Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રી-પ્રવીણ અને પોસ્ટ-પ્રવીણ

પ્રી-પ્રવીણ અને પોસ્ટ-પ્રવીણ

09 May, 2023 05:25 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

તેને મળનારી વ્યક્તિમાં આટલો ફરક આવે જ આવે અને એનું કારણ હતું પ્રવીણનું નૉલેજ. વિશ્વભરના સાહિત્યથી માંડીને તે ચારણી સાહિત્ય અને સોરઠી સાહિત્ય પણ વાંચે અને એમાંથી મળેલી સારી વાતો તે એ સૌની વચ્ચે વહેંચીને બધાને જ્ઞાનસભર બનાવે

પ્રવીણને જ્યારે પણ હું યાદ કરું ત્યારે મને તેની બે જ છબિ દેખાય; એક તો વાંચતા પ્રવીણ અને બીજી, લખતા પ્રવીણ.

એક માત્ર સરિતા

પ્રવીણને જ્યારે પણ હું યાદ કરું ત્યારે મને તેની બે જ છબિ દેખાય; એક તો વાંચતા પ્રવીણ અને બીજી, લખતા પ્રવીણ.


પ્રવીણ જીવનમાં આવ્યા પછી મારામાં દેખીતા કહેવાય એવા અઢળક ફેરફાર થયા. એક સામાન્ય છોકરી ગામડામાંથી આવી હોય અને પછી તે અચાનક વિલ્સન કૉલેજમાં લેક્ચર લેતી થઈ જાય અને સાહિત્યની વાતો કરવા માંડે તો કેમ બધાને નવાઈ લાગે, બસ, એવી જ નવાઈ લાગે એવો ચેન્જ મારામાં આવવા માંડ્યો હતો. 

‘એ છોકરી...’
પ્રવીણ જોષી સાથે મારી વાતોની સફર ‘તમે’ શબ્દથી થઈ હતી અને ગણતરીના દિવસોમાં જ એ સફર ‘એ છોકરી’ સુધી પહોંચી ગઈ હતી. ‘ચંદરવો’નાં રિહર્સલ્સના પહેલા જ દિવસે તે મારી તૈયારીઓથી આફરીન થઈ ગયા. એ દિવસે તેણે મને સામેથી કહ્યું કે ‘ભૂલી જજે, ઇન્ડિયન નૅશનલ થિયેટરને. એ કંઈ આપે કે ન આપે. બધેબધું હું આપીશ. તું માગે એ આપીશ અને જ્યાં ફ્લાઇટની સગવડ હશે ત્યાં તને ફ્લાઇટમાં મોકલીશ, પણ હવે તારે ‘ચંદરવો’ પર ધ્યાન આપવાનું છે. આપણે ધમાલ મચાવી દેવી છે...’ અને સાહેબ, અમે એ જ કર્યું. આવશે, એ બધી વાતો આવશે, પણ પહેલાં મને અત્યારે પ્રવીણનો આભાર માનવો છે. હા, આભાર. ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવો છે. પ્રવીણ હંમેશાં કહેતા કે જેની પાસેથી તમને જાણવા અને શીખવા મળે તેની પાસે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાનું ક્યારેય ચૂકવું નહીં. પ્રવીણ પોતે પણ એ વાતની કાળજી રાખતા. તેણે કંઈ ન વાંચ્યું હોય અને કોઈ તેને સજેસ્ટ કરે તો તે એ વાંચે પણ ખરા અને તેને મજા આવે તો તે તરત જ જેણે સજેશન આપ્યું હોય તેને ફોન કરીને આભાર પણ માને.



પ્રવીણ થૅન્ક યુ.


દુનિયાના સારા-સારા કવિઓ, લેખકોની તમારા થકી મને જાણ થઈ. તેમને હું વાંચતી થઈ અને તમે મારા જીવનમાં જ્ઞાનનો એ અજવાશ પાથર્યો જેની મને આવશ્યકતા હતી. મને એ શિક્ષણ આપ્યું, જે મારી જિંદગીને વધારે બહેતર બનાવવાનું કામ કરી ગયું. પ્રવીણ, થૅન્ક યુ. ત્યારે પણ કહેતી જ્યારે તમે હયાત હતા અને આજે પણ કહું છું, જ્યારે હવે તમારી યાદો મારી સાથે છે.
થૅન્ક યુ, થૅન્ક યુ વેરી મચ પ્રવીણ.
lll

ઇન્ડિયન નૅશનલ થિયેટર સાથે મેં કરેલું પહેલું નાટક એટલે ‘ચંદરવો’, ૫૦ રૂપિયા મારી નાઇટ. પ્રવીણ નાઇટ વધારવા માટે ઇન્ડિયન નૅશનલ થિયેટર સાથે લડવા પણ તૈયાર હતા, પણ મેં જ તેને કહ્યું કે હજી તો શરૂઆત છે. હમણાં કંઈ એવું કરવાની જરૂર નથી. મને કામ કરવા દો, તમારી સાથે અને આ સંસ્થા સાથે, જો મજા આવે તો આપણે નાઇટ વિશે વાત કરીશું.
સાહેબ, આ ઇન્ડિયન નૅશનલ થિયેટરનું નામ એ સમયે હિન્દુસ્તાનમાં બહુ મોટું. આજે પણ હિન્દી નાટકો સાથે આ સંસ્થા થોડીઘણી સક્રિય છે, પણ એ સમયે તો ગુજરાતી રંગભૂમિ પર પણ ખાસ્સી એવી સક્રિય હતી. પ્રવીણ ઇન્ડિયન નૅશનલ થિયેટરનો ડિરેક્ટર. એવો ડિરેક્ટર જે સ્ત્રીઓના મનમાં ઘર કરી જાય અને પુરુષો પણ તેને એટલો જ પ્રેમ કરે. એવો ડિરેક્ટર જે સ્ત્રીપાત્રની લાગણીને પણ અંતિમ સુધી જાણી શકે, સમજી શકે અને એવો ડિરેક્ટર જે પૌરુષત્વની ભાવનાને પણ ખૂબ સારી રીતે સમજે. પ્રવીણને સૌકોઈ પ્રેમ કરે. ૮૦ વર્ષનાં માજી આવીને પણ પ્રવીણનાં ઓવારણાં લે અને યંગ જનરેશનની છોકરીઓ પણ પ્રવીણને એટલો જ પ્રેમ કરે.
lll


‘ચંદરવો’નાં રિહર્સલ્સની શરૂઆત કરતાં પહેલાં પ્રવીણે મારી સાથે કૉસ્ચ્યુમની વાત કરી હતી અને મને કહ્યું હતું કે ‘આ કૅરૅક્ટર ફ્રાન્સથી આવે છે. ફ્રાન્સની તમને એક વાત કહું, કદાચ તમને ખબર ન હોય...’

પ્રવીણની આ સરસ આદત હતી. તે સામેવાળાને ઉતારી પાડવાને બદલે એવા શબ્દો વાપરે કે સામેની વ્યક્તિને જરા પણ ખરાબ ન લાગે.

‘દુનિયાની તમામ ક્લોથ-ડિઝાઇન પહેલાં ફ્રાન્સમાં આવે અને એ પછી એ આખી દુનિયામાં પહોંચે.’ 
પ્રવીણ બેત્રણ બ્રૅન્ડનાં નામ બોલ્યો, જે મને અત્યારે યાદ નથી.

‘આ બધી કંપનીઓ છે બ્રિટન અને અમેરિકાની, પણ એ પોતાનાં કપડાંની નવી ડિઝાઇન લૉન્ચ ફ્રાન્સમાં જ કરે... ડિઝાઇનર વર્લ્ડમાં ફ્રાન્સનું આટલું મહત્ત્વ છે.’

હું વિચારમાં પડી ગઈ કે કપડાં માટે આવી ઘેલછા અને આ પણ કેવી ઘેલછા કે કપડાં માટે કેવું ગાંડપણ છે એની પણ જાણકારી રાખવાની?! 

એ સમયમાં તો ફ્રોક અને સ્કર્ટ હતાં. પછી ધીરે-ધીરે પંજાબી ડ્રેસ આવ્યા, પેલા સ્લીવલેસ અને એ પછી આવ્યા નાનીએવી મોરીની ચૂડીદાર. આ બધી ફૅશન વચ્ચે પણ હું તો સિમ્પલિસિટીથી જીવનારી એક સીધીસાદી છોકરી, જેણે નાનપણમાં સુખ અને સાહ્યબી જોઈ હતી. પિતા બૅરિસ્ટર અને એયને આલીશાન એવો તેનો બંગલો. ઘરમાં નોકરચાકર અને બંગલાના ફળિયામાં બબ્બે ગાડીઓ અને એટલી જ બગીઓ પણ પછી ઈશ્વરની લાકડી ફરી અને પિતાજીએ દુનિયા છોડી દીધી એટલે જીવનની યાત્રા બદલાઈ ગઈ. નાની ઉંમરે નાટકો જીવનમાં આવ્યાં અને એ પછી લાઇફમાં રાજકુમાર આવ્યો. શ્રીમંત, ધનિક. જ્યાં બંગલામાં ને બંગલામાં ઉપર જવા માટે સીડીનો નહીં, લિફ્ટનો ઉપયોગ થતો હતો. જ્યાં ઘરમાં રહેનારાઓ કરતાં નોકરો વધારે હતા. જ્યાં પૈસા મહત્ત્વના નહોતા, પણ મજા મહત્ત્વની હતી. જ્યાં પાનાં, જુગાર, સટ્ટો એ એકદમ નૉર્મલ વાત હતી અને હવે, હવે, હું એ આખી દુનિયાથી સાવ જુદી દુનિયામાં દાખલ થઈ હતી.
જ્યાં શિક્ષણ હતું, સર્જનાત્મકતા હતી. નાનીઅમસ્તી લાઇન પણ પ્રવીણને ઉત્સાહિત કરી દેતી અને મનમાં આવેલો જરાઅમસ્તો વિચાર પણ તેને ચાર્જ કરી દેતો. પેઇન્ટિંગની વાતો પણ તે કરે અને ફૉરેનના ડિરેક્ટરોની વાતો પણ થાય. ચંદ્રવદન ભટ્ટની પણ વાતો થતી હોય અને અદી મર્ઝબાનની સાથોસાથ કલાકારોમાં દીના પાઠક, જશવંત ઠાકર, મહેશ દેસાઈ, તરલા મહેતાની પણ વાતો થાય. હું તો આ કોઈને ઓળખતી સુધ્ધાં નહીં અને હું પ્રવીણને સહેજ સંકોચ સાથે કહું પણ ખરી કે હું આમને નથી ઓળખતી, તો પ્રવીણને સહેજ પણ એવું લાગે નહીં કે આવું કેમ?!
તેને માટે એ વાત પણ એકદમ સહજ હતી. અરે, એક વખત તો મેં પ્રવીણને કહ્યું કે મને બહુ અંગ્રેજી નથી આવડતું, તો તેણે સાવ સહજ રીતે મને સમજાવ્યું.

‘તો શું થઈ ગયું, અંગ્રેજી ભાષા માત્ર છે, એ બૌદ્ધિકતાનો માપદંડ નથી. અંગ્રેજી નથી આવડતું એ વાતનો અફસોસ કરવાને બદલે તારે એ વાતની ખુશી માણવી જોઈએ કે અંગ્રેજો તારા કરતાં કેટલા ગમાર કહેવાય કે તેમને તારી જેમ હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ ત્રણ-ત્રણ ભાષા નથી આવડતી.’

પ્રવીણ જીવનમાં આવ્યા એ પછી મારા જીવનમાં દેખીતા કહેવાય એવા અઢળક ફેરફાર થયા. એક સામાન્ય છોકરી ગામડામાંથી આવી હોય અને પછી તે અચાનક વિલ્સન કૉલેજમાં લેક્ચર લેતી થઈ જાય અને સાહિત્યની વાતો કરવા માંડે તો કેમ બધાને નવાઈ લાગે. બસ, એવી જ નવાઈ લાગે એવો ચેન્જ મારામાં આવવા માંડ્યો હતો. આજે તો ટીવી, મોબાઇલ અને ઇન્ટરનેટને કારણે જ્ઞાન અને માહિતી સરળ અને સહજ રીતે સામેથી મળતાં રહે છે, પણ એ સમય એવો નહોતો. એ સમયે તમારે જ્ઞાન માટે સારા સાથીની આવશ્યકતા રહેતી અને એ સાથી બનવાનું કામ પ્રવીણે કર્યું હતું. સાહેબ, એવું નહોતું કે પ્રવીણ માત્ર મારી એક સાથે જ આવી વાતો શૅર કરતો. ના, તેની પાસે કોઈ પણ ઊભું હોય, પ્રવીણ એ જ રહે. હું એક વાત કહીશ કે પ્રવીણને મળીને છૂટી પડનાર વ્યક્તિ પહેલાં કરતાં વધારે જ્ઞાનની બાબતે વધારે રિચ થઈ જ હોય! 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 05:25 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK