પ્રવીણ જોષીને પોતાના પર જેટલી શ્રદ્ધા એટલો જ વિશ્વાસ તેને મારા પર પણ હતો કે બે-પાત્રી નાટકને હું બહુ સરસ રીતે નિભાવીશ અને એટલે જ પ્રવીણે પોતાની લાઇફનું પહેલું બે-પાત્રી નાટક ‘સપ્તપદી’ મારી સાથે કર્યું
જૂની યાદો તાજી કરતો એક ફોટો. આ ફોટો પ્રવીણે પાડ્યો હતો.
બે-પાત્રી ‘સપ્તપદી’ નાટક તારક મહેતા પોતાનાં વાઇફ ઇલા સાથે કલાકાર તરીકે કરવા માગતા હતા અને તેમણે વાઇફને પ્રૉમિસ કરી દીધું હતું કે તેઓ આ નાટક બીજા કોઈને નહીં આપે, પણ એ દિવસે પ્રવીણ અને તારકે બન્નેએ સાથે મળીને ઇલા મહેતાને સમજાવ્યાં અને ઇલાએ પ્રવીણને રાઇટ્સ માટે હા પાડી દીધી.
‘સૉરી પ્રવીણભાઈ... એ સ્ક્રિપ્ટ તો હું નહીં આપી શકું...’
ADVERTISEMENT
હું અને પ્રવીણ જોષી તારક મહેતાના ઘરે ગયા અને તારક પાસે પ્રવીણે એની બે ઍક્ટરવાળી સ્ક્રિપ્ટ માગી, પણ તારકે ના પાડી દીધી અને કહી દીધું કે એ હું તમને નહીં આપી શકું, સૉરી.
પ્રવીણને બહુ નવાઈ લાગી હતી. તારક સાથે તેમને સારી દોસ્તી, અગાઉ ક્યારેય એવું બન્યું નહોતું કે પ્રવીણે કોઈ સ્ક્રિપ્ટ માગી હોય અને તારકે ના પાડી હોય.
‘કેમ, શું થયું?’ પ્રવીણે પૂછ્યું અને કહ્યું પણ ખરું, ‘સરિતા બહુ અદ્ભુત ઍક્ટ્રેસ છે... બહુ સરસ કરશે. જુઓ તો ખરા, નાગરાણી છે.’
હા, પ્રવીણ શરૂઆતમાં મારા માટે આ પ્રકારના શબ્દપ્રયોગ કરતા, પણ એ દિવસે બોલાયેલો આ શબ્દ તો નાગર-રાણીના અર્થમાં હતો એ સ્પષ્ટતા કરવાની સાથે કહું કે ક્યારેક પ્રવીણ મને વાઘણ કહે અને કહે કે તું તો સ્ટેજ પર સામેના ઍક્ટરને ખાઈ જાય એવી છે. કોઈ વાર મન થાય તો કહે કે તું તો પતંગિયા જેવી છો. સ્ટેજ પર અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં ઊડાઊડ તારી ચાલુ જ હોય.
‘સરિતા બહુ સરસ કરશે, લેખક, તમે ચિંતા ન કરો...’
‘અરે ના દોસ્ત, એવી વાત નથી... સરિતાનું કામ તો મને ખબર જ છે. સવાલ જ નથી, બહુ સરસ કરે છે તે... ના પાડવાનું કારણ એ છે જ નહીં.’
‘તો શું કારણ છે?’
‘દોસ્ત, એ નાટક મારે કરવું છે... મેં મારા માટે એ લખ્યું છે. હું ઇચ્છું છું કે એ ‘સપ્તપદી’માં હું ઍક્ટિંગ કરું ને મારી સાથે મારી બૈરી નાટક કરે... અમારે બન્નેએ એ નાટક કરવું છે.’ તારક મહેતાનાં બૈરી એટલે ઇલા. જો મારી ભૂલ ન થતી હોય તો મૅરેજ પહેલાં ઇલા દોશી હતાં. અમે મળ્યાં ત્યારે તેમનાં મૅરેજ થઈ ગયાં હતાં.
‘સપ્તપદી’ નાટક તારક મહેતા અને ઇલા મહેતા કરવા માગે છે એ વાત જ પ્રવીણ માટે સાવ નવી હતી. પ્રવીણે તારકને બહુ સમજાવ્યા, મનાવ્યા કે તારક હું અને સરિતા કરીશું તો નાટક એક નવી જ ઊંચાઈ પર લઈ જઈશું. બહુ મજા આવશે, પણ તારક માને નહીં અને પ્રવીણ વાત છોડે નહીં. મેં તો ચાલુ વાતે જ કહ્યું હતું કે પ્રવીણ, તમે બીજું કોઈ નાટક શોધી લો તો પ્રવીણે મારી સામે આંખો મોટી કરતાં કહ્યું, ‘સરિતા, તું આ શું બોલે છે?! તને ખબર છે ‘સપ્તપદી’ નાટક કેવું લખાયું છે? ખબર છે તને એ નાટકની વાત શું છે?!’ તારક મહેતાની હાજરીમાં જ પ્રવીણે મને સમજાવ્યું, ‘નાટક તું એક વાર સાંભળીશ તો તું પણ મારી સાથે તારકને મનાવવામાં લાગી પડશે...’
‘હા, પણ તેમની ઇચ્છા નથી તો...’
‘અરે, મારી ઇચ્છાની વાત નથી. વાત કમિટમેન્ટની છે. મેં ઇલાને કમિટમેન્ટ કર્યું છે કે આ નાટક આપણે સાથે કરીશું, હું શું કહું તેને...’
‘ભાભી... ભાભી...’ તારક વાત પૂરી કરે એ પહેલાં તો પ્રવીણ ઊભા થઈ ગયા અને તેમણે ઇલાને રાડ પાડી, ‘આવો તો...’
એ સમયે ઇલા અમારે માટે ચા બનાવતી હતી. એ બહાર આવી, તારક મહેતાએ જ તેમને બધી વાત કરી તો તેમણે ઘસીને ના પાડી દીધી, કહી દીધું કે ‘ના, એ નાટક તો તારક આપણે જ કરવું છે. અરે સાહેબ, થોડી વાર તો ઘરમાં દેકારો બોલી ગયો. આનાકાની ચાલ્યા કરે. એક બાજુએ પ્રવીણ માને નહીં, તો બીજી બાજુએ ઇલા માને નહીં. તારક સાવ ન્યુટ્રલ અને હું સાવ અવાક. હા, મને અત્યારે પણ પાક્કું યાદ છે કે એક તબક્કા પછી તારક પોતે પણ ઇલાને સમજાવવામાં લાગી ગયા હતા. તેમણે શાંતિથી સમજાવતાં ઇલાને કહ્યું, ‘ઇલા, વિષયના ક્યાં દુકાળ છે. આપણે લખીશુંને બીજું નાટક... આ નાટક ભલે પ્રવીણ કરતા.’
‘પણ મને આ નાટક બહુ ગમે છે...’
‘એટલે તો આપણે પ્રવીણ અને સરિતા જેવા સક્ષમ હાથમાં નાટક આપીએ છીએ...’ તારક મહેતાએ કહ્યું હતું, ‘તું જોજે, હું ને તું કરીએ એના કરતાં ક્યાંય વધારે ચડિયાતું નાટક એ લોકો કરશે...’
ઇલા મહેતા ધીમે-ધીમે ઢીલાં પડતાં હોય એવું લાગવા માંડ્યું એટલે તારકે પ્રવીણને ઇશારાથી કહ્યું, ‘હવે તમે કંઈક બોલો.’ પ્રવીણે બાજી હાથમાં લઈ લીધી. તેમણે ઇલાને સમજાવતાં કહ્યું, જુઓ, હું ક્યારેય નાટક માટે કોઈની પાસે જીદ કરું નહીં, પણ તારકે મને જ્યારે ‘સપ્તપદી’ની વનલાઇન સંભળાવી ત્યારથી મારા મનમાં હતું કે આ નાટક તો હું કોઈ હિસાબે હાથમાંથી જવા નહીં દઉં.’
‘પૂછો તમે તારકને...’ પછી પ્રવીણે પોતે જ પૂછી લીધું, ‘લેખક, મેં તમને કહ્યું હતુંને કે આ નાટક કોઈને પણ આપતાં પહેલાં મને ફોન કરવાનો અને મારી સાથે ટર્મ્સ નક્કી કરી નાટક મને આપી દેવાનું...’
‘હા...’ તારક મહેતાએ ઇલાને કહ્યું, ‘આપણે પણ જો આ નાટક કર્યું હોત તો મેં પ્રવીણની પરવાનગી લીધી હોત...’ એ દિવસે માંડ-માંડ ઇલા મહેતા માન્યાં અને તારક મહેતાએ પ્રવીણ જોષીને ‘સપ્તપદી’ના રાઇટ્સ આપ્યા. પ્રવીણ એકદમ ખુશ-ખુશ.
‘તમે કેવી રીતે એવું માની લીધું કે હું જ એ નાટક કરીશ?’
તારક મહેતાના ઘરેથી નીકળ્યા પછી મેં પહેલો સવાલ પ્રવીણ જોષીને આ કર્યો અને પ્રવીણે મને તરત જવાબ આપ્યો, ‘તું કરીશ સરિતા... તું કરીશ, તારે કરવું પડશે. આ નાટકમાં મને તારી બહુ જરૂર છે... તારા સિવાય બીજું કોઈ આ નાટક નહીં કરે.’ ‘ધારો કે હું ના પાડું તો?’ પ્રવીણના પગ અટકી ગયા. તેમણે મારી સામે જોયું અને આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો.
‘તો અત્યારે, આ જ સેકન્ડે જઈને હું સ્ક્રિપ્ટ પાછી આપી દઈશ...’
અને સાહેબ હું તો તેમનું મોઢું જોતી રહી. જે મુગ્ધતાથી, જે પ્રેમથી, તેઓ કોઈક કલાકારને મનાવતા, તેમને વિશ્વાસમાં લેતા એ અદ્ભુત હતું. કલાકારને એવું જ લાગે કે એ કૅરૅક્ટર તેનું પોતાનું છે અને પછી પ્રવીણ કલાકાર પાસે કામ પણ એવું જ કરાવે જાણે એ કૅરૅક્ટર સ્ટેજ પર સજીવ થઈ ગયું હોય.
પ્રવીણ જોષી વિશે વધારે તો શું વાત કરું સાહેબ, તેઓ ખરા અર્થમાં પ્રવીણ હતા. ઍક્ટિંગથી માંડીને ડિરેક્શન, લાઇટ્સથી માંડીને મ્યુઝિક, સેટથી માંડીને લેખન એમ દરેક ક્ષેત્રમાં પ્રવીણ ખરા અર્થમાં પ્રવીણ, તેમની તોલે કોઈ ન આવે. બે ઍક્ટરનાં નાટક કરવાનું પ્રવીણને બહુ ગમતું. ‘સપ્તપદી’ની વાત આગળ વધારતાં પહેલાં તમને કહીશ કે આ તેમનું પહેલું ટૂ-ઍક્ટર નાટક હતું. આ નાટક પછી પણ તેમણે બે બીજા ટૂ-ઍક્ટર પ્લે કર્યાં. તમારી જાણ ખાતર કહેવાનું સાહેબ કે દુનિયાની કોઈ પણ ભાષામાં ત્રણ-ત્રણ ટૂ-ઍક્ટર પ્લે કર્યાં હોય એવા ડિરેક્ટરમાં પ્રવીણ જોષી એકમાત્ર ડિરેક્ટર છે. બે-પાત્રી નાટક બહુ અઘરું છે અને એમાં પણ એને સફળ બનાવવાનું કામ તો અતિશય કઠિન છે, પણ પ્રવીણે એ કામ કરી દેખાડ્યું અને દરેક વખતે તેઓ પોતાના કામમાં જબરદસ્ત સફળ પણ રહ્યા.
નાટક ‘સપ્તપદી’ની બીજી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે ફરી મળીશું આપણે આવતા મંગળવારે, ત્યાં સુધી, તમે ખુશ રહેજો, તમારું ધ્યાન રાખજો.
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

