‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ નાટક ઓપન થતાં જ સુપરહિટ પુરવાર થઈ ગયું. નાટકના અમે ક્યારે ૧૮૬ શો કરી લીધા એની અમને ખબર સુધ્ધાં ન પડી
સ્ટીફન હૉકિન્સની લાઇફ પરનું અમારું વર્ઝન એટલે નાટક ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’.
આપણે વાત કરતા હતા મારા નવા નાટક ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ની, જેમાં લીડ રોલમાં મેહુલ કજારિયા હતો તો મેહુલની વાઇફના રોલમાં ઈશા કંસારાને કાસ્ટ કરી. એ સિવાયના નાના-મોટા રોલ માટે યોહાના વાચ્છાની, અમિતા રાજડા, અર્ષ મહેતા, અનિકેત ટાંક અને યોગેશ ઉપાધ્યાયને લીધાં. અમારું આ નાટક સ્ટીફન હૉકિંગની લાઇફ પર આધારિત હતું. સ્ટીફનને ઑટો-ન્યુરૉન નામની બીમારી હતી જેમાં માણસ મજ્જાતંતુઓ પરનો કાબૂ ગુમાવી બેસે અને એને પરિણામે તે વ્હીલચેર પર આવી જાય. જોકે સ્ટીફનનું મગજ અને આત્મવિશ્વાસ એકદમ સાબૂત હતાં એટલે આ લેવલ પર તબિયત ખરાબ હોવા છતાં પણ તેમણે અઢળક શોધો કરી તો અનેક એવી ફૉર્મ્યુલાઓ આપી જેના આધારે દુનિયાના બીજા દેશોના સાયન્ટિસ્ટોએ શોધો કરી.
‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ ટાઇટલ મળ્યું એ પહેલાં અમે આ નાટકને ‘એક ચોરસ લવ સ્ટોરી’ ટાઇટલ આપ્યું હતું, પણ એ ટાઇટલ બહુ ફ્લૅટ લાગતું હતું એટલે વિચાર-વિમર્શ કરતાં-કરતાં અમને ‘એક ત્રિકોણ લવ સ્ટોરી’ ટાઇટલ મળ્યું. અગાઉના ટાઇટલ કરતાં આ ટાઇટલ સારું હતું, પણ અમને ડર હતો કે ટાઇટલમાં વપરાયેલો ત્રિકોણ શબ્દ ક્યાંક ઑડિયન્સને એવો સંદેશો ન આપે કે આ પ્રણય-ત્રિકોણની વાર્તા છે એટલે અમે ટાઇટલ માટે પ્રયાસો ચાલુ રાખ્યા અને એ પ્રયાસ દરમ્યાન જ અમને ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ ટાઇટલ મળી ગયું. ગુજરાતી નાટકોમાં સારું, સેલેબલ, કહો કે ઑડિયન્સના મનમાં ચોંટી જાય એવું ચોટડૂક ટાઇટલ મળવું બહુ જરૂરી હોય છે. અમારી આખી લાઇન માઉથ પબ્લિસિટી પર જ ચાલે છે. પબ્લિસિટી માટે અમારી પાસે હિન્દી કે ગુજરાતી ફિલ્મો જેવું તોતિંગ બજેટ નથી હોતું. ફિલ્મો પબ્લિસિટી દ્વારા પોતાનું ટાઇટલ લોકોના મનમાં સ્ટોર કરાવી શકે, પણ અમારે તો માઉથ પબ્લિસિટીનો જ સહારો લેવો પડે અથવા તો ટાઇટલ ટિકિટબારીને આકર્ષી શકે એવું હોય. ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ એવું જ ટાઇટલ હતું. અમે એ ટાઇટલ ફાઇનલ કર્યું.
ADVERTISEMENT
આ નાટકની બીજી પણ એક વાત મને અત્યારે યાદ આવે છે જે હું તમારી સાથે શૅર કરવા માગું છું. આ નાટક સ્ટીફન હૉકિંગની બાયોગ્રાફી નહોતી, પણ સ્ટીફન હૉકિંગની લાઇફ પરથી પ્રેરણા લઈને એ વાતને અમારી રીતે રજૂ કરવાનો પ્રયાસ હતો એટલે અમે મેહુલ કજારિયાને સાઉથ ઇન્ડિયન ગુજરાતી દેખાડ્યો હતો તો તેની વાઇફનો રોલ જે કરતી હતી તે ઈશા કંસારાને અમે સાઉથ ઇન્ડિયન કૅરૅક્ટર આપ્યું હતું, જેને કારણે અમે ભાષાથી પણ થોડી રમૂજ કરી શકીએ.
‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ નાટકની ટેક્નિકલ ટીમની વાત કરું તો નાટકનો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિશાલ ગોરડિયા હતો, કલા છેલ-પરેશની હતી, પ્રકાશ આયોજન રોહિત ચિપલૂણકરનું અને સંગીત લાલુ સાંગોનું હતું. કૉસ્ચ્યુમ્સ સ્મિતા મદલાનીનાં હતાં અને પ્રોડક્શન મૅનેજર વિમલ પટેલ અને કપિલ ભૂતા હતા. બાયપાસ પછી આ વિપુલનું પહેલું નાટક હતું. વિપુલને અસિસ્ટ કરવાનું કામ ધવલ ઠક્કરે સંભાળ્યું હતું, જ્યારે નાટકના પ્રચાર-પ્રસારની જવાબદારી દીપક સોમૈયાની હતી. નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં અને નાટક ઓપન કરવાની ડેટ પણ ફાઇનલ થઈ ગઈ.
૨૦૧પની પહેલી માર્ચે અમે ‘સ્વજન રે જૂઠ મત બોલો’ નાટક ઓપન કર્યું હતું અને એ પછી ૭૦ જ દિવસમાં અમે ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ ઓપન કર્યું.
૧૦ મે અને રવિવાર. સાંજના ૭.૪પ કલાક.
અમે અમારું આ ૮૦મું નાટક તેજપાલ ઑડિટોરિયમથી ઓપન કર્યું અને નાટક પહેલા જ શોમાં ઑડિયન્સે પકડી લીધું. નાટક સુપરડુપર હિટ ગયું. અમે આ નાટકના ૧૮૬ શો કર્યા. નાટક બધાને બહુ ગમ્યું. આ નાટકની મેં તમને જેટલી વાત કરી છે એનાથી વધારે મને એના કોઈ કિસ્સા યાદ નથી અને એનાં કારણો પણ છે જે તમને અગાઉ કટકે-કટકે કહ્યાં છે. હું જેમાં ઍક્ટિંગ કરતો હતો એ મારું નાટક ‘મારી વાઇફ મૅરી કૉમ’ ચાલતું હતું તો મારી સિરિયલ ‘કુમકુમનાં પગલાં પડ્યાં’ ઑલરેડી ઑન-ઍર હતી અને બીજી સિરિયલ ‘શુક્ર-મંગળ’ શરૂ થવામાં હતી. એનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલતું હતું. સિરિયલ શરૂ થતી હોય ત્યારે તો એનું કામ ત્રણગણું વધી જાય. આ ઉપરાંત ‘બા, તને હું ક્યાં રાખું?’ નાટકના પ્રી-પ્રોડક્શનનું પણ કામ શરૂ થઈ ચૂક્યું હતું એટલે એની પણ દોડધામ ચાલતી હતી. કહેવાનો મતલબ એ કે આ એ પિરિયડ છે જેમાં હું ખરા અર્થમાં બહુબધા મોરચે એકલા હાથે લડતો હતો, જેને લીધે મને ‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ના કિસ્સાઓ બહુ યાદ રહ્યા નથી. હા, મને એટલું યાદ છે કે આ નાટક દરમ્યાન મારે વિપુલને વારંવાર યાદ દેવડાવવું પડતું હતું કે ભાઈ, તું હજી હમણાં જ હૉસ્પિટલમાંથી આવ્યો છે એટલે સ્ટ્રેસ લઈને ઓવરટાઇમ કરવાને બદલે સમયસર ઘરે જતો રહેજે.
નાટક ઓપન થઈ ગયું અને સુપરહિટ થઈ ગયું એટલે એમ પણ આ નાટક સાથે ડે-ટુ-ડેમાં મારે વધારે કનેક્ટેડ રહેવાની જરૂર નહોતી. નાટકનાં દૈનિક કામોની જવાબદારી મારો પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી અને વિશાલ ગોરડિયા સંભાળી લે. એમાં પણ જવાબદારીઓ વ્યવસ્થિત રીતે વહેંચાયેલી હતી. થિયેટરની ડેટ્સ જોવાનું કામ કૌસ્તુભ જુએ તો સોલ્ડઆઉટ શોની બધી લમણાઝીકમાં કૌસ્તુભ સાથે વિશાલ પણ ઇન્વૉલ્વ હોય. બહારગામના શો, એના માટેની તૈયારીઓ, વ્યવસ્થાઓ અને બીજાં જે કોઈ કામ હોય એ એકલપંડે વિશાલ જોઈ લે. નાટક ઓપન થયા પછી હું બે-ચાર દિવસે ઓવરલુક લઈ લઉં, બસ એટલું જ.
‘એક વાંકીચૂકી લવ સ્ટોરી’ પછી અમે ફરી લાગ્યા ‘બા, તને હું ક્યાં રાખું?’ના કામ પર. તમને અગાઉ મેં કહ્યું હતું એમ જો પદમારાણી હયાત હોત તો સો ટકા આ રોલ મેં તેમને જ આપ્યો હોત, પણ આપણા બદનસીબે પદમાબહેનની હયાતી નહોતી અને આપણા સદનસીબે રોહિણી હટંગડી અઢી દશકા પછી ફરી ગુજરાતી નાટક કરવા તૈયાર થયાં હતાં એટલે નાટકને એક એવો ચહેરો મળી ગયો જે ઑડિયન્સને અટ્રૅક્ટ કરે. રોહિણીબહેન સિવાયના કલાકારોમાં અમે પરાગ શાહ, દ્રુમા મહેતા, મનિલ મહેતા, રોનક કિટ્ટા, રજની શાંતારામ અને નીલેશ પંડ્યા કાસ્ટ કર્યાં હતાં તો ટેક્નિકલ ટીમ અમારી એની એ જ હતી એટલે એ બધાં નામોનું પુનરાવર્તન નથી કરતો. હા, ટેક્નિકલ ટીમમાં ફરક માત્ર એટલો હતો કે ‘બા, તને હું ક્યાં રાખું?’ નાટકમાં વિપુલ મહેતાનો દીકરો હિતાર્થ સહાયક દિગ્દર્શક તરીકે જોડાયો હતો. હિતાર્થ અગાઉ પણ પપ્પા વિપુલને એક નાટકમાં અસિસ્ટ કરી ચૂક્યો હતો. મારે એક વાત કહેવી છે. હિતાર્થ હોય કે કોઈ પણ હોય, વિપુલ કામ દરમ્યાન ક્યારેય કોઈ જાતનો ભેદભાવ રાખે નહીં. જ્યાં તે ગુસ્સે થતો હોય ત્યાં તે ગુસ્સે થાય જ તો વખાણ કરવાની બાબતમાં ઊલટું. બીજું કોઈ તેને અસિસ્ટ કરતું હોય તો તે જાહેરમાં વખાણ કરે, પણ દીકરાનાં વખાણ કરવાનાં હોય તો તે રીતસર વાતને સ્કિપ કરી દે. મારી દૃષ્ટિએ આ જ સાચી ટ્રેઇનિંગ છે. સંતાનપ્રેમમાં અંધ થઈ જનારાં માબાપ ક્યારેય પોતાના બાળકને સાચી ટ્રેઇનિંગ, સાચું માર્ગદર્શન નથી આપી શકતાં.
‘બા, તને હું ક્યાં રાખું?’નાં રિહર્સલ્સમાં હું નિયમિત જઈ નહોતો શક્યો અને એને લીધે નાટકના ગ્રૅન્ડ રિહર્સલ્સ નજીક આવ્યાં ત્યારે એક મોટો બૉમ્બ ફૂટ્યો. કયો હતો એ બૉમ્બ અને બૉમ્બની વાત આપણે હવે કરીશું આવતા સોમવારે.


