Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આનંદો, ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ડિફેન્સમાં જોડાવાનું પ્રમાણ

આનંદો, ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ડિફેન્સમાં જોડાવાનું પ્રમાણ

16 January, 2022 11:34 AM IST | Gandhinagar
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતમાં શરૂ થયેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને કારણે ગુજરાતનાં ગામોમાં ડિફેન્સ ક્ષેત્રમાં પણ કરીઅર બનાવી શકાય એવી દિશા મળી રહી છે

આનંદો, ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ડિફેન્સમાં જોડાવાનું પ્રમાણ

આનંદો, ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ડિફેન્સમાં જોડાવાનું પ્રમાણ


સામાન્ય રીતે વેપારી વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા ગુજરાતીઓને હવે આર્મી, નેવી કે પછી ઍરફોર્સ જૉઇન કરવાનો રસ ધીમે-ધીમે જાગ્યો છે. ગુજરાતમાં શરૂ થયેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને કારણે ગુજરાતનાં ગામોમાં ડિફેન્સ ક્ષેત્રમાં પણ કરીઅર બનાવી શકાય એવી દિશા મળી રહી છે

ગઈ કાલે જ ઇન્ડિયન આર્મી ડે ગયો અને હવે થોડા દિવસમાં ૨૬ જાન્યુઆરી આવશે જે આપણો ૭૩મો ગણતંત્ર દિવસ હશે. આ દિવસે ભારતનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રદર્શન કરતી પરેડ યોજાશે. ઘણાં વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે ગુજરાતીઓનું દેશને આર્થિક અને રાજકીય રીતે મજબૂત કરવામાં જેટલું યોગદાન છે એટલું યોગદાન દેશને બહારથી સુરક્ષા બક્ષવામાં નથી. જોકે થોડા સમય પહેલાં રાજ્યસભામાં મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાતના યુવાનોનું સુરક્ષા દળમાં યોગદાન વધી રહ્યું છે. એક રેકૉર્ડ મુજબ ઇન્ડિયન આર્મીમાં ૨૨,૪૧૭, ઍરફોર્સમાં ૧૨૫૮ અને નેવીમાં ૬૨૫ ગુજરાતીઓ છે. ભારતનાં તમામ રાજ્યોમાં આર્મીમાં સૌથી વધુ યોગદાન આપનારાં રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ લગભગ ૧.૬૭ લાખ સૈનિકો સાથે નંબર વન પર છે અને ગુજરાતનો ક્રમ ૧૬મો છે. જોકે ૨૦૧૮ અને ૨૦૨૦ દરમ્યાન ગુજરાતમાં ૪૫૮૩ યુવાનો આર્મીમાં રિક્રૂટ થયા હતા. અલબત્ત, એ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા જરૂર છે, પરંતુ પહેલાંનાં વર્ષોની સરખામણીએ વધુ છે. લોકસભામાં રજૂ થયેલી માહિતી મુજબ આર્મીની કુલ રિક્રૂટમેન્ટમાંથી ગુજરાતના યુવાનોની સંખ્યા બે ટકા જેટલી થઈ છે. 
૨૦૦૯માં ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પછીથી ગુજરાતના યુવાનોમાં સુરક્ષા દળોમાં જોડાવાનો જઝબો ધીમે-ધીમે વધી 
રહ્યો છે. 
lll
‘મારા ગામમાં ઘણા લોકો આર્મીમાં છે અને બાળપણથી જ એવા એન્વાયર્નમેન્ટમાં ઊછરી છું કે આર્મીમાં જોડાઈને રાષ્ટ્ર માટે કંઈક કરવા માગું છું.’
હાલમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી ડિફેન્સ ઍન્ડ સ્ટ્રૅટેજિક સ્ટડીઝનો અભ્યાસ કરી રહેલી નિશા જાડેજાના આ શબ્દો છે. ગુજરાતના કચ્છમાં આવેલા નાની ખાખર ગામની નિશા જાડેજા જેવા બીજા પણ ઘણા યુવાનો છે. ગુજરાતનું યુવાધન હવે આર્મીમાં કરીઅર બનાવવાને લઈને સજાગ બન્યું છે અને આર્મ ફોર્સમાં જોડાવાનો સિલસિલો ધીરે-ધીરે વધી રહ્યો છે. માત્ર યુવકો જ નહીં, ગુજરાતનાં ગામડાંઓની છોકરીઓમાં પણ આર્મી જૉઇન કરવાનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. 
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનાં નાનાં ગામોના યુવા વર્ગમાં આર્મી, નેવી કે પછી ઍરફોર્સમાં જોડાવાનો ટ્રેન્ડ આકાર લઈ રહ્યો છે. કચ્છના માંડવી તાલુકાનું નાની ખાખર ગામ હોય કે પછી સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલું હાપા ગામ હોય કે વિજયનગર તાલુકામાં આવેલું કોડીવાડા ગામ હોય. પાછલાં કેટલાંક વર્ષ દરમ્યાન દેશની આ સૌથી સન્માનિત અને ગર્વ અપાવતી સર્વિસમાં વધુ ને વધુ સંખ્યામાં ગુજરાતના યુવાનો જોડાઈ રહ્યા છે.
પહેલાંના સમયમાં આટલું પ્રમાણ નહોતું કે ગુજરાતીઓ લશ્કરમાં જોડાતા હોય એટલા પ્રમાણમાં હવે ગુજરાતીઓ આર્મીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતીઓની એક એવી સર્વસ્વીકૃત છાપ પડી છે કે ગુજરાતી એટલે વેપારી પ્રજા, પરંતુ આ વેપારી પ્રજાને પણ આર્મી જૉઇન કરવાનો રસ જાગ્યો છે. આર્મી જૉઇન કરવામાં ગુજરાતના યુવા વર્ગનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે એની પાછળ કયાં કારણો હોઈ શકે એ વિશે આર્મ ફોર્સનાં સૂત્રો કહે છે, ‘આર્મી માટે જાગૃતિ વધી છે. દેશ માટે કંઈક કરવાનું ઑનર મળે છે. આ અટ્રૅક્ટિવ બ્રાઇટ કરીઅર છે. પોતાના માટે પ્રાઇડની મૅટર છે. યુવાનો ફુલફીલિંગ અને સૅટિસ્ફાય થાય છે. દેશ માટે કંઈક કરવાની તમન્ના સાથે લોકો જોડાય છે. ન્યુ ચૅલેન્જિંગ રોલ હોય છે. કંઈક નવું અચીવ કરી શકવાની તમન્ના હોય એવા લોકો આમાં જોડાઈ રહ્યા છે. યુવતીઓ પણ આ સર્વિસમાં જોડાઈ રહી છે. ફાઇટર પાઇલટ, ફ્લાઇંગ, લૉજિસ્ટિક, એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પણ યુવતીઓ હોય છે.’ 
જે યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ નૅશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મળ્યો છે એવી ગુજરાતમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. આનંદકુમાર ત્રિપાઠી ગુજરાતના યુવાનોના આર્મીમાં રસ વિશે કહે છે, ‘અમારી યુનિવર્સિટીમાં ડિફેન્સ ઍન્ડ સ્ટ્રૅટેજિક સ્ટડીઝનો માસ્ટર્સ અભ્યાસ ચલાવીએ છીએ. જે વ્યક્તિને મિલિટરી સેવામાં જવું હોય તેને અહીં અભ્યાસ કરાવીને તૈયાર કરાય છે. ગુજરાતના યુવાનોનો આર્મીમાં જવાનો ટ્રેન્ડ વધ્યો છે એ વિશે મારું માનવું છે કે ગુજરાત પ્રાંત વ્યવસાય માટે, ઉદ્યમ માટે જાણીતો છે; પણ મોટિવેશનના કારણે લોકોની સોચમાં બદલાવ આવ્યો છે. પહેલાં એવું હતું કે લોકો પોતાનો પ્રાંત છોડીને બીજે જતા નહીં, પરંતુ હવે એક બદલાવ આવ્યો છે કેમ કે રોજગારનો એક અવસર છે, ઉદ્યમનો અવસર છે. દેશસેવા નિશ્ચિત રૂપથી તેમનો એક જઝબો તો હશે જ. હવે લોકોની માનસિકતા બદલાઈ છે. જામનગરના બાલાચડીમાં સૈનિક સ્કૂલ છે. અહીં દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આવી છે. આ ખૂલવાથી અને પ્રચાર-પ્રસારથી યુથમાં એનું કંઈક કારણ હોઈ શકે અને એ શોધનો વિષય છે, પણ પોતાના પ્રાંતમાંથી કામ માટે બહાર જવાની સ્થિતિ છે એ મહેસૂસ કરી રહ્યો છું.’ 
દેશભક્તિ અને બેરોજગારી
કાશ્મીરમાં ૧૮ રાષ્ટ્રીય રાઇફલમાં અનંતનાગ અને કુપવાડામાં પોસ્ટિંગ દરમ્યાન ટ્રુપ્સમાં સાથે મળીને આતંકવાદીઓનાં ઑપરેશન પાર પાડનાર જવાંમર્દ આર્મીમૅન અને ૨૦૧૫માં આર્મીમાંથી નિવૃત્ત થયેલા કચ્છના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં રહેતા વિક્રમસિંહ સોઢા કહે છે, ‘ગુજરાતમાંથી વધુ ને વધુ યુવાનો લશ્કરમાં જોડાય છે એ સારું છે. જેમ બને એમ ગુજરાતીઓ આગળ વધે. અમારા ગામમાંથી અત્યારે ૧૬ જણ તો આર્મીમાં ઑન ડ્યુટી છે અને સાત જણ રિટાયર્ડ થયા છે. મારો દીકરો કુલદીપસિંહ પણ મને કહે છે કે પપ્પા, હું મિલિટરીમાં જઈશ. જે યુવાનો આર્મીમાં જોડાઈ રહ્યા છે તેમનામાં મારા મતે અમુકમાં દેશભક્તિ હશે તો અમુકમાં બેરોજગારી પણ હશે. નવા છોકરાઓને આર્મીનો ડ્રેસ જોઈને પણ ઝનૂન આવે છે. મને દેશભક્તિનું ઝનૂન હતું એટલે હું આર્મીમાં જોડાયો હતો.’ 
પોતાના ગામના સિનિયર સિટિઝન અને એક્સ આર્મીમૅનની વાત કરતાં વિક્રમસિંહ સોઢા કહે છે, ‘૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં જેમણે ભાગ લીધો હતો તે મુરુભા જાડેજા અને જીલુભા જાડેજા પણ હાલમાં અમારા ગામમાં છે. હું રાજપૂતાના રાઇફલ્સમાં હતો. સિયાચીન, લેહ-લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, આસામ, જમ્મુની અખનૂર બૉર્ડર પર મારું પોસ્ટિંગ હતું. કાશ્મીરમાં આતંકવાદીઓ સામેનાં નાનાં-મોટાં ઘણાં ઑપરેશન મેં અમારા ટ્રુપ્સ સાથે પાર પાડ્યાં હતાં.’ 
પરિવારમાં આર્મીનું વાતાવરણ
પોતાની દીકરી નિશાને આર્મીમાં જવું છે એ વાતથી ગર્વ અનુભવતા નાની ખાખર ગામના રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે, ‘અમારામાં એવું નથી રાખ્યું કે દીકરી ત્યાં ન જાય. બે હાથ ખુલ્લા મૂકી દો તો જ દીકરી જીવનમાં કંઈક કરી શકશે અને એટલે જ તેને આર્મીમાં જવું છે. તેના માટે છૂટ છે. મારા બે કઝિન વનરાજસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા આર્મીમાં હતા. તેઓ રિટાયર્ડ થયા છે. તેઓ ઑપરેશનમાં ગયા હોય એની વાતો કરે, આર્મીની વાતો સંભળાવે એટલે મારી દીકરીને ઍડ્વેન્ચર પસંદ આવ્યું. મેં તેને આ લાઇનમાં જવાની છૂટ આપી છે. અમારા ગામમાંથી ઘણાબધા લોકો આર્મીમાં છે. તેઓ જ્યારે રિટાયર્ડ થઈને ગામમાં આવે ત્યારે તેમનું સ્વાગત થાય એ બધું મારી દીકરી નાનપણથી જોતી આવી છે એટલે તેને ઇન્ટરેસ્ટ જાગ્યો. જો હું તેના આ ઇન્ટરેસટને દબાવવાની કોશિશ કરું, તેને ડીમૉરલાઇઝ કરું તો એનો અર્થ નથી, પણ હું તેને સપોર્ટ કરું તો તે ખીલી ઊઠશે.’ 
પરિવારમાં આર્મીની સાહસભરી વાતો સાંભળીને મોટી થયેલી નિશા જાડેજા કહે છે, ‘છોકરીઓએ આર્મી જૉઇન કરવું જોઈએ. વુમન એમ્પાવરમેન્ટની વાતો થાય છે તો યુવતીઓએ ઘરની બહાર નીકળવું જોઈએ. આર્મીમાં લેડી ઑફિસરો પણ હોય છે. હું એવા માહોલમાં ઊછરી છું જ્યાં મારી આસપાસ ઘણા આર્મીવાળા છે એટલે મને થતું કે હું પણ આર્મીમાં જાઉં. આર્મીમૅનને જોઈને મારી પણ દેશભક્તિ વધી. મારા કઝિન અંકલ પણ આર્મીમાં છે. તેમણે મને પ્રોત્સાહિત કરી, આર્મી વિશે સમજાવ્યું પણ હતું. આ યુનિવર્સિટીમાં ડિફેન્સનો અભ્યાસ થઈ શકે છે એ મારી જાણમાં આવ્યું એટલે હું એનો અભ્યાસ કરી રહી છું જેથી હું મારી સ્ટડી પૂરી કરીને આર્મીમાં જૉઇન થઈ શકું.’ 
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ડિફેન્સનો અભ્યાસ કરતી જયપુરની ઇશા શર્મા આ અભ્યાસ કરવા પાછળનું કારણ જણાવતાં કહે છે, ‘શરૂઆતથી જ ડિફેન્સ ઍઝ એ સબ્જેક્ટ મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને બહુ ગમે છે. મેં આ કોર્સ વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે મારે આમાં જવું જોઈએ.’
ઇશા એમ પણ કહે છે કે ‘દેશભક્તિ કરવા આર્મીમાં જવું એવું જરૂરી નથી, પણ રિસ્પૉન્સિબલ સિટિઝન્સ હોવું એ પણ દેશભક્તિ છે.’
ઉત્તરાખંડના નૈનીતાલથી ડિફેન્સનો અભ્યાસ કરવા આવેલો મૌલી તિવારી કહે છે, ‘હું નાનો હતો ત્યારથી જ મારા ઘર અને સ્કૂલની પાસે કુમાઉ અને ગઢવાલ રેજિમેન્ટવાળાની ઍક્ટિવિટી જોતો હતો. એટલે શરૂથી જ એવું એન્વાયર્નમેન્ટ બન્યું હતું જેના કારણે મેં નક્કી કરી લીધું હતું કે મારે ડિફેન્સમાં જવું છે. આ અભ્યાસ જોતાં મને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને લાગ્યું કે મારે ડિફેન્સમાં જવું છે એમાં આ કોર્સ મને સપોર્ટ કરશે. હું આર્મી જૉઇન કરીશ. મારે ગોરખા રેજિમેન્ટમાં જવું છે, કેમ કે એ મને અપીલિંગ લાગે છે. નાનપણથી એની ઘણી સ્ટોરી સાંભળી છે.’ 



યુવાનોની અભિરુચિ કેળવવા ગુજરાતમાં શરૂ થઈ રક્ષા શક્તિ યુનિવર્સિટી


ગુજરાતમાં દહેગામ પાસે લવાડ ગામે આવેલી અને ટૂંકા સમયમાં દેશમાં જાણીતી બનેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ડીન ડૉ. અક્ષત મહેતા કહે છે, ‘ભારતમાં ડેડિકેટેડ આંતરિક સુરક્ષા અને પોલીસ માટે કોઈ વિશ્વવિદ્યાલય નહોતું. ઍકેડૅમિક સ્તર પર અને રિસર્ચના સ્તર પર એક આવી યુનિવર્સિટી હોવી જોઈએ એ વિચાર હતો એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહનો. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ગુજરાતના યુવાનો દેશની સુરક્ષામાં આગળ આવે અને એના માટે તેમને તૈયાર કરવામાં આવે. એ માટે એક વિશ્વવિદ્યાલય સારું પ્લૅટફૉર્મ પ્રોવાઇડ કરી શકે છે. આ વિચારથી એ માટે ૨૦૦૯માં ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યા હતા અને ૨૨ જુલાઈ ૨૦૧૦માં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના એક કૅમ્પસમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી નામથી વિશ્વવિદ્યાલયની જર્ની શરૂ થઈ. શરૂઆતમાં ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ કોર્સ લૉન્ચ કર્યો હતો. આ પહેલો પ્રોગ્રામ હતો. ત્યાર પછી ધીરે-ધીરે સિક્યૉરિટી મૅનેજમેન્ટ, લૉ, ફૉરેન્સિક સાયન્સ, ક્રિમિનોલૉજી, સાઇબર સિક્યૉરિટી, ડિફેન્સ સ્ટડી સહિતના બૅચલર્સ, માસ્ટર્સ, એમફીલ અને પીએચડીના પ્રોગ્રામ ઑફર કરતા થઈ ગયા. જોતજોતામાં આ યુનિવર્સિટી માટે માત્ર ગુજરાતના જ નહીં, દેશના વિદ્યાર્થીઓમાં પણ જિજ્ઞાસા જાગી અને એમાં જોડાવા માટે તેઓ પ્રેરિત થઈ રહ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ૨૦૨૦ની પહેલી ઑક્ટોબરથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બની અને સાથે-સાથે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા પણ જાહેર કરાઈ.’ 
સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે આ યુનિવર્સિટી સાથે મળીને કામ કરવા જોડાયેલી એજન્સીઓ વિશે વાત કરતાં ડૉ. અક્ષત મહેતા કહે છે, ‘દિલ્હી પોલીસ, નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (એનએસજી), અરુણાચલ પોલીસ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સહિતની સંસ્થાઓ સાથે મળીને અમે અભ્યાસ હેતુ કાર્યક્રમ ચલાવીએ છીએ અને ચલાવીશું. બહુબધી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ, બીએસએફ, સીઆરપીએફ, પૅરા મિલિટરી ફોર્સ અને ઉત્તરાખંડ પોલીસ, ત્રિપુરા પોલીસ, કેરલા પોલીસ, તામિલનાડુ પોલીસ, હરિયાણા પોલીસ સહિતનાં સ્ટેટ પોલીસ ઑર્ગેનાઇઝેશનો સાથે એમઓયુ કરીને એના એક્ઝિક્યુશન પર કામ કરવા જઈ રહ્યા છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 11:34 AM IST | Gandhinagar | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK