સ્કૂલમાં રજાઓ પડી ગઈ હતી. બાળકો ઘરે જ હતાં અને તેમને કેવી રીતે વ્યસ્ત રાખવાં એનો અમે વિચાર કરી રહ્યા હતા. આ વર્ષે થોડા દિવસ વતનમાં જવા સિવાયના બીજા કોઈ પ્રવાસનું આયોજન કર્યું નહોતું
પ્રતીકાત્મક તસવીર
ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકે અમે ક્લાયન્ટ્સની નાણાકીય બાબતો સંબંધે તેમને મળીને સમીક્ષા કરતા હોઈએ છીએ. તેઓ પોતાનાં બાળકોને પણ સાથે લાવે એવું અમારું સૂચન હોય છે. આવી જ એક મીટિંગ પૂરી થયા બાદ ક્લાયન્ટની ઈ-મેઇલ આવી. કોઈ પણ પ્રોફેશનલને તેના ક્લાયન્ટ તરફથી વખાણ કરતો પત્ર મળે ત્યારે ખૂબ જ આનંદ થાય એ સ્વાભાવિક છે. આ આનંદની હું આપની સાથે પણ વહેંચણી કરી લઉં. ઈ-મેઇલમાં લખ્યું હતું:
સ્કૂલમાં રજાઓ પડી ગઈ હતી. બાળકો ઘરે જ હતાં અને તેમને કેવી રીતે વ્યસ્ત રાખવાં એનો અમે વિચાર કરી રહ્યા હતા. આ વર્ષે થોડા દિવસ વતનમાં જવા સિવાયના બીજા કોઈ પ્રવાસનું આયોજન કર્યું નહોતું. આથી અમે બાળકોને ઉનાળુ શિબિરમાં મોકલવાનો નિર્ણય લીધો. બાળકોની માગણીઓ ક્યારેય પૂરી થતી નથી. એક દિવસ ઋષિએ સાઇકલની અને અનન્યાએ ડૉલ હાઉસની માગણી કરી. તેઓ બન્ને ક્યાંક કોઈ સારી વસ્તુ જુએ તો એની માગણી તત્કાળ કરી દેતાં હોય છે. આમ તેમની યાદીમાં સતત ઉમેરો થતો રહે છે.
ADVERTISEMENT
વાલી તરીકે અમે ઇચ્છીએ છીએ કે અમારાં સંતાનોને નાની ઉંમરથી જ પૈસાનું મહત્ત્વ યોગ્ય રીતે સમજાઈ જાય. આ જ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારી સાથે મીટિંગમાં આવ્યા હતા. તમે પણ બાળકો માટે આવી જ દૃષ્ટિ રાખો છો એ અમને ઘણું ગમે છે. અમે જોયું કે તમારી સાથે મુલાકાત થયા બાદ બાળકોના વર્તન પર ઘણી જ સારી અસર થઈ.
બાળકો તરીકે તેમને અમુક ગમતી વસ્તુઓ અથવા ગમી જતી વસ્તુઓ માગવાની ઇચ્છા થાય, પરંતુ અમે એનું ધ્યાન રાખીએ છીએ કે તેઓ જે વસ્તુ માગે એનો તેઓ ઉપયોગ કરે. આથી અમે તેમને કહ્યું કે તેમને જે જોઈએ છે એની યાદી બનાવે અને ક્યાર સુધીમાં એ વસ્તુઓ લેવી છે એ નક્કી કરે. પહેલાં કઈ વસ્તુ જોઈએ અને પછી કઈ જોઈએ એના આધારે ક્રમાંક આપવાનું પણ અમે કહ્યું. આ રીતે અમે એ શીખવ્યું કે તેમને જોઈતી વસ્તુઓમાંથી કઈ વધારે અગત્યની છે. તેઓ અનેક વસ્તુઓ માગે છે, પરંતુ એમાંથી બધાનો ક્રમ પહેલો આવતો નથી એ પણ તેમને આ પ્રવૃત્તિથી સમજાઈ ગયું. આમ કરવાથી તેમની માગણીઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને તેઓ વારંવાર માગણી કરતાં એનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું.
અમને તો ત્યારે નવાઈ લાગી જ્યારે તેમણે કહ્યું કે તેઓ વારેતહેવારે વડીલો પાસેથી મળતા પૈસા બચાવીને રાખશે અને એમાંથી પોતાને જોઈતી વસ્તુઓ ખરીદવાનું કહેશે. તમે સમજાવેલો જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત પણ તેમને સમજાઈ ગયો છે.
lll
આપણા દેશમાં બાળકોને હંમેશાં નાણાકીય વિષયોની ચર્ચામાં સાથે લેવામાં આવતાં નથી એટલું જ નહીં, મહિલાઓને પણ આ ચર્ચાથી દૂર રાખવામાં આવે છે. જો બાળપણમાં જ સાચી સમજ આપવામાં નહીં આવે તો મોટા થયા પછી તે બાળકો જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તશે એનો વિચાર સૌએ કરવો જરૂરી છે.

