Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિજયી ભવ:

વિજયી ભવ:

08 October, 2019 04:18 PM IST | મુંબઈ ડેસ્ક
રુચિતા શાહ

વિજયી ભવ:

વિજયી ભવ:


જ્યારે-જ્યારે આપણે અનીતિ, જૂઠાણાં, પ્રપંચ અને કપટથી પોતાનું હિત પામવા દોડીએ છીએ ત્યારે-ત્યારે આપણી અંદર રાવણ જન્મે છે. જ્યારે-જ્યારે આપણે આપણી સત્તાનો દુરુપયોગ કરીને નિદોર્ષને દંડવા તૈયાર થઈએ છીએ ત્યારે-ત્યારે રાવણ બનીએ છીએ, જ્યારે-જ્યારે આપણે આપણા પર કોઈકે મૂકેલા ભરોસાનું કચ્ચરઘાણ વાળીને અંગત સ્વાર્થ સાધીએ છીએ ત્યારે-ત્યારે રાવણ બનીએ છીએ. ક્યારેક જાણીજોઈને તો ક્યારેક સ્વભાવગત આપણી અંદર પ્રગટી જતા આ રાવણ પર પણ શું કામ જીત ન મેળવીએ? આ દશેરાએ સળગાવી દઈએ આપણા અંદરના રાવણને પણ!

ધર્મનો અધર્મ પર વિજય એટલે વિજયાદશમી. દેવનો દાનવ પર વિજય એટલે વિજયાદશમી. હિન્દુ તહેવારોમાં સતત આ જ વાતનું હૅમરિંગ કરવામાં આવે છે કે ભલામાણસ, ભલાઈ, સચ્ચાઈ અને અચ્છાઈ આખરે જીતશે. કભીના કભી તો સત્યનો વિજય થાય જ. એક માન્યતા કહે છે કે દશેરાના દિવસે ૧૦ માથાંવાળા રાવણનો વધ ભગવાન રામે કર્યો તો કેટલાક ગ્રંથો કહે છે કે આ જ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. બીજી એક માન્યતા મુજબ અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોના મહારથી લડાયકો સહિત ૧૦,૦૦૦ સૈનિકોનો એકલપંડે ખાતમો બોલાવ્યો હતો. ટૂંકમાં કહીએ તો, વિજયગાથાઓ સાથે જ વિજયાદશમી પર્વ સંકળાયેલું છે. ઘણા વિદ્વાનો આ તમામ ઘટનાઓને રૂપક માને છે અને એની પાછળનો આધ્યાત્મિક અર્થ આપણી અંદરના રાવણનો વધ કરવા સાથે સાંકળે છે.
અંદરના રાવણનો પરિચય
અંદરનો રાવણ એટલે કોણ? તમે જ્યારે પોતાની જાતને મુઠ્ઠીઊંચેરી સાબિત કરવા હડહડતું સફેદ જૂઠ બોલો છો ત્યારે તમે રાવણ બનો છો. કોઈકનું પડાવી લેવાની નીતિ તમારામાં જાગે છે અને તમે છળકપટ પર ઊતરી જાઓ છો ત્યારે તમે રાવણ બનો છો. કોઈ નિર્દોષ અથવા ભોળી વ્યક્તિને છેતરો છો ત્યારે તમારી અંદર રાવણ જાગે છે. તમને મળેલી સત્તાનો દુરુપયોગ કોઈને પાડવા કે પછાડવા કરો છો ત્યારે તમે રાવણ બની જાઓ છો. કોઈકે તમારા પર મૂકેલા ભરોસાને તમે વેરણછેરણ કરો છો ત્યારે તમે રાવણના અવતાર બની જાઓ છો. કોઈકની ખાનગી વાતોને જ્યારે તમે જાહેરમાં પ્રગટ કરીને તમારી મોટાઈ દેખાડવાના વાહિયાત પ્રયત્ન કરો છો ત્યારે તમે રાવણ બનો છો. અહીં ચિન્મય મિશનના સ્વાત્માનંદજીસ્વામી કહે છે, ‘રાવણનાં ૧૦ માથાં ૧૦ ઇન્દ્રિયનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય. આંખ, કાન, નાક, ત્વચા અને સ્વાદ સાથે હાથ, પગ, વાણી, મળ-મૂત્ર વિસર્જન કરનારી દસેય ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું એ દશેરાની સાચી ઉજવણી. તેમનો દુરુપયોગ તમારામાં રાક્ષસી ગુણ જન્માવે, તમને અશાંત કરે, તમારા સહિત તમારી આસપાસનાને પણ પ્રતાડિત કરે, તમારા અહંકારને વધારે અને અહંકારમાં અંધ બનાવે. દશેરાના દિવસે આ દસેય ઇન્દ્રિયોના સદુપયોગ પર ધ્યાન આપવું જોઈએ. બીજું, શાસ્ત્રોમાં કહેવાયેલા ૧૦ દોષોને દૂર કરવાના પ્રયત્ન પણ આ વિજયાદશમીનું લક્ષ્ય બનવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, આળસ, છળ અને હઠ આ ૧૦ નકારાત્મક બાબતો પર વિજય મેળવવો એટલે પણ અંદરના રાવણને હરાવ્યો ગણાશે. જો સુખી જીવન જોઈતું હોય તો આ ૧૦ને ડિસ્ટ્રૉય કરવા પડશે. આપણે ત્યાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ એમ ત્રણેયનાં પૂતળાંનું દહન કરવાની પરંપરા હતી. રાવણને બાળીને ખોટી આક્રમકતા બાળવાની હતી, કુંભકર્ણને બાળીને આળસ, તંદ્રાને બાળવાની હતી અને મેઘનાથને બાળીને પદ-પ્રતિષ્ઠા અને જ્ઞાનના અહંકારનું દહન કરવાનું હતું. આટલું કરો તો તમારી અંદર રામ વસે. સીતા શાંતિનું પ્રતીક છે. આ નકારાત્મક દોષોથી શાંતિ હરાઈ જાય અને જ્યારે એ દોષો દૂર કરો, એનું દહન કરો એટલે શાંતિની પુનઃ સ્થાપના થાય.’
બહારના રાવણોનું શું?
બોલવું બહુ સહેલું છે કે અંદરના રાવણને મારો. આ વ્યાવહારિક વિશ્વમાં એ કરવું બહુ અઘરું છે. તમે સારપની સરગમ વગાડતા હો અને કોઈક અચાનક આવીને પાછળથી સરગમના તાર ખેંચી જાય એવી હાલતમાં કઈ રીતે ગુડી-ગુડી બની શકાય? આ જમાનામાં આવું ન ચાલે. એવો તર્ક તમે લગાવ્યો હોય તો ફરી એક વાર પૂર્વનાં શાસ્ત્રોનો હાર્દ સમજવા જેવો છે. અંદરના રાવણને મારવાનો પરંતુ સામા પક્ષે બહાર રાવણ જેવાઓને સામે ઘૂંટણિયે પણ નહીં પડવાનું એ મેસેજ રામાયણ અને મહાભારત આપે છે. અધર્મ આચરનારાઓનો વિરોધ કરવાનો અને એનો નાશ કરવાનો એ પણ યાદ રાખવા જેવું છે.



રાવણ વિશે આ જાણો છો?
રાવણના પિતા બ્રાહ્મણ હતા અને માતા રાક્ષસ ગોત્રનાં હતાં. રાવણ પોતે વેદોના પ્રખર જાણકાર હતા અને પુરોહિતપણું પણ કરતા હતા. રાવણના પિતા વિશ્રવાને બે પત્ની હતી. પહેલી પત્નીથી તેમને કુબેર નામના દીકરાનો જન્મ થયો અને બીજી પત્નીથી રાવણ, કુંભકર્ણ, શુર્પણખા અને વિભીષણ જન્મ્યા.
રાવણનું અસલી નામ રાવણ નહીં, પરંતુ દશાનન અથવા દશગ્રીવા (દશ માથાંવાળો) હતો. જોકે શંકર ભગવાનને કૈલાશથી લંકા લઈ જવાના પ્રયાસરૂપે રાવણે કૈલાશ પર્વતને હલાવવાની કોશિશ કરી ત્યારે ભગવાન શંકરે એક ટચલી આંગળીથી સહેજ કૈલાશને દબાવ્યો જેમાં રાવણનો કોણી સુધીનો હાથ ચગદાઈ ગયો. ભયંકર પીડામાં રાવણે રાડારાડ કરી મૂકી અને આ અવાજને કારણે તેનું નામ રાવણ પડી ગયું. આ જ સમયે રાવણે શિવતાંડવની રચના કરી હતી.
રાવણ ખૂબ સારો જ્યોતિષ પણ હતો. પોતાના દીકરા મેઘનાથના જન્મ વખતે તેણે બધા જ ગ્રહોને ખાસ સ્થિતિમાં રહેવાની આજ્ઞા કરી હતી, જેથી તેના દીકરાની કુંડલી બળૂકી બને અને તે અમરત્વને પામે. જોકે શુક્ર અથવા શનિ ગ્રહ છેલ્લી ઘડીએ નક્કી કરેલા સ્થાન પર ન રહ્યા અને અમરત્વનો યોગ ન બની શક્યો. ગુસ્સે ભરાયેલા રાવણે આ ગ્રહ પર પોતાની ગદાથી ભયંકર ઘા માર્યા હતા.
રાજકલામાં પણ રાવણનો જોટો જડે એમ નહોતો. તેની વહીવટી કુનેહની શાખ આખા વિશ્વમાં પ્રસરેલી હોવી જોઈએ એથી જ રામનું બાણ વાગ્યા પછી અં‌િત‌મ ઘડીઓ ગણી રહેલા રાવણ પાસેથી આ રાજકલા શીખી લેવાનું રામે લક્ષ્મણને કહ્યું હતું.
શંકર ભગવાનનો પરમભક્ત રાવણ વીણા વગાડવામાં પણ માહેર હતો. એક વાર શિવભક્તિમાં વીણા વાજિંત્ર વગાડી રહેલા રાવણે જોયું કે વીણાનો તાર તૂટી ગયો છે. ભક્તિમાં ભંગ ન થાય એટલે તેણે પોતાના શરીરની નસ કાઢીને તારની જગ્યાએ લગાવી ભક્તિ અકબંધ રાખી હતી એવું પણ કહેવાય છે.
એક માન્યતા મુજબ રાવણનાં ખરેખર દસ માથાં નહોતાં પરંતુ તેની માતાએ તેને એક મોતી આપેલું જે એટલું તેજસ્વી હતું કે તેની આભામાં એક માથાના નવ પ્રતિબિંબ પડતા હતા જેથી રાવણને દસ માથાં છે એવું કહેવાયું.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 04:18 PM IST | મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK