Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમુક કામ બારેય માસ થવાં જોઈએ માત્ર દિવાળી પૂરતાં નહીં

અમુક કામ બારેય માસ થવાં જોઈએ માત્ર દિવાળી પૂરતાં નહીં

Published : 12 November, 2026 03:21 PM | Modified : 12 November, 2026 03:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બધું ડિજિટલ અને દેખાદેખીવાળું બનતું જાય છે. લોકો સોશ્યલ મીડિયા પર દેખાડો કરવા માટે દિવાળીની ઉજવણી વધુ કરતા હોય એવું નજરે ચડે છે. એ પછીયે કહીશ કે દિવાળી જેવો બીજો એકેય તહેવાર નથી, જેમાં આજેય લોકો આ સ્તર પર ઓતપ્રોત રહી શક્યા હોય.

નટવર ઠકરાર

What’s On My Mind?

નટવર ઠકરાર


કેટલાક માટે દિવાળી પતી ગઈ છે અને હવે ધીમે-ધીમે લોકોએ પોતાના રૂટીનમાં ગોઠવાઈ જવાનું શરૂ કરી દીધું હશે. દિવાળીની રોનક જુદી જ હોય છે. ઝગમગાટ સાથે ઊજવાતો આ તહેવાર અનેક માટે આશાનું કિરણ બનીને આવે છે. માત્ર પોતાનાઓ સાથે જ નહીં, પોતાની સાથે સંકળાયેલા લોકોની મદદ કરીને, તેમને મીઠાઈઓ અને વિવિધ વસ્તુઓ આપીને તહેવારની ઉજવણી કરતા હોય છે. બેશક, દિવાળીમાં સંબંધોની પહેલાં જેવી હૂંફ અને પોતાપણું મિસિંગ લાગે છે. બધું ડિજિટલ અને દેખાદેખીવાળું બનતું જાય છે. લોકો સોશ્યલ મીડિયા પર દેખાડો કરવા માટે દિવાળીની ઉજવણી વધુ કરતા હોય એવું નજરે ચડે છે. એ પછીયે કહીશ કે દિવાળી જેવો બીજો એકેય તહેવાર નથી, જેમાં આજેય લોકો આ સ્તર પર ઓતપ્રોત રહી શક્યા હોય અને એટલે જ દિવાળીમાં થતાં અમુક કાર્યોને મંથલી રૂટીનમાં ફેરવવાં બહુ જ જરૂરી છે.

મેં મારા જીવનમાં ૬૮ દિવાળી જોઈ છે અને એના સારરૂપે આ વાત કરી રહ્યો છું. ત્રણ એવાં કામની વાત કરીએ જે દિવાળીમાં તો આપણે કરીએ જ છીએ પણ દિવાળી પતી ગયા પછી પણ મહિને એક વાર કરવાં જોઈએ. સૌથી પહેલું, ઘરની સફાઈ. મહિનાનો એક દિવસ ઘરના એ ખૂણેખૂણાને જોવાનો અને એમાં રહેલી જોઈતી અને વણજોઈતી વસ્તુઓને બહાર કાઢવાનો બનાવવો જોઈએ. વધુ નહીં તોય એક આઇટમ તો એવી હોવી જોઈએ જે તમે કોઈક જરૂરિયાતમંદને આપીને તમારા ઘરનો પરિગ્રહ ઘટાડો. બીજા નંબરે મહિને એક વાર પરિવાર સાથે સજીધજીને મોજ પડે એ રીતે ભોજન કરવાની પ્રથા, જે કદાચ દિવાળી અથવા બેસતા વર્ષે થતી હોય, પણ એને મંથલી રૂટીન બનાવો. ત્રીજા નંબરે તમારા જીવનને બહેતર બનાવવા મદદ કરતા લોકોને મંથલી પગાર ઉપરાંત તમારા તરફથી કંઈક આપતા રહેવાની વાત. ચાહે એ ભલે એક ટાઇમનું ભોજન જ કેમ ન હોય. તમારી કામવાળી, તમારા બિલ્ડિંગના વૉચમેન, તમારા ઘરે કચરો લેવા આવતો સ્ટાફ, તમારી ઑફિસના કર્મચારી વગેરે બધાને જ મહિને એક વાર કંઈક એવું આપો જે તેમના ચહેરા પર સ્મિત લાવે. દર મહિને દિવાળીની યાદરૂપે આવું કંઈક કરતા રહેવું એ માત્ર તમને જ નહીં, તમારી આસપાસના લોકોમાં પણ ઉત્સાહ અને હકારાત્મકતાનું બૅલૅન્સ વધારશે.



દિવાળી રિમાઇન્ડર છે જીવનમાં અજવાસના મહત્ત્વનું, બીજાના અને પોતાના જીવનને બહેતર બનાવવાની દિશામાં ડગ ભરવાનું. તો આ રિમાઇન્ડર વર્ષને બદલે મહિને એક વાર પણ જાતને આપીએ તો શું ખોટું છે? એનાથી બીજા કોઈને ફાયદો થાય કે ન થાય, આપણને પોતાને જ ફાયદો થશે. આપણો વધેલો ઉત્સાહ જીવનમાં વધુ બહેતર નિર્ણય લેવા માટે આપણને સજ્જ કરશે.


તાતા ટ્રસ્ટથી લઈને મુંબઈનાં ઢગલાબંધ જાણીતાં ટ્રસ્ટના ઑડિટર તરીકે સક્રિય મુંબઈની અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મના ફાઉન્ડર નટવર ઠકરાર ઇન્ટરનૅશનલ ટૅક્સ ઇશ્યુઝના નિષ્ણાત પણ છે

- નટવર ઠકરાર


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK