નિર્ણય લેતી વખતે આશા, તક અને શક્યતાઓને ધ્યાનમાં રાખવી. ગંભીર પરિણામોનો વિચાર કરવાને બદલે ઇચ્છિત સફળતા પર ધ્યાન આપશો તો સ્વયંપ્રેરિત રહી શકશો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
‘આજે નહીં, કાલે કરીશ’, ‘ઇચ્છા તો છે, પણ આળસ આવે છે’, ‘એ કામ કરવાનો મૂડ નથી આવતો’, ‘કંઈક જોરદાર કરવાનો પ્લાન છે, પણ હમણાં સમય જ નથી મળતો.’ આ વાક્યો પરિચિત લાગે છેને! એનું કારણ આળસ હોય કે પ્રેરણાનો અભાવ, પણ ધાર્યું કામ પૂરું ન પાડી શકવાની જન્મજાત ‘પ્રતિભા’ આપણા સહુમાં રહેલી છે. નિર્ધારિત કામ પૂરું ન કરી શકવાની આપણી આ લાક્ષણિકતા માટે આપણો ‘આંતરિક અવરોધ’ જવાબદાર હોય છે. અંગ્રેજીમાં એક જાણીતું વિધાન છે, ‘Get out of your own way.’
તમારા પ્રગતિપથ પર રહેલો સૌથી મોટો અવરોધ તમે પોતે જ છો. એટલે જાતને નડવાનું બંધ કરો. આ જ વિષય પર લેખક માર્ક ગોલસ્ટોને એક આખું પુસ્તક લખ્યું છે. અંગ્રેજીમાં જેને Self-defeating Behavior કહે છે એવી ‘સ્વ’ને પરાજિત કરતી માનસિકતા જ આપણી સફળતામાં સૌથી મોટો અવરોધ હોય છે. ટૂંકમાં આપણી પ્રગતિમાં સૌથી મોટું અવરોધક પરિબળ આપણી માનસિકતા, માન્યતા, સફળતા પ્રત્યેનો દૃષ્ટિકોણ અને આપણો આંતરિક સંવાદ હોય છે.
ADVERTISEMENT
છેવટે આપણી સમસ્યા શું છે? આળસ, પ્રેરણાનો અભાવ કે નિષ્ફળતાનો ડર? એ વિષયને લગતી એક સુંદર TED-Talk હમણાં મારા ધ્યાનમાં આવી. સ્કૉટ ગેલર દ્વારા અપાયેલી એ સુંદર સ્પીચનું શીર્ષક છે ‘ધ સાઇકોલૉજી ઑફ સેલ્ફ-મોટિવેશન.’ બટ હેય, વેઇટ અ મિનિટ. આપણી જિંદગીમાં ‘સ્વયંપ્રેરિત’ જેવું કશું હોઈ શકે? આપણે તો અત્યાર સુધી એવું જ માનતા હતા કે પ્રેરણા તો કોઈકની પાસેથી જ લેવાની હોય. એ ‘સ્વ’માંથી કેવી રીતે ઉદ્ભવે? તો એનો જવાબ આ TED-Talkમાં રહેલો છે.
આપણું ઇચ્છિત કામ પૂરું કરી શકવાની સમર્થતા તપાસવા માટે સ્કૉટ ગેલર ત્રણ પ્રશ્નો સૂચવે છે. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં દરેકે પોતાની જાતને આ ત્રણ પ્રશ્નો પૂછવાના છે. સૌથી પહેલો પ્રશ્ન, ‘શું આ કામ હું કરી શકીશ?’ (Can I do it?) મતલબ કે શું મારી પાસે એટલી પ્રતિભા, તાલીમ, જ્ઞાન કે આત્મવિશ્વાસ છે કે આ કામ હું પૂર્ણ કરી શકીશ? જો એનો જવાબ ‘ના’ હોય તો આગળ વધવાની જરૂર નથી. એનો અર્થ કે તમને જાત પર જ ભરોસો નથી. તમારા રોગનું નિદાન પહેલા જ પ્રશ્નમાં થઈ ગયું. જો એનો જવાબ ‘હા’ હોય તો બીજા પ્રશ્ન પર આગળ વધો. શું મને એમાં સફળતા મળશે? (Will this work?) બસ, આ પ્રશ્નથી જ કર્મવીરો અને સ્વપ્નવીરો છૂટા પડે છે. આનો જવાબ નક્કી કરશે કે તમે ‘ડૂઅર’ છો કે ફક્ત ‘ડ્રીમર’?
મોટા ભાગના કામમાં આપણી આળસ, વિલંબ કે ઉદાસીનતાનું મુખ્ય કારણ ‘નિષ્ફળતાનો ડર’ હોય છે. આ બીજા પ્રશ્નના જવાબનો આધાર આપણી માનસિકતા પર રહેલો છે. જેમ કે જે વ્યક્તિ નિષ્ફળતાને કોઈ શરમજનક કે હતાશાજનક ઘટના તરીકે જુએ છે એ વ્યક્તિ એનો જવાબ ‘ના’માં આપશે. અથવા તો પોતાની ‘હા’માં તેને ખૂબબધી શંકા હશે. પણ સફળતા સુધી પહોંચવા માટે જે વ્યક્તિ નિષ્ફળતાને એક પગથિયું કે મુકામ સમજે છે તે પૂરા કૉન્ફિડન્સથી ‘હા’માં જવાબ આપશે. ગેલર કહે છે કે આ બીજા પ્રશ્નનો જવાબ ‘હા’માં આપવો અત્યંત જરૂરી છે, કારણ કે આપણા મનમાં જે કામની સફળતા વિશે શંકા રહ્યા કરે છે એ કામ કરવાની આપણને ક્યારેય ઇચ્છા નથી થતી. આપણી પ્રેરણાની બૅટરી સૌથી વધારે શંકા નામની ઍપમાં વપરાઈ જાય છે.
ત્રીજો પ્રશ્ન, ‘Is it worth it?’ શું આ કામમાં ખરેખર આટલી ઊર્જા, મહેનત કે સમય આપવાં યોગ્ય ગણાશે? એ લેખે લાગશે? આ ત્રીજા પ્રશ્નમાં જ મોટા ભાગના લોકો હાર સ્વીકારી લેતા હોય છે. એનું મુખ્ય કારણ છે બાળપણથી થયેલું આપણું ખામીયુક્ત પ્રોગ્રામિંગ. આપણે મોટા ભાગનાં કામ સજા કે નુકસાનથી બચવા માટે કરીએ છીએ, તક કે પ્રગતિ મેળવવા માટે નહીં. દાખલા તરીકે આપણે હોમવર્ક એટલા માટે કરીએ છીએ જેથી શિક્ષક આપણને ક્લાસની બહાર ન કાઢે. હોમવર્ક કરવાનો કોઈ પુરસ્કાર નથી મળતો, પણ ન કરવાની સજા મળે છે. આ જ વાત નોકરીમાં લાગુ પડે છે. નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે કોઈ પુરસ્કાર કે પ્રલોભન નથી હોતું. બસ, આપણને નોકરીમાંથી ન કાઢે એ જ આપણો પુરસ્કાર. નોકરી ગુમાવી દેવાની સજા કે નુકસાનથી બચવા માટે આપણે કામ કરીએ છીએ. પણ હકીકતમાં ભય, સજા, ખોટ કે નુકસાન ટાળવાના પ્રયત્નરૂપે આપણે જે કામ કરીએ એને મજબૂરી કહેવાય, પ્રેરણા નહીં. પ્રેરણા ત્યારે જ મળે છે જ્યારે કોઈ કામને આપણે સ્વ-વિકાસની તકના સ્વરૂપમાં જોઈએ છીએ. કશુંક છીનવાઈ જવાના ડરથી નહીં, પણ કશુંક અદ્ભુત મેળવવાની અપેક્ષા સાથે કોઈ કામ કરીએ તો એ પ્રેરણા છે. આંતરિક પ્રેરણાનો મુખ્ય આધાર આપણી માન્યતા, દૃષ્ટિકોણ અને અભિગમ પર હોય છે.
છેવટે કોઈ કામ કરવા કે ન કરવાનો નિર્ણય લેતી વખતે મિશેલ ઓબામાએ આપેલી એક સલાહ યાદ કરી લેવી જોઈએ. મિશેલની આ સલાહ મારી પ્રિય છે. કાલ્પનિક ભયને ધ્યાનમાં રાખીને ક્યારેય કોઈ નિર્ણય ન લેવો. નિર્ણય લેતી વખતે હંમેશાં આશા, તક અને શક્યતાઓને ધ્યાનમાં રાખવી. ગંભીર પરિણામોનો વિચાર કરવાને બદલે ઇચ્છિત સફળતા પર ધ્યાન આપશો તો સ્વયંપ્રેરિત રહી શકશો.

