Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લેડીઝ! સારા લીડર બનવું હોય તો આટલું ધ્યાન રાખજો

લેડીઝ! સારા લીડર બનવું હોય તો આટલું ધ્યાન રાખજો

06 December, 2022 04:08 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજકાલ અઢળક સ્ત્રીઓ બિઝનેસમાં આગળ વધી રહી છે. પોતાના નેજા હેઠળ દુકાન સંભાળવાથી લઈને કૉર્પોરેટ ઑફિસના બૉસના પદ પર સ્ત્રીઓ ખંતથી કામ કરતી જોવા મળે છે. પરંતુ તેની હેઠળ ૪ વ્યક્તિ હોય કે ૪૦૦; એ બધાને સંભાળવા, બિઝનેસ કરવો અને નફો પણ રળવો એ સહેલું તો નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સક્સેસ મંત્ર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


આજકાલ અઢળક સ્ત્રીઓ બિઝનેસમાં આગળ વધી રહી છે. પોતાના નેજા હેઠળ દુકાન સંભાળવાથી લઈને કૉર્પોરેટ ઑફિસના બૉસના પદ પર સ્ત્રીઓ ખંતથી કામ કરતી જોવા મળે છે. પરંતુ તેની હેઠળ ૪ વ્યક્તિ હોય કે ૪૦૦; એ બધાને સંભાળવા, બિઝનેસ કરવો અને નફો પણ રળવો એ સહેલું તો નથી. આ બધામાં એક્સપર્ટ પાસેથી જાણીએ કેટલાંક સુવર્ણ સૂત્રો, જે એક સ્ત્રીને બિઝનેસ લીડરશિપમાં કામ લાગી શકે છે

લીડર એને જ કહેવાય જે દરેકની સમસ્યાને સમજીને, એ મુજબનો નિર્ણય લે. તમે આવા લીડર બનો છો ત્યારે તમારી સાથે કામ કરનારા લોકો તમારું ખરું પીઠબળ બને છે.



અબજો રૂપિયાની મોટી કૉર્પોરેટ કંપનીના હજારો કર્મચારીઓની બૉસ તરીકે કામ કરતી હોય કે એક સ્ટાર્ટઅપ કંપનીમાં ફક્ત ૪ માણસોને લઈને કામ શરૂ કર્યું હોય, પ્રગતિ એ વાતની ચોક્કસ માની શકાય કે સ્ત્રીઓ આજે જુદા-જુદા બિઝનેસમાં હેડની પોઝિશનમાં પર જોવા મળી રહી છે. પહેલાં જે એકલદોકલ કેસમાં જોવા મળતું એની સંખ્યા આજે વધી છે; કારણ કે સ્ત્રીઓ ઘણું ભણી રહી છે, આવડત કેળવી રહી છે અને સાહસી અભિગમ ધરાવતી થઈ છે. નોકરી કરવામાં જો આજની તારીખે મુંબઈમાં ૮-૧૨ કલાક આપવા પડતા હોય છે તો બિઝનેસમાં એ આંકડો ૧૨-૧૮ કલાકનો ગણાય છે. બિઝનેસ લીડર તરીકે જે જવાબદારીઓ નિભાવવાની હોય છે, જે કૌશલ્ય દેખાડવાનું હોય છે અને જે ચૅલેન્જિસનો સામનો કરવાનો હોય છે એ પુરુષો કરતાં સ્ત્રીઓના ભાગમાં વધુ પણ આવે છે. પુરુષોને પણ ઓછી તકલીફ નથી પડતી, પણ સ્ત્રીઓની લીડરશિપની તકલીફો થોડી જુદી છે. આજે શીખીએ કેટલાક પાઠ, જે એક લીડર તરીકે સ્ત્રીને ઘણા ઉપયોગી નીવડી શકે છે. 


માનસિક લાયકાત 


અરુણા ગોયલ

જે વ્યક્તિ બૉસ બની છે એ આ હોદ્દા પર એટલે જ પહોંચી છે કે એ આ હોદ્દાને લાયક છે. ઘણી વખત થાય છે એવું કે સ્ત્રીઓ લીડર તો બની જાય છે, પરંતુ એ પોતાની જ વૅલ્યુ ઓછી આંકે છે. કૉર્પોરેટ કલ્ચર કે બિઝનેસની દુનિયા ક્યારેક સ્ત્રી માટે ખૂબ કઠિન બની જતી હોય છે અને આ દુનિયામાં ભૂલ માટે કોઈ માફી નથી હોતી. લોકો ચાહીને તમારી મદદ ન કરે તો એકલા પણ આગળ વધવું પડે. ઘણી વાર એવા નિર્ણયો પણ લેવા પડે જે ખૂબ કપરા હોય. તમે એટલું ભણેલા છો, તમને કામનો એટલો અનુભવ છે એને કારણે તમે આજે લીડરની ખુરશી પર બિરાજમાન છો. લીડરશિપનો તાજ હંમેશાં કાંટાળો તાજ જ રહેવાનો, એને પહેરવા માટેની માનસિક લાયકાત પણ કેળવો. 

માન કમાવું પડશે 

ઘણી વખત એવું થાય છે કે જ્યારે સ્ત્રી લીડર બને ત્યારે તે બૉસ છે એટલે મોઢા પર તો બધા માન આપશે જ, કારણ કે કામ કઢાવવાનું છે. પરંતુ લોકો તેને મનથી બિરદાવી નથી શકતા. એ વિશે વાત કરતાં સિરિયલ ઑન્ટ્રપ્રનર અને બિઝનેસ કોચ નમ્રતા ઠક્કર કહે છે, ‘લોકો પીઠ પાછળ વાતો કરે, તમારી કાબેલિયતને ઓછી આંકે, તમારા કૅરૅક્ટરને વખોડે તો આ બાબતે અફેક્ટ ન થવું. નૉર્મલી પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિથી આગળ નીકળે તો દુનિયાને પ્રૉબ્લેમ થાય જ છે. એમાં તમે એક સ્ત્રી છો અને આગળ નીકળ્યાં છો તો એ પ્રૉબ્લેમની ટકાવારી એની મેળે વધી જાય છે. એનાથી અસરગ્રસ્ત થશો તો તમારા કામ પર અસર પડશે. ભારત પુરુષપ્રધાન દેશ છે. એમાં ધીમે-ધીમે બદલાવ આવી રહ્યો છે એટલે હજી પણ સ્ત્રી જે ડિઝર્વ કરે છે એ માન તેને મળતાં કદાચ વાર લાગશે એ સત્ય સ્વીકારીને ચાલવું. તમે કામ સારું કરીને બતાવશો, રિઝલ્ટ આપશો તો એ બોલકાં મોઢાં આપોઆપ બંધ થઇ જશે. એટલે લોકોની વાતો તરફ ઓછું અને કામ તરફ જ ફોકસ રાખવું. આ રીતે માન બૉસની પદવીને જ નહીં, વ્યક્તિગત રીતે તમને પણ મળશે, જે તમારે કમાવાનું છે.’ 

આ પણ વાંચો : ગર્લ્સ ઍન્ડ બૉય્‍સ, તમારા ફ્રેન્ડ બનવા પેરન્ટ્સે શું કરવું?

જવાબદારી વહેંચતાં શીખવું 

સ્ત્રીઓનો સ્વભાવ પહેલેથી જ એવો છે કે એ દરેક જવાબદારી જાતે પોતાના માથે લઈ લે છે. દરેક કામ તેને પોતાના પર્ફેક્શન મુજબનું અને જાતે કરેલું હોય તો જ ગમે. આ સ્વભાવ જો તમારો હોય તો એક બૉસ તરીકેની ભૂમિકામાં તમારે બદલાવું પડશે. જ્યારે તમે હાયર પોઝિશન પર હો છો ત્યારે દરેક કામ તમે નથી કરી શકવાના અને એને કારણે તમારા પર બોજ વધશે અને તમારું સ્ટ્રેસ પણ. અંગત જીવન પર પણ અસર પડશે. ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી કે બિઝનેસની જવાબદારી નિભાવતાં-નિભાવતાં જરૂરી છે કે એની વહેંચણી કરતાં તમે શીખો. તમારી નીચે તૈયાર થયેલી ટીમ પર તમને ભરોસો હોવો જોઈએ. પ્રેઝન્ટેશન આપવાનું હોય કે બાળકને સ્કૂલ છોડવાનું હોય કે ઘરનું ફર્નિચર બનાવડાવવાનું હોય, તમે જેને કામ સોંપ્યું છે એ વ્યક્તિ આ કામ વ્યવસ્થિત કરશે એ ભરોસો રાખો અને જો એ કામ બરાબર ન થયું તો એની જવાબદારી ઉઠાવવા પણ તૈયાર રહો, કારણ કે એને જ લીડરશિપ ક્વૉલિટી કહેવાય છે. 

ઉદાર રહો 

જ્યારે લીડરશિપની વાત આવે ત્યારે મોટા ભાગે લોકોને એકદમ હિટલર ટાઇપ બૉસની જ કલ્પના આવે છે. ઘણા લોકો એવું માને છે કે બૉસ એટલે એકદમ કડક, પોતાનું ધાર્યું કરાવનારો અને તુંડમિજાજી જ હોય. એનું કારણ છે કે અત્યાર સુધી બૉસની પદવી પુરુષોએ જ સંભાળી છે. સ્ત્રીનો ગુણ છે ઋજુતા. એ ઉદાર છે અને બીજા લોકો પ્રત્યે એ સહિષ્ણુ વહેવાર રાખે છે. આ ગુણને તમારે બદલવાની જરૂર નથી. એ વિશે વાત કરતાં બિઝનેસ કોચ અરુણા ગોયલ કહે છે, ‘સ્ત્રીઓમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઘણું ઊંચું હોય છે. પુરુષ સમોવડી બનતી વખતે પુરુષોની જેમ તે મોટા હોદ્દાને સ્વીકારે એ યોગ્ય છે પણ તેની જેમ જ તેણે લીડરશિપ નિભાવવી એ જરાય જરૂરી નથી. સ્ત્રી બીજી વ્યક્તિને સમજવાની શક્તિ ધરાવે છે. લીડર એને જ કહેવાય જે દરેકની સમસ્યાને સમજીને, એની જરૂરતો મુજબ નિર્ણય લે. જ્યારે તમે આવા લીડર બનો છો ત્યારે તમારી સાથે કે તમારા માટે કામ કરતા લોકો તમારું ખરું પીઠબળ બને છે.’ 

સમજદારીથી કામ લો 

એક સ્ત્રીની નીચે રહીને કામ કરવામાં પુરુષોનો ઈગો ઘવાય છે. એમાં પણ જો પુરુષ વધુ અનુભવી હોય તો તેની પાસે કામ કઢાવવું ઘણું અઘરું થઈ પડે છે. આવા સંવેદનશીલ મુદ્દાઓને કઈ રીતે હૅન્ડલ કરવા એ બાબતે વાત કરતાં નમ્રતા ઠક્કર કહે છે, ‘સ્ત્રીઓને આમ તો પુરુષોના ઘવાયેલા ઈગોનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ એને ખૂબ સારી રીતે આ બાબતે ડીલ કરતાં પણ આવડે જ છે. લીડર એટલે એ નહીં જેને બધું આવડે છે, લીડર એટલે એ વ્યક્તિ જે દરેક પાસેથી તેને જોઈતું કામ કઢાવી શકે છે. આ બન્ને બાબતો સમજવી જરૂરી છે. એક લીડરે ક્યારેય એવા લોકોને પોતાની ટીમમાં પસંદ ન કરવા જેમને એણે બધું શીખવવું પડે અને એ કામ ન કરે તો એની જગ્યાએ ખુદ કરવું પડે. ઊલટું વધુ અનુભવી અને ખુદથી પણ વધુ જેને આવડતું હોય એવા લોકો તો તમારા માટે ઍસેટ છે. એમને એક પ્રકારની ફ્રીડમ આપવી કે એ એમની અનુકૂળતાએ કામ કરી શકે છે, પ્રૉબ્લેમ નથી. પણ બૉસ તરીકે હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે કામ થઈ જવું જોઈએ. આ રીતે તમે એને ફાયદો પણ આપ્યો અને કામ પણ સરળતાથી થઈ ગયું.’

સ્ત્રીત્વ ન ગુમાવશો 

ઘણી વખત કામકાજી સ્ત્રીઓ પુરુષો જોડે કામ કરી-કરીને પોતાનું સ્ત્રીસહજ લાક્ષણિકતા ગુમાવી દેતી હોય છે. ખાસ કરીને જ્યારે એ લીડર હોય ત્યારે આ પ્રકારનો બદલાવ આવવો સહજ બની જતો હોય છે. જો એવું ન થાય તો શાસક તરીકે એક નવું ઉદાહરણ સેટ કરી શકે છે. જેમ કે ઘરે પેરન્ટ્સ બીમાર છે એટલે કોઈ એમ્પ્લૉઈ નથી કામ કરી શક્યો એ સ્ત્રી સમજી શકે છે. બિઝનેસમાં ફક્ત મૉનિટરી આસ્પેક્ટ ન લાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તે કરી શકે છે. ભલે પૈસો ખૂબ મહત્ત્વનો છે, પણ સામાજિક અને વ્યક્તિગત જવાબદારીઓથી ઉપર નથી એવાં મૉરલ ગ્રાઉન્ડ્સ તે સેટ કરી શકે છે, જે સમાજને વધુ આગળ લઈ જઈ શકે છે.

લોકો પીઠ પાછળ વાતો કરે, તમારી કાબેલિયતને ઓછી આંકે, તમારા કૅરૅક્ટરને વખોડે તો આ બાબતે અફેક્ટ ન થવું. નૉર્મલી પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિથી આગળ નીકળે તો દુનિયાને પ્રૉબ્લેમ થાય જ છે. : નમ્રતા ઠક્કર
Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 04:08 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK