ડિપ્રેશનની લડત લડી રહેલા દરેક યોદ્ધાને પોતાની અંદર ફાટી નીકળેલા યુદ્ધનું એલાન કરવાનો હક છે. પૈસો, પ્રતિષ્ઠા, કમિટમેન્ટ કે નોકરી; માનસિક સ્વાસ્થ્યથી વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી
પ્રતીકાત્મક તસવીર
કલ્પના કરો કે તમે ખેલજગતની એક ઉત્કૃષ્ટ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છો જેમાં વિશ્વના શ્રેષ્ઠ અને ટોચના ખેલાડીઓ તમને પડકાર આપવાના છે. પૈસા, પ્રતિષ્ઠા, કરાર અને રમત પ્રત્યેનું કમિટમેન્ટ બધું જ દાવ પર લાગેલું છે. સ્ટૅન્ડમાં બેઠેલા હજારો ચાહકો તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ તમે રમવાની ના પાડી દો છો અને ટુર્નામેન્ટમાંથી ખસી જાઓ છો. વેલકમ ટુ ટેનિસ! એક એવી રમત જે તમને શારીરિક અને માનસિક રીતે નિચોવી નાખે છે, એક એવી ગેમ જ્યાં ૧૬ વર્ષની નવોદિત ખેલાડી કોઈ માતબર અને ટૉપ રૅન્કિંગ્સ ધરાવતા ખેલાડીને પરાસ્ત કરી શકે છે. એવા સંજોગોમાં રમતના દબાણ, હારના ડર કે માનસિક અસ્વસ્થતાને કારણે તમે ટુર્નામેન્ટમાંથી પાછા ખસી જાઓ તો શું તમે લુઝર છો?
વાત થઈ રહી છે જપાનની પ્રોફેશનલ ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકાની. ૨૭ વર્ષની આ પ્રતિભાશાળી ટેનિસ પ્લેયરે અત્યાર સુધીમાં શું કર્યું એની ચર્ચા અત્યારે અસ્થાને છે. મહત્ત્વનું એટલું જ છે કે તે કરોડો ટેનિસ-ફૅન્સના દિલમાં રાજ કરે છે. ૨૦૨૨માં દુનિયા આખી માનતી હતી કે ફ્રેન્ચ ઓપન નાઓમી જીતશે. ટેનિસ અસોસિએશન, બ્રૉડકાસ્ટર્સ અને વિજ્ઞાપનકર્તાઓને પણ તેની પાસેથી ઘણીબધી આશાઓ હતી. તેમણે પોતાના કરોડો રૂપિયા દાવ પર લગાવેલા. એક આલીશાન ટુર્નામેન્ટની બધી જ તૈયારીઓ બાદ જ્યારે ટેનિસ કોર્ટ સંપૂર્ણ સજ્જ થઈ ગયેલી ત્યારે ખેલનું મુખ્ય આકર્ષણ રહેલી પ્રતિભાશાળી યુવાન ટેનિસ પ્લેયરનું આમ અચાનક વિધડ્રૉ થઈ જવું કેટલું અનપ્રોફેશનલ કહેવાય નહીં?
ADVERTISEMENT
વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ ડિપ્રેશન!
આ જ વાત કરવા માટે આજે નાઓમી ઓસાકાને યાદ કરી છે.
સોશ્યલ ઍન્ગ્ઝાયટીથી પીડાઈ રહેલી નાઓમી ઓસાકાએ એ સયમે સૌપ્રથમ પ્રેસ-કૉન્ફરન્સમાં ભાગ લેવાની ના પાડી હતી. તેણે કહ્યું, હું નર્વસ થઈ જાઉં છું. નાઓમી દ્વારા થયેલા પ્રેસ-કૉન્ફરન્સના રિજેક્શન પર એટલો બધો ઊહાપોહ થયો કે ટેનિસ અસોસિએશન પણ તેની બાજુમાં ઊભું ન રહ્યું. તેને ૧પ,૦૦૦ ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો એટલું જ નહીં, ભવિષ્યમાં આનાં ગંભીર પરિણામો વિશેની ચેતવણી આપવામાં આવી. ટુર્નામેન્ટની પહેલી મૅચ રમ્યા અને જીત્યા પછી નાઓમીને રિયલાઇઝ થયું કે ઇનફ ઇઝ ઇનફ. હવે જાતની અંદર રહેલા દૈત્યો સામે લડવાનો સમય આવી ગયો છે. તેણે અચાનક ફ્રેન્ચ ઓપન જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી અને સાથે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક કબૂલાત કરી કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી હું ડિપ્રેશનમાં છું. મારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. હું ખૂબ વલ્નરેબલ ફીલ કરું છું અને બેચેન રહું છું. મારે થોડો સમય કોર્ટથી દૂર થઈ જવું છે.’
ભાગેડુ, બેજવાબદાર, લુઝર કે અનપ્રોફેશનલનું ટૅગ લગાડવામાં આવેલી નાઓમીના સપોર્ટમાં કેટલાક એવા લોકો પણ હતા જે તેને આજે પણ વિજેતા માને છે. આ એ લોકો છે જેઓ પોતે ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂક્યા છે. એવા લોકો જેઓ માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજે છે.
ડિપ્રેશન નામના દાનવ સામે છેડાયેલો એ એક ઐતિહાસિક જંગ હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચ પર રહેલી, લાખોનું ફૅન-ફૉલોઅર્સ ધરાવતી અને સતત મીડિયાની નજરોમાં રહેતી આવી કોઈ હસ્તી જ્યારે ડિપ્રેશનની કબૂલાત કરે છે ત્યારે હતાશાથી પીડાતાં અનેક દુઃખી હૈયાંને રાહત, પ્રેરણા અને તાકાત મળે છે; કોઈ શરમ કે ક્ષોભ વગર છડેચોક ડિપ્રેશનનો સ્વીકાર કરવાની હિંમત મળે છે. સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર હોય છે. ડિપ્રેશન નામની બીમારીનો જ્યાં સુધી આપણે સ્વીકાર નથી કરતા ત્યાં સુધી સારવાર શક્ય નથી બનતી.
સોશ્યલ મીડિયા પર જઈને પોસ્ટ મૂકી દો કે ‘હું ડિપ્રેશનમાં છું’, ‘રડવું આવે છે’, ‘નિરાશા લાગે છે’. ફેસબુક કે ઇન્સ્ટાની સ્ટોરીમાં લખી નાખો કે ‘હું ઉદાસ છું’. ડિપ્રેશનમાંથી બહાર આવવાનાં સૂચનો માગો, મનોચિકિત્સકને મળો, મિત્રો સાથે વાત કરો; પણ મૌન રહીને જાત પર જુલમ ન કરો. અકારણ રહેતી ઉદાસી આપણા માટે ઘાતક હોય છે. જ્યારે પણ જગત મિથ્યા અને જીવન નિરર્થક લાગવા માંડે ત્યારે ઉદાસીનો ભાર મૂંગા મોઢે સહન કરવાને બદલે ફરિયાદ કરો.
જીવનની સૌથી મોટી લડાઈ આપણા મન અને વિચારો સામેની હોય છે અને આ લડત લડી રહેલા દરેક યોદ્ધાને પોતાની અંદર ફાટી નીકળેલા યુદ્ધનું એલાન કરવાનો હક છે. પૈસો, પ્રતિષ્ઠા, કમિટમેન્ટ કે નોકરી; માનસિક સ્વાસ્થ્યથી વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી. માનસિક શાંતિ અને સ્વસ્થતાની સામે દુનિયાની બીજી તમામ બાબતો ગૌણ છે. સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી કે ડિપ્રેશન આપતાં હોય એવાં તમામ પરિબળોથી દૂર ચાલ્યા જવાનો આપણને અબાધિત અધિકાર છે. અરે, કામને વિરામ આપી દો. નોકરીમાંથી રજા પર ઊતરી જાઓ. વ્યવસાય-ધંધો બંધ કરીને કોઈ એવી જગ્યા પર ચાલ્યા જાઓ જ્યાં મનને શાંતિ અને આત્માને આરામ મળે. એવી કોઈ જગ્યા જ્યાં બીમાર ચિત્ત સાજું થઈ જાય, જ્યાં અંતઃકરણના જખમો આપમેળે રુઝાય. એક એવો બ્રેક જે લીધા પછી ફરી એક વાર જીવવાનું મન થાય. કામ, સમાજ અને સંબંધમાંથી સમયસર લઈ લીધેલો બ્રેક આપણને ‘બ્રેક-ડાઉન’ થતાં અટકાવે છે. પ્રતિષ્ઠા અને કારકિર્દી દાવ પર મૂકીને જો નાઓમી ‘સેલ્ફ-હીલિંગ’ માટે ટેનિસથી દૂર રહી શકતી હોય તો બીજાં બધાં પરિબળોની અવગણના કરીને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો મને અને તમને પણ હક છે.

