Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈની ધરતી પર પોલીસદાદાએ પહેલી વાર પગ ક્યારે મૂકેલો?

મુંબઈની ધરતી પર પોલીસદાદાએ પહેલી વાર પગ ક્યારે મૂકેલો?

10 April, 2021 03:23 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગવર્નર જેરાલ્ડ ઓન્જિયારે માહિમ, શિવડી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સુબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરેલી. જોકે તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમગાર્ડ્ઝ જેવી વધુ હતી

મુંબઈના પહેલા પોલીસ આવા દેખાતા હતા (ઉપર) અને તાડી વેચતો ભંડારી (નીચે).

મુંબઈના પહેલા પોલીસ આવા દેખાતા હતા (ઉપર) અને તાડી વેચતો ભંડારી (નીચે).


ગવર્નર જેરાલ્ડ ઓન્જિયારે માહિમ, શિવડી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સુબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરેલી. જોકે તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમગાર્ડ્ઝ જેવી વધુ હતી

કરફ્યુ હોય કે લૉકડાઉન, મુંબઈના રસ્તા પર એક જણ તો જોવા મળે જ. એક જમાનામાં માથે પાઘડી પહેરતો, પછી પીળી ટોપી પહેરતો. હવે ડાર્ક બ્લુ રંગ પર પીળી પટ્ટીવાળી કૅપ પહેરે છે. હા, આજકાલ ખોટા કારણે રોજ છાપામાં પહેલા પાને ચમકે છે. એનું નામ મુંબઈ પોલીસ. પણ મુંબઈની ધરતી પર આ પોલીસદાદાએ પહેલી વાર પગ મૂક્યો ક્યારે? મુંબઈ પોર્ટુગીઝોના તાબામાં હતું ત્યાં સુધી તો મુંબઈમાં પોલીસનું નામનિશાન હોવાનું જાણવા મળતું નથી. શરૂઆતમાં તો અંગ્રેજો પણ આ રીતે જ વર્તતા. સુરતમાં બેઠેલા ગવર્નરને મુંબઈની સલામતીમાં કેટલો રસ હોય? શા માટે હોય?
મુંબઈનો સ્વપ્નદૃષ્ટા ઓન્જિયાર 
પણ જેરાલ્ડ ઓન્જિયાર જુદી માટીનો માનવી હતો. એવણ મુંબઈના બીજા ગવર્નર. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈના ગવર્નર બન્યા. ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા. એ વખતના બીજા ગવર્નરોની જેમ તેઓ પણ સુરતની ‘ફૅક્ટરી’ (આ શબ્દ એ વખતે ઑફિસના અર્થમાં વપરાતો હતો)ના પ્રમુખ અને મુંબઈના ગવર્નરનો બેવડો હોદ્દો ધરાવતા હતા. એટલે તેઓ અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને સારોએવો વખત રોકાતા. મુંબઈ તો કાદવકીચડમાં ઢબૂરાયેલી સોનાની લગડી છે એ વાત સૌથી પહેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે કહેલું કે ઈશ્વરના આશીર્વાદથી મુંબઈ તો એક મહાન નગર થવા સર્જાયું છે. આવા માણસને આપણે સ્વપ્નદૃષ્ટા ન કહીએ તો કોને કહીએ?
મુંબઈની મુલાકાતો દરમ્યાન એ વાત તેમના ધ્યાનમાં આવી કે અહીં લોકોના જાનમાલની સલામતી માટે કશી જ વ્યવસ્થા નથી. વળી એ વખતે ડચ, પોર્ટુગીઝ, મોગલો, સીદી અને મરાઠાના આક્રમણનો ભય સતત રહેતો હતો. એટલે ઓન્જિયારે માહિમ, શિવડી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સુબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરી. હા, તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમગાર્ડ્ઝ જેવી વધુ હતી. તેમનું મુખ્ય કામ કંપની સરકારનું જે લશ્કર મુંબઈમાં હતું એને મદદ કરવાનું હતું. પણ એ ઉપરાંત ચોરીચપાટી જેવા ગુનાઓને કાબૂમાં રાખવાનું કામ પણ તેમને સોંપવામાં આવેલું. રોજ રાતે પોતપોતાના વિસ્તારમાં ફરીને આ પોલીસ ચોકીપહેરો ભરતી. આ દળમાં ભંડારીઓની સંખ્યા મોટી હતી, કારણ કે તેઓ કંપની સરકારને વફાદાર હોય છે એમ ગવર્નર માનતા હતા. કોળીઓની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના સૌથી જૂના વતનીઓ. 
ભંડારી જમાતની પુરાણકથા 
ભંડારીઓ સાથે એક પુરાણકથા પણ સંકળાયેલી છે. પંડિત મહાદેવશાસ્ત્રી જોશીએ આ કથા નોંધી છે. તિલકાસુર નામનો એક રાક્ષસ કાળો કેર વર્તાવતો હતો. એટલે ભગવાન શંકરે તેને બળદ-ઘાણીમાં પીલાવા નાખ્યો અને નંદીને એ ઘાણી ચલાવવા કહ્યું. પણ એ મહાકાય રાક્ષસ સાથેની ઘાણી ફેરવતાં નંદીને ખૂબ ત્રાસ થતો હતો. એ જોઈને શંકરને કપાળે પરસેવો વળી ગયો. શંકરના કપાળ પરના પરસેવાના ધર્મબિંદુમાંથી એક પુરુષ પેદા થયો. એ પુરુષ તે ભંડારી જમાતનો આદિપુરુષ. શંકરે તેનું નામ પાડ્યું ‘ભાવગુણ.’ પણ પછી તેની ભક્તિની પરીક્ષા કરવા પોતાની લીલા વડે શંકરે નાળિયેરનું એક ઝાડ ઊભું કર્યું અને ભાવગુણને એનાં ફળ તોડીને લાવવા કહ્યું. તે તો આંખના પલકારામાં ઝાડ પર ચડી નાળિયેર લઈ આવ્યો. એનું પાણી પીને શંકર તૃપ્ત થયા એટલે તેમણે ભાવગુણની નિમણૂક અલકાનગરીના ભંડારના અધિકારી તરીકે એટલે કે ભંડારી તરીકે કરી. ત્યારથી ભાવગુણના વંશજો ભંડારી કહેવાયા. પણ સાથોસાથ નાળિયેરી, તાડ અને એના જેવાં બીજાં ઝાડ સાથેનો તેમનો સંબંધ કાયમ રહ્યો. એટલે આ સમાજના ઘણા લોકો તાડી બનાવવાના ધંધામાં પડ્યા. તેઓ મૂળ ક્ષત્રિય જાતિના એટલે બહાદુર અને માલિક કે રાજાને વફાદાર. તો બીજા કેટલાક ભંડારી ફળ-ફૂલના બગીચા તરફ વળ્યા. મુંબઈમાં પણ તેમણે આંબા, નાળિયેરી, તાડ, ફણસ, સોપારી વગેરેની વાડીઓ ઠેર-ઠેર બનાવેલી. ખેર, ઓન્જિયારના અવસાન સમયે મુંબઈના ‘પોલીસ’ની સંખ્યા ૫૦૦થી ૬૦૦ જેટલી હતી. એ બધાની મુંબઈમાં જમીન હતી. હકીકતમાં સરકારે દરેક જમીનદાર માટે પોલીસમાં કામ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જોકે બ્રાહ્મણ અને વાણિયા જમીનદારોને એમાંથી મુક્તિ આપેલી. પણ એના બદલામાં તેમણે સરકારને સારીએવી રકમ ચૂકવવી પડતી, જેનો ઉપયોગ સરકાર ભંડારી પોલીસોને પગાર આપવામાં કરતી.
૧૬૮૧થી ૧૬૯૦ સુધી જૉન ચાઇલ્ડ મુંબઈના ગવર્નર હતા. જરા નરમ સ્વભાવના હતા. લંડનમાં બેઠેલા માલિકોને હાજી હા કરવામાં માનતા. એ વખતે લંડનથી કંપનીના ડિરેક્ટરોએ તેમને ફતવો મોકલ્યો કે મુંબઈમાં આ ભંડારી પોલીસ દળની કશી જરૂર નથી એટલે એને વિખેરી નાખો. હવે બન્યું એવું કે એ જ વખતે એક બાજુથી છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર હુમલો કરશે એવી દહેશત ફેલાઈ હતી અને બીજી બાજુથી સીદીઓ કંપનીની સત્તાને પડકારી રહ્યા હતા. એટલે જૉન ચાઇલ્ડે નક્કી કર્યું કે પોલીસ દળ વિખેરી નાખવું નહીં. પણ સાથોસાથ એ વખતના સંજોગો સમજાવતો લાંબો કાગળ તેમણે લંડન મોકલ્યો. બીજા વરસે ડિરેક્ટરોએ ફતવો તો પાછો ખેંચી લીધો, પણ સાથોસાથ લશ્કરનાં પગાર અને સગવડોમાં ધરખમ ઘટાડો કરવા જણાવ્યું.
ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે પણ મુંબઈના કંપની સરકારના લશ્કરમાં પગારને મુદ્દે અસંતોષ પ્રવર્તતો હતો. કેટલાક અંગ્રેજ સૈનિકોએ ભેગા મળીને બળવો કરવાનું કાવતરું રચ્યું. પણ ઓન્જિયારને આ વાતની ગંધ આવી ગઈ. એ બળવાખોર ટોળીના નેતા કોર્પોરલ ફેકને પકડીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું અને ૧૬૭૪ના ઑક્ટોબરની ૨૧મી તારીખે તેને જાહેરમાં ગોળી મારીને દેહાંત દંડની સજા અપાઈ. અંગ્રેજી અમલ દરમ્યાન મુંબઈમાં અપાયેલી આ પહેલવહેલી ફાંસીની સજા. પણ ઓન્જિયારના ગયા પછી પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. પોતાના સૈનિકો અને નાવિકોને કંપની સરકાર ન તો પૂરો પગાર આપતી, ન તો ખાસ કોઈ સગવડ. 
અંગ્રેજ સૈનિકોનો બળવો 
ફરી એક વાર સૈનિકો અને નાવિકોમાં બળવો કરવાનું કાવતરું કંપની સરકારના જ એક વહાણ પર છાને ખૂણે ઘડાયું. ૧૬૮૩ના ડિસેમ્બરની ૨૭મી તારીખે હતો સેન્ટ જૉન્સ ડે. જૉન ચર્ચ નામના પાદરી સવારે સાતેક વાગ્યે પ્રાર્થના માટે દેવળમાં ગયા. રોજ સવારે લગભગ આ જ સમયે કોટ કહેતાં ફોર્ટના દરવાજા પરના રક્ષકોની ટુકડી બદલાય. રાતે પહેરો ભરનારી ટુકડી જાય અને નવી ટુકડી એની જગ્યા લે. એટલે ટુકડીઓની આ ફેરબદલી થાય ત્યાં સુધી પાદરીએ પ્રાર્થના રોકી રાખી. થોડી વારમાં કૅપ્ટન રિચર્ડ કેગ્વિનની સરદારી નીચે ખલાસીઓની એક મોટી ટુકડી આવી પહોંચી. તેમની પાછળ હેનરી ફ્લેચર અને જૉન થોર્બન પણ ટુકડીઓ સાથે આવ્યા. જેવી ત્રણે ટુકડી ફોર્ટની અંદર આવી ગઈ કે તરત જ જૉન થોર્બને ગ્રેટ બ્રિટનના રાજવીની દુહાઈ આપીને ફોર્ટના બધા દરવાજા બંધ કરી દેવાનો સૈનિકોને હુકમ આપ્યો. પછી ત્રણે ટુકડીના સૈનિકોને થોર્બને ટૂંકું ભાષણ આપ્યું અને કંપની સરકાર સામે – ગ્રેટ બ્રિટનના તાજ સામે નહીં – બળવાનું એલાન કર્યું. પછી લશ્કરની ત્રણે ટુકડી ખુલ્લી તલવારે મુંબઈના ગવર્નર જૉન ચાઇલ્ડના આવાસે પહોંચી. એ વખતે તેઓશ્રી હજી મીઠી નીંદર માણી રહ્યા હતા. તેમને જગાડ્યા અને બળવાની ખબર આપી. પછી કહ્યું કે આ કિલ્લો અને મુંબઈનો ટાપુ અમે ગ્રેટ બ્રિટનના તાજ વતી કબજે કર્યો છે. ગવર્નર ગભરાયા. કહે કે તમારી જે ફરિયાદો અને માગણીઓ હોય એ મને કહો, એ દૂર કરવા હું બનતું કરીશ. તેમણે બારીની બહાર નજર નાખી તો આ બળવાના સૂત્રધાર કેગ્વિનને ઊભેલો જોયો. બૂમ પાડીને તેને બોલાવ્યો. પણ કશો જવાબ આપવાને બદલે કેગ્વિને સિપાઈઓને કહ્યું કે પેલા બંદીવાનને નીચે લઈ આવો. થોડી આનાકાની પછી ગવર્નર નીચે આવ્યા એટલે કેટલાક સૈનિકો તેમને કિલ્લાના કોઠારની એક અંધારી કોટડીમાં લઈ ગયા અને બંદીવાન બનાવ્યા એટલું જ નહીં, સૈનિકોને નવા ગવર્નરની નિમણૂક કરવા જણાવ્યું. ત્યારે સૈનિકોએ એકી અવાજે કેગ્વિનનું નામ પોકાર્યું. ૨૭ ડિસેમ્બર, ૧૬૮૩થી ૧૯ નવેમ્બર, ૧૬૮૪ સુધી રિચર્ડ કેગ્વિન મુંબઈના બિનસત્તાવાર ગવર્નર રહ્યા. 
કંપની સરકારના કારભારથી ત્રાસેલા મુંબઈના ઘણા લોકોએ અને ઓન્જિયારે સ્થાપેલા ભંડારી પોલીસદળના સૈનિકોએ પણ આ બળવાને ટેકો આપ્યો અને કેગ્વિનને ગવર્નર તરીકે માન આપ્યું. લગભગ એક વરસ પછી બ્રિટનના રાજાએ નૌકાદળના કમાન્ડર સર થૉમસ ગ્રેન્થમને કેગ્વિન સાથે વાટાઘાટ કરવા મુંબઈ મોકલ્યા. તેમણે બળવામાં સંડોવાયેલા દરેકને તાજ તરફથી માફી આપી. લગભગ એક વરસ સુધી કેગ્વિને ગવર્નર તરીકે પગારની જે રકમ લીધી હતી એ પાછી ન લેવાનું ઠરાવ્યું. અને કેગ્વિનને તેઓ પોતાની સાથે ગ્રેટ બ્રિટન પાછા લઈ ગયા, માનભેર! લશ્કરમાં જુદા-જુદા હોદ્દા ભોગવ્યા પછી સેન્ટ કિટ્સની લડાઈમાં ૧૬૯૦ના જૂનની ૨૧મી તારીખે કેગ્વિનનું અવસાન થયું. 
બ્રિટિશ સરકારની એક વિશિષ્ટતા હતી, આખા દેશ માટે સમાન કાયદાકાનૂન. ૧૭૯૩ના ૩૩મા કાયદા દ્વારા કલકત્તા, મદ્રાસ અને મુંબઈ ત્રણે ઇલાકા માટે સમાન પોલીસતંત્ર ગોઠવાયું. દરેક ઇલાકામાં ગવર્નરના વડપણ હેઠળ ‘કમિશન ઑફ ધ પીસ’ નીમવામાં આવ્યું. આ કમિશનને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસની નિમણૂક કરવાની સત્તા અપાઈ. મુંબઈમાં આ જગ્યા પર સાઇમન હાલિડેની નિમણૂક થઈ. મુંબઈના આ પહેલા સુપરિન્ટેન્ડન્ટના શાસન દરમ્યાન મુંબઈ પોલીસે કેવી અને કેટલી પ્રગતિ કરી એની વાત હવે પછી.



deepakbmehta@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 03:23 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK