માણસ સાઠનો હોય કે સિત્તેરનો, પણ સફેદ વાળ કે બીજા કોઈ બાહ્ય લક્ષણથી તે પોતાની ઉંમર ઓળખાઈ ન જાય એવા પ્રયત્નો જાણે-અજાણે કરતો હોય છે
પ્રતીકાત્મક તસવીર
માણસ પોતે ખરેખર જે વયનો હોય એ વય કરતાં જો તમે તેને વધુ વયનો ધારી લો કે પછી કોઈને તેના વિશે કહો તો એ માણસ તરત જ એમાં સુધારો કરશે, ‘હું પાંત્રીસનો નથી મને માત્ર અઠ્ઠાવીસ જ થયાં છે.’ એમાંય એ વ્યક્તિ જો મહિલા હશે તો પોતાની ઉંમરનાં બેત્રણ વર્ષ માટે પણ સુધારો કરશે, ‘મને બત્રીસ નથી થયાં, માત્ર ત્રીસ જ થયાં છે.’ માણસ સાઠનો હોય કે સિત્તેરનો, પણ સફેદ વાળ કે બીજા કોઈ બાહ્ય લક્ષણથી તે ઓળખાઈ ન જાય એવા પ્રયત્નો જાણેઅજાણે પણ કરતો હોય છે.
ગઈ પેઢીના સાહિત્યકારો અને કટારલેખકોમાં રસિક ઝવેરીનું નામ બહુ જાણીતું છે. રસિકભાઈની ‘અલગારી રખડપટ્ટી’ કે પછી ‘દિલની વાતો’ આ કટારો એ સમયમાં બહુ જ લોકપ્રિય હતી. એક જગ્યાએ તેમણે લખ્યું છે કે તેઓ પહેલી જ વાર લંડન ગયા અને ત્યાં રોકાણ લંબાયું ત્યારે માથાના વધેલા વાળને કપાવવા એક સલૂનમાં ગયા. સલૂનમાં એક છોકરીએ તેમના વાળ તો કાપ્યા પણ પછી એ છોકરીએ રસિકભાઈને પૂછ્યું, ‘સર, તમારા સફેદ વાળ પર કલપ કરવો છે?’ રસિકભાઈએ હસીને ઉત્તર વાળ્યો, ‘માથાના આ વાળને સફેદ કરતાં મને સાઠ વર્ષ લાગ્યાં છે. આ સાઠ વર્ષની ઓળખાણ હું દસ-વીસ શિલિંગમાં વેડફી નાખું? બેટા, સફેદ વાળ અમસ્તા નથી થતા. સાઠ વર્ષ જીવ્યા પછી થાય છે અને સાઠ વર્ષ જીવવું એ કોઈ સહેલી વાત નથી.’
ADVERTISEMENT
રસિકભાઈએ થોડાક શબ્દોમાં એક જબરદસ્ત વાત કહી દીધી છે. માણસે પોતાની વય કરતાં નાના કે મોટા દેખાવાની કોઈ જરૂર નથી હોતી. ખરેખર તો તે જેવો છે એવો જ દેખાવો જોઈએ. દસ વર્ષની વયે જે કૈશૌર્ય હોય એ પંદર વર્ષે નથી હોતું. પંદર વર્ષનો તરવરાટ જુદો જ હોય છે. વીસ વર્ષે યૌવન પાંગરી ચૂક્યું હોય એટલે તેનાં વ્યવહાર અને વર્તન બન્ને આપોઆપ બદલાઈ જતાં હોય છે. માણસ નાના દેખાવાનો પ્રયત્ન કરે છે પણ કોણ જાણે કેમ તેને મોટા દેખાવું ગમતું નથી. એનું કારણ કદાચ એ હોઈ શકે કે માણસની આયુ મર્યાદા એકસો વર્ષની ધારી લેવામાં આવી છે. માણસ જેમ-જેમ મોટો થતો જાય એમ પેલા સોના આંકડાની નજીક પહોંચતો જાય છે. એ જરૂરી નથી કે માણસ સો વર્ષ સુધી જીવશે જ, પણ તે પોતે એમ ધારી લે છે કે આ સો વર્ષ તો તેની પાસે છે જ. એટલે જો તે ત્રીસનો હોય અને કોઈ પાંત્રીસ કહે તો જાણે તે મૃત્યુની વધારે નજીક પહોંચ્યો હોય એવો અજ્ઞાત ભય તેના મનમાં હોવો જોઈએ.
મોટાનો નાનો, પણ નાનાનું શું?
રસિકભાઈએ ઉપર જે વાત કહી છે એનાથી સાવ જુદી જ વાત જ્યોતીન્દ્ર દવેએ તેમના એક લેખમાં આપણને કહી છે. જ્યોતીન્દ્રભાઈ હાસ્યરસના લેખક હતા પણ તેમના હાસ્યલેખોમાં છલોછલ ગાંભીર્ય હતું. દવા બનાવતી એક કંપનીની જાહેરાત તેમણે અખબારોમાં વાંચી. આ કંપનીએ એવો દાવો કર્યો હતો કે એની અમુકતમુક દવાઓનું સેવન કરવાથી માણસ વૃદ્ધાવસ્થાને હડસેલી શકે છે. સાઠ કે સિત્તેર વર્ષનો માણસ જો આ દવાનું સેવન કરે તો તે વીસ વર્ષ નાનો લાગે છે. આ જાહેરાત વાંચીને જ્યોતીન્દ્રભાઈએ પેલી કંપનીના માલિકોને એક પ્રશ્ન પૂછ્યો, મને સાઠ વર્ષ થયાં છે. તમારી દવાઓ લેવાથી જો હું ચાલીસ વર્ષનો દેખાઉં તો એનાથી શું બીજા કોઈ પ્રશ્નો પેદા નહીં થાય? મારો પુત્ર પચીસ વર્ષનો છે અને જો આ દવાનું સેવન તે કરે તો શું પાંચ વર્ષનો લાગશે? જો આવું થાય તો તેની પત્ની અને બાળકોનું શું થાય? તેણે તમારા પર કેસ ન માંડવો જોઈએ?
જ્યોતીન્દ્રભાઈનો આ પ્રશ્ન તો હળવાશ ભરેલો હતો, પણ એમાં માનવ પ્રકૃતિની ગંભીર સમસ્યા ઊડીને આંખે વળગે એવી હતી. માણસ ઉંમરનાં વર્ષો કેટલી હદે ઘટાડી શકે. જો સાઠ વર્ષનો માણસ ચાલીસનો હોય એવું લાગે તો તેને સાઠ વર્ષ સુધી જીવતાં આવડ્યું નથી એવો અર્થ થાય. સાઠ વર્ષની ઉંમરે તંદુરસ્ત દેખાવું, શરીરસૌષ્ઠવ સારું હોય એ આવકારદાયક વાત છે પણ પેલાં સાઠ વર્ષનો પ્રભાવ તેના ચહેરા પર, તેની આંખમાં, તેની વાતચીતમાં બધે જ પ્રગટ થવો જોઈએ. આ પ્રાગટ્ય પ્રાકૃતિક હોવું જોઈએ, એમાં કશાય પ્રયત્નો કરવાની જરૂર નથી.
આપણે ફાળે આવેલી એકસો વર્ષની આયુમર્યાદા આપણા પૂર્વજોએ ચાર ભાગમાં વહેંચી છે. અને આ ચારેય ભાગ માટે તેમણે નિશ્ચિત વિભાવના અને કર્મોની રેખા પણ દોરી આપી છે. આ એક આદર્શ છે અને એ આદર્શ ખરેખર પૂરો થઈ શકતો હોતો નથી. આમ છતાં આ આદર્શ એક સમજદારી તો છે જ. અહીં સ્વાનુભવનો એક અનુભવ ટાંકવા જેવો છે.
પંચોતેર વર્ષની વયે મેં લખેલી અને કોઈક દિવાળી અંકમાં પ્રગટ થયેલી વાર્તા વાંચીને એક વાચકે પ્રશ્ન કર્યો હતો, ‘આ વાર્તામાં તમે આવું લખ્યું છે અને હું તમારો ખૂબ જૂનો વાચક છું. તમારી ફલાણી વાર્તામાં મને એનાથી સાવ ઊલટું લખાયેલું યાદ આવે છે. તમે એકના એક લેખક આમ જુદી-જુદી વાતો લખો એ ઠીક ન કહેવાય.’ તેમણે કહેલી અને યાદ રાખેલી એ જૂની વાર્તા યાદ કરતાં મને ખાસ્સો સમય લાગ્યો. યાદ આવ્યા પછી મેં કહ્યું, ‘તમે જે વાર્તાનો ઉલ્લેખ કરો છો એ વાર્તા લગભગ પચાસ વર્ષ પહેલાં લખાયેલી છે. પચાસ વર્ષ પહેલાં મારા મનમાં જે લાગણીઓ હોય એ લાગણીઓ આજે પણ એવી ને એવી જ હોય એવું તમારે માનવું ન જોઈએ. વધતી જતી વય અને અનુભવો સાથે માણસ જો પોતાની વિચારધારાને પણ બદલી ન શકે તો એ ઉચિત નથી.’ એ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ, પણ દરેક માણસે આવા માનસિક પરિવર્તનનો સહજતાથી સ્વીકાર કરવો જોઈએ.
મહત્ત્વ વિચારનું છે, વયનું નહીં. વય પ્રાકૃતિક લક્ષણ છે. એની કોઈ આવનજાવન તમે નોંધી શકો નહીં. માત્ર એનો સ્વીકાર કરીને એના સૌંદર્યને વધારી શકો કે પછી એને કુરૂપ બનાવી શકો, વય સામે લડવામાં વાનરવેડા કરાય નહીં.


