ડિજિટલ ઇન્ડિયાનો ફાયદો પણ બહુ મોટો છે અને એ ફાયદાનો લાભ પણ આપણે લઈ જ રહ્યા છીએ. મોબાઇલ સાથે હોય એટલે જાણે આખી બૅન્ક સાથે હોય એવું જ લાગે.
પ્રતિકાત્મક તસવીર
ડિજિટલ ઇન્ડિયાનો ફાયદો પણ બહુ મોટો છે અને એ ફાયદાનો લાભ પણ આપણે લઈ જ રહ્યા છીએ. મોબાઇલ સાથે હોય એટલે જાણે આખી બૅન્ક સાથે હોય એવું જ લાગે. કૅશની પણ જરૂર નહીં અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પણ સાથે ન હોય તો ચિંતા નહીં. આ ડિજિટલ દુનિયાની તાકાત છે, પણ સાહેબ, આ તાકાતને જો કાયમી કરવી હોય તો એને માટે સિક્યૉરિટી પણ એ સ્તરે ઊભી કરવી પડશે જેને લીધે તમારા ડિજિટલ ઇન્ડિયાને નુકસાન ન થાય. આજે બૅન્ક જેવા નંબર કે એના જેવા મેસેજ આઇડેન્ટિફિકેશન સાથે આગળ વધીને ચીટર પૂરતો ગેરલાભ લે છે અને એનો ભોગ એ બને છે જે કાં તો ઓછું ભણેલા છે અને કાં તો મોટી ઉંમરના છે અને ભાષાકીય જ્ઞાન ધરાવતા નથી.
સરકારના ડિજિટલ ઇન્ડિયાના સપનાને જો સાકાર કરવું હશે તો તમારે એ બાબતમાં પહેલાં ધ્યાન આપવું પડશે, જેથી મોબાઇલ કે ઇન્ટરનેટ દ્વારા એનો દુરુપયોગ ન થાય. મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની જે દિશા પર કામ થયું એનો ફાયદો તો થવાનો જ છે, પણ હજી એ દિશાને વધારે સ્ટ્રૉન્ગ કરવાની જરૂર છે. હરિયાણા, બિહાર, દિલ્હી જેવાં રાજ્યોમાં આજે પણ નકલી કે ચોરાઉ આધાર કાર્ડના આધારે બૅન્કના અકાઉન્ટ ખોલવાથી માંડીને નવાં મોબાઇલ સિમ લેવામાં આવે છે. આ બાબતમાં જો કામ વધારે આક્રમકતાથી કરવામાં આવશે તો એનો લાભ દેશ, દેશવાસી અને એ બધાના સપના સમાન ડિજિટલ ઇન્ડિયાને થશે.
અગાઉ એક વાર કહ્યું હતું કે આપણા દેશની સૌથી મોટી મજબૂરી એ છે કે આ દેશમાં સોશ્યલ ક્રાઇમને જેટલી કડક નજરે જોવામાં આવે છે એટલી આક્રમકતા સાથે આપણે આર્થિક ગુનાઓને જોતા નથી અને એટલે જ મલ્ટિલેયર માર્કેટિંગ અને જામતારા જેવા ચીટર્સ ઘટતા નથી. આપણે માનવું પડશે કે આ દિશામાં કામ થયું નથી અને થયું છે તો એની માત્રા ઓછી રહી છે. એક સર્વે મુજબ દરરોજ ૫૦૦ કરોડ રૂપિયાની ચીટિંગ આપણા દેશમાં થાય છે!
જરા વિચારો કરો કે દેશના કોઈ પણ રાજ્યના ૩૦થી ૪૦ ટકા વાર્ષિક બજેટ જેટલાં સ્કૅમ આપણે ત્યાં દરરોજ થાય છે અને એ પછી પણ આપણે લાચાર છીએ કે એ આરોપીઓને ઝબ્બે નથી કરી શકતા. આરોપીઓ ઝબ્બે નથી થતા એ લાચારીને વધારે તીવ્ર બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ ખાલી થતાં બૅન્ક-અકાઉન્ટ છે. રિઝર્વ બૅન્ક ભલે એવી બાંયધરી આપે, ભલે તમારા દેશનો કાયદો એવું આશ્વાસન આપે કે તમે તાત્કાલિક જાણ કરશો તો અમે તરત જ એનો રસ્તો કાઢીશું, પણ ૧૦૦માંથી ૯૯ કેસમાં એવું થતું નથી અને એ ૯૯ ટકા વર્ગ એવો બાપડો હોય છે કે એ લડી પણ શકતો નથી. કહેવાનો ભાવાર્થ એ કે એવું ન બને એ દિશામાં વધારે સેફ્ટી લઈ આવવાની અત્યંત આવશ્યકતા છે અને આ આવશ્યકતા માટે જો જરૂરી હોય તો એ છે સલામતીની ખાતરી. ડિજિટલ ઇન્ડિયાનું સપનું તો જ સાકાર થશે જો આર્થિક સલામતીની ખાતરી સાથે દેશ આગળ વધતો હશે.


