લોકોને જાણકારી અને વિશ્વાસથી સજ્જ કરી ફાઇનૅન્શ્યલ માર્કેટ્સમાં પ્રવૃત્ત કરવા માટે આ ઍપ રોકાણની ઇકો સિસ્ટમમાં BSEએ આપેલું યોગદાન છે.
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના નેજા હેઠળ રોકાણ કરવાનું શીખવવા માટેની એક નિઃશુલ્ક ઍપ્લિકેશન ‘બીએસઈ નિવેશ મિત્ર’ને લૉન્ચ કરી છે. આ ઍપ BSE દ્વારા વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે ‘રોકાણકાર જાગૃતિ અને શિક્ષણ પર BSEનું ફોકસ રહ્યું છે અને ‘બીએસઈ નિવેશ મિત્ર’ એનું ઉત્તમ ઉદાહરણ છે કે એક એક્સચેન્જ રોકાણકારોના શિક્ષણ ક્ષેત્રે કેવી સક્રિય ભૂમિકા ભજવી શકે છે. લોકોને જાણકારી અને વિશ્વાસથી સજ્જ કરી ફાઇનૅન્શ્યલ માર્કેટ્સમાં પ્રવૃત્ત કરવા માટે આ ઍપ રોકાણની ઇકો સિસ્ટમમાં BSEએ આપેલું યોગદાન છે.’
આ પ્રસંગે BSE ખાતે યોજાયેલા સમારંભમાં SEBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશી કુમાર વલસાકુમાર સહિત BSE અને SEBIના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઍપ બધા લોકો માટે ઉપલબ્ધ છે અને એના માટે ટ્રેડિંગ અકાઉન્ટ કે રોકાણનો અનુભવ આવશ્યક નથી. આ ઍપ ઍપલ સ્ટોર અને ગૂગલ પ્લે પર ઉપલબ્ધ છે.


