યાત્રાધામોમાં ધર્મગુરુઓનાં દર્શનની ભીડ, ધક્કામુક્કી, ધસારો, સામૂહિક ગાંડપણ જોઈએ ત્યારે વાંક કોનો કાઢવો એ સમજવું કઠિન થઈ જાય. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની હરીફાઈ જામે
પ્રતીકાત્મક તસવીર
ભીડને યાત્રાધામો, મેળાઓ, ઉત્સવો, ક્રિકેટ મૅચો, ફિલ્મસ્ટાર્સના કાર્યક્રમો, રાજકીય સભાઓ, અને વિવિધ પ્રકારની સેલિબ્રિટીઝનાં દર્શન સાથે બહુ ગહન સંબંધ રહ્યો છે. ભીડ એટલે હોલેસેલમાં ભેગા થતાં ટોળાં. ટોળાંને ભાગ્યે જ દિમાગ હોય તો પછી ટોળાંઓનાં ટોળાં એવી ભીડને ક્યાંથી હોય? એક યા બીજા નામે કે નિમિત્તે ઉલ્લાસ-ઉત્સવ-ગાંડપણ માટે ભેગી થતી ભીડ ઘણી વાર દુર્ઘટના બનીને આક્રંદ અને કરુણાંતિકામાં ફેરવાઈ જાય છે એની બેફામ ચર્ચા અને દલીલો કરનારાઓની પણ એક ચીડ ચડે એવી ભીડ બને છે.
જેને કારણે ભીડ થઈ તેમને કંઈ થતું નથી, તેમનો વાંક શું? લોકો ઘેલા થાય એમાં તેઓ શું કરે? પરંતુ સમાચારોમાં નિંદા, દયા અને સહાનુભૂતિ વાઇરલ થયા કરે છે, પણ એમાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા નિર્દોષ લોકો અને તેમના પરિવારો પર જે વીતે છે એ ઘાયલ કી ગત ઘાયલ જાને જેવી હોય છે. આખરે તો એ એક ટૂંકા ગાળાનો તમાશો બની રહી જાય છે. લોકો તેમ જ સત્તાવાળાઓ એમાંથી બોધપાઠ લેતા નથી અને ભીડની દુર્ઘટના પુનઃ સામે આવી જાય છે. તાજેતરમાં વિરાટ કોહલીની IPL ફાઇનલ મૅચની આખરી જીત કેટલાક લોકો માટે જીવનની આખરી ક્ષણ બની ગઈ. આવું ફિલ્મ ‘પુષ્પા પાર્ટ-ટૂ’ના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હાજરીમાં પણ થયું. યાત્રાધામોમાં ધર્મગુરુઓનાં દર્શનની ભીડ, ધક્કામુક્કી, ધસારો, સામૂહિક ગાંડપણ જોઈએ ત્યારે વાંક કોનો કાઢવો એ સમજવું કઠિન થઈ જાય. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની હરીફાઈ જામે, પરંતુ આવી ભીડ જોઈને ચીડ ચડ્યા વિના રહી શકે નહીં.
ADVERTISEMENT
આપણા સમાજની માનસિકતા વર્ષોથી ભીડની રહી છે. ફિલ્મસ્ટાર્સને, ક્રિકેટરોને કે ચોક્કસ સેલિબ્રિટીઝને જોવા પાછળ ઘેલા થતા લોકોનું મન માસ સાઇકોલૉજી કે માસ હિપ્નોટિઝમનો ભોગ કહેવાય. પૉપ્યુલર ફિલ્મસ્ટાર્સને જોવા તેમનાં મકાનો-બંગલાઓ પાસે ભીડ થવી કૉમન છે. ફિલ્મોના પ્રમોશનના કાર્યક્રમો હોય કે ક્રિકેટ મૅચ હોય, ભીડ ભાન ભૂલે છે. રાજકીય સભાઓની ભીડ પાછી સાવ જુદી અને પેઇડ હોવાથી એનો અતિરેક પણ જુદો. ભગવાન, ખુદા, ધર્મના નામે થતી ભીડ; ઓહ માય ગૉડ!
વાસ્તવમાં ચોક્કસ પ્રકારની ભીડ સમાજના માનસિક પતનના પુરાવા સમાન હોય છે. ખેર, પાયાનો સવાલ એ છે કે ભીડને કારણે થતી દુર્ઘટના માટે ખરેખર જવાબદાર કોણ ગણાય? શું આપણે આવી ભીડનો ભાગ છીએ? જવાબ આપણી પાસેથી જ મળે. શું ભીડના વિષયમાં કોઈ નક્કર કાનૂન ન બની શકે?
તાજેતરમાં ટ્રેનમાં અતિ ભીડને કારણે લટકીને પ્રવાસ કરતા કેટલાક પ્રવાસીઓ ચાલુ ટ્રેને પડી જઈને મુત્યુ પામ્યા, જખમી થયા. આવા તો અનેક દાખલા નિયમિત બનતા રહે છે. આવી ભીડને શું કહેવું? અહીં જવાબદાર કોણ? ભીડ કોઈ પણ હોય, ચોક્કસ અંશે તંત્ર જવાબદાર ગણાય જ.

