Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડૉક્ટરની સલાહને અવગણીને રાજ કપૂર દિલ્હી ગયા એનું શું પરિણામ આવ્યું?

ડૉક્ટરની સલાહને અવગણીને રાજ કપૂર દિલ્હી ગયા એનું શું પરિણામ આવ્યું?

18 March, 2023 12:31 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

થોડા મહિના તેમનું સ્વાસ્થ્ય ઠીક-ઠીક રહેવા લાગ્યું. સાવચેતીરૂપે ડૉક્ટરે તેમને વધારે શ્રમ ન લેવાની સલાહ આપી હતી

રાષ્ટ્રપતિના હસ્તે દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યાની થોડી મિનિટો બાદ રાજ કપૂરની તબિયત લથડી ગઈ હતી.

વો જબ યાદ આએ

રાષ્ટ્રપતિના હસ્તે દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યાની થોડી મિનિટો બાદ રાજ કપૂરની તબિયત લથડી ગઈ હતી.


I am not afraid of death, I just don’t want to be there when it happens.
 - Woody Allen [Film Maker]
‘હું મૃત્યુથી ડરતો નથી, બસ એટલું જ ઇચ્છું કે જ્યારે એ આવે ત્યારે હું હાજર ન હોઉં.’ બહારથી માણસ ગમે એટલો દેખાવ કરે કે હું અંતિમ સફરે જવા તૈયાર છું, પણ અંદરથી તો તે ડરેલો જ હોય છે. વિદાયની એ અંતિમ પળ જેટલી વધુ લંબાય એટલા માટે મનુષ્ય સતત પ્રયત્ન કરતો હોય છે. આ એક માનવસહજ નબળાઈ છે. રાજ કપૂરને એક વાતનો અણસાર આવી ચૂક્યો હતો કે વિદાયની વેળા નજીક આવી ચૂકી છે એટલે તેઓ નવેમ્બર ૧૯૮૭માં કડકડતી ઠંડીમાં ઉત્તર ભારતના ધરમશાલા ગયા. ત્યાં એક વિખ્યાત તિબેટિયન ડૉક્ટર સાથે તબિયતની ચર્ચા કરી અને તેમની સારવાર શરૂ કરી.

થોડા મહિના તેમનું સ્વાસ્થ્ય ઠીક-ઠીક રહેવા લાગ્યું. સાવચેતીરૂપે ડૉક્ટરે તેમને વધારે શ્રમ ન લેવાની સલાહ આપી હતી. એ સલાહને અવગણીને એપ્રિલ ૧૯૮૮માં તેઓ પોતાના મનગમતા ક્રિકેટને માણવા એક અઠવાડિયું શારજાહ જઈ આવ્યા. મુંબઈ આવ્યા બાદ તેમની નજીકની એક મિત્ર રમોના ઝવેરીના અવસાનના સમાચાર મળ્યા અને રાજ કપૂર ભાંગી પડ્યા. 
અમદાવાદના બિઝનેસમૅન બાબુભાઈ ઝવેરીની પુત્રી અને પ્રમાણમાં યુવાન રમોના ઝવેરીના અકાળ અવસાનના સમાચારથી રાજ કપૂરની માન્યતા દૃઢ બની કે યમરાજ તેમની નિકટની વ્યક્તિઓને નિશાન બનાવી રહી છે. હકીકતમાં તેમનું લક્ષ્ય પોતે છે, પરંતુ દર વખતે તે નિશાન ચૂકી જાય છે. કેટલો વખત આવું થયા કરશે એની ખબર નથી, પરંતુ પોતાનો વારો આવવાનો સમય નજીક આવતો જાય છે એ નક્કી છે. આવી ડિપ્રેશનની અવસ્થામાં ડૉક્ટરની સલાહને અવગણી રાજ કપૂર ઝવેરી પરિવારને સાંત્વના આપવા અમદાવાદ ગયા.



અંતે સૌને જેનો ભય હતો એવું જ બને છે. અમદાવાદથી આવ્યા બાદ તેમની તબિયત બગડતાં ૧૫ એપ્રિલે તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં એક અઠવાડિયું રહી જ્યારે રાજ કપૂર ઘરે આવે છે ત્યારે ડૉક્ટરોએ એક વાતની ખાસ તાકીદ કરી કે હવે તેમણે ઘરમાં રહીને જ સંપૂર્ણ આરામ લેવો પડશે. કોઈ પણ જાતનો શારીરિક શ્રમ કે બહારની પ્રવૃત્ત િઓ કરવા માટે તેઓ હાલમાં સક્ષમ નથી.
રાજ કપૂર એટલું તો સમજી ગયા કે હવે એક ફિલ્મમેકર તરીકે પોતે આરકે સ્ટુડિયો માટે સક્રિય રીતે કાંઈ પણ કરી શકે એવી હાલતમાં નથી. તેમણે એક ડહાપણભર્યું કામ કર્યું. બદલાતા સમયના તકાજાને સ્વીકારીને ઉદ્યોગપતિ શશિકાંત ગરવારે સાથે એક ડીલ ફાઇનલ કરી. એ મુજબ આરકે ફિલ્મ્સની ‘આગ’થી ‘રામ તેરી ગંગા મૈલી’ સુધીની ૧૮ ફિલ્મોની વિડિયો કૅસેટનો સેટ બહાર પાડવાનો કૉન્ટ્રૅક્ટ ગરવારે સાથે સાઇન કર્યો.


એ દિવસોમાં દિલ્હીથી સંદેશ આવ્યો કે તેમને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવાનું નક્કી થયું છે. એ માટેનો સમારોહ દિલ્હીમાં યોજાશે અને રાષ્ટ્રપતિના હસ્તે તેમને અવૉર્ડ આપીને બહુમાન કરવામાં આવશે. સ્વાભાવિક છે આટલો મોટો ઍવોર્ડ મળતો હોય ત્યારે રાજ કપૂરની હાજરી અનિવાર્ય બની જાય. તેમની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ ભલામણ કરી કે ત્યાં જવું ઉચિત નથી છતાં રાજ કપૂરે નક્કી કર્યું કે તેઓ દિલ્હી જશે.

કાશ, તેમણે ડૉક્ટરની સલાહ માની હોત. રાજ કપૂર જાણતા હતા કે તેમનું શરીર આટલો પરિશ્રમ ઝીલવા તૈયાર નથી. એક શોમૅન તરીકે આટલું મોટું સન્માન મળતું હોય ત્યારે એનો અસ્વીકાર કરવાની હિંમત બતાવવી એ સહેલું નહોતું. તેમણે સેક્રેટરી હરીશ બીબરાને કહ્યું કે દિલ્હી સંદેશો મોકલાવે કે રાજ કપૂર હાજર રહેશે. 
૧ મેએ દિલ્હી જતાં પહેલાં ૩૦ એપ્રિલની સાંજે રાજ કપૂરે ચેમ્બુર કૉટેજમાં એક મીટિંગ બોલાવી. રણધીર કપૂર અને રવીન્દ્ર પીપટ (‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ અને ‘પ્રેમરોગ’ સમયે રાજ કપૂરના અસિસ્ટન્ટ હતા જેમણે આરકે ફિલ્મ્સ છોડીને સ્વતંત્ર ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું હતું) ત્યાં હાજર હતા. રણધીરના હાથમાં ૫૦૦૦ રૂપિયા આપીને કહ્યું કે ‘હીના’નું ડાયરેક્શન કરવા માટેનો આ સાઇનિંગ અમાઉન્ટ છે. મારી શારીરિક હાલત એવી નથી કે હું ફિલ્મનું ડાયરેક્શન કરી શકું. હું ‘ઓવરઑલ સુપરવિઝન’ કરી શકું. જો કોઈ તકલીફ પડે તો હું માર્ગદર્શન આપતો રહીશ. રવીન્દ્ર પીપટને કહ્યું કે આરકેની બીજી એક ફિલ્મનું ડાયરેક્શન તારે કરવાનું છે.


 ૧૯૮૮ની ૧ મેએ રવિવારે રાજ કપૂર પત્ની અને નિકટના મિત્ર સાથે દિલ્હી જવા ઍરપોર્ટ આવ્યા. સાંતાક્રુઝ ઍરપોર્ટ પહોંચતાં જ તેમને ‘અનઈઝી’ ફીલ થવા લાગ્યું. એક વખત તો તેમણે કહ્યું પણ ખરું કે ‘ઘરે પાછાં જઈએ. મારાથી પ્રવાસ નહીં થાય.’ કોણ જાણે કેમ, પણ અંતરના અવાજને અવગણીને તેમણે એ વિચારને માંડી વાળ્યો. જો તેમણે એવું ન કર્યું હોત તો વાત કંઈક ઑર હોત. આ ‘જો’ અને ‘તો’ની વચ્ચેની રહસ્યમયી દુનિયા જોવાની શક્તિ ઈશ્વરે મનુષ્યજાતને નથી આપી એનું પણ કોઈ કારણ હશે. 
 ૧૯૮૮ની બીજી મેએ સાંજે દિલ્હીના સિરી ફોર્ટ ઓપન ઍર ઑડિટોરિયમ ખાતે નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સ આપવાનો આ કાર્યક્રમ દૂરદર્શન પર ‘લાઇવ ટેલિકાસ્ટ’ થતો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર એચકેએલ ભગતે રાજ કપૂરનો પરિચય રાષ્ટ્રપતિ આર. વેંકટરામન સાથે કરાવ્યો ત્યારે કોઈને ખબર નહોતી કે થોડા સમય બાદ શું થવાનું છે. લાખોની સંખ્યામાં દર્શકો આ કાર્યક્રમ માણી રહ્યા હતા. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક વાત એ હતી કે દર્શકો જોઈ રહ્યા હતા કે રાજ કપૂરની હાલત સાચે જ દયાજનક હતી. જ્યારે અવૉર્ડ માટે તેમના નામની અનાઉન્સમેન્ટ થઈ ત્યારે એક-એક શ્વાસ માટે મહેનત કરતા રાજ કપૂર ફાંફાં મારી રહ્યા હતા. અવૉર્ડ લેવા જવાની વાત તો દૂર રહી; ઊભા થવાની પણ તેમનામાં તાકાત નહોતી.

અને ત્યાં એક એવી વાત બની જે દરેકના હૃદયને સ્પર્શી ગઈ. રાજ કપૂરની આવી નાજુક હાલત જોઈને રાષ્ટ્રપતિ આર. વેંકટરામન સ્ટેજ પરથી નીચે ઊતરી રાજ કપૂર પાસે આવ્યા અને તેમને અવૉર્ડ આપ્યો. શ્વાસ લેવા ઝઝૂમતા રાજ કપૂરના ચહેરા પર એ સમયે થોડી ક્ષણ માટે ગૌરવની ઘટનાની લાલી છવાઈ ગઈ હતી. ચૂપચાપ તેમણે પોતાનું અભિવાદન સ્વીકારીને, આંખો દ્વારા આભાર વ્યક્ત કર્યો. એક કલાકાર માટે રાષ્ટ્રગૌરવની આ થોડી ક્ષણ જાણે સંજીવની બની ગઈ, પરંતુ એ હાશકારો સૌને માટે ક્ષણજીવી હતો. થોડી જ મિનિટોમાં રાજ કપૂરની હાલત એટલી બગડી કે ત્યાં હાજર રહેલી રાષ્ટ્રપતિની ઍમ્બ્યુલન્સમાં તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ લઈ જવાયા.

ત્યાં મળેલી તાત્કાલિક સારવારથી એ રાતે રાજ કપૂરનો જીવ બચી ગયો. ડૉક્ટર જે. એન. પાંડેએ કહ્યું કે ‘બીજી કોઈ વ્યક્તિ આટલી ગંભીર અવસ્થામાં જીવતી રહી જ ન શકે. રાજ કપૂર સાચે જ ફાઇટર છે.’ ન્યુમોનિયાનો સખત હુમલો થવાને કારણે તેમનાં ફેફસાં અત્યંત નબળાં થઈ ગયાં હતાં. દિવસ-રાત ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં વ્યસ્ત રહેતી. બીજી મેએ દાખલ થયેલા રાજ કપૂરની હાલતમાં ચાર દિવસ પછી થોડો સુધારો દેખાયો અને સૌને આશા જાગી કે થોડા દિવસમાં રાજ કપૂર સાજા થઈ જશે. આ પહેલાં પણ તેઓ હૉસ્પિટલમાં જઈને બહાર આવ્યા છે એટલે આ કોઈ નવી વાત નથી. તેમના ચાહકો માનતા કે ચેમ્બુરનો સિંહ હંમેશાં હૉસ્પિટલના બિછાને પડી રહે એ વાતમાં દમ નથી.

ડૉક્ટરોએ કહ્યું એમ, રાજ કપૂર ફાઇટર હતા. યમરાજાને જાણે ચૅલેન્જ આપીને કહી રહ્યા હોય, ‘હું ડાઉન છું પણ આઉટ નથી.’ મૃત્યુને નજીક બોલાવીને હાથતાળી આપતા રાજ કપૂર સૌને છેતરામણી આશા આપી રહ્યા હતા. હૉસ્પિટલમાં લાચાર અવસ્થામાં રાજ કપૂરના ચહેરાને જોઈને એની લિપિ ઉકેલતા સ્વજનોને એમ જ વંચાતું હતું, ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખતમ નહીં હુઆ.’ હકીકત એ હતી કે દીવો બુઝાય એ પહેલાંની એ અંતિમ ચમકતી રોશની હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2023 12:31 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK