આજકાલ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં નવું તત્ત્વ ઉમેરાયું છે જેને સ્માર્ટ SIP નામે ઓળખાવાય છે. સાદા SIPમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં નવું તત્ત્વ ઉમેરાયું છે જેને સ્માર્ટ SIP નામે ઓળખાવાય છે. સાદા SIPમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે, જ્યારે સ્માર્ટ SIPમાં બજારની સ્થિતિના આધારે રોકાણની રકમમાં વધઘટ કરવામાં આવે છે. પહેલી નજરે તો આ અભિગમ ફળદાયક નીવડે એવો જણાય છે, કારણ કે ઇક્વિટીના રોકાણ બાબતે પહેલેથી કહેવાતું આવ્યું છે કે ભાવ ઓછા હોય ત્યારે વધારે ખરીદી કરો અને ભાવ વધારે હોય ત્યારે ઓછી ખરીદી કરો. પરંપરાગત SIPમાં બજાર ઊંચું હોય કે નીચું, નિશ્ચિત સમયાંતરે નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે. એમાં આપોઆપ રૂપી-કૉસ્ટ ઍવરેજિંગ થઈ જાય છે. આટલાં વર્ષોમાં આ અભિગમ ઘણો અસરકારક પુરવાર થયો છે. રોકાણકારની લાગણીઓને વચ્ચે લાવ્યા વગર ફક્ત શિસ્તબદ્ધ રીતે રોકાણ થાય એ માટેનો આ રસ્તો છે. એનાથી લાંબા ગાળે સંપત્તિસર્જન થતું હોવાનું પણ જોવા મળ્યું છે. એની સામે સ્માર્ટ SIPનું વધુ સારી સુવિધા તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.
અહીં નોંધવું રહ્યું કે તમારે માર્કેટ ટાઇમિંગ કરવાની ઝંઝટમાં પડ્યા વગર રોકાણ કરવું જોઈએ એ સિદ્ધાંતના આધારે જ મ્યુચ્યુઅલ ફન્ડના SIPનો જન્મ થયો હતો, જ્યારે સ્માર્ટ SIP માર્કેટ ટાઇમિંગનો પ્રયાસ કરે છે. એને લીધે એમાં વ્યવહારુ પડકારો ઊભા થાય છે. દાખલા તરીકે બજાર ઘટતું હોય ત્યારે વધુ રકમનું રોકાણ કરવાનું મુશ્કેલ બની શકે છે. એ સમયે નાણાંની જોગવાઈ ન હોય એવું બને. બજારના આધારે રોકાણની રકમમાં વધઘટ કરવાનું બધાને ફાવે નહીં. વળી વાસ્તવમાં જ્યારે બજારમાં વૉલેટિલિટી વધારે હોય એવા સમયે રોકાણની રકમ નક્કી કરવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે. વૉલેટાઇલ સમયે રોકાણના નિર્ણયો લેવાનું બધા માટે અઘરું હોય છે.
ADVERTISEMENT
અત્યાર સુધીના આંકડાઓ દર્શાવે છે કે બજાર ઊંચું હોય ત્યારે શરૂ કરાયેલા અને ઘટતું હોય ત્યારે શરૂ કરાયેલા SIP એ બન્નેમાં લાંબા ગાળે લગભગ એકસમાન વળતર મળે છે. ઉપરાંત, બજાર એક મહિનાની ટોચ પર હોય અને નીચલા સ્તરે હોય ત્યારે કરાતા રોકાણની તુલના કરવામાં આવે તો એક દાયકાના સમયગાળા બાદ એના વળતરમાં ઘણો ઓછો તફાવત જોવા મળ્યો છે.
સંપત્તિસર્જનની વાત આવે ત્યારે સરળ અભિગમ જ વધારે અસરકારક પુરવાર થયો છે. સારું મ્યુચ્યુઅલ ફન્ડ નક્કી કરીને એમાં દર મહિને બજારની સ્થિતિને જોયા વગર નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે ત્યારે રૂપી-કૉસ્ટ ઍવરેજિંગ થાય છે અને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. સંપત્તિસર્જનમાં શિસ્ત અને સાતત્ય બન્ને ખૂબ જ જરૂરી હોય છે, જે મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણનો મુખ્ય સિદ્ધાંત છે.
સ્માર્ટ SIP નવીનતાભર્યો અભિગમ છે, પરંતુ એને લીધે કોઈ મોટો ફાયદો થતો નથી. ઊલટાનું રોકાણની જટિલતા વધે છે. આખરે તો એ જ સિદ્ધાંત કામ કરે છે કે માર્કેટ ટાઇમિંગ કરવાને બદલે માર્કેટને ટાઇમ આપો.


