યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ૨૦૨૫ના ડ્રાફ્ટ રૂલ્સને લઈને સત્તાધારી NDAમાં ઘમસાણ યુદ્ધ શરૂ થયું છે. વિરોધનો મુદ્દો એ છે કે આ નિયમો હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરવામાં રાજ્યપાલોને વધુ સત્તા આપવાની જોગવાઈ છે
શિક્ષણ-વ્યવસ્થા
આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આ દેશ એ ચર્ચામાં સમય બરબાદ કરી રહ્યો છે કે શિક્ષણ-વ્યવસ્થા કેવી હોવી જોઈએ. અત્યાર સુધીમાં તો આધુનિક અને ભવિષ્યગામી ભારત માટેની શિક્ષણપ્રણાલીનો એક નક્કર પાયો તૈયાર કરવો જોઈતો હતો. એને બદલે ઊંધું થઈ રહ્યું છે. જેકંઈ થોડું કામ થયું છે એને પણ બરબાદ કરવામાં આવી રહ્યું છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના ૨૦૨૫ના ડ્રાફ્ટ રૂલ્સને લઈને, સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં ઘમસાણ યુદ્ધ શરૂ થયું છે. આ મુદ્દો રાજકીય અને શૈક્ષણિક બન્ને દૃષ્ટિકોણથી ચર્ચાનો વિષય બની ગયો છે. વિરોધનો મુદ્દો એ છે કે આ નિયમો હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરવામાં રાજ્યપાલોને (જે ચાન્સેલરની ફરજ પણ બજાવતા હોય છે) વધુ સત્તા આપવાની જોગવાઈ છે.
ADVERTISEMENT
આ પગલું રાજ્યોના અધિકાર અને સંઘવાદ પર પ્રશ્ન ઊભા કરી રહ્યું છે. રાજ્યપાલ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. આ નિયમો લાગુ થાય તો ઉચ્ચ શિક્ષણમાંથી ચૂંટાયેલી રાજ્ય સરકારની ભૂમિકાનું નામોનિશાન નીકળી જશે.
૬ જાન્યુઆરીએ UGCએ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં વાઇસ ચાન્સેલરો, શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે ડ્રાફ્ટ રૂલ્સ બહાર પાડ્યા હતા. નવા નિયમો કેન્દ્રીય, રાજ્ય, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓને લાગુ પડશે. આવી તમામ કૉલેજો અને યુનિવર્સિટીઓએ નિયમ જાહેર થયાના ૬ મહિનાની અંદર નવા નિયમોનું પાલન કરવું પડશે.
શિક્ષણવિદો આ દરખાસ્તને તેમના અધિકારક્ષેત્રમાં બાહ્ય હસ્તક્ષેપ તરીકે જોઈ રહ્યા છે. તેઓ શિક્ષણના મંદિરમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યા હોય એવું લાગે છે.
તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલા જેવાં રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો પહેલેથી જ અનેક મુદ્દાઓ પર રાજ્યપાલો સાથે સંઘર્ષ કરી રહી હતી અને હવે UGCનો મુસદ્દો વિવાદને વધુ તીવ્ર બનાવે એવી શક્યતા છે. NDAના મુખ્ય ઘટકો JD-U અને TDPના નેતાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. કેરલા વિધાનસભામાં UGC ડ્રાફ્ટ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
તામિલનાડુ સરકારે UGC રેગ્યુલેશન ૨૦૨૫ને બંધારણ અને સંઘવાદના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યું છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર થયા પછી જણાવ્યું હતું કે UGCના નવા નિયમો રાજ્યપાલોને વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં વધુ અધિકાર આપે છે, જે યુનિવર્સિટીઓના વિનાશ તરફ દોરી જશે. તેમણે એમ પણ કહ્યું છે કે જો આ પ્રસ્તાવ પછી પણ કેન્દ્ર સરકાર પોતાનો વિચાર નહીં બદલે તો તામિલનાડુ સરકાર અદાલતનો સંપર્ક કરશે.
આ મુદ્દે કર્ણાટક પણ બિન-BJP શાસિત રાજ્યો સાથે જોડાયું છે. શિક્ષણપ્રધાન ડૉ. એમ. સી. સુધાકરે કહ્યું છે કે ડ્રાફ્ટ ધોરણો ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે મોટો આંચકો છે અને સંઘીય વ્યવસ્થામાં રાજ્યોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે જાહેરાત કરી છે કે સૂચિત નિયમો પર ચર્ચા કરવા માટે કર્ણાટક પાંચમી ફેબ્રુઆરીએ રાજ્યોના ઉચ્ચ શિક્ષણપ્રધાનોના રાષ્ટ્રીય સ્તરના સંમેલનનું આયોજન કરશે.
મુખ્ય વિપક્ષી કૉન્ગ્રેસે કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા છે. કૉન્ગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ નિયમો દ્વારા બિનશૈક્ષણિક લોકોને પણ આ હોદ્દા પર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક નિવેદનમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી - માર્ક્સવાદી (CPI-M)એ કહ્યું કે આ નિયમ રાજ્ય સરકારના અધિકારો પર સીધો હુમલો હતો.
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) અને પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ ફોરમે જાહેરમાં એનો વિરોધ કર્યો છે અને અન્ય વિદ્યાર્થી સંગઠનોને એને નકારી કાઢવા હાકલ કરી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ‘તામિલનાડુ અને કેરલા જેવાં કેટલાંક વિપક્ષશાસિત રાજ્યોની સરકારો વાઇસ ચાન્સેલરોની નિમણૂકને લઈને તેમના રાજ્યપાલો સાથે પહેલેથી જ સંઘર્ષ કરી રહી હતી. સુધારેલા નિયમો હવે રાજ્યપાલોને વધુ સત્તા આપે છે. વધુમાં પ્રથમ વખત નવા ડ્રાફ્ટ નિયમો ઉદ્યોગના નિષ્ણાતો અને જાહેર ક્ષેત્રના અનુભવીઓને વાઇસ ચાન્સેલરની ભૂમિકા માટે વિચારણા કરવાની મંજૂરી આપે છે. આ પરિવર્તન શૈક્ષણિક ક્ષેત્રમાં કૉર્પોરેટ સંસ્કૃતિની દખલ છે.’
બદલે બદલે સે સરકાર નઝર આતે હૈં
કોઈ દેશમાં સત્તાપરિવર્તન થાય અને નવા વડા કમાન સંભાળે ત્યારે બીજા દેશના વડાઓ ટેલિફોન પર તેમને શુભેચ્છા આપે છે અને બન્ને વડાઓ સાથે મળીને એકબીજાના તેમ જ વિશ્વના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ પ્રકારની વાતચીત હંમેશાં સકારાત્મક અને આશાવાદી અભિગમથી ભરેલી હોય છે. એમાં કોઈ કડવાશ કે મતભેદને લાવવામાં આવતા નથી અને એવી જરૂર જણાતી હોય તો પણ એ કામ વડાઓ પોતે નથી કરતા, તેમના અધિકારીઓ પડદા પાછળ તેની સાથે નિપટતા હોય છે.
દાયકાઓઓથી દુનિયામાં આવો જ શિરસ્તો છે. આને જ ડિપ્લોમસી કહે છે. દેખીતી રીતે જ અમેરિકામાં વાપસી કરનાર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ આવા સૌજન્યમાં માનતા નથી. તેઓ સત્તામાં આવ્યા ત્યારથી ઘરઆંગણે અને બીજા દેશોને જાતભાતની ધમકી આપી રહ્યા છે. એવું લાગે છે કે તેમને ‘અમેરિકાને ફરીથી મહાન’ બનાવવાની એટલી ઉતાવળ છે કે તેઓ શિષ્ટાચારને કોરાણે મૂકી રહ્યા છે. જોકે ટ્રમ્પને શિષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી એ તો તેમના પહેલા કાર્યકાળમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું.
આ અઠવાડિયે તેમની આ નો-નૉનસેન્સ રસમનો અનુભવ ભારતને પણ થયો છે. નવનિર્વાચિત રાષ્ટ્રપતિને અભિનંદન આપવા માટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકા પાસેથી સંરક્ષણનો વધુ સામાન ખરીદવાની અને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાની જરૂર છે.
એમ તો બન્ને નેતાઓ વચ્ચે બીજી ઘણી વાત થઈ હતી, પરંતુ ટ્રમ્પના બયાનમાં આ એક વાક્ય (જે ભારતના સત્તાવાર બયાનમાં નથી) ડિપ્લોમસીના જાણકારો વચ્ચે ચર્ચાનો મુદ્દો બન્યું છે. તેઓ કહે છે કે ટ્રમ્પે જે રીતે ટેલિફોનિક વાતચીત જાહેર કરી છે એમાં સ્પષ્ટ રીતે તેમણે ભારત પર દબાણ કર્યું છે કે સંબંધો આગળ વધારવા હોય તો એણે અમેરિકામાં નિર્મિત સુરક્ષા ઉપકરણો ખરીદવાં પડશે અને અમેરિકાનું હિત જળવાય એ રીતે વેપાર કરવો પડશે.
સૌજન્ય ફોનમાં આવું કહેવા પાછળ કયાં કારણો હશે એ તો માય ફ્રેન્ડ ટ્રમ્પ જ કહી શકે પણ એક વાત નક્કી છે કે તેમના તેવર ‘હાવડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’વાળા તો નથી જ.
કુંભમેળામાં રાજનીતિની ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં નાસભાગથી ૫૦ લોકોનાં મૃત્યુ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત અમૃત સ્નાન સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ દુર્ઘટનાને પગલે ઉત્તર પ્રદેશ સરકારે શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મેળાસ્થળને સંપૂર્ણ નો-વેહિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કોઈ પણ વાહનને અંદર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એ ઉપરાંત VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે.
જોકે આ નિયમ ૪ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. બીજા દિવસે એટલે કે પાંચમી ફેબ્રુઆરીએ વડા પ્રધાન ત્યાં ડૂબકી લગાવવાના હતા, પરંતુ તેમણે હાલ પૂરતી આ વિઝિટ મુલતવી રાખી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર થશે.
નરેન્દ્ર મોદી માત્ર પવિત્ર ગંગામાં ડૂબકી નહીં લગાવે, નદીની આરતી પણ કરશે અને પૂજા પણ કરશે. તેઓ પ્રયાગરાજમાં અક્ષયવટ, સરસ્વતી કૂપ અને બડે હનુમાન મંદિર સહિત મુખ્ય આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લે એવી પણ અપેક્ષા છે.
વિપક્ષી દળોના નેતાઓએ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે દુર્ઘટના માટે ‘ગેરવહીવટ’ અને ‘વીઆઇપી સંસ્કૃતિ’ જવાબદાર છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટના માટે વીઆઇપી સંસ્કૃતિને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે એના પર અંકુશ મુકાવો જોઈએ અને સરકારે સામાન્ય ભક્તોની જરૂરિયાતોને પહોંચી વળવા વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું કે તંત્રની ગેરવ્યવસ્થા અને સામાન્ય ભક્તોને બદલે વીઆઇપીઓ પર વિશેષ ધ્યાન એ દુખદ ઘટના માટે જવાબદાર છે.
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ભક્તો અને સંતોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કુંભનું સંચાલન અને વહીવટ સેનાને સોંપવાનું સૂચન કર્યું હતું. યાદવે કહ્યું હતું કે ‘જેઓ મહાકુંભમાં વિશ્વકક્ષાની વ્યવસ્થાના મોટા દાવા કરી રહ્યા છે તેઓએ મૃત્યુ માટે નૈતિક જવાબદારી લેવી જોઈએ અને તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.’
આ ગંભીર ક્ષતિના સંભવિત રાજકીય નુકસાનથી સભાન અને તેમની સરકારને નિશાનાથી બચાવવા માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાબડતોબ ઘટનાની તપાસનો હુકમ કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમે જસ્ટિસ હર્ષ કુમાર, ભૂતપૂર્વ DG વી. કે. ગુપ્તા અને નિવૃત્ત IAS ડી. કે. સિંહની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોના ન્યાયિક આયોગની રચના કરી છે.
આ ઘટના બાદ આદિત્યનાથે ગુરુવારે ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારા પોતાના ચૂંટણીપ્રચાર કાર્યક્રમને સ્થગિત કરી દીધો હતો. અગાઉ બુધવારે પણ તેમની દિલ્હી-મુલાકાતની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ એ પણ રદ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે આ ઘટના વિશે યોગી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર દેશને મહાકુંભમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ મુખ્ય પ્રધાન જેમણે તૈયારીઓની દેખરેખ રાખવી જોઈતી હતી તેઓ દિલ્હીમાં રાજકીય રૅલીઓમાં વ્યસ્ત હતા.

