જો તમે નિવૃત્ત થઈ ગયા છો તો તમે નિવૃત્ત થયા છો. બસ, ત્યાં વાત પૂરી થાય છે
સચિન તેન્ડુલકર ફાઇલ તસવીર
આજે સચિન તેન્ડુલકરનો બર્થ-ડે છે, પણ આ બર્થ-ડે પર આપણે તેની સિદ્ધિઓની વાતો નથી કરવી કે નથી વાતો કરવી તેણે બનાવેલા અને આજ સુધી અકબંધ રહેલા વિશ્વવિક્રમની. આજે આપણે વાત કરવી છે સચિનના રિટાયરમેન્ટ અને એ પછીની તેની જિંદગીની.
ક્રિકેટના મેદાનમાંથી રિટાયર થયેલા સચિન તેન્ડુલકરના જીવનને યાદ કરો તમે. તમને રીતસર દેખાશે કે આ ગ્રૅન્ડ માસ્ટરે સાચા અર્થમાં નિવૃત્તિ લઈ લીધી છે. નથી તે તમને કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળતો કે નથી તે તમને કોઈ તીનપત્તીની ઍડમાં જોવા મળતો. નથી એ કોઈ ટીવી-ઍડમાં જોવા મળતો કે નથી તે તમને ક્યાંય રિબિન કાપતો જોવા મળતો. આવું શું કામ છે એ જો તમારે જાણવું હોય તો કહી દઉં કે તે અકરાંતિયો નથી. તેને ખબર છે કે આ જીવન ચાલે એટલું તેની પાસે છે અને તેને એ પણ ખબર છે કે એ પણ તે પૂરું કરી શકવાનો નથી. સચિનને ખબર છે કે માથે આવી ગયેલા ધોળા સાથે હવે બધાની પાછળ ભાગવા કરતાં બહેતર છે કે જીવનને એ રીતે જીવે જે જીવવાની તેની ઇચ્છા હતી અને તેને એ પણ ખબર છે કે શ્વેત વાળ સાથે કોઈની પાછળ ભાગ્યા પછી હાસ્યાસ્પદ તે જ લાગવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મંદિરમાં સફાઈ: આ વાત પણ કેવી અને કેટલી શરમજનક અને અપમાનજનક કહેવાય?
જીવનનો આ નિયમ છે. તમને એક ચોક્કસ સમય આપ્યો છે. એ સમયને તમારે વાજબી રીતે અને યોગ્ય રીતે જીવી લેવાનો છે, દોડી લેવાનું છે અને વાજબી રીતે આર્થિક ઉપાર્જન પણ કરી લેવાનું છે. ધારો કે તમને એ ઉપાર્જનનું કામ બરાબર ફાવી ગયું અને તમે એ કરી શક્યા તો પત્યું કામ. સમય આવ્યે ક્રીઝ ખાલી કરો અને અન્ય કોઈને બૅટિંગ માટે આગળ ધરી દો. જો એ કર્યા પછી પણ તમને દાળ-શાકના પૈસા માટે ભાગવાનું મન થતું હોય તો માની લેવું કે તમે અકરાંતિયા થઈ રહ્યા છો. એવા અકરાંતિયા જેનામાં પાચનશક્તિનો અભાવ છે, જેને ખબર છે કે હવે આંતરડાં આ નવો ખોરાક સાચવી શકે એમ નથી અને તેમને એ પણ ખબર છે કે ડાયજેસ્ટિવ પાવર પણ હવે સાથ આપવાનો નથી એટલે તબિયત બગડવા સિવાય બીજું કશું થવાનું નથી અને, અને એમ છતાં તે અકરાંતિયાની જેમ પેટમાં ઓર્યા કરે છે.
આ પ્રકારના અકરાંતિયાપણાને ઍટ લીસ્ટ રિટાયરમેન્ટ પછી લગામ લગાવો એ તમારા જ હિતમાં છે. જો તમે નિવૃત્ત થઈ ગયા છો તો તમે નિવૃત્ત થયા છો. બસ, ત્યાં વાત પૂરી થાય છે. હવે ફ્રેમના સેન્ટરમાં અન્ય કોઈ આવીને ઊભું રહે એ જ તમારી ઇચ્છા હોવી જોઈએ. જીવનનો આ જ તો દસ્તૂર છે. આજે તમે સેન્ટરમાં તો આવતી કાલે કોઈ અન્ય સેન્ટરમાં. સાઇડ પર ખસી જવાની માનસિકતા જો તમે નહીં મનમાં કેળવો તો એક સમય એવો આવશે કે તમને પકડીને બહાર મૂકવા પડશે અને પકડીને મૂકવાનો વારો આવશે એ સમયે તમારાથી ભૂંડા હાલ બીજા કોઈના નહીં હોય. બહેતર છે કે ભવિષ્યના એ ભૂંડા હાલને ટાળવા માટે આજે જ તમે સજાગ થાઓ અને સજાગ થઈને તમે એ સ્તરે આવો જાણે તમે મસ્તીથી ગાઈ રહ્યા હો...
‘હમ છોડ ચલે હૈં મહેફિલ કો, યાદ આયે કભી તો મત રોના...’


