Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અન્યને જે નથી દેખાતું એ જોવાની કળા

અન્યને જે નથી દેખાતું એ જોવાની કળા

13 December, 2020 11:41 PM IST | Mumbai
Kana Bantwa

અન્યને જે નથી દેખાતું એ જોવાની કળા

અન્યને જે નથી દેખાતું એ જોવાની કળા

અન્યને જે નથી દેખાતું એ જોવાની કળા


ક્વીન્સ ગેમ્બિટ નામની આલા દરજજાની વેબ-સિરીઝમાં નાયિકાને છતમાં પણ ચેસબોર્ડ અને ચેસની ચાલ દેખાય છે. એક મહિલા રિપોર્ટર નાયિકા એલિઝાબેથને પૂછે છે, તેં કયારેય એપોફેનિયા વિશે સાંભળ્યું છે? એલિઝાબેથ માટે આ શબ્દ નવો હતો એટલે રિપોર્ટર તેને સમજાવે છે, ‘એપોફેનિયા એટલે એવી બાબતોમાં કોઈ પૅટર્ન કે અર્થ શોધી કાઢવો જે બીજાને ન દેખાતો હોય અથવા એ હોય જ નહીં. જેને આવું થતું હોય તે લોકોને એનો એક અલગ નશો મહેસૂસ થાય છે. તેમને લાગે છે કે તેમણે કશુંક એવું શોધી કાઢ્યું છે જે અન્યને નથી સમજાતું, નથી દેખાતું. આ લોકોને દરેક ઘટનામાં કોઈક કડી, કોઈ મતલબ દેખાય છે. આમ જુઓ તો ક્રીએટિવિટી અને સાઇકોસિસ, સર્જનાત્મકતા અને પાગલપણું એકબીજાની બહુ જ નજીક હોય છે.’
  એપોફેનિયા એટલે સાવ જ અસંબદ્ધ વાતોને એકબીજા સાથે જોડીને એક નવો જ ઘટનાક્રમ વિચારી કાઢવો.  બધે જ કૉન્સ્પિરસી થિયરી દેખાવી. સવારે ઊઠે ત્યારે બ્રશ એની મૂળ જગ્યાએ ન હોય, મોજાંની જોડી અસ્તવ્યસ્ત હોય, દાઢી કરતાં બ્લેડ વાગી જવી, દરવાજો બંધ કરતાં આંગળી દબાઈ જવી, લિફટ અચાનક અટકી જવી, ગાડી સ્ટાર્ટ થવામાં સમય લાગવો જેવી ઘટનાઓ બને કે તરત જ એ વ્યક્તિને લાગે કે તેના વિરુદ્ધ કોઈ કાવતરું થઈ રહ્યું છે. આ બધા બનાવોને એકબીજા સાથે કોઈ સંબંધ ન હોય તો પણ તેને એમાં સંબંધ દેખાય છે. એવું નથી કે એપોફેનિયાથી બધે જ કાવતરાં જ દેખાય. મૂળ તો એપોફેનિયા ન દેખાતું જોવાની કળા અથવા વલણ છે. એને પૅરેઇડોલિયા પણ કહેવામાં આવે છે. આપણામાંના મોટા ભાગનાને ચંદ્રમાં ડોશી અને બકરી દેખાતાં હશે અથવા ચંદ્રમાં સસલું દેખાતું હશે. મંગળ પરની રેતીની તસવીરોમાં માણસનો ચહેરો દેખાતો હોય એવી એક તસવીર થોડા સમય પહેલાં બહુ ચર્ચાઈ હતી. વાદળોમાં હાથી, રાક્ષસ કે માણસની આકૃતિ લગભગ તમામે જોઈ જ હશે. રીંગણાને કાપતાં કોઈને કોઈ દેવનો ચહેરો અનાદિકાળથી દેખાતો આવે છે અને એના સમાચારો બનતા રહે છે. અર્થવિહીન દૃશ્યમાં આવા લોકોને અર્થ દેખાય છે. એક સરસ કાર્ટૂંન એપોફેનિયા વિશે જોયું હતું. હૉસ્પિટલના ન્યુરોલૉજી ડિપાર્ટમેન્ટની કૅન્ટીનમાં નાસ્તો કરવા બેઠેલા ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટરોમાંના એક તબીબ પોતાની પ્લેટમાંના પીત્ઝાને જોઈને કહે છે, ‘આ પીત્ઝાનો આકાર કોઈ એપોફેનિયા ધરાવતા વ્યક્તિના મગજની એમઆરઆઇ ઇમેજ જેવો છે!’ જેને કાર્ટૂન સમજવામાં વાર લાગી હોય તેમના માટે અર્થ જણાવી દઈએ, એ તબીબ પોતે એપોફેનિયા ધરાવતા હતા એટલે તેમને પીત્ઝામાં બ્રેઇન સ્કૅન દેખાતો હતો.
  અત્યારનો સમય સામૂહિક એપોફેનિયાનો છે. સોશ્યલ મીડિયાને લીધે એવા સમૂહો ઊભા થઈ ગયા છે જેને સાવ જ અસંબદ્ધ વાતોને અન્ય બાબતો સાથે જોડીને અર્થ કાઢવાની આદત પડી ગઈ છે. કેટલાય સમૂહો એવા પેદા થયા છે જેમને વાત-વાતમાં કાવતરાં જ દેખાય છે. કોરોના એક મોટું ષડયંત્ર છે એવું માનનાર એક આખો એપોફેનિક વર્ગ વિશ્વમાં ઊભો થયો હતો જે કોવિડ વાયરસ, વુહાન, ચીન, ફાર્મા કંપનીઓ, વૈશ્વિક રાજકારણ વગેરે વચ્ચે કડીઓ જોડીને ષડયંત્રનું ચિત્ર બનાવતો હતો. આ સમુદાય બહુ જ વિશાળ હતો. બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારો પણ એમાં સામેલ હતા. તેઓ કહેતા કે કોરોના જેવું કાંઈ છે જ નહીં. પછી બોલ્સોનારો ભાઈને જ કોરોનાનો ચેપ લાગ્યો, માંડ-માંડ બચ્યા. માણસનું મન માંકડું છે. મન તમને જૂઠ દેખાડી શકે અને જૂઠને સત્ય મનાવી શકે. ઇમૅજિનેશનની પોતાની તાકાતનો ઉપયોગ કરીને મન માણસને એ બધું દેખાડી શકે જે વાસ્તવમાં હોતું નથી. આનો ઉપયોગ પણ હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી બખૂબી કરાઈ રહ્યો છે. વિખરાયેલાં ટપકાં જોડીને ભયાનક રાક્ષસની આકૃતિ તૈયાર કરવાનું કામ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષો અને સત્તાધીશો સામાન્ય જનતાના મનમાં અવાસ્તવિક ભય ઊભો કરવા માટે આનો ઉપયોગ કરે છે. ડૉનલ્ડ ટ્રમ્પ આ વખતે હારી ગયા, કારણ કે તેની વ્યૂહરચના ઉઘાડી પડી ગઈ હતી. પણ ૨૦૧૬માં તે ગોરા અમેરિકનો સામે કાવતરાં થઈ રહ્યાં છે, અમેરિકનોની નોકરીઓ ખાઈ જવાનું ભારતીયોનું આયોજન છે એવા મુદ્દા અમેરિકાની ગોરી પ્રજાના મનમાં સ્થાપિત કરીને જીત્યા હતા. ટ્રમ્પે જે ચિત્રો બતાવ્યાં હતાં એ બધાં અવાસ્તવિક હતાં, જુદા-જુદા હતાં એ સમય જતાં સાબિત થઈ ગયું અને બાઇડન જીતી ગયા. ટ્રમ્પ જેવા જમણેરી નેતાઓ કાલ્પનિક ચિત્રો બતાવીને, ભયભીત કરીને જ જીતે છે. તેઓ પરંપરા, ગૌરવ, સંસ્કૃતિ વગેરે સામે આયોજનપૂર્વકનો ખતરો ઊભો કરાઈ રહ્યાનું બતાવે છે. લોકો તેને માની લે છે. તેમણે જે ટપકાં દેખાડ્યાં એને જોડીને બનાવાયેલા ચિત્રને લોકો સાચું માની લે છે. પૅરેઇડોલિયા કે એપોફેનિયાની ભેળસેળ જ્યારે ધર્મ કે રાજકારણ સાથે થાય છે ત્યારે જોખમી બની જાય છે. આ બન્ને ક્ષેત્રમાં એનો ઉપયોગ પરાપૂર્વથી થતો પણ આવ્યો છે. ગણેશજીની મૂર્તિ દૂધ પીએ છે એવી વાત ઊડે એ પૅરેઇડોલિયા કે એપોફેનિયા છે. કોઈ નેતા સત્તા પર આવે અને કોઈ કુદરતી દુર્ઘટના ઘટે અથવા પ્રાકૃતિક ઘટનાઓનો ક્રમ બદલાય એને કોઈ સંબંધ હોતો નથી, પણ એને જોડીને રજૂ કરવાના પ્રયાસો થાય છે અને જનતા એને માની પણ લે છે. આપણા પ્રાચીન ઋષિઓ પણ એપોફેનિક હશે જેમણે આકાશમાં જ તારાનાં ટપકાં જોડીને વિવિધ આકૃતિ ધરાવતાં નક્ષત્રોની કલ્પના કરી.
  આ બધા છતાં એપોફેનિયા અદ્ભુત ચીજ છે. ક્વીન્સ ગેમ્બિટમાં પેલી રિપોર્ટર એલિઝાબેથને કહે છેને, ક્રીએટિવિટી અને સાઇકોસિસ એકબીજાની લગોલગ ચાલે છે. પાગલ અને જીનિયસ લગભગ સરખા જ લાગતા હોય છે. સર્જનાત્મકતા અને પાગલપણા વચ્ચે બહુ જ પાતળી દીવાલ હોય છે, જે તૂટતાં વાર નથી લાગતી. મોટા ભાગના જીનિયસ વર્તનમાં પાગલ લાગશે. તેમને કશું સીધી લીટીમાં, લીનીયર દેખાતું નથી. તેમને નવું જ દેખાય છે. જેને જે છે એ જ દેખાય છે તે નવું વિચારવા સમર્થ નથી. વિન્સેન્ટ વૅન ગો, વર્જિનિયા વુલ્ફ, એડગર ઍલન પો, આઇઝૅક ન્યુટન, ફ્રાન્ઝ કાફકા, અર્નેસ્ટ હેમિંગ્વે, રૉબર્ટ શૂમેન વગેરે જીનિયસ સત્તાવાર રીતે મનોચિકિત્સકોના ક્લાયન્ટ હતા. હવે તો વિજ્ઞાને લગભગ સાબિત કરી દીધું છે કે જીનિયસનેસ અને પાગલપણા વચ્ચે સંબંધ છે. બાયપોલર ડિસઑર્ડર જેવા મુડ ડિસઑર્ડર ક્રીએટિવિટી સાથે સંબંધ ધરાવે છે એવું અભ્યાસોમાં જણાયું છે. બાયપોલર ડિસઑર્ડરને ક્રીએટિવિટીની ડાર્ક સાઇડ કહેવામાં આવે છે, પણ એ સમજવું જોઈએ કે બાયપોલર ડિસઑર્ડર ધરાવનાર બધા જીનિયસ હોતા નથી. હા, જીનિયસમાં બાયપોલર ડિસઑર્ડર જોવા મળે છે. જીનિયસ અને પાગલ વચ્ચે એક જ ભેદ હોય છે; જીનિયસ મર્યાદાને જાણે છે, પાગલ વળોટી જાય છે. એટલે ક્રીએટિવ બનવા માટે પાગલ થવું જરૂરી નથી. ક્રીએટિવિટીને કારણે થોડું તરંગીપણું આડપેદાશ તરીકે આવી શકે. પણ પાગલપણાની આડપેદાશ તરીકે જીનિયસનેસ પેદા થઈ શકે નહીં. ક્વીન્સ ગેમ્બિટની એલિઝાબેથ મૅથ્સમાં અત્યંત તેજસ્વી હતી. તેને ચેસની રમતની ચાલ અંદરથી સ્ફુરતી હતી. તે જ્યારે લિબ્રિયમ જેવી ટ્રાન્ક્વિલાઇઝર લેતી ત્યારે તેને મગજમાંની ચેસની ગેમ કમરાની છતમાં દેખાતી. એલિઝાબેથની જીનિયસનેસ ઇનબિલ્ટ હતી. જે લોકો ક્રીએટિવિટી માટે દવાઓ લે છે તેમણે ચેતી જવું જોઈએ. જીનિયસનેસ માત્ર ચીજોને અલગ દૃષ્ટિકોણથી જોવાની ક્ષમતા નથી. એમાં ઊંડું જ્ઞાન, સતત પ્રયત્નો કરતા રહેવાની તાકાત, દુનિયાથી ઊલટા ચાલવાનાં પરિણામો ભોગવવાની તૈયારી વગેરે ઘણી ક્ષમતાની જરૂર પડે છે. વૅન ગો માત્ર પાગલપણાને લીધે સારો ચિત્રકાર નહોતો બન્યો, તેણે ચિત્રકામ માટે આખી જિંદગી જે મહેનત કરી હતી એ બહુ મહત્ત્વની હતી. મહિનાઓ સુધી રેપ્લિકાઓ બનાવીને આંગળીઓ ઘસી નાખ્યા પછી તે સારો ચિત્રકાર બન્યો હતો, રંગોના લપેડા કરીને નહીં. બાય ધ વે, વૅન ગોનું જીવનચરિત્ર ‘સળગતાં સૂરજમુખી’ મસ્ટ રીડ છે, જો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો.

પાગલ અને જીનિયસ લગભગ સરખા જ લાગતા હોય છે. સર્જનાત્મકતા અને પાગલપણા વચ્ચે બહુ જ પાતળી દીવાલ હોય છે, જે તૂટતાં વાર નથી લાગતી. મોટા ભાગના જીનિયસ વર્તનમાં પાગલ લાગશે. તેમને કશું સીધી લીટીમાં, લીનીયર દેખાતું નથી. તેમને નવું જ દેખાય છે. જેને જે છે એ જ દેખાય છે તે નવું વિચારવા સમર્થ નથી. જીનિયસ અને પાગલ વચ્ચે એક જ ભેદ હોય છે; જીનિયસ મર્યાદાને જાણે છે, પાગલ વળોટી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2020 11:41 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK