Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરકારે નિયમ બનાવ્યો છે, પણ એનું કડક પાલન થાય એ શિસ્તતા આપણે દાખવવાની છે

સરકારે નિયમ બનાવ્યો છે, પણ એનું કડક પાલન થાય એ શિસ્તતા આપણે દાખવવાની છે

03 July, 2022 10:11 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

મૉરલી પણ આપણે નક્કી કરવું પડશે, આપણે શિસ્ત દાખવવી પડશે કે આપણે એ પ્રોડક્ટ નહીં વાપરીએ.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


૪૮ કલાક પહેલાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બૅન જાહેર કરી દેવામાં આવ્યો. હવે આખા દેશમાં તમે ક્યાંય પણ એક વખત વાપરી શકાય એવી પ્લાસ્ટિકની આઇટમ બનાવી, વેચી કે વાપરી નહીં શકો અને ધારો કે તમે એવું કર્યું, દેશનો નિયમ તોડ્યો અને આ પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું તો એ ગુના સબબ તમને સાત વર્ષની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ થઈ કાનૂનની વાત, પણ એ વાત તો આપણા કાયદાના રક્ષકો કરશે, સમજાવશે અને પળાવવા માટે કટિબદ્ધતા લાવશે, પણ આપણે વાત કરવાની છે મૉરલની. મૉરલી પણ આપણે નક્કી કરવું પડશે, આપણે શિસ્ત દાખવવી પડશે કે આપણે એ પ્રોડક્ટ નહીં વાપરીએ.
મહારાષ્ટ્રમાં ચારેક વર્ષ પહેલાં અમુક માઇક્રોનથી નીચેના માઇક્રોનથી બનેલી પ્લાસ્ટિક-બૅગનો વપરાશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, પણ એમ છતાં એનો વપરાશ ચાલુ જ રહ્યો. શરૂઆત ચોરીછૂપીથી થઈ અને પછી ડર નીકળી ગયો એટલે બેફામ અને છડેચોક એનો ઉપયોગ થવા માંડ્યો. નિયમો બનતા હોય છે એ માનવીય સ્વસ્થ જીવનના ઇરાદે જ બનતા હોય છે અને હેતુ પણ એ જ હોય છે કે સૃષ્ટિથી માંડીને સમાજ અને વ્યક્તિગત સુખાકારી અકબંધ રહે, પણ આપણને નિયમો તોડતા રહેવાની આદત છે. હેલ્મેટ પહેરવાની, પણ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવામાં આપણે જાણે આપણી જાતને શૂરવીર માનીએ છીએ. માસ્ક પહેરવાનું કમ્પલ્સરી કરવામાં આવે એટલે આપણી અંદર સનેપાત ઊપડે અને આપણે માસ્ક વિના ફરવાનું શરૂ કરીએ. માસ્ક કે હેલ્મેટ જ નહીં સાહેબ, એકેએક આઇટમમાં આ જ નીતિરીતિ રહી છે આપણી અને આપણે એ બધું કરવામાં જોમ વાપરીએ છીએ, જેની આપણને ના પાડવામાં આવે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકની કુલ ૧૯ આઇટમ એવી છે જેનું ઉત્પાદન હવે આપણા દેશમાં બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણા લોકો હજી એવું નથી સમજી શક્યા કે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે શું? તેમને કહેવાનું કે એવી પ્લાસ્ટિકની આઇટમ જે આઇટમનો ઉપયોગ એક જ વખત થાય છે. ફૂડ-પાર્સલમાં આવતી ચમચી આ સિંગલ યુઝમાં ગણાય અને યુઝ-ઍન્ડ-થ્રો પ્લાસ્ટિક ગ્લાસ પણ સિંગલ યુઝ કૅટેગરીમાં આવે. જમવા માટે મોકલવામાં આવતી પ્લાસ્ટિકની કટલરી પણ એક જ વખત વાપરી શકાતી હોય છે એટલે એનો ઉપયોગ પણ હવે નહીં થઈ શકે અને પાણીની અમુક માત્રાની બૉટલ પણ સિંગલ યુઝ ગણાય એટલે એ બૉટલો પણ બંધ કરવાની રહેશે. અહીં નાનકડી સ્પષ્ટતા કરવાની કે અમુક બૉટલની જ આ વાત છે. દરેક બૉટલ સિંગલ યુઝમાં આવતી નથી, પણ આપણે એ નિયમાવલિમાં પડવાને બદલે સમજવાનું એ છે કે કોઈ પણ હિસાબે આપણે એવી ભૂલ ન કરીએ કે જે બૅન છે એનો વપરાશ કરીએ.
આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડીકમ્પોઝ નથી થતું અને એને લીધે એ સૃષ્ટિમાં અકબંધ રહે છે, જે પ્રકૃતિને જબરદસ્ત નુકસાન પહોંચાડે છે. સમય આવી ગયો છે કે આપણે એટલું સમજીએ કે સૃષ્ટિને આપણે કશું આપીએ નહીં તો કાંઈ નહીં, પણ એને બગાડવાનું કામ તો આપણા દ્વારા ન જ થવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 10:11 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK