Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દહીહંડીમાં વધુમાં વધુ થર બનાવવાનો ક્રેઝ કેટલા અંશે યોગ્ય છે?

દહીહંડીમાં વધુમાં વધુ થર બનાવવાનો ક્રેઝ કેટલા અંશે યોગ્ય છે?

13 August, 2022 11:20 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

થર વધારવાનું ઘેલું અને ગોવિંદાઓની જોખમાતી સેફ્ટી વચ્ચે હવે એને ઍડ્વેન્ચર સ્પોર્ટ બનાવવાની પેરવી ચાલે છે ત્યારે જિગીષા જૈને જાણવાની કોશિશ કરી કે વિવિધ વર્ગના લોકો આ બાબતે શું માને છે

દહીહંડીમાં વધુમાં વધુ થર બનાવવાનો ક્રેઝ કેટલા અંશે યોગ્ય છે?

દહીહંડીમાં વધુમાં વધુ થર બનાવવાનો ક્રેઝ કેટલા અંશે યોગ્ય છે?


દહીહંડી મહારાષ્ટ્રની ઓળખ છે. જોકે કૃષ્ણજન્મની ઉજવણીરૂપે ઊજવાઈ રહેલી દહીહંડીને વધુ ને વધુ ઊંચી કરવાના ચક્કરમાં દર વર્ષે કેટલાય ગોવિંદાઓનાં હાડકાં ભાંગે છે અને ક્યારેક મૃત્યુ પણ થાય છે. આ થર વધારવાનું ઘેલું અને ગોવિંદાઓની જોખમાતી સેફ્ટી વચ્ચે હવે એને ઍડ્વેન્ચર સ્પોર્ટ બનાવવાની પેરવી ચાલે છે ત્યારે જિગીષા જૈને જાણવાની કોશિશ કરી કે વિવિધ વર્ગના લોકો આ બાબતે શું માને છે

દહીહંડી ઍડ્વેન્ચર સ્પોર્ટ બનશે એટલે આપોઆપ એની સેફ્ટીના ઇશ્યુ પર વધુ ધ્યાન અપાશે
આકાશ કાંસારે, જય જવાન દહીહંડી ગ્રુપના કમિટી મેમ્બર 
દહીહંડી એક એવો તહેવાર છે જે આપણે ત્યાં વર્ષોથી ઊજવવામાં આવી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી દહીહંડી થઈ જ નથી, પરંતુ આ વર્ષે આ તહેવાર ઊજવાશે એની ખુશી છે. છેલ્લા બે મહિનાથી અમારા ગ્રુપના ૬૦૦ પ્લેયર્સ પ્રૅક્ટિસ કરી રહ્યા છે. વર્ષોથી અમે દહીહંડીના બે મહિના પહેલાં સખત પ્રૅક્ટિસ શરૂ કરીએ છીએ. બાકી વાત રહી લેયર્સ વધારતા જવાની કે વધુ ઊંચી ને ઊંચી દહીહંડી બનાવવાની તો જેટલા પ્લેયર હોય એ પ્રમાણે લેયર બનાવવામાં આવે છે. અમે ૬૦૦ જેટલા પ્લેયર છીએ એટલે અમે નવ લેયર બનાવીએ છીએ. આ બધામાં કોચ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોચ જેટલા સારા એટલી સેફ્ટી અને ઍક્યુરસી વધુ. એની સાથે-સાથે એ પણ છે કે પ્રૅક્ટિસ જેટલી સારી એટલા હાદસા થવાની શક્યતા ઓછી. દહીહંડીમાં રિસ્ક છે એ વાત સાચી, પરંતુ એ રિસ્ક ઘટાડવા માટે ઘણુંબધું કરી શકાય. દરેક ગ્રુપ માટે ગોવિંદાની સેફ્ટી સૌથી વધુ મહત્ત્વની હોય છે અને હોવી જ જોઈએ. આજની તારીખે ઘણા પ્રકારનાં ગાર્ડ્સ આવે છે, હેલ્મેટ આવે છે, પુલી અરેન્જમેન્ટ્સ હોય છે જેમાં ઉપરથી ગોવિંદાને નીચે નથી પડવા દેવાતા અને ઉપર જ તેમને ટો કરી શકાય છે. અમે ઇચ્છીએ છીએ કે દહીહંડીને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સની ઉપાધિ મળે. એના માટે અમે બધા પ્રયાસ પણ કરી રહ્યા છીએ. હ્યુમન પિરામિડ આપણે ત્યાં પારંપરિક છે. બાકીની દુનિયામાં આ એક ઍડ્વેન્ચર સ્પોર્ટ છે. આ સ્પોર્ટ બ્રાઝિલ અને સ્પેનમાં રમવામાં આવે છે. અમે લોકો ખુદ સ્પેન જઈને પર્ફોર્મ કરી આવ્યા છીએ. સ્પેનવાળા લોકો ઘણી વાર ઇન્ડિયા આવીને પર્ફોર્મ કરી ચૂક્યા છે. અમે પણ બિલકુલ નથી ઇચ્છતા કે એક પણ ગોવિંદાનો જીવ જાય કે થોડું પણ ડૅમેજ થાય. જોકે એના માટે લેયર્સ ઓછાં કરવાની નહીં, સેફ્ટીનાં સ્ટાન્ડર્ડ્સ વધારવાની જરૂર છે. જો દહીહંડી એક પારંપરિક સેલિબ્રેશન જ ન રહે અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો એને આપવામાં આવે તો એની મેળે એની સાથે ગાઇડલાઇન્સ જોડાશે. બધાએ ફરજિયાત એને પાળવી જ પડશે. એક ફેડરેશન કે અસોસિએશન બનશે જે એની સંપૂર્ણ જવાબદારી લેશે. આમ એને એક ઑફિશ્યલ રૂપ મળશે અને આપણા ગોવિંદાઓને પોતાની ટૅલન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાડવાનો મોકો પણ મળશે. આમ લાંબા પાયે આ ઉપાય જ શ્રેષ્ઠ છે. 



દહીહંડી આપણી ઓળખ છે, પણ હોડ ખોટી છે
કુણાલ દેસાઈ, 
૪૦ વર્ષ, બોરીવલી 
મુંબઈ અને મહારાષ્ટ્રની દહીહંડી અહીંની શાન છે. દહીહંડી જુદાં-જુદાં રાજ્યોમાં થાય છે, પરંતુ મહારાષ્ટ્રની વાત જ અનોખી છે. દહીહંડી અહીંની ઓળખ છે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે દહીહંડી જોવા માટે ખૂબ જ ઉત્સુક રહેતો. ખૂબ મજા આવતી. કલાકો સુધી અલગ-અલગ ગ્રુપના ગોવિંદાઓને એકબીજાની ઉપર ચડવાની કોશિશ કરતા જોવા એ એક લહાવો હતો. જ્યારે ફાઇનલી મટકી ફૂટતી ત્યારે જે મજા આવતી એ અકલ્પનીય છે. એ જોઈને મને એક પાવર ફીલ થતો. એનું ફેસિનેશન જ જુદું હતું. એ ઉત્સાહ અને ડરનું મિશ્રણ માણવામાં ખૂબ મજા આવતી. જોકે ધીમે-ધીમે મને એની ગંભીરતાનો અહેસાસ થયો. હવે મને પહેલાં જેવો આનંદ નથી થતો. ફેસિનેશન પણ ઘટી ગયું છે. એમાં પણ લેયર વધારવાની આ હોડ તો મને ખૂબ જ બાળકો જેવી લાગે છે. એમાં જાણે કોઈ રિસ્કને જોઈ જ નથી રહ્યું. સાવ નાનકડાં બાળકો તેમનો જીવ ગુમાવે એવી મજા મને હવે લૂંટવી નથી ગમતી. હું એવું નથી કહેતો કે દહીહંડી બંધ કરી દેવી, પણ એનો કોઈ એવો ઉપાય શોધવો જોઈએ જેનાથી આપણી ઓળખ અકબંધ રહે, પરંપરાનું માન જળવાય અને કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં ન આવે. 


મોટી-મોટી દહીહંડીમાં કૃષ્ણની અનુભૂતિ મિસિંગ હોય છે 
હંસા વાઢેરા, 
૫૩ વર્ષ, કાંદિવલી 
એક સમય હતો જ્યારે આટલા મોટા પ્રમાણમાં દહીહંડીનાં ફંક્શન થતાં જ નહીં. અમે તો સોસાયટીઓમાં જ જોયાં છે આવાં ફંક્શન. નાનકડાં બાળકો સાથે મળીને બધું ગોઠવે. સોસાયટીનું સૌથી નાનું બાળક કૃષ્ણ બને અને બાકીનાં બાળકે ગોવાળો. થોડી-થોડી પ્રૅક્ટિસ કરે. સરસ રીતે ડેકોરેશન થાય. બિલ્ડિંગની સ્ત્રીઓ જ એ ડેકોરેશન કરે અને બાળકોને સમજાવે કે આટલી જ ઊંચી દહીહંડી હોવી જોઈએ. તેઓ પડે તો પણ જરાય તેમને વાગે નહીં એટલે આજુબાજુ મોટા લોકો ઊભા રહે. કેટલીક વાર તો ગાદલાં પાથરેલાં પણ મેં જોયાં છે. નાનકડો પિરામિડ હોય, મટકીની અંદર બાળકોને ભાવતી મીઠાઈઓ અને ચૉકલેટ હોય. એકબીજા પર બૅલૅન્સ રાખીને મોટી વ્યક્તિની મદદથી નાનકડા બાળકૃષ્ણ મટકી ફોડે એટલે મજા પડી જાય. નંદ ઘેર આનંદ ભયો ગાજી ઊઠે. આ જે આનંદ હતો એ મોટી-મોટી દહીહંડીઓમાં ક્યાં છે? ગણીને દસ બાળકો મટકી ફોડે તો પણ એની ગરિમા સચવાઈ રહે છે અને આનંદ બમણો થાય છે, કારણ કે બધાએ ભેગા મળીને બધું કર્યું હોય છે. મારા મતે તો દહીહંડી એ જ છે. મોટી-મોટી દહીહંડીઓમાં એ શ્રદ્ધા, પ્રેમ અને કૃષ્ણની અનુભૂતિ મિસિંગ હોય છે એમ મને લાગે છે. કૃષ્ણ ક્યાં આટલી મોટી દહીહંડી કરતા હતા? આજકાલ લોકોને મોટી ને મોટી દહીહંડીઓ કરવી હોય છે. એને કૃષ્ણની બાળલીલા સાથે શું સંબંધ?

ઉજવણી કોઈનો જીવ લે એ તો કેમ પોસાય? 
અમૃતા કોટેચા, 
૩૬ વર્ષ, બોરીવલી 
નાનપણથી અમે દહીહંડી જોતા આવ્યા છીએ, પણ મને એ પહેલેથી જ ખૂબ રિસ્કી લાગ્યું છે. એ જોઈને ધ્રાસકો પડે કે હમણાં કોઈ પડશે તો શું? આજકાલ તો દરેક એરિયામાં પૉલિટિકલ પાર્ટીઓ પોતાનાં બૅનર્સ લગાડીને દહીહંડી કૉમ્પિટિશન કરાવે છે. જેટલાં લેયર વધુ એમ તમે જીતતા જાવ. ઊંચી ને ઊંચી દહીહંડીની હોડ લાગી છે. કોણ કેટલી ઊંચી એ હંડી તોડી શકે છે એનો ગાંડો ક્રેઝ જરાય યોગ્ય નથી. જ્યારે પણ પેપરમાં વાંચીએ છીએ કે ગોવિંદાનું મૃત્યુ થયું તો એ વાંચીને ખૂબ દુખ થાય છે. આવી ગાંડી હોડને લીધે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો એની જવાબદારી કોણ લેશે? ભલે તેના પરિવારનું ધ્યાન પાછળથી રાખવાની જવાબદારી ઑર્ગેનાઇઝર લે, પણ તે વ્યક્તિ તો જતી જ રહીને? આવી મજાનું શું કરવું? આ વસ્તુઓ ખૂબ ડિસ્ટર્બ કરે છે. આપણે થોડી સમજદારી સાથે કામ લેવું જરૂરી છે. સેલિબ્રેશન એવું જ હોવું જોઈએ જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. માણસના જીવથી મોટું નુકસાન તો શું હોઈ શકે? ઉજવણી કોઈનો જીવ લે એ તો કેમ પોસાય? મને પર્સનલી લાગે છે કે જોશમાં હોશ ખોવાની જરૂર નથી. આટલા પૈસા જે ડેકોરેશન અને બૅનર્સ પર ખર્ચ કરવામાં આવે છે એને બદલે ગોવિંદાઓની સેફ્ટી પર ખર્ચ થાય એ જરૂરી છે. તમારે લેયર્સ વધારવાં હોય તો પણ એ ગૅરન્ટી હોવી જોઈએ કે ગોવિંદાઓને કંઈ નહીં થાય.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2022 11:20 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK