આજે શિક્ષક દિને મળીએ એવાં શિક્ષકને જેમણે ભારેખમ વિજ્ઞાનને મોજમસ્તી બનાવી દીધી છે
કાંદિવલીનાં સાયન્સ ટીચર ડૉ. હેમાલી જોષી
બે રસાયણો વચ્ચેની પ્રક્રિયાની વાત હોય, શરીરની અંતઃરચનાને સમજવાનું જીવવિજ્ઞાન હોય કે પછી આઘાત અને પ્રત્યાઘાત એકસરખા જ હોય છે એવો ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ સમજવાનો હોય; બોરીવલી એજ્યુકેશન સોસાયટીની આર. સી. પટેલ હાઈ સ્કૂલનાં સાયન્સ ટીચર ડૉ. હેમાલી જોષી એને કાર્ટૂન સિરીઝ દ્વારા સમજાવે છે. ભારતનાં સૌપ્રથમ મહિલા સાયન્સ કાર્ટૂનિસ્ટનું બિરુદ પામેલાં આ ટીચરનાં સાયન્સ-કાર્ટૂન્સ સિરીઝનું બીજું પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું છે.
સાયન્સ ભણવાનું કે ભણાવવાનું બહુ બોરિંગ હોય એવું જો કોઈ માનતું હોય તો કાંદિવલીનાં સાયન્સ ટીચર ડૉ. હેમાલી જોષીને મળવું પડે. તેમની ભણાવવાની સ્ટાઇલ એટલી નોખી છે કે બોરીવલી એજ્યુકેશન સોસાયટીની આર. સી. પટેલ હાઈ સ્કૂલના નવમા અને દસમા ધોરણના સ્ટુડન્ટ્સ સાયન્સના ક્લાસની કાગડોળે રાહ જોતા હોય છે. સાયન્સનો મૂળભૂત ફન્ડા સમજાવવા માટે ૩૯ વર્ષનાં હેમાલીબહેન બાળકોને સમજાય એવાં ઉદાહરણો, વાર્તાઓ, ફની ડાયાગ્રામ્સ, કાર્ટૂન્સ અને એ કાર્ટૂન્સને સમજાવતી શૉર્ટ સ્ટોરીઝનો સહારો લે છે. વિજ્ઞાનને સમજવા અને સમજાવવાનું તેમને એવું પૅશન છે કે તેમની ક્રાન્તિકારી ટીચિંગ પદ્ધતિને કારણે ૨૦૨૨-’૨૩માં તેમને મહારાષ્ટ્ર રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકેનો ક્રાન્તિ જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે ગુણગૌરવ રાજ્ય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો. તેમણે તૈયાર કરેલાં સાયન્સ-કાર્ટૂન્સનાં પુસ્તકોનું તાજેતરમાં મુંબઈની નાલંદા CMYK બુકસ્ટોરમાં લોકાર્પણ થયું. એજ્યુકેશનની રસપ્રદ પદ્ધતિઓ પર ઊંડું સંશોધન કરીને એ વિષયમાં જ ડૉક્ટરેટ કરનારાં હેમાલીબહેન હવે ક્રીએટિવ ટીચિંગ થઈ શકે એની ટ્રેઇનિંગ ટીચર્સને આપવાનું કામ કરે છે. સાયન્સ અને આર્ટ બન્નેનું અનોખું કૉમ્બિનેશન ધરાવતાં હેમાલીબહેન ઇન્ડિયાનાં સૌપ્રથમ મહિલા સાયન્સ કાર્ટૂનિસ્ટ કહેવાય છે. તેઓ નૅશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉન્ગ્રેસ અને નૅશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ સાયન્ટિસ્ટ્સ સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં છ વાર ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.
ADVERTISEMENT
સાયન્સ અને આર્ટનું કૉમ્બિનેશન
વિજ્ઞાન જેવા નીરસ વિષયમાં કાર્ટૂન જેવી આર્ટનું સમન્વય કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એની વાત કરતાં ડૉ. હેમાલી કહે છે, ‘આમાં મારા જીન્સનો હાથ હોઈ શકે. મારા પપ્પા ડૉ. પ્રદીપ જોષી અને તેમની સાઇડનો આખો પરિવાર સાયન્સ સાથે સંકળાયેલો છે અને મારાં મમ્મી ફાલ્ગુની જોષી અને તેમની સાઇડનો પરિવાર વિવિધ પ્રકારની આર્ટ સાથે સંકળાયેલો છે. પપ્પાની ઇચ્છા હતી કે હું ડૉક્ટર બનું; પણ મારે કાં ટીચર બનવું હતું, કાં આર્ટિસ્ટ બનવું હતું. સાયન્સમાં ભણતી હતી ત્યારે પણ હું ઍક્ટિંગ, ડાન્સ અને પર્ફોર્મન્સની ઍક્ટિવિટીમાં ભાગ લેતી. આ કૉમ્બિનેશનને કારણે હું પોતે ભણતી ત્યારે પણ સાયન્સને સમજવા માટે જાતજાતનાં ડાયાગ્રામ, ડ્રૉઇંગ્સ વગેરેનો ઉપયોગ બહુ સહજતાથી થઈ જતો. સ્કૂલમાં પણ ડ્રામામાં ભાગ લેતી. પહેલી જ વારના ડ્રામામાં હું છોકરો બનેલી. મને નકલ કરવાનું અને ડાયલૉગ્સ અલગ-અલગ રીતે બોલવાનું બહુ ગમતું. આ જ ચીજો હું ભણતી વખતે પણ કરતી. પપ્પાનું વિજ્ઞાન અને મમ્મીની કળા એમ બન્ને હુન્નર મારામાં ઊતર્યાં. મેં બૅચલર ઑફ એજ્યુકેશન (B.Ed.) કર્યું ત્યારે તો જાણે મને પાંખો મળી ગઈ. હું રોજ વિચારતી કે આ ફન્ડા બાળકોને શીખવવા માટે શું ક્રીએટિવ થઈ શકે? નવા-નવા ચાર્ટ, પોસ્ટર્સ, કાર્ડબોર્ડ્સ વગેરે બનાવીને હું સ્કૂલમાં લઈ જતી. સ્ટુડન્ટ્સનો પણ પૉઝિટિવ રિસ્પૉન્સ મળવા લાગતાં મનેય મજા આવી. ક્યારેક તો કોઈક કન્સેપ્ટ હું મૉનોલૉગ ડ્રામા ચાલતો હોય એ રીતે બોલીને સમજાવું છું. હું પણ એન્જૉય કરું અને સ્ટુડન્ટ્સ પણ.’
કાર્ટૂન્સની એન્ટ્રી કઈ રીતે?
આર્ટિસ્ટના મનમાં કોઈક વિચારો ચાલતા હોય તો અનાયાસ ડૂડલિંગ થતું રહેતું હોય છે. એવું જ કંઈક હેમાલીબહેન સાથે થતું. તેઓ કહે છે, ‘હું સામાન્ય રીતે ભણાવતી વખતે બ્લૅકબોર્ડ પર ચિત્રો અને કાર્ટૂન્સ બનાવીને સમજાવતી હતી. કોવિડનો સમય હતો અને મારા સ્ટુડન્ટ્સને એમાં મજા આવતી. તેમણે જ ફીડબૅક આપ્યું કે આવાં કાર્ટૂન્સ પ્રિન્ટ કરીને જો કન્સેપ્ટવાઇઝ એને તૈયાર કરીને આપવામાં આવે તો વધુ ગમે. એ વખતે સમય જ સમય હતો એટલે પેપર પર સાયન્સ થીમનાં કાર્ટૂન્સ ક્રીએટ કર્યાં. એ પછી સ્ટુડન્ટ્સનું જ ફીડબૅક હતું કે એની સાથે તમે જે વાર્તાઓ કહો છો એ પણ લખેલી હોય તો મજા આવે. આમ હું સ્ટોરીઓ લખતી પણ થઈ. આમ સ્ટોરી-ટેલરની સાથે સ્ટોરી-રાઇટર પણ બની.’
ગવર્નમેન્ટ સ્કૂલમાં કેમ?
છેલ્લાં લગભગ ૧૧ વર્ષથી તેઓ આર. સી. પટેલ હાઈ સ્કૂલમાં ભણાવે છે જે એક ગવર્નમેન્ટ સ્કૂલ છે. તો શું તેમને ક્યારેય પ્રાઇવેટ સ્કૂલમાં જવાનો વિચાર ન આવ્યો? આ માટે હેમાલીબહેન કહે છે, ‘ઇન ફૅક્ટ, હું બે વર્ષ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીને કંટાળીને જ ગવર્નમેન્ટ સ્કૂલમાં ભણાવવા આવી હતી. B.Ed. થયા પછી મને તરત જ એક પ્રાઇવેટ સ્કૂલમાં જૉબ મળી હતી. જોકે ત્યાં બધું જ સેટ કરેલું હોય. તમને જે વિષય માટે હાયર કરવામાં આવ્યા હોય એટલું જ તમારે કરવાનું. એ લોકો જે રીતે કહે એવી જ રીતે શીખવવાનું. મને એમાં મજા નહોતી આવતી. મને તો ભણાવવા ઉપરાંત સ્ટુડન્ટ્સ માટે ઇતર પ્રવૃત્તિઓ થકી પણ ઘણુંબધું કરવું હતું. બે વર્ષ પછી જ્યારે હું આર. સી. પટેલ હાઈ સ્કૂલમાં ઇન્ટરવ્યુ આપવા આવી ત્યારે મને એક સવાલ પૂછેલો, તમે સાયન્સ અને ભણાવવા ઉપરાંત બીજી કઈ રીતે કૉન્ટ્રિબ્યુટ કરવા માગશો? બસ, આ સવાલે મારો ચહેરો ખીલી ઊઠ્યો. ક્લાસ પછી પણ હું કંઈક નવું શીખવવા માટેનાં સેશન્સ લઉં છું.’
સાયન્સ-ટૂલ્સ પણ બનાવ્યાં છે
દરેક વિષયને સરળતાથી સમજી શકાય એ માટે સિમ્પલ ટૂલ્સ હોવાં જોઈએ. જેમ ભૂમિતિની આકૃતિઓ માટે ટૂલ્સ મળે છે એવું જ કંઈ સાયન્સના ફન્ડા સમજવા માટે પણ હોવું જોઈએ એવું માનતાં હેમાલીબહેને સાયન્સના દરેક ફન્ડા માટે પોતાનાં ટૂલ્સ ક્રીએટ કર્યાં છે. એ ટૂલ્સ શું છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું વિઝિટિંગ કાર્ડ્સથી લઈને મોટા પેપર-કાર્ડની સાઇઝના પૂંઠા પર કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલૉજીની નાની-નાની બેસિક ચીજોનાં ટૂલ્સ બનાવું છું. જેમ કે રીપ્રોડક્ટિવ સિસ્ટમ સમજવી હોય તો એ માટેનું આખું એક ટૂલ બનાવ્યું છે. જેમ રાજસ્થાની કાવડ આર્ટમાં બારી ખોલીને અંદરની અલગ જ દુનિયા એક્સપ્લોર કરવામાં આવે છે એવું જ કંઈક આ સિસ્ટમમાં હોય છે. મેન્સ્ટ્રુઅલ સાઇકલ શું હોય એ સ્ટુડન્ટ્સ ઑકવર્ડ ફીલ ન કરે એટલા માટે આ ટૂલ્સથી સરસ રીતે સમજાવી શકાય. એ ઉપરાંત ઇલેક્ટ્રિસિટીની ચૅનલ કઈ રીતે વર્ક કરે, અમુક બે રસાયણો મળે તો કેવી પ્રક્રિયા થાય એ બધું જ કાર્ટૂન્સથી સમજી શકાય એવાં મૉડ્યુલ્સ મેં તૈયાર કર્યાં છે.’
રિસર્ચ અને અભ્યાસ
ન્યુ એજ્યુકેશન પૉલિસી પર રિસર્ચ કરવાની કમિટીમાં પણ ડૉ. હેમાલી જોષી રિસોર્સ પર્સન તરીકે જોડાયેલાં છે. એજ્યુકેશન પદ્ધતિમાં કઈ ટીચિંગ પદ્ધતિ વધુ કારગર છે એ સમજવા અને એને લગતા સંશોધનમાં તેઓ સક્રિય છે.
વૉટ નેક્સ્ટ?
સાયન્સક્ષેત્રે હવે ડૉ. હેમાલી જોષી બીજા વિષય પર પીએચ.ડી. કરી રહ્યાં છે. આ વખતનો વિષય છે એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને બાયોરેમેડિયેશન. માઇક્રોપ્લાસ્ટિક્સના વધતા એક્સપોઝર માટે શું થઈ શકે એ વિશે વિચારવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે એવું તેઓ માને છે.