કહેવતોનો વારસો અદ્ભુત છે, પણ આપણી કમનસીબી એ છે કે આપણે ગુજરાતીને ઘરમાંથી હાંકી કાઢી છે જેને લીધે કહેવતો દ્વારા મળનારું ગણતર પણ હવે સંતાનોને પહોંચતું નથી. મને તો લાગે છે કે આવતા સમયમાં આ કહેવતો પણ આપણા વડીલોની સાથે સ્મશાનઘાટે જશે અને ત્યાં જ એનો...
પ્રતિકાત્મક તસવીર
કવિ ગની દહીંવાલાનો એક સરસ શેર છે...
એટલે ઊભો છું અડીખમ જિંદગી સામે
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી
જાણીતા હિન્દી કવિ ક્રિષ્ન બિહારી નૂરના શબ્દો પણ વાંચવા જેવા છે...
ઝિંદગી સે બી કોઈ સઝા હી નહીં
ઔર ક્યા ઝુલ્મ હૈ પતા હી નહીં
ઇતને હિસ્સો મેં બંટ ગયા હૂં મૈં
મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં
વાત આગળ વધારતાં પહેલાં પત્રકાર-દોસ્ત રશ્મિન શાહની મારે એક વાત કહેવી છે. મારા આ મિત્રની મૂળ અટક પઠાણ હોવી જોઈએ. જ્યારે પણ તેણે મારી પાસે કૉલમ ચાલુ કરાવી છે ત્યારે તેણે નિયમિત કૉલમની પઠાણી ઉઘરાણી કરી છે. જે સમય આપું એ સમયમાં એક સેકન્ડની વાર હોય ત્યાં તે મોબાઇલમાં ટપકી પડે. મારે નમ્રતા સાથે સ્વીકારવું રહ્યું કે આ પઠાણ ન હોત તો મેં આ કૉલમ દસ અઠવાડિયાં પણ ખેંચી ન હોત અને અગાઉ જ્યાં-જ્યાં કૉલમો બંધ કરી છે એ જ વાતનું પુનરાવર્તન અહીં ‘મિડ-ડે’માં પણ થયું હોત. હશે, પૈસાવાળો થાઈશ તો આ પઠાણ પત્રકાર-મિત્રને મારી ઉઘરાણીઓ લાવવાની જવાબદારી સોંપીશ.
ગયા અઠવાડિયે જે જૂની-નવી કહેવતોની વાત હતી એના બહુબધા મેસેજ આવ્યા તો કેટલાકે તો વળી હઠ કરીને ડિમાન્ડ
પણ કરી કે સાંઈ, થઈ જાય પાછું જૂની-નવી કહેવતનું કૉમ્બિનેશન. મારો તો જનમ
આમ પણ બધાની ઇચ્છા પૂરી કરવા માટે જ થ્યો છેને. ઘરમાં પત્નીની ઇચ્છા પૂરી કરવાની, બહાર જઈએ તો છોકરાંવની, ઘરે મહેમાન આવે તો તેની અને પાછો હું ક્યાંક મહેમાન બનીને જાઉં તો યજમાનની પણ ઇચ્છા મારે જ પૂરી કરવાની. પ્રોગ્રામ હોય તો ડાયરામાં ઑડિયન્સની ઇચ્છા પૂરી કરવાની ને લખવા બેસું તો તમારી ઇચ્છા પૂરી કરવાની.
હશે, જેવાં જેનાં નસીબ...
તો કરીએ કહેવતોની ગાથા શરૂ...
જૂની કહેવત : ટીપે ટીપે સરોવર ભરાય
અર્થ : નાની કે થોડી વસ્તુ જો સંગઠિત થાય તો મોટું અને મજબૂત રૂપ ધારણ કરે.
નવી કહેવત : ૨૭૨ સીટ ભેગી થાય તો સરકાર બને / ઝાઝી ટીમો સામે ૨મે તો વર્લ્ડ કપ બને / ઢીંકે-ઢીંકે જીવ જાય / પાટે-પાટે પ્રાણ જાય / બિનખેતી કરવાથી ઝટ રૂપિયાવાળા થવાય.
મૉરલ ઑફ ધ સ્ટોરી : કોઈને અન્ડરએસ્ટિમેટ કદી ન કરવા. સંઘર્યો સાપ પણ કામ લાગે. ઝાઝાં વચનોથી ચૂંટણી જિતાય. જેટલું ખોટું કરો એટલા ઝડપથી કરોડપતિ થવાય.
જૂની કહેવત : દૂરથી ડુંગર રળિયામણા
અર્થ : અમુક વસ્તુ કે લોકો દૂરથી જ સુંદર લાગે. નજીક જાઓ ત્યારે ખબર પડે કે આ તો બિહામણું છે.
નવી કહેવત : હિરોઇન કે મૉડલ મેક-અપમાં જ સારી / પ્રેમિકા પત્ની થઈ જાય પછી બિપાશા બચીબહેન ને ઐશ્વર્યા પણ અમરતબહેન જેવી ઢમઢોળ થઈ જાય / મગાવેલાં યંત્રોનાં નીવડ્યે વખાણ.
મૉરલ ઑફ ધ સ્ટોરી : સુંદર દેખાતા અને મહાન લાગતા ઘણા લોકો એકાંતમાં એટલા સુંદર કે મહાન નથી હોતા. આફ્ટર પૅક-અપ વિધાઉટ મેક-અપ તેમની દશા અને દિશા બેય નર્કથી પણ બદતર હોય છે. મેક-અપ વગર સ્વપ્નસુંદરી જેવી લાગતી પરીકન્યાઓ કાઈડી-કોદાઈડી લાગવા માંડે. એક આડ વાત કહું. ‘ડુંગર’ભાઈ નામનો ગામડાનો મારો એક મિત્ર કાયમ વસવસો કરે કે સાંઈ, આ ‘ડુંગરા દૂરથી રળિયામણા’ કહેવતને લીધે જ હું વાંઢો રહી ગયો. આખી જિંદગી મેં અટલ બિહારી વાજપેયીના સાઢુભાઈ તરીકે વિતાવી છે.
જૂની કહેવત : લોભિયા હોય તો ધુતારા ભૂખે ન મરે
અર્થ : જ્યાં ધનના અતિ લાલચુ લોકો હોય તેમને લૂંટવાવાળા તેમની આજુબાજુમાં જ હોય છે.
નવી કહેવત : બુકીઓ છે ત્યાં સુધી ક્રિકેટરો ભૂખ્યા ન મરે / ટ્યુશન છે ત્યાં સુધી માસ્તરો ભૂખ્યા ન મરે / ઍડ્વર્ટાઇઝ છે ત્યાં સુધી સૌંદર્યપ્રસાધનવાળા ભૂખ્યા ન મરે.
મૉ૨લ ઑફ ધ સ્ટોરી : જ્યાં બાયુ હોય ત્યાં બ્યુટીપાર્લરવાળા અને પાણીપૂરીવાળા ભૂખ્યા ન મરે. જ્યાં સુધી જુવાનિયા છે ત્યાં લગી UpTo ૫૦ ટકા સેલનાં પાટિયાં લગાડીને બેઠા હોય ઈ દુકાનવાળાનો ધંધો નહીં અટકે. જ્યાં સુધી મનમાં ફાંકો રાખીને એવું માને છે કે આપણને કાંય થાય નહીં ત્યાં સુધી પાન-બીડી અને સિગારેટવાળાની દુકાને લાઇનું થતી નહીં અટકે.

