માટે કૅન્ડિડેટની પસંદગી માટે ઍસ્ટ્રોલૉજિકલ ઍનૅલિસિસ કરનારી કૉર્પોરેટની સંખ્યા વધી રહી છે. કંપનીના તમામ મહત્ત્વના નિર્ણયોમાં જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લેવાનું ચલણ કોવિડ પછી વધુ વ્યાપક બન્યું છે, એની પાછળનાં કારણો શું? કયા પ્રકારના નિર્ણયોમાં જ્યોતિષને લોકો ઉપયુક્ત માને છે? લોકોનો સ્વાનુભવ શું કહે છે અને જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતોનો દૃ​ષ્ટિકોણ શું હોય છે? જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે

રિક્રૂટમેન્ટની જાહેરખબરમાં અમુક રાશિને પ્રાધાન્ય અપાયેલું
વર્ષો પહેલાં ઑસ્ટ્રિયાની એક ઇન્શ્યૉરન્સ કંપનીએ સેલ્સ મૅનેજમેન્ટ પ્રોફેશનલ્સના રિક્રૂટમેન્ટ માટે એક જાહેરખબર આપેલી. આ જાહેરખબર પછી ભેદભાવની ભાવના સામે સોશ્યલ ઍક્ટિવિસ્ટોએ ખૂબ બબાલ કરેલી, કારણ કે ઍડમાં લખવામાં આવ્યું હતું કે ‘અમે વીસ સેલ્સ અને મૅનેજમેન્ટ પ્રોફેશનલ્સ શોધી રહ્યા છીએ. જેમની રાશિ લિયો, કૅપ્રિકૉર્ન, ટૉરસ, ઍક્વેરિયસ અને એરિઝ હોય તેમણે જ અપ્લાય કરવું.’ વિરોધ પછી પણ કોર્ટ આ કંપનીનું કંઈ બગાડી ન શકી, કારણ કે એકેય જાતિ, વર્ણ અને ધર્મના આધારે થયેલો આ ભેદભાવ નહોતો અને એકેય કાનૂનમાં રાશિને કારણે થતા ભેદભાવને લગતા કોઈ કાયદા નથી. આ મુદ્દા પર કંપનીને જ્યારે કોર્ટમાં ખેંચવામાં આવી ત્યારે કંપનીએ પોતાની કંપનીનો સ્ટૅટેસ્ટિકલ ડેટા દેખાડ્યો અને પોતાના સર્વે પ્રમાણે આ રાશિના એમ્પ્લૉઈનો ટ્રૅક-રેકૉર્ડ અત્યાર સુધી કંપનીના ગ્રોથમાં સારો પુરવાર થયો છે એવી સ્પષ્ટતા પણ કરી, જેને કોર્ટે પણ માન્ય રાખવો પડ્યો. આવો જ બનાવ ચીનમાં પણ બનેલો. એક ચાઇનીઝ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયેલી એક મહિલાનું તમામ ક્વૉલિફિકેશન પર્ફેક્ટ હતું છતાં તેને તેની રાશિને કારણે રિજેક્ટ કરવામાં આવી હતી. મહિલાએ આ સંદર્ભે કોર્ટમાં કંપની સામે દાવો માંડ્યો, પણ કંપનીએ કોર્ટની દૃ​ષ્ટિએ એક પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું નહોતું. ઘણા કૉર્પોરેટ કન્સલ્ટન્ટ આ વાત સ્વીકારી ચૂક્યા છે કે મોટી-મોટી આઇટી કંપનીઓ કંપનીના ઊંચા હોદ્દા પર નિમણૂક કરતાં પહેલાં જે-તે વ્યક્તિની કુંડળી મગાવતા હોય છે અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી તેમની નિમણૂક થાય છે. કહેવાય છે કે જે. પી. મૉર્ગન દરરોજ ઑફિસ જતાં પહેલાં પોતાના ઍસ્ટ્રોલૉજર એવાંગેલિન ઍડમ્સને મળતા. કોઈએ તેમને પૂછ્યું કે ‘શું આ સાચું છે કે કરોડપતિઓ પણ જ્યોતિષીની સલાહ લેતા હોય છે? તેમણે જવાબ આપ્યો કે ‘ના. અબજોપતિ’ એટલે કરોડપતિ જ નહીં, અબજોપતિઓ પણ જ્યોતિષીની સલાહ લેતા હોય છે. આ સંદર્ભે ‌ઍસ્ટ્રોલૉજર ડૉ. શીતલ બાદશાહ કહે છે, ‘કૉર્પોરેટ-હાઉસ મોટા હોદ્દામાં કોઈ પણ જાતનો ચાન્સ લેવા નથી માગતાં, કારણ કે આ પોઝિશન પર રહેલી વ્યક્તિ કંપનીને આગળ વધારી શકે તો કંપનીના ભવિષ્યને પછાડી પણ શકે. આગળ કહ્યું એમ, આ શાસ્ત્ર મૅથેમૅટિકલ કૅલ્ક્યુલેશન દ્વારા તમને પથદર્શક તરીકે મદદ કરે. ઘણી વાર ઑનપેપર તમામ ક્વૉલિફિકેશનમાં પાસ થનાર વ્યક્તિ ચારિત્રની બાબતમાં જો અવળી હોય તો એ વાત પણ ગ્રહો પરથી ખબર પડી જાય છે. ઘણી વાર કૉર્પોરેટ ધારો કે વ્યક્તિનો જન્મ-સમય ન માગે તો પ્રશ્ન-કુંડળી દ્વારા પણ અમુક સમસ્યાના જવાબ મેળવી લેતાં હોય છે. વિદેશમાં પ્રશ્ન-કુંડળીની અકસીરતાથી પ્રભાવિત થયેલા ઘણા ક્લાયન્ટ છે મારી પાસે.’



પૉલિટિશ્યન્સનું ફેવરિટ
બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન સરકારે હિટલરનો જ્યોતિષી તેને શું સલાહ આપતો હશે એ જાણવા માટે એક ફુલ ટાઇમ ઍસ્ટ્રોલૉજરની નિમણૂક કરી હતી અને જ્યારે હિટલર હારી રહ્યો હતો ત્યારે તેણે પોતાના તમામ ઍસ્ટ્રોલૉજી અને ગુઢ વિજ્ઞાનને લગતાં પુસ્તકો સળગાવી નાખ્યાં હોવાનો પણ ઉલ્લેખ છે. કૅલ્ક્યુલેશનમાં કમ્પ્યુટરને હરાવનારાં વિશ્વનાં જાણીતાં હસ્તરેખાશાસ્ત્રી અને જ્યોતિષી શકુંતલાદેવી અટલ બિહારી વાજપેયીનાં પર્સનલ જ્યોતિષી હતાં.


જ્યોતિષના ઉપયોગ વિના મહેનતથી સફળ થયો છું હું
કેટલાંક કૉર્પોરેટ-હાઉસ એવાં પણ છે જેઓ નથી માનતાં જ્યોતિષ અને ભાગ્યમાં. જેમ કે ટેક્નૉલૉજિકલ સોલ્યુશન બનાવતી સૉફ્ટવેર કંપની મોનાર્ક સૉફ્ટટેકના ફાઉન્ડર વીરેન નાનજી સતરા કહે છે, ‘હું માનું છું કે તમારા પરિશ્રમથી જ તમારું ભાગ્ય ઘડાતું હોય છે. આટલાં વર્ષોમાં એક પણ ઍસ્ટ્રોલૉજિકલ ગાઇડન્સ વિના મને ભરપૂર સફળતા મારા કામમાં મળી છે. હું આ બધી બાબતોથી આકર્ષાઈને કર્મથી ભાગવાની કોઈ પણ પતલી ગલીમાં વિશ્વાસ નથી ધરાવતો. કિસ્મત નહીં કર્મ એ જ મારો મંત્ર છે.’ 

કૉર્પોરેટમાં અમુક લીગલ મૅટરમાં, વિવાદાસ્પદ પ્રૉપર્ટી વેચવાની બાબતમાં, મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની બાબતમાં, ફાઇનૅન્શિયલ મોટા નિર્ણય લેવાની બાબતમાં ઍસ્ટ્રોલૉજિકલ ઇન્ટરવેન્શન બહુ ઉપયોગી પરિણામ આપી શકે છે. 


ઑનલાઇન ઍસ્ટ્રોલૉજિકલ સોલ્યુશન આપતી એક ભારતીય કંપનીનો દાવો છે તેની દરરોજની ૪૧ લાખ રૂપિયાની આવક છે. છેલ્લાં ચાર વર્ષમાં આ કંપનીના ૪ કરોડ કસ્ટમર બન્યા છે અને ૨૫૦૦થી વધુ ઍસ્ટ્રોલૉજર ૨૪ કલાક માટે ઑનલાઇન કન્સલ્ટેશન માટે અવેલેબલ હોય છે. પેઇડ માર્કેટિંગના માધ્યમે વિવિધ પ્લૅટફૉર્મ આ કંપનીએ જ પોતાની સ્ટોરી પર શૅર કરી છે. જોકે કેટલાક આંકડાકીય રિપોર્ટ્સ પણ એ વાતની તો પુષ્ટિ આપે જ છે કે કોવિડ દરમ્યાન અને કોવિડ પછી ઑનલાઇન ઍસ્ટ્રોલૉજીનો બિઝનેસ આકાશને આંબ્યો છે. પેઢી સિસ્ટમમાં વર્ષોથી લોકો પોતાના વેપારને આગળ વધારવા પર્સનલ ફ્રન્ટ પર વિશ્વાસપાત્ર જ્યોતિષીનાં સલાહસૂચનો લેતા હતા, પરંતુ હવે મ​લ્ટિનૅશનલ કંપનીઓ સુધ્ધાં કંપનીને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં જ્યોતિષશાસ્ત્રનો સહારો લેતી થઈ છે. કંપનીમાં બાકાયદા ઍસ્ટ્રોલૉજરને અપૉઇન્ટ કરવામાં આવતા હોય છે અને કંપનીના મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં ગ્રહોની સ્થિતિ પરિણામની બાબતમાં શું કહે છે એ વિશે આ ઍડ્વાઇઝ લેવામાં આવતી હોય છે. ધંધાને મોટો કરવા, લૉસને પ્રૉફિટમાં ફેરવવા અને બિઝનેસના ભવિષ્યને બહેતર બનાવવામાં કઈ રીતે જ્યોતિષનો ઉમેરો થયો છે અને એનાં શું પરિણામ આવ્યાં છે એ વિશે વાત કરીએ આજે. 
શું કામ મહત્ત્વનું?
એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા તથા આઇઆઇએમ બૅન્ગલોર દ્વારા ‌સર્ટિફાઇડ લીડરશિપ કોચ, લીડરશિપ વિષય પર પીએચડી કરનારા અને વિવિધ કંપની તથા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં લીડરશિપની ટ્રેઇનિંગ આપતાં ડૉ. શીતલ બાદશાહ છેલ્લાં વીસ વર્ષથી ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોલૉજર તરીકે સક્રિય છે. અનેક કૉર્પોરેટ્સ અને મોટા ગજાની કંપનીમાં ઍસ્ટ્રોલૉજી કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાના પોતાના અનુભવને આધારે તેઓ કહે છે, ‘વિષયના ઊંડાણમાં જતાં પહેલાં જ્યોતિષ શબ્દના અર્થને સમજીએ. જ્યોતિ એટલે કે પ્રકાશ, તેજ. આકાશમાં રહેલા ગ્રહોનો પૃથ્વી પર પડતો પ્રકાશ અને એની અસર એટલે જ્યોતિષ શાસ્ત્ર. જેમ કે જ્યોતિષશાસ્ત્રની દૃ​ષ્ટિએ સૂર્ય એ પણ એક ગ્રહ છે. કદાચ બીજા ગ્રહોના પ્રકાશની અસરને આપણે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ સૂર્યના તેજથી આ પૃથ્વીનું સંવર્ધન થઈ રહ્યું છે. અન્ય ગ્રહોનો પણ આવો જ પ્રભાવ પડતો હોય છે. વેદિક જ્યોતિષશાસ્ત્ર આપણા કલ્ચરનું અભિન્ન અંગ છે. ભલે કૉર્પોરેટ કલ્ચરને આપણે વિદેશી ગણીએ, પરંતુ એમાં એક પણ ભારતીય હશે કે કંપનીનો માલિક જો ભારતીય હશે તો તેના જીન્સમાં ક્યાંક ને ક્યાંક ભારતીય પરંપરા ઝળકશે જ. જેમ કે જર્મનીથી તાતા નૅનોના પ્રોટોટાઇપને ભારતમાં મોકલતાં પહેલાં ઑટોમોબાઇલ એન્જિનિયરોએ એના પર કંકુનો સાથિયો કર્યો હતો અને એક શ્રીફળ વધેર્યું હતું. કૉર્પોરેટ કલ્ચરમાં પણ આ સંસ્કૃતિના ભાગરૂપે બહુ જ સેન્સિબલી પથદર્શક તરીકે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમ જન્મ સમયના ગ્રહોની સ્થિતિ વ્યક્તિના વ્ય​ક્તિત્વથી લઈને તેના જીવનનો ચિતાર આપી શકે અને ખરેખર અનુભવી અને જાણકાર વ્યક્તિ 
હોય તો વ્યક્તિની ઉંમર મુજબ તેના જીવનના વિવિધ તબક્કા વિશે વિગતવાર કહી શકે એમ છે એ જ રીતે કંપનીની સ્થાપનાના દિવસ, એના સ્થાન અને એમાં કામ કરતા મહત્ત્વના લોકોના આધારે એના નિર્ણયો માટે પ્રિડિક્શન સંભવ છે.’
સ્વાનુભવથી ટર્નિંગ પૉઇન્ટ
આવો જ અનુભવ હીરવ શાહનો છે. ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયર, નૅશનલ લેવલના ચેસ-પ્લેયર અને તબલામાં વિશારદ થનારા હીરવ શાહ ઍસ્ટ્રો સ્ટ્રૅટેજિસ્ટ તરીકે સક્રિય છે. અત્યાર સુધી તેમણે અઢળક અગ્રણી કંપનીઓને, પૉલિટિશ્યનોને, સ્પોર્ટ્સ પર્સનને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓને મદદ કરી છે. હાર્ડવર્ક, માઇન્ડસેટ, સ્ટ્રૅટેજી, એક્ઝિક્યુશન, ટૅલન્ટ અને લક એમ છ મુખ્ય પરિબળોના આધારે સાથે કોચિંગ પ્રોગ્રામ આપતા હીરવ શાહ કહે છે, ‘સફળતા માટે માટેના પ્રયાસ રાઇટ દિશામાં થાય એ મહત્ત્વનું છે. જ્યોતિષ તમને એ સાચી દિશામાં વાળવાનું કામ કરે છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તમારા પ્રયાસોનું મૅક્સિમમ પરિણામ તમને મળે એ માટે જ્યોતિષ દિશા ચીંધવાનું કામ કરે છે. સમયની નજાકતને સમજીને વર્તવાનું જ્ઞાન તમને આ શાસ્ત્ર પાસેથી મળે છે. અનુકૂળ સમયનો લાભ કેવી રીતે લેવો અને પ્રતિકૂળ સંજોગોમાં કેવી રીતે ટકી રહેવું એનો રોડ-મૅપ જ્યોતિષશાસ્ત્ર આપી શકે છે. ઍસ્ટ્રોલૉજી હું મારા પિતા પાસેથી અને પછી 
અભ્યાસ કરી-કરીને શીખ્યો છું. મારાં મમ્મીને બ્રેઇન હૅમરેજ થયેલું. મારી ઉંમર હશે લગભગ બાવીસેક વર્ષની. 
પોતાનું નવું-નવું સ્ટાર્ટઅપ શરૂ કરેલું, પણ પછી મમ્મીને આવેલી બીમારીમાં મારી આઇટી કંપની પર મારું ધ્યાન જ નહોતું. લગભગ ત્રણ વર્ષ મમ્મી વેન્ટિલેટર પર કોમા જેવી સ્થિતિમાં હતાં. ડૉક્ટરોએ આશા મૂકી દીધી હતી એટલે વેન્ટિલેટર હટાવી દેવાની સલાહ અઢળક વાર આપી હતી, પરંતુ કોને ખબર હું હાર માનવા તૈયાર નહોતો. એ દરમ્યાન સાવ અચાનક જ અત્યાર સુધી જેનો ઉપયોગ નહોતો કર્યો એવી કલર થેરપી, ક્લોથ થેરપી, રેકી અને જ્યોતિષ વગેરેનો ઉપયોગ કર્યો અને ત્રણ જ મહિનામાં મારાં મમ્મી સંપૂર્ણ રિકવર થઈને ઘરે આવી ગયાં અને એ પછી ૧૬ વર્ષ તેઓ જીવ્યાં. મારા જીવનનો આ ટર્નિંગ પૉઇન્ટ હતો. એ દિવસે આપણા વેદિક વિજ્ઞાનની મહત્તા વધુ ઊંડાણ સાથે સમજાઈ અને ઍસ્ટ્રોલૉજીમાં ઊંડો અભ્યાસ શરૂ કર્યો જે આજ સુધી ચાલુ છે.’
પ્રૅક્ટિકલ ઍ​પ્લિકેશન
‘પાંચ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ગુજરાતની એક કંપનીના પ્રેસિડન્ટે રાજીનામું આપ્યું. હવે કંપની માટે આ વ્યક્તિ ખૂબ મહત્ત્વની હતી, પણ તેને વિદેશમાં આનાથી પણ સારી તક મળી હતી.’ ઍસ્ટ્રોલૉજી કઈ રીતે કામ લાગે છે એના દાખલા આપતાં ડૉ. શીતલ આગળ કહે છે,  ‘કંપની ગમે એમ કરીને એ એમ્પ્લૉઈ રોકાઈ જાય એવું ઇચ્છતી હતી. તેના પૅકેજમાં ધરખમ વધારો કરી આપવાથી લઈને લગભગ બધા જ ઑપ્શન કંપનીના માલિકોએ તે વ્યક્તિને રોકવા માટે વાપરી લીધા, પણ કોઈ પરિણામ ન આવ્યું. છેલ્લે તેઓ મારી પાસે આવ્યા. મેં એ સમયનું ઍસ્ટ્રોલૉજિકલ ઍનૅલિસિસ કરીને માત્ર તેમને એટલું જ કહ્યું કે આ વ્યક્તિને તમે એપ્રિલ સુધી રોકી લો. કંપનીના માલિકોએ એપ્રિલ સુધી એક પ્રોજેક્ટ પૂરો કરીને જવાની ભલામણ પેલા પ્રેસિડન્ટની પોઝિશન પર રહેલા એમ્પ્લૉઈને કરી. બે મહિના નીકળી ગયા. એપ્રિલમાં બધું કામ પતાવીને પેલા ભાઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. અમેરિકાની જે કંપનીએ તેમને ઑફર આપેલી એ કંપનીએ તેમને માટે કરેલી વર્ક-વિઝાની ઍ​પ્લિકેશનમાં કોઈક કમી રહી જવાને કારણે તેમના વિઝા રિજેક્ટ થયા અને પછી પેલા ભાઈએ જ અમેરિકા શિફ્ટ થવાનો નિર્ણય માંડી વાળ્યો. આને તમે ગ્રહોની સ્થિતિની કમાલ કહો કે યોગનું યોગ એ તમે નક્કી કરો, પણ આવું બનતું હોય છે. ઘણી વાર કંપનીએ ગાડીઓ છોડાવવાની હોય ત્યારે એ ગાડી જો ચલ નક્ષત્રમાં છોડાવવામાં આવે તો એ ગાડીઓ વધુ કામ આપે, કારણ કે ગાડીનું કામ મૂવમેન્ટનું છે અને અનુકૂળ સમયમાં જે બહાર આવે તો વધુ અનુકૂળ પરિણામ આપે એને બદલે જો કોઈને ફૅક્ટરી કે ઘર માટે જગ્યા લેવાની હોય અને ચલ નક્ષત્રમાં એ જગ્યા લેવાય તો બને કે એ વ્યક્તિ ક્યારેય એક જગ્યાએ ઠરીઠામ થાય જ નહીં એને બદલે સ્થિર નક્ષત્રમાં આવી જગ્યા લેવાથી સ્થિરતા બની રહે. એવી જ રીતે અમે કુંડળીમાં ચોથા ભાવે મિલકત જોતા હોઈએ છીએ. ઘણા લોકોની કુંડળીમાં ચોથો ભાવ નબળો હોય, પરંતુ આવકનું સ્થાન મજબૂત હોય તો તેઓ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હોય અને પોતાની ક્ષમતા હોય છતાં આખી જિંદગી ભાડાની જગ્યામાં જ રહીને કામ કરે. અમદાવાદમાં એક બહુ મોટો બિઝનેસમેન દસ બાય દસની ભાડાની ઑફિસમાં બેસીને દુનિયાભરનો કરોડો રૂપિયાનો ધીકતો વેપાર કરે છે.’     
અનેક દાખલા
કૉર્પોરેટમાં જગ્યા લેવાની બાબતમાં, પ્લાન્ટ મશીનરી ખરીદવાની બાબતમાં, પ્લાન્ટને શરૂ કરવાની બાબતમાં, અમુક લીગલ મૅટરમાં, વિવાદાસ્પદ પ્રૉપર્ટી વેચવાની બાબતમાં, મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની બાબતમાં, ફાઇનૅન્શિયલ મોટા નિર્ણય લેવાની બાબતમાં ઍસ્ટ્રોલૉજિકલ ઇન્ટરવેન્શન બહુ ઉપયોગી પરિણામ આપી શકે છે. કંપનીની સફળતામાં એના કર્મચારીનો બહુ મોટો રોલ હોય છે, એમાં પણ ઍસ્ટ્રોલૉજી મદદરૂપ બની શકે છે એમ જણાવીને ડૉ. શીતલ કહે છે, ‘જેમ કે ચંદ્રના પ્રભાવવાળી વ્યક્તિ કામની બાબતમાં ઉતાવળી અને ઝડપી કામ પતાવવાની ટેવવાળી હોય છે, એટલે આવા લોકોને જો શૉર્ટ ટર્મ પ્રોજેક્ટનાં કામ સોંપાય તો એ ડેડલાઇન પહેલાં પૂરાં થઈ જાય. જ્યારે ગુરુ અને શનિના પ્રભાવવાળી વ્યક્તિ લૉન્ગ ટર્મ પ્રોજેક્ટને પાર પાડવામાં વધુ સફળતાપૂર્વક કામ કરી શકે છે. તેમને એ પ્રકારના પ્રોજેક્ટ સોંપવાથી પરિણામ હકારાત્મક મળે. અમુક કિસ્સામાં પહેલાં લોકો તમારી વાતને ન સાંભળે. પછી પરિણામ ઊંધું આવે એવા બે-ત્રણ અનુભવ પરથી સ્વીકારવા માંડે. મને યાદ છે કે એક કંપનીના સીઈઓની નિમણૂક કરવાની હતી. બધાં જ પેરામીટર્સમાં તે વ્યક્તિ પાસ થઈ ગઈ, પછી મારી પાસેથી અપ્રૂવલ મગાવવામાં આવ્યું. તેની કુંડળી જોતાં ખબર પડી કે ચારિત્રની બાબતમાં આ વ્યક્તિ બરાબર નથી. ગ્રહો પરથી એ પણ ખબર તો પડે. મેં તેને હાયર કરવાની ના પાડી, પણ કંપનીના અગ્રણીઓને એ વ્યક્તિ યોગ્ય લાગતાં તેમણે હાયર કરી, પણ ૬ મહિનાની અંદર કંપનીનો ટ્રૅક-રેકૉર્ડ બગાડીને તે વ્યક્તિએ પદ છોડી દીધું. અહીં મેં કહ્યું એમ જ થયું એ કહેવાનો ભાવાર્થ નથી, પરંતુ ગ્રહોની ગણતરી જો સાચી કરતાં આવડતું હોય તો આ ‌સત્ય કોઈ પણ જોઈ શકે. ગ્રહો હંમેશાં બ્લૅક ઍન્ડ વાઇટની ભાષામાં વાત કરતા હોય છે, યસ ઑર નો. તમને એ વાંચતાં આવડવું જોઈએ.’
પોતાની પાસે આવેલા બીજા એક કિસ્સાની વાત કરતાં ડૉ. શીતલ કહે છે, ‘મારી પાસે એક અબજોપતિ બિઝનેસમૅન તેમની દીકરીને લઈને આવ્યા. તેને વિદેશમાં ભણવા જવું હતું. તેના હોરોસ્કોપમાં વિદેશમાં ભણવાનો યોગ જ નહોતો. પરંતુ જો હું ના પાડું તો દીકરી અને બાપ બન્ને અસંતુષ્ટ થઈને જાય. મેં હા પણ ન પાડી કે ના પણ ન પાડી. તમે આ કાર્યમાં આગળ વધો અને પ્રયાસ કરો. દીકરીએ કોચિંગ શરૂ કર્યું. બહારગામ ભણવા જવાની એન્ટ્રન્સ એક્ઝામમાં તેના માર્ક ઓછા આવ્યા. એટલે તેને જે યુનિવર્સિટીમાં ભણવું હતું ત્યાં તેને ઍડ્મિશન નહીં મળે એવું નિશ્ચિત થઈ ગયું. એ દરમ્યાન તેની ફ્રેન્ડ જે તેની સાથે વિદેશમાં ભણવા માટે પ્લાન બનાવી રહી હતી તેણે પણ કૅન્સલ કર્યું એટલે છેલ્લે આ દીકરીએ પોતાની મરજીથી જ વિદેશમાં ભણવા નથી જવું એવું નક્કી કરી લીધું. ૬ મહિનામાં દીકરીનો જ વિચાર નબળો પડી ગયો, પરંતુ આ જગ્યાએ જો મેં તેમને ના પાડી હોત તો? દીકરીના મનમાં વસવસો રહ્યો હોત કે મારા પિતાએ મને વિદેશ ભણવા ન મોકલી અને પિતાને પણ મનમાં શંકા અકબંધ રહી હોત. કેટલીક વાર જ્યોતિષનું ફળ જાણતાં હોવા છતાં મૌન રહીને સમયને એનું કામ કરવા દેવું અને કેટલાક અનિવાર્ય સંજોગોમાં એને લગતી રેમેડીઝ પણ આપવી. ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના છેડા પણ જ્યોતિષ સાથે મળેલા છે. ઇસરો પણ રૉકેટ-લૉન્ચ પહેલાં વિવિધ ગ્રહોની સ્થિતિનો અભ્યાસ કરે છે, કારણ કે ગ્રહોની મૅગ્નેટિક અસર આ રૉકેટ-લૉન્ચ પર પણ પડતી હોય છે. જ્યોતિષના કૅલેન્ડરમાં જે-તે દિવસોમાં પૃથ્વીથી ચંદ્રનું અંતર હોય એવું જ અંતર નાસાના ખગોળશાસ્ત્રીઓ પણ નોંધતા હોય એ આ શાસ્ત્ર પાછળ રહેલી વૈજ્ઞાનિકતા જ દર્શાવે છે.’
વાલકેશ્વરમાં રહેતા લોખંડની પાઇપનો બિઝનેસ ધરાવતા સંજીવભાઈ પ્રવીણ પારેખને આવો અનુભવ થઈ ચૂક્યો છે. તેઓ કહે છે, ‘ઍસ્ટ્રોલૉજી ઇઝ અ આર્ટ ઑફ સાયન્સ. હું વાત અઢળક અનુભવો પછી માનું છું. મારા પિતાજી પણ ઍસ્ટ્રોલૉજીમાં બીલિવ કરતા હતા. તેમના જન્મ સમયની કુંડળીમાં તેમનાં લગ્ન અને બાળકોને લગતી વાતોનું જે રીતે વર્ણન છે એવું હકીકતમાં બન્યું છે. મારો પોતાનો અનુભવ છે કે મારી એક કંપનીને મારા એક ઍસ્ટ્રોલૉજર મિત્રએ ૨૦૦૫માં બંધ કરવાની સલાહ આપેલી. તેમણે મને ચાર વર્ષનો સમય આપેલો કે આવતાં ચાર વર્ષમાં તારો ગોલ્ડન પિરિયડ છે, પરંતુ એ દરમ્યાન આ કંપનીને બંધ કરી દેજે, નહીં તો આ કંપનીને કારણે જ તું નુકસાનમાં જઈશ. મેં એ વાતને ગંભીરતાથી ન લીધી, કારણ કે ખરેખર કામ મોટા પાયે ચાલી રહ્યું હતું, પણ પછી અમુક એવી ઘટનાઓ અણધારી બની કે ૨૦૦૯માં ખરેખર કંપની નુકસાનમાં ચાલી અને મોટી ખોટ મારે ખાવી પડેલી. ઍસ્ટ્રોલૉજી સાવ હમ્બગ તો નથી જ, પરંતુ એનું સાચું જ્ઞાન હોય એવા લોકો ઓછા છે.’
સંજીવભાઈની આ વાત સાથે બ્રૅન્ડ કન્સલ્ટન્ટ તરીકે સક્રિય અને પોતાની બ્રૅન્ડિંગ કંપની ધરાવતાં બરખા દત્તાણી પણ સહમત થાય છે. તેઓ કહે છે, ‘અમે પણ અમારા ક્લાયન્ટના પ્રોડક્ટ-લૉન્ચ વખતે અમાસ કે પૂનમ જેવા દિવસો અવૉઇડ કરતાં હોઈએ છીએ, કારણ કે આ દિવસોની લોકોના માનસ પર વિશેષ અસર પડતી હોય છે. સ્ટ્રૅટેજીમાં આ મેન્ટલ સ્ટેટને ધ્યાનમાં ન લેવાય તો ફેલ્યરનો ચાન્સ રહે છે, જે શું કામ લેવો જોઈએ. હમણાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હતાં ત્યારે અમે અમારા ક્લાયન્ટના પ્રોડક્ટ-લૉન્ચની ડેટ્સ ડિલે કરી હતી. મારી દૃ​ષ્ટિએ આ અંધશ્રદ્ધા નથી, સાયન્સ છે. હું પોતે એમબીએ છું અને વેલ-એજ્યુકેટેડ છું, પણ આ ઇફેક્ટ્સ મેં જોઈ છે. હા, એ ચોક્કસ કહીશ કે આ દુનિયામાં ઠગનારા લોકો વધારે છે, એટલે ઘણી વાર જ્યોતિષી પોતે જો જાણકાર ન હોય તો ક્લાયન્ટનું નુકસાન કરાવી દે એવું પણ મેં ઑબ્ઝર્વ કર્યું છે. જેમ કે બૉલીવુડના કેટલાક મારા ક્લાયન્ટને એ નુકસાની વેઠતા મેં જોયા છે. જ્યોતિષીની સલાહ મુજબ ફિલ્મનું લૉન્ચ ડિલે કરે અથવા તો જગ્યા ફેરવી નાખે જેથી ફિલ્મ હિટ જાય, પરંતુ ફિલ્મ સુપરડુપર ફ્લૉપ નીવડી હોય અને બહુ બધો એક્સ્ટ્રા ખર્ચ તેમણે કારણ વગર કર્યો હોય.’ 
ફૅમિલી બિઝનેસ-કોચ મીતા દીક્ષિતે ઘણા પરિવારોમાં પર્મનન્ટ જ્યોતિષીની સલાહ પાછલા દરવાજે લેવાતી હોય એવું જોયું છે. ઘણા પરિવારોમાં ડાયરેક્ટ જ્યોતિષી નહીં, પણ રિલિજિયસ ગુરુના કહેવા પ્રમાણે મહત્ત્વના નિર્ણયો લેવાતા હોવાનું તો બહુ જ કૉમન છે એમ જણાવીને મીતાબહેન કહે છે, ‘સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ હોય, જૈન હોય તો જૈન ધર્મગુરુ હોય અને મુસ્લિમ ક્લાયન્ટ્સમાં મૌલવીની પરમિશન મળે પછી જ પ્રૉપર્ટી ખરીદવાના કે નવો બિઝનેસ શરૂ કરવાના દિવસો નક્કી થતા હોય છે. રિલિજન તો આપણે ત્યાં બહુ સારી રીતે બિઝનેસમાં વણાયેલો છે. જેમ કે ઘણી એવી કંપની છે જ્યાં દિવસની શરૂઆત દરરોજ બધા જ એમ્પ્લૉઈ પ્રેયર દ્વારા કરતા હોય.’ 
સ્ટ્રૅટેજિકલ ઍ​પ્લિકેશન
કંપનીનું નામ, એની જુદી-જુદી જગ્યાએ આવેલી ઑફિસ અને ફૅક્ટરીઓ, જુદા-જુદા પાર્ટનર અને તેમનું આપસમાં ટ્યુનિંગ, કંપનીની સ્થાપનાનો દિવસ જેવાં ઘણાં ફૅક્ટર હોય છે જેનો બિઝનેસ ઍસ્ટ્રોલૉજીમાં જ્યોતિષીઓ ઉપયોગ કરતા હોય છે. હીરવ શાહ પોતાની પાસે આવેલા એક કેસની વાત કરતાં કહે છે, ‘ભારતની એક જાણીતી ઑટોમોબાઇલ કંપની છે, જેનો બિઝનેસ કોવિડ પછી સાવ ખાડે ગયો હતો. ઑલમોસ્ટ ફૅક્ટરીઓ બંધ કરવાની તૈયારીમાં હતા. કંપનીનું સેવન સ્ટેપ ઍનૅલિસિસ કર્યું અને એમાં ઍસ્ટ્રોલૉજિકલ ફૉર્મ્યુલા વાપરી. રિવર્સ એન્જિનિયરિંગ અને ઍસ્ટ્રોલૉજીની સહાયથી એવું ધ્યાનમાં આવ્યું કે આ જ કંપનીનું સ્થાન બદલી દેવામાં આવે અને યુરોપમાં બિઝનેસ કરે તો ખૂબ પ્રૉફિટ થાય એમ છે. કંપની પાસે યુરોપમાં વ્યવસ્થા હતી અને ખરેખર એ કંપનીની ગાડી પાટે ચડી ગઈ.’
આવી જ રીતે છેલ્લાં પાંચ વર્ષથી હીરવભાઈ આઇફા અવૉર્ડ માટે પણ કન્સલ્ટેશન આપે છે. ચાર કલાકની આ ઇવેન્ટમાં કરોડો રૂપિયાનો બિઝનેસ છે અને એની સફળતા માટે પણ એ ક્યાં થવા જોઈએથી લઈને કયા દિવસે એના પાસ લૉન્ચ કરવાના, સ્પૉન્સ‌રશિપ માટેના એજન્ડા જેવી અઢળક બાબતોમાં ઍસ્ટ્રો સ્ટ્રૅટેજિસ્ટનો મહત્ત્વનો રોલ છે. હીરવભાઈ કહે છે, ‘તમારી પાસે જે પોટેન્શયલ હોય એનો પૂરેપૂરો ઉપયોગ તમે કરી શકતા હોવા જોઈએ. NEA જેમાં એન એટલે નૉલેજ, ઈ એટલે એક્સપર્ટીઝ અને એક્સ્પીરિયન્સ અને એ એટલે ઍસ્ટ્રોલૉજી. જ્યારે આ ત્રણેયના કૉ​મ્બિનેશનને ધ્યાનમાં રાખીને કામ થાય તો પ્રોડક્ટિવિટી ૯૬ ટકાથી વધારે વધી જાય છે.’
અંધશ્રદ્ધા નથી?
જ્યોતિષ એ અંધશ્રદ્ધા નથી એવું સ્પષ્ટતા સાથે જણાવતાં ડૉ. શીતલ કહે છે, ‘ઘણા કહે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે, પરંતુ હું કહીશ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ મોટી ખાઈ છે. શ્રદ્ધાળુ વ્ય‌ક્તિ અંધશ્રદ્ધાળુ થઈ જ ન શકે, કારણ કે તે ક્યારેય મગજને બાજુ પર નહીં રાખે. તમે બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેતા હો છો ત્યારે તમારી શ્રદ્ધા અંધ બની જ ન શકે. એવું પણ નથી કે દર ત્રીજી મિનિટે તમે કુંડળીઓ જોતા થઈ ગયા હો. બધું જ પ્રિડિક્શન પ્રમાણે થાય છે એવું ધારીને ચાલો તો જીવવાની અને ‌અનિશ્ચિતતાઓ પાછળ રહેલા રોમાંચને માણવાની મજા જ ન રહે. જ્યારે બહુ અગત્યની બાબતના નિર્ણયો લેવાય અથવા તો સતત નુકસાન અને અણધાર્યાં પરિણામો જ મળતાં હોય ત્યારે જ કૉર્પોરેટ-હાઉસ પણ ઍસ્ટ્રોલૉજિકલ ઍનૅલિસિસની મદદ લેતાં હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 10:45 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK