Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેમરીઝને મૉલ્ડમાં ઢાળીને મમળાવો

મેમરીઝને મૉલ્ડમાં ઢાળીને મમળાવો

20 January, 2023 05:32 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

હાથ અને પગના મૉલ્ડ તૈયાર કરવાનો ટ્રેન્ડ આજકાલ ભારે ચગ્યો છે ત્યારે મુલુંડનાં હિરલ મહેતાએ એવી પ્રોડક્ટ બનાવી જેથી લોકો જાતે આ કામ સરળતાથી પોતાને જ્યાં અને જ્યારે કરવું હોય ત્યારે કરી શકે છે

હિરલ મહેતા અને મૉલ્ડ

સ્ટાર્ટ અપ સ્ટોરી

હિરલ મહેતા અને મૉલ્ડ


બાળક જન્મે અને ઘરે આવે ત્યારે તેના પગના તળિયે કંકુ લગાડીને તેનાં પગલાં એક સફેદ કાપડ પર લઈ લેવાની પ્રથા ઘણી જૂની છે. બાળકનું બાળપણ તો આપણે અકબંધ નથી રાખી શકતા પરંતુ એ બાળપણની યાદોને અકબંધ ચોક્કસ રાખી શકીએ છીએ. ફોટોગ્રાફ્સ, બાળકની નાની-મોટી વસ્તુ દરેક માતા-પિતા સાચવી રાખતાં હોય છે. તેના નાનકડા હાથપગનો એહસાસ જીવનભર માણી શકાય, તેના હાથની એ આછી-પાતળી રેખાઓને ફરીથી જોઈ શકાય એ આશય સહ એવી ઘણી પ્રોડક્ટ્સ માર્કેટમાં મળી રહી છે જેના દ્વારા હાથ અને પગની પ્રતિકૃતિ બનાવી શકાય. મુંબઈમાં આ પ્રોડક્ટ્સની આજકાલ ઘણી ડિમાન્ડ છે જેને માટે લોકો આજકાલ ૧૫-૨૦ હજાર રૂપિયા ખર્ચ કરવા લાગ્યા છે. પરંતુ જે લોકો આટલા પૈસા ન ખર્ચી શકે તેમનું શું? 
 


બજેટ

 
આ વિચાર આજથી પાંચ વર્ષ પહેલાં મુલુંડમાં રહેતી હિરલ મહેતાને આવ્યો હતો. હિરલને એ સમયે પોતાના બાળકનાં પગલાંની પ્રતિકૃતિ બનાવવાની ઇચ્છા હતી, જેના વિશે વાત કરતાં તે કહે છે, ‘આ ફીલિંગ ઘણી સ્પેશ્યલ છે કે તમે તમારા બાળકનાં નાનકડાં પગલાંને જીવનભર સંભાળીને રાખી શકો. કોઈ પણ માતા-પિતા માટે એ ઇમોશનલ બાબત હોઈ શકે. મેં એ સમયે માર્કેટમાં જે જાણીતા લોકો હતા એમનો સંપર્ક કર્યો હતો. ૨૦ હજાર રૂપિયા બજેટ સાંભળીને મને લાગ્યું કે જેની પાસે પૈસા છે એવા લોકો જ આ સ્પેશ્યલ ફીલિંગનો આનંદ માણી શકે. એ તો ખોટું કહેવાય. આનો કોઈ ઑપ્શન તો હોતો હશેને જે સસ્તું બનતું હોય અને એની ક્વૉલિટી પણ ઘણી સારી હોય. બસ, આ વિચારે જ જન્મ થયો મૉલ્ડિંગ યૉર મેમરીઝનો.’

 
શરૂઆત 
 
હિરલને બાળક આવ્યું એ પહેલાં તે બૅન્કમાં જૉબ કરતી હતી. મૅટરનિટી લીવ પછી તેને એક એવા કામની શોધ હતી જેમાં તે ઘર પર અને બાળક પર બંને પર પૂરતું ધ્યાન આપી શકે. એ દરમિયાન પોતાને આવેલા આ વિચારને તેણે બિઝનેસનું રૂપ આપ્યું. એ વિશે વાત કરતાં હિરલ કહે છે, ‘પહેલાં તો આ પ્રોડક્ટ્સ અને એના મટીરિયલ માટેનું મારું રિસર્ચ ચાલ્યું. એનું મૅન્યુફૅક્ચરિંગ કઈ રીતે કરી શકાય, શું કરીએ તો આ મોંઘીદાટ પ્રોડક્ટ્સને અફૉર્ડેબલ બનાવી શકાય. આ બધું કરતાં-કરતાં ધીમે-ધીમે કામ શરૂ થયું. વધુ પૈસા એક નવા કામમાં રોકવા યોગ્ય નથી એમ માનીને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાથે શરૂઆત કરી. ઑનલાઇન બિઝનેસ એ સમયે ઝડપ પકડતો હતો અને મને થયું એ સેફ ઑપ્શન છે. શરૂઆત કરવા માટે આનાથી સારું પ્લૅટફૉર્મ કોઈ નથી અને બસ, ફક્ત બે પ્રોડક્ટ સાથે મેં શરૂઆત કરી.’ 
 
 
DIY - ડૂ ઇટ યૉરસેલ્ફ 
 
ઑનલાઇન પ્લૅટફૉર્મ પર નાખતાની સાથે જ બે દિવસમાં તેને પહેલો ઑર્ડર મળ્યો. એ ઑર્ડરની ખુશી જ અલગ હતી એમ જણાવતાં હિરલ કહે છે, ‘એ બે પ્રોડક્ટની પણ મેં ૧૦-૧૦ કિટ રાખેલી બસ. મુખ્ય વસ્તુ એ હતી કે મને લાગ્યું કે બજારમાં જે મોંઘી સર્વિસ આપે છે એ પ્રોડક્ટમાં એ વ્યક્તિ તમને બધું કરીને આપે. જ્યારે મને થયું કે આપણે DIY કિટ બનાવવી જોઈએ. મમ્મી-પપ્પા જાતે કરે તો તેમને જે મજા આવે એ કોઈ કરી આપે એમાં નથી. આ એક ફૅમિલી ઍક્ટિવિટીની મજા પણ આપે અને બીજું, એક યાદગાર અનુભવ પણ થાય. વળી આ એટલું અઘરું કામ પણ નથી કે જાતે ન કરી શકાય. અંતે આ બધું કરી જ એટલે રહ્યા છીએ કે યાદ બને. તો પછી એને જાતે કરીને વધુ યાદગાર કેમ ન બનાવવી? એટલે મેં વિચાર્યું હતું કે પ્રોડક્ટ તરીકે DIY કિટ જ બનાવીશું.’ 
 
 
કામ 
 
DIY કિટના પ્રોડક્શનમાં શું ધ્યાન રાખવું જરૂરી છે એ બાબતે વાત કરતાં હિરલ કહે છે, ‘પ્રોડક્ટ તમારી ઈઝી ટુ યુઝ હોવી જોઈએ. દરેક સ્ટેપ બીજી વ્યક્તિને ખૂબ સરળતાથી સમજાઈ જાય એવી રીતે એની માહિતી ઇન્સ્ટ્રક્શન બુકમાં આપવી જોઈએ. એ બધું ધ્યાન રાખવા છતાં અહીં જવાબદારી પૂરી થતી નથી. પ્રોડક્ટ વેચવી એક કામ છે પરંતુ મારે એના વેચ્યા પછી વધુ કામ હોય છે; જેના માટે મેં એક કસ્ટમર કૅર પણ ચાલુ કર્યું, કારણ કે જ્યારે જાતે આ કામ કરવાનું હોય તો લોકોને ઘણા પ્રશ્નો થઈ આવે છે તો અમે એ પ્રશ્નોના જવાબ આપી શકીએ એ માટે એ જરૂરી છે. આ સિવાય વિડિયોઝ દ્વારા અમે એ સમજણ આપવાની કોશિશ કરીએ છીએ કે પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવા.’
 
જુદી-જુદી પ્રોડક્ટ્સ 
 
હિરલ પાસે આજની તારીખે ૪૦ જુદી-જુદી પ્રોડક્ટ્સ છે. હાથની છાપ, પગની છાપ, હાથ અને પગના મૉલ્ડ તૈયાર કરવા જેવી પ્રવૃત્તિ માટે એ શેમાં બનાવવુંથી લઈને એ બની જાય પછી એને રંગ કરવો હોય તો કઈ રીતે કરવો, એને ફ્રેમ કરીને રાખવા માટેની વ્યવસ્થા, જો તમને એ ફ્રેમ ડેકોરેટ કરવી હોય તો એના ડેકોરેશનનો સમાન પણ એ તમને આ કિટમાં મળી રહે એવી જુદી-જુદી પ્રોડક્ટ્સ આવે છે જેની રેન્જ ૩૯૯થી લઈને ૨૧૯૯ રૂપિયા સુધીની છે. એક સમયે અઠવાડિયામાં ૪-૫ પ્રોડક્ટ વેચતી હિરલ આજે ઍમેઝૉન અને પોતાની વેબસાઇટ www.moldyourmemories.com થકી દિવસની દરેક પ્રોડક્ટના ચાલીસ નંગ વેચતી થઈ ગઈ છે. એની એક ખાસ પ્રોડક્ટ વિશે વાત કરતાં હિરલ કહે છે, ‘આપણે બાળકનાં જે કંકુ પગલાં કરાવતાં હતાં એમાં બાળકને પગના તળિયે કંકુ લગાવતાં. આજની તારીખે કેમિકલ વગરનું કંકુ મળતું નથી. એનાથી બાળકના કોમળ પગ ફાટી જાય. એને ખૂબ ઘસીને સાફ કરીએ તો પણ નીકળે નહીં એવા પ્રૉબ્લેમ્સ આવતા હોય છે, જેના ઉપાય સહજ અમારી પાસે એક પ્રોડક્ટ છે જેમાં ઇન્ક-પૅડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ક-પૅડ પર એક પાતળું લેયર હોય છે જેના પર બાળકનો પગ પ્રેસ કરવાથી બીજી બાજુ છાપ આવી જાય છે અને બાળકના પગ પર બિલકુલ ઇન્ક લાગશે નહીં, જેથી બાળકનાં પગલાં પણ લેવાઈ જાય અને એને કોઈ નુકસાન પણ નથી થતું. આ ઇન્ક પણ ૬ જુદા-જુદા રંગમાં આવે છે.’ 
 
સતત નવું અને સારું આપવાની ઇચ્છા હિરલને તેના બિઝનેસમાં આગળ વધવા મદદ કરી રહી છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘જ્યારે પગ કે હાથની પ્રતિકૃતિ બનાવીએ ત્યારે એ હાથ અને પગ એકદમ રિયલ લાગે, એ વ્યક્તિનો એહસાસ કરાવે એ અનુભવ મહત્ત્વ છે. એટલે અમે એવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જેમાં હાથની કે પગની પ્રતિકૃતિ એકદમ ઓરિજિનલ હાથ જેવી જ લાગે. એમાં હાથની રેખાઓ પણ સરસ ઊપસી આવે, જેનાથી એકદમ ઓરિજિનલ ફીલ આવે અને એ જીવનભર રહે. બજારમાં મીણથી પણ આ પ્રકારના મૉલ્ડ બની શકે છે પરંતુ એમાં રેખાઓ આવી શકતી નથી અને ગરમીમાં મીણ પીગળી જતું હોય છે. હવે જે પ્રોડક્ટ્સ આવે છે એ જીવનભર રહે છે.’ 
 
 
ઉપયોગ શું થાય?

તો શું એ ફક્ત બેબીઝ માટે જ કામની છે? બિલકુલ નહીં. એ જવાબ આપતાં હિરલ કહે છે, ‘યાદને પાકી કરવા મૉલ્ડિંગ કન્સેપ્ટ શરૂ થયો છે. જો તમને તમારાં માતા-પિતાના આશીર્વાદ જીવનભર માટે અકબંધ કરવા હોય તો તેમનો હાથ મૉલ્ડ કરાવો. જો તમને નવવધૂનાં પગલાં કરાવવાં હોય તો પણ એ કામનું છે. જો તમને જીવનસાથી સાથે એક યાદગાર મોમેન્ટમ બનાવવું હોય તો બંનેના હાથ એકબીજાના હાથમાં હોય એવું એક મૉલ્ડ બનાવી શકાય. માતા-પિતા અને બાળકના કે સમગ્ર પરિવારના હાથનું મૉલ્ડ પણ બને છે. તમારી ઇમૅજિનેશન મુજબ એનો ઉપયોગ તમે કરી શકો છો.’

નવું શું? 

હિરલ મહેતા આજકાલ એવી પ્રોડક્ટ્સના રિસર્ચમાં વ્યસ્ત છે જેના વડે તમે બાળકના દૂધિયા દાંત કે તેના મુંડન પહેલાંના વાળને પણ સાચવી શકો. થાય છે એવું કે ઘણા લોકો એ સાચવીને રાખતા હોય છે પરંતુ સમય જતાં દાંત પર ફૂગ થઈ જાય કે એ સડી જાય, વાળમાં પણ ઇન્ફેક્શન લાગી શકે. એને કઈ રીતે સરળતાથી જીવનભર સાચવી શકાય એનું રિસર્ચ પૂરું થતાં જ તે આ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં લાવશે.  

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 05:32 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK