‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પછીનો યશરાજ ફિલ્મ્સનો સમય જુદો છે અને એ પહેલાંનો સમય જુદો છે
પ્રતીકાત્મક તસવીર
હમણાં હું યશરાજ ફિલ્મ્સની એ બધી ફિલ્મો જોઉં છું જે મેં મારા ચાઇલ્ડહુડ અને ટીનએજમાં જોઈ હતી. અમુક તો એવી ફિલ્મો પણ હતી જે રિલીઝ થઈ એ સમયે મારો જન્મ પણ નહોતો થયો. નાઇન્ટીઝની એ બધી ફિલ્મો હું આજે પણ જોઉં છું તો લિટરલી મેસ્મરાઇઝ થઈ જાઉં છું. એ સમયે તો આપણે યુરોપનો વિચાર પણ નહોતા કરી શકતા અને બીજા ફિલ્મમેકર્સ પણ યુરોપમાં શૂટિંગ કરવાનો વિચાર નહોતા કરતા, પણ તમે યશરાજની ફિલ્મો જુઓ એટલે તમને યુરોપ જોવા મળી જાય.
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પછીનો યશરાજ ફિલ્મ્સનો સમય જુદો છે અને એ પહેલાંનો સમય જુદો છે. એ પહેલાં યશરાજ ફિલ્મ્સ યશ ચોપડા પર આધારિત હતું અને યશ ચોપડાએ જ આપણને કાશ્મીરની દુનિયા દેખાડી. ‘કભી કભી’ અને ‘કશ્મેવાદે’ આવી એ સમયે તો મારો બર્થ પણ નહોતો થયો, પરંતુ એ બધી ફિલ્મો પણ મેં જોઈ છે અને એમાં દેખાડવામાં આવતું કાશ્મીર પણ આપણે બધાએ જોયું છે. એ પછી કાશ્મીરમાં તંગદિલી વધી અને ફિલ્મોમાં બજેટ પણ વધ્યું એટલે યશરાજની ફિલ્મો યુરોપ ગઈ અને સ્વિટ્ઝરલૅન્ડ તો યશરાજે ઘરે-ઘરે પહોંચાડી દીધું. સ્વિટ્ઝરલૅન્ડના ટૂરિઝમે જે કામ નહીં કર્યું હોય એ કામ યશરાજની ફિલ્મોએ કર્યું. મને યાદ છે કે યશરાજની ‘લમ્હેં’, ‘ચાંદની’ અને એવી બીજી ફિલ્મો જોતી વખતે હું દરેક વખતે પપ્પા-મમ્મીને કહેતી, ‘મને સ્વિટ્ઝરલૅન્ડ લઈ જજો.’
ADVERTISEMENT
કેવી સરસ ફિલ્મો અને સાથે તમને એવાં લોકેશન પણ જોવા મળે જે ખરેખર આપણે સપનામાં જ જોયાં હોય. અરે, હું તો યુરોપ ફરી પણ છું અને એ પછી પણ કહું છું કે લોકેશનની જે બ્યુટી યશરાજની ફિલ્મોમાં જોવા મળી છે એવી બ્યુટી તો રિયલમાં પણ મને જોવા નહોતી મળી.
એ કોઈ નવી વાત નથી કે સ્વિટ્ઝરલૅન્ડમાં યશરાજ ચોપડાનું સ્ટૅચ્યુ રાખવામાં આવ્યું છે અને અમુક લોકેશનનું નામ પણ યશરાજની ફિલ્મો સાથે જોડવામાં આવ્યું છે. મારે મન આ એક એવું બહુમાન છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. મને લાગે છે કે એ સન્માન માત્ર યશરાજનું જ નહીં, આપણી ઑડિયન્સનું પણ છે અને આપણી એ વાર્તાઓનું પણ છે જે વાર્તા સાથે સ્વિટ્ઝરલૅન્ડ અને યુરોપ લોકો સુધી પહોંચ્યું.
મારો મૂડ ન હોય, કંઈ કરવાનું મન ન હોય તો હું યશરાજની નાઇન્ટીઝની આ ફિલ્મો જોવા બેસી જાઉં. એ ફિલ્મો મારો મૂડ ચેન્જ કરવાની તાકાત ધરાવે છે. મારી લાઇફની સૌથી મોટી ગિફ્ટ કઈ છે એ તમે જાણશો તો તમને નવાઈ લાગશે. મારા પપ્પાએ યશરાજની ફિલ્મ ‘મહારાજ’ સાઇન કરી અને પછી મને પહેલો ફોન કરીને કહ્યું કે ‘બેટા, હવે તારો બાપ યશરાજમાં કામ કરવાનો છે!’
- રિદ્ધિ દવે (રિદ્ધિ દવે ગુજરાતી અને હિન્દી નાટકો અને ટીવી-સિરિયલોની ઍક્ટ્રેસ છે)

