બેસણા અને ઉઠમણામાં સદ્ગત માટેના શબ્દો સાંભળીને એવું જ લાગે કે જનારું કોઈ સંત-મહાત્મા જ ગયું પણ એની સાચેસાચી ખબર તો ઘરના સભ્યોને જ હોય કે વડીલ કેવા અપલખણા હતા
તસવીર સૌજન્ય : એ.આઈ
કોઈનો ખરખરો કરવો એ પણ એક કળા અને આવડતનો વિષય છે. ગુજરાતી પ્રજાની આગવી ખાસિયતો નોંધતાં મેં મારા પુસ્તક ‘રંગ કસુંબલ ગુજરાતી’માં નોંધ્યું છે કે ‘કો’કની સાદડી અને પ્રાર્થનાસભામાં પણ શૅરબજારની ચર્ચા છેડનારા આપણે ગુજરાતીઓ, સ્વજનના બેસણા-ઉઠમણાને પણ શક્તિ-પ્રદર્શનમાં ફેરવી નાખનારા આપણે ગુજરાતીઓ...!’
હવે તો મોટાં-મોટાં શહેરોમાં કોઈ કરોડપતિ પાર્ટીનાં બા-બાપુજી વાઇબ્રન્ટ મોડ ૫૨થી સ્વિચ ઑફ થાય એટલે આખું કુટુંબ ઇસ્ત્રી-ટાઇટ વાઇટ લિનનનાં કપડાં પહેરીને ગોઠવાઈ જાય છે. એકાદા કુટુંબભક્તને આખા ગામને મેસેજ કરવાની જવાબદારી સોંપી દેવામાં આવે છે. ઇન ફૅક્ટ, મારા મોબાઇલમાં પણ એવા દસેક જણના નંબર સ્ટોર કરેલા છે જે રાજ મને ગામમાં કો’ક ગુજરી જાય ત્યારે જ મેસેજ કરે છે. માઠા સમાચાર સિવાય એનો દિવાળીનો સાદો રામ-રામનો મેસેજ પણ નથી આવતો. ઘણી વા૨ તો તેના નામનું નોટ િફિકેશન સ્ક્રીન પર દેખાય કે પેટમાં ફાળ પડે છે કે એ... કો’ક ટપકી ગ્યું...!
ADVERTISEMENT
હશે, જેવાં એનાં નસીબ ને મારા ભાયગ. બીજું શું?
મુંબઈ, રાજકોટ-સુરત જેવાં શહેરોમાં તો VVIP પ્રાર્થનાસભાઓમાં ટૉપ સિંગરોને બોલાવવામાં આવે છે અને બા કે બાપુજીએ જિંદગીમાં કોઈ દી’ ન ગાયાં હોય એવાં તમામ કીર્તનો મર્યા પછી બે કલાકમાં તરત જ તેમને સંભળાવવામાં આવે છે. મુંબઈ જેવાં હાઇફાઇ શહેરોમાં તો સ્વજનોની પ્રાર્થનાસભા પણ સંવેદન વગરની આર્ટિફિશ્યલ ફૉર્માલિટી થઈ ગઈ છે. મોત વિશે કોઈ અજ્ઞાત કવિએ કહ્યું છે કેઃ
મૌત ક્યા ચીઝ હૈ આઓ મૈં તુમ્હે બતાઉં,
એક મુસાફિર થા ઔર રાસ્તે મેં નીંદ આ ગઈ!
કેવી કરુણ વિચિત્રતા છે કે તમે જીવતા હો ત્યારે તમારી સાથે પાંચ મિનિટ ગાળવાનો ગામમાંથી કોઈને પણ સમય નથી હોતો અને તમે જેવા ગુજરી જાઓ કે તરત આખા ગામને તમારાં બેસણા-ઉઠમણા માટે સમય મળી જાય છે.
વાહ રે કુદરત!
અમારા હિંમતદાદાને લઈને હું તો રાજકોટમાં એક બહુ મોટી પાર્ટીના બેસણામાં ગ્યો. વીસ લાખ રૂપિયામાં ભાડે રાખેલો એક આખો પાર્ટી પ્લૉટ ને પ્રાર્થનાસભા માટે સ્પેશ્યલ બનાવેલો ડોમ જોઈને હિમાદાદા મને કાનમાં ક્યે કે ‘માળી બેટી મરવાનું મન થઈ જાય એવી પ્રાર્થનાસભા છે આ તો...! સાંઈ, આ છોકરાવે જેટલી ભવ્ય પ્રાર્થનાસભા ગોઠવવાની મહેનત કરી એના વીસમા ભાગની મહેનત જો બા-બાપુજીને સાચવવામાં કરી હોત તો ઈ દહ વરહ વધુ જીવત...!’
મેં ઠોંસો માર્યો કે દાદા મૂંગા મરો.
હાઇફાઇ સાઉન્ડમાં વાઇફાઇ યુક્ત કલાકારો, પાર્ટી સાથેના કોઈ જાતના સંબંધ વગર સફેદ કપડાંમાં ગંભીર કીર્તનો ગાતા હતા. જે વડીલ ગુજરી ગ્યા એના ફોટા ઉપર એટલા બધા હારતોરા ચડાવેલા હતા કે હિમાદાદાએ બે-ત્રણ વાર ધારી-ધારીને જોયું, પણ ખરેખર કોણ ગુજર ગ્યું ઈ એને ખબર જ ન પડી.
સંગીતમય પ્રાર્થનાસભાનો એકમાત્ર ફાયદો એ કે તમારા સ્વજન કઈ રીતે ગુજરી ગ્યા એ વારેઘડીએ તમારે ગામને કહેવું નથી પડતું. બાકી આ રિવાજ બહુ વહમો પડે એવો છે. શું હતું બાપુજીને? એમ કહેતા આવનાર દરેક વ્યક્તિ ચહેરા ઉ૫૨ માંડ-માંડ કરુણતાના ભાવો લાવીને મરનારના દીકરા પાંહે બેસે એટલે છેલ્લા સાત દિવસથી એની એક જ કૅસેટ ચલાવતા દીકરા સવારે છથી શરૂ કરી સાંજે પાંચ વાગ્યે બાપુજી કેવી રીતે ટપકી ગ્યા એની લાઇવ કૉમેન્ટરી ચાલુ કરે.
વાતડાહ્યા અને એક્સપર્ટ ડાઘુઓ ગુજરી ગયેલા બાપુજીના સારા સ્વભાવની ઓવર પ્રશંસા કરવા લાગે છે. બાપુજીનો સ્વભાવ ખૂબ માયાળુ હતો. કોઈ દી તમારા બાપુજીએ કોઈની માયા ન રાખી, લીલી વાડી મૂકી વયા ગ્યા ભાઈ...!!!
ડાઘુના આવા શબ્દો સાંભળી ફોટાની બાજુમાં જ બેઠેલાં બાને પાછી ઓંતરાસ આવી જાય કારણ કે આ ગુજરી ગયેલા બાપાને જીવનમાં ક્યાં-ક્યાં અને કોની-કોની સાથે કેવી ‘માયા’ હતી એની સાચી ખબર તો બાને જ હોય, પણ આ વખાણ સાંભળી અટાણે બા પણ ઘૂંટડો ગળી જાય છે. બાપુજીનો સ્વભાવ ખૂબ માયાળુ હતો. આ વાક્ય સાંભળતાં જ સફેદ સાડલામાં બેઠેલી ત્રણેય વહુઓ દાંત કચકચાવે છે કા૨ણ કે બાપુજી દાંતિયો ન મળે તોયે ઘ૨માં ધિંગાણું મચાવતા અને જમવાની થાળી દસ મિનિટ મોડી પીરસાય તોયે કેવું રમખાણ મચાવતા એની સાચી ખબર તો વહુઓને જ હોયને! પણ મોઢામાં નવી સફેદ સાડીનો છેડો ચાવીને વહુઓ પણ આ વાત ચાવી જાય છે.
અજાણી વ્યક્તિના બેસણામાં હિમાદાદા મારી હારે ભરાઈ તો ગ્યા પણ સખણા રહે તો દાદા શેના? તેણે અંધારામાં ઘરધણીને તીર માર્યું કે બાપુજી, દહ વરહ બેઠા હોત તો સારું હોત! ત્યાં ઘરધણી બોલ્યા કે દાદા, બાપુજી તો આ બેઠા...! મારી બા ગુજરી ગ્યાં છે! તમેય સાવ..!
મેં ગોઠણ દબાવ્યો અને પછી હિમાદાદાને હવે સાવ ઓછું દેખાય ને સંભળાય છે એવું બહાનું કરી ઘરધણી અમને મારવા દોડે ઈ પહેલાં અમે ઈ ટૉપ પ્રાર્થનાસભામાંથી છટકી ગ્યા.. હાલો હવે તમેય અવસાન નોંધ વાંચી લ્યો. આજે તમારે પણ કોકના આવા હાઇફાઇ બેસણામાં જવાનું રહી ન જાય હોં! કોરોનાએ હવે તો બધી છૂટ આપી દીધી છે તો તમતમારે કરો તૈયારી...

