આમ તો આવું ઘણી વાર બન્યું હોય છે કે ફર્ઝી લિરિક્સ સાથે સૉન્ગ તૈયાર કર્યા પછી એ સૉન્ગને જુદા મૂડમાં ફેરવવામાં આવ્યું હોય, પણ આ કામ ચૅલેન્જિંગ છે
ફાઇલ તસવીર
આમ તો આવું ઘણી વાર બન્યું હોય છે કે ફર્ઝી લિરિક્સ સાથે સૉન્ગ તૈયાર કર્યા પછી એ સૉન્ગને જુદા મૂડમાં ફેરવવામાં આવ્યું હોય, પણ આ કામ ચૅલેન્જિંગ છે અને આ ચૅલેન્જિંગ કામ જતિન-લલિત માટે ત્યારે જબરદસ્ત પરીક્ષા લેનારું બની ગયું જ્યારે ‘જો જીતા વો હી સિકંદર’નું એક સૉન્ગ રોમૅન્ટિકમાંથી કન્વર્ટ કરીને સૅડ સૉન્ગ બનાવવામાં આવ્યું અને એ ગીત ગાવાની ઑફર જતિન પંડિતને કરવામાં આવી!
ADVERTISEMENT
‘દિલ દીવાના મેરા,
જાને ક્યું ના માને અભી...
તુમસે કહતે હૈં સનમ,
દિલ કે અરમાન સભી...’
ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’નું કામ શરૂ થયું અને ડિરેક્ટર મન્સૂર ખાને મ્યુઝિક ડિરેક્ટર જતિન-લલિત સાથે સીટિંગ શરૂ કરી. પહેલી જ સીટિંગમાં ઉપર કહ્યા એ લિરિક્સ સાથેનું સૉન્ગ ફાઇનલ કરી લેવામાં આવ્યું. આ એ જ સૉન્ગ છે જે સૉન્ગ આખી ફિલ્મ પૂરી થયા પછી સેડ સૉન્ગમાં કન્વર્ટ કરવામાં આવ્યું, જેના શબ્દો હતા...
‘રૂઠ કે હમ સે કહીં,
જબ ચલે જાઓગે તુમ...
યે ના સોચા થા કભી,
ઇતને યાદ આઓગે તુમ...’
એ જે રોમૅન્ટિક સૉન્ગ હતું એ આખું શૂટ પણ થઈ ગયું હતું અને એડિટ-ટેબલ પર ફિલ્મમાં ગોઠવી પણ દેવામાં આવ્યું હતું અને એ પછી પણ એ રોમૅન્ટિક સૉન્ગ કાઢવામાં આવ્યું અને એની જગ્યાએ એ જ ટ્યુન સાથે, એ જ કમ્પોઝિશન સાથે સેડ સૉન્ગ મૂકવામાં આવ્યું. આ જે વિચાર હતો એ વિચાર હતો આમિર ખાનના કાકા અને ડિરેક્ટર મન્સૂર ખાનના પપ્પા નાસિર હુસેનનો. બન્યું એવું કે નાસિર હુસેનને ફિલ્મ દેખાડવામાં આવી. ફિલ્મ જોયા પછી નાસિરસાહેબ થોડા કલાકો માટે બહાર ચાલ્યા ગયા. આ નાસિરસાહેબની સ્ટાઇલ હતી. તેઓ ફિલ્મ વિશે ક્યારેય તરત જ રિસ્પૉન્સ આપતા નહીં. ટ્રાયલ શો માટે મન્સૂર ખાનથી માંડીને આમિર ખાન, જતિન-લલિત અને ટેક્નિકલ ટીમમાંથી બીજા કેટલાક લોકો બેઠા હતા. એ લોકો નાસિરસાહેબની રાહ જોતા વાતો કરતા હતા અને દોઢ-બે કલાક પછી નાસિર હુસેન પાછા આવ્યા.
આવીને તેમણે સીધી જ ફિલ્મની વાત કરી કે આ ફિલ્મમાં એક ભૂલ રહી ગઈ છે. ઑડિયન્સને રોવડાવી દે એવી સિચુએશન હોવા છતાં એ સિચુએશનનો લાભ લેવાનું ચૂકી જવાયું છે. નાસિર હુસેને એ સિચુએશન પણ બધાને યાદ કરાવી કે જ્યારે આમિર ખાનનો મોટો ભાઈ બનેલા રજતનો ઍક્સિડન્ટ થાય છે ત્યારે આમિર ખાન મનથી પડી ભાંગે છે. એ એક ઘટના આમિરને તેના ભાઈનું મૂલ્ય પણ સમજાવી દે છે અને એ જ ઘટના આમિરને ગંભીર પણ બનાવી દે છે. નાસિર હુસેનનું કહેવું હતું કે એ સિચુએશન પર એક એવું સૉન્ગ હોવું જોઈએ જે સૉન્ગ સાંભળતી વખતે લોકોની આંખમાં આંસુ આવી જાય. લોકોને પોતાના મોટા ભાઈ કે પછી પિતા યાદ આવી જાય, જેની ગેરહાજરીમાં તેમણે પણ મોટા થવું પડ્યું હોય, જવાબદારીઓ સમજવી પડી હોય.
સૌથી પહેલાં આમિર ખાન આ વાત સાથે સહમત થયો, પણ મહત્ત્વનો પૉઇન્ટ એ હતો કે ફિલ્મમાં જો એવું સૉન્ગ આવે તો એની લેંગ્થ વધી જાય. જતિન પંડિતે એક ઇન્ટરવ્યુ વખતે કહ્યું હતું કે મન્સૂર ખાને એક દિવસ માગ્યો અને તે તરત જ કામે લાગી ગયા. બીજા દિવસે આવી ગયા તે સીધા અમારી ઑફિસે અને અમને નવેસરથી સ્ક્રિપ્ટ સંભળાવવા લાગ્યા.
સંભળાવેલી એ સ્ક્રિપ્ટમાં એ સૉન્ગ કાઢી નાખવામાં આવ્યું હતું, જેનો અહીં સૌથી પહેલો ઉલ્લેખ કર્યો છે. એ ગીત હટાવીને તેણે રજતના ઍક્સિડન્ટવાળી સિચુએશન પર સૉન્ગ મૂક્યું અને એ સૉન્ગ સમયે રજત અને સંજુના નાનપણનાં કેવાં-કેવાં વિઝ્યુઅલ્સ વાપરવામાં આવશે એ પણ નેરેટ કર્યું. નૅચરલી બધા તૈયાર હતા અને કામે લાગ્યા, પણ એ કામની વાત કરતાં પહેલાં તમને કહેવાનું કે રજતનું કૅરૅક્ટર કરતાં મામિકને આ રોલ સાવ છેલ્લી ઘડીએ મળ્યો હતો. પહેલાં આ રોલમાં આદિત્ય પંચોલીને લેવામાં આવ્યો હતો અને બધું નક્કી થઈ ગયું હતું, પણ શૂટિંગના એક વીક પહેલાં આદિત્યએ આમિરના મોટા ભાઈ બનવાની ના પાડી દીધી. આદિત્યના મનમાં હતું કે તેને હજી એક ચાન્સ એવો મળશે જેમાં તે ફરીથી હીરો તરીકે એસ્ટૅબ્લિશ્ડ થઈ જશે.
આદિત્યની ના આવી એટલે મન્સૂર ખાને એ બધા ઍક્ટરનાં ઑડિશન કાઢ્યાં જે આ રોલ માટે આપી ગયાં હતાં અને ઑડિશનમાંથી તેણે મામિકને પસંદ કર્યો તો ફિલ્મમાં આમિર ખાનની સામે જે ગ્રે શેડનો રોલ હતો એ શેખર મલ્હોત્રાના કૅરૅક્ટરમાં મિલિંદ સોમણ પહેલી પસંદ હતો, પણ મિલિંદ સોમણે હા પાડવાને બદલે ૧૦ દિવસ સુધી ઇન્ક્વાયરી કર્યા કરી એટલે મન્સૂર ખાને સમય વેડફવાને બદલે દીપક તિજોરીને એ રોલ આપી દીધો. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ સ્પોર્ટ્સ ફિલ્મ કરવા માટે આમિર ખાન પહેલાં રાજી નહોતો!
હા, આમિરની ઇચ્છા રોમૅન્ટિક રોલ કરવાની હતી અને ‘જો જીતા વો હી સિકંદર’માં રોમૅન્ટિક ટ્રૅક હતો, પણ ફિલ્મ રોમૅન્ટિક નહોતી, ફિલ્મ સ્પોર્ટ્સ-બેઝ્ડ હતી, ટીનેજમાંથી હજી હમણાં જ બહાર નીકળ્યા હોય એવા યંગસ્ટર્સની એ ફિલ્મ હતી એટલે નૅચરલી રોમૅન્સ અન્ડર-કરન્ટ હતો. લાંબા સમય સુધી આમિર પૉઝિટિવ થયો નહીં એટલે મન્સૂર ખાને તેને કહીને બહાર ઍક્ટર શોધવાનું શરૂ કર્યું અને આમિરવાળા રોલ માટે ઑડિશન શરૂ કરાવ્યાં, જેમાં અક્ષયકુમારે પણ આવીને ઑડિશન આપ્યું હતું. હા, અક્ષયકુમારે! બધાં ઑડિશન પૂરાં થયાં ત્યાં સુધીમાં આમિર ખાન પણ મનથી પૉઝિટિવ થઈ ગયો અને તેણે મન્સૂર ખાનને હા પાડી દીધી એટલે બીજા કોઈ ઍક્ટરનાં ઑડિશન જોઈને એમાંથી કોઈને ફાઇનલ કરવાની પ્રોસેસ કર્યા વિના જ આમિર સાથે ફિલ્મનું કામ શરૂ થયું.
‘જો જીતા વો હી સિકંદર’ માટે કહેવાતું રહ્યું છે કે એ ફિલ્મ હૉલીવુડની ફિલ્મ ‘બ્રેકિંગ અવે’ પર આધારિત છે, પણ મન્સૂર ખાને એ વાત ક્યારેય સ્વીકારી નહીં. બન્ને ફિલ્મો વચ્ચે રહેલા સામ્યતને તેણે જોગાનુજોગ ગણાવીને કહ્યું કે સિમિલરિટીની બહુ વાતો સાંભળી એટલે તેણે ‘બ્રેકિંગ અવે’ જોઈ અને પોતાને પણ નવાઈ લાગી કે આવું કેવી રીતે બની શકે. ફરી આવીએ પેલા સૉન્ગની વાત પર, પણ હવે સમય રહ્યો નથી એટલે એ વિષયને નેક્સ્ટ વીક પર રાખીએ, પણ એ પહેલાં એક વખત ‘રૂઠ કે હમ સે કહીં...’ એક વાર સાંભળો. ખરેખર તમારી આંખમાં આંસુ આવી જશે...
મૈં તો ના ચલા થા,
દો કદમ ભી તૂમ બિન
હો ફિર ભી મેરા બચપન,
યહી સમઝા હર દિન
છોડ કે મુઝે ભલા,
અબ કહાં જાઓગે તુમ...
યે ના સોચા થા કભી,
ઇતને યાદ આઓગે તુમ...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


