° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


સિંગલ પણ હો તમે અને સંબંધમાં પણ હો, તમને જ ખબર ન હોય કે તમારી વચ્ચે શું ચાલે છે

25 November, 2022 11:56 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કમિટમેન્ટ વિનાના ઇન્ટિમેટ સંબંધો અને ટ્રાયલ ઍન્ડ એરરના ફૉર્મેટમાં એકથી વધુ લોકો સાથે જોડાવાની આ સ્થિતિમાં વ્યક્તિ સિંગલ હોવાની ફ્રીડમ પણ ભોગવવા માગે અને રિલેશનમાં હોવાની હૂંફ પણ ઇચ્છે જે લાંબા ગાળે તેમની ઇમોશનલ-મેન્ટલ હેલ્થ માટે ખૂબ જોખમી મનાય છે

પ્રતીકાત્મક તસવીર સંબંધોનાં સમીકરણ

પ્રતીકાત્મક તસવીર

યુવા પેઢીમાં વધી રહેલાં આ પ્રકારનાં સમીકરણો ‘સિચુએશનશિપ’ તરીકે ઓળખાઈ રહ્યાં છે. કમિટમેન્ટ વિનાના ઇન્ટિમેટ સંબંધો અને ટ્રાયલ ઍન્ડ એરરના ફૉર્મેટમાં એકથી વધુ લોકો સાથે જોડાવાની આ સ્થિતિમાં વ્યક્તિ સિંગલ હોવાની ફ્રીડમ પણ ભોગવવા માગે અને રિલેશનમાં હોવાની હૂંફ પણ ઇચ્છે જે લાંબા ગાળે તેમની ઇમોશનલ-મેન્ટલ હેલ્થ માટે ખૂબ જોખમી મનાય છે 

આપણે બધી જ મોજમજા સાથે કરીશું, મન થશે તો ફિઝિકલ પણ થઈશું અને ઇમોશનલ અટૅચમેન્ટ થઈ જાય તો રાખીશું પણ એકેય જાતની અપેક્ષા રાખવાનો આપણને અધિકાર નથી. મારું મન ન થાય તો હું ફોન ન પણ કરું કે ન પણ ઉપાડું. ન તો આપણે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છીએ કે ન તો લિવ-ઇન પાર્ટનર ગણાઈએ. આપણી વચ્ચે આમ ગણો તો કોઈ સંબંધ છે પણ નહીં. કોઈ કોઈને આન્સરેબલ નથી. સાથે છીએ પણ ખરાં અને સાથે નથી પણ. આવા જ કન્ફ્યુઝનભર્યા સંબંધો આજના ટીનેજર્સમાં વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને વિશ્વના અગ્રણી રિલેશનશિપ એક્સપર્ટ્સે આવા સંબંધોને ‌‘સિચુએશનશિપ’ નામ આપ્યું છે. સિચુએશન મુજબ સંબંધ હોય. મનોચિકિત્સકો માને છે કે સિચુએશનશિપનો અંત ઍક્ચ્યુઅલ રિલેશનશિપના અંત કરતાં પણ વધુ પેઇનફુલ હોઈ શકે છે. વ્યક્તિ જ્યારે આ પ્રકારના સંબંધમાં જોડાય ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા હોતી નથી એટલે જે પણ બને એ બધું જ અચાનક હોય છે. કલાકો સુધી વાતો કરવી, સાથે હરવુંફરવું અને પછી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં પણ જોડાવું. આ બધું કર્યા પછી જો એક પાર્ટનર પણ ઇમોશનલી સંબંધમાં આગળ વધવા માંડ્યો હોય અને સાવ અચાનક બીજું પાત્ર સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને બધું જ પડતું મૂકે તો આ પરિસ્થિતિ ખૂબ જ દુખી કરનારી હોય છે. અહીં સંબંધ હતો જ નહીં. તમે કોઈ નામ જ નહોતું આપ્યું આ પરિચયને. અચાનક શરૂ થયો અને અચાનક પૂરો થયો, પણ એ માટે તમે કોઈ પ્રશ્ન પણ પૂછી શકવાના નથી. ધારો કે એક સમયે દિવસના દસ મેસેજ કરનારી વ્યક્તિ વન ફાઇન ડે તમને સોશ્યલ મીડિયા પર બ્લૉક પણ કરી દે તો અકળામણ કાઢવાનો તમને અધિકાર નથી, કારણ કે તમારી વચ્ચે કોઈ કમિટમેન્ટ કે આ પ્રકારનો વ્યવહાર નહીં કરવાની કોઈ ચોખવટ હતી જ નહીં. મોટા ભાગે બૉયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કમિટેડ સંબંધમાં પણ તમને અધિકાર હોય છે પૂછવાનો. તમારો તૂટતા સંબંધમાં તણખા ઝરવાના પહેલેથી શરૂ થઈ ગયા હોય. તમને સમજાતું હોય કે તમારા સંબંધમાંથી હૂંફ ઓછી થઈ રહી છે. આ સંબંધમાં રહેવામાં તકલીફ પડી રહી છે એ તમને અનુભવાતું હોય અને એ વિશે સામા પાત્ર સાથે ચર્ચા પણ થતી હોય અને એમાં મ્યુચ્યુઅલ લેવલ પર સમાધાનના પ્રયાસો પણ થતા હોય. જ્યારે અહીં તો એવું કશું જ નથી. કમિટમેન્ટ નથી અને જવાબદેહી પણ નથી. આપણે ત્યાં આ પ્રકારના સંબંધો યુવા પેઢીમાં આકાર લઈ રહ્યા છે ખરા એ વિશે સાંતાક્રુઝમાં ક્લિનિક ધરાવતાં સાઇકોલૉજિસ્ટ, રિલેશનશિપ કાઉન્સેલર અને લાઇફ કોચ દીપલ મહેતા પાસેથી જાણીએ. 

ઓપન રિલેશન

ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ વિશે તમે જાણતા જ હશો. સિચુએશનશિપ પણ કંઈક એ જ રીતનો કન્સેપ્ટ છે. દીપલ મહેતા કહે છે, ‘ઓપન રિલેશનશિપ આજની પેઢીને કન્વિનિયન્ટ લાગે છે શરૂઆતમાં, કારણ કે ક્યાંય જવાબદારી લીધા વિના એન્જૉય કરી શકાય અને સાથે જ ફ્રીડમ તથા મનમાની અકબંધ રહે. બન્ને પાર્ટનર આ જ પ્રકારના માઇન્ડસેટ સાથે જોડાતા હોય. જોકે જે ક્ષણે બેમાંથી એક સંબંધમાં ઇમોશનલી અટૅચ્ડ થતો જાય ત્યારે તેના માટે જોરદાર તકલીફવાળો સમય શરૂ થતો હોય છે. એ પછી કૅઝ્યુઅલી એટલે કે સમય પસાર કરવા માટે શરૂ થયેલો સંબંધ બર્ડન બની જાય ત્યારે સામેવાળો પાર્ટનર કંઈ પણ કહ્યા વિના દૂર નીકળી જાય. નંબર બ્લૉક કરી નાખે, સોશ્યલ મીડિયામાંથી પણ વ્યક્તિને અનફ્રેન્ડ કરી નાખે અને ફોન, મેસેજ બંધ થઈ જાય. હવે જે વ્યક્તિ રિલેશનમાં ઇમોશનલી ઇન્વૉલ્વ થઈ ગઈ છે તેને માટે આ અચાનક આવેલો બદલાવ બહુ જ મોટો ટ્રૉમા બની જતો હોય છે.’

મલ્ટિપલ પાર્ટનર

દીપલ મહેતા

આજકાલ યંગસ્ટર્સના રિલેશનશિપની બાબતમાં વધુ એક કૉમન બિહેવિયર વિશે જણાવતાં દીપલ મહેતા કહે છે, ‘ધારો કે એક ફ્રેન્ડ હોય અને તેની સાથે નામ વિનાના પણ બધી રીતે ઓપન રિલેશનમાં જોડાયા હોય એ હજી સમજાય, પરંતુ તેઓ જુદી-જુદી નીડ માટે જુદા-જુદા પાર્ટનર રાખે, જેમ કે પાર્ટી કરવી હોય કે નાઇટલાઇફ એન્જૉય કરવી હોય તો ફલાણા સાથે, ઇન્ટલૅક્ચ્યુઅલ ચર્ચા કરવી હોય તો ઢીંકણા સાથે, મૂવી જવું હોય તો આની સાથે, ડેટિંગ અને રોમૅન્ટિક વાત કરવી હોય તો પેલા સાથે. આમ આ બાબત કૉમન ફ્રેન્ડ જેવી લાગે, પરંતુ કૉમન ફ્રેન્ડશિપ જેવી મર્યાદા આમાં હોતી નથી. એકેય બાજુ કમિટમેન્ટ છે જ નહીં, પણ માત્ર ફ્રેન્ડ્સ છીએના લેબલ પછી પણ બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે હોય એવા બૉન્ડની છૂટછાટ લેવામાં પણ કોઈને કોઈ ક્ષોભ હોતો નથી. લાંબા ગાળે આ પ્રકારની ઇન્સ્ટેબિલિટી બહુ જ બધા મેન્ટલ અને ઇમોશનલ ટ્રૉમા લઈને આવતી હોય છે. એક કેસ મારી પાસે આવેલો. કૉલેજ સ્ટુડન્ટ્સ જ હતો એ છોકરો. એક છોકરી અને એક છોકરો એમ બન્ને સાથે તે સિચુએશનશિપમાં હતો. કમિટમેન્ટ વિનાના આ બૉન્ડમાં તેને ચેક કરવું હતું કે તે પુરુષ પાર્ટનર સાથે વધુ પ્લેઝર અનુભવે છે કે સ્ત્રી પાર્ટનર સાથે. પોતાના સેક્સ્યુઆલિટીના લાઇકિંગ્સને ડિફાઇન કરવા માટે પણ આજે સિચુએશનશિપ જેવા સંબંધો ડેવલપ કરતા થયા છે. તમે વિચાર કરો કે તમે ત્રણ-ચાર જણ સાથે એક સમયે જોડાયેલા છો એ ચેક કરવા માટે કે સમય સાથે જે વધુ ગમશે એની સાથે જોડાઈ જઈશું અને એ દરમ્યાન તમને કોઈ ખરેખર ગમી ગયું અને અટૅચમેન્ટના એ સ્ટેજ પર સામેવાળી વ્યક્તિએ તમને ડમ્પ કરી દીધા તો વ્યક્તિ ઇમોશનલી કયા સ્તર પર અસ્તવ્યસ્ત થઈ શકે? આનો સૌથી મોટો ડ્રૉ-બૅક એ છે કે તમને ગુસ્સો કરવાનો, જવાબ માગવાનો, અકળાવાનો કે રિલેશનને એન્ડ કરવાનો સમય પણ નથી મળતો, કારણ કે અહીં એવું કોઈ રિલેશન છે જ નહીં.’

માનવસ્વભાવની વિરુદ્ધ

આપણે સામાજિક પ્રાણી છીએ અને અટૅચમેન્ટ આપણાથી સહજ થઈ જાય છે એ વાત આજના ફાસ્ટ-ફૉર્વર્ડ દોડી રહેલા અને સ્વેગ કલ્ચરમાં માનતા યુવા વર્ગને નથી સમજાઈ રહી. દીપલ મહેતા કહે છે, ‘રિયલ સંબંધમાં જોડાતાં પહેલાં જ એટલા બધા અખતરા કરી દીધા હોય છે કે ખરેખર સંબંધનો ચાર્મ, એમાં રહેલી ગરિમા અને હૂંફને આ પેઢી અનુભવી જ નથી શકતી. સતત અનિશ્ચિતતા અને મૂવઑન મેન્ટાલિટી મુજબ આપણા ઇમોશન નથી ચાલતા એ સમજવું પડશે. કૅઝ્યુઅલી જોડાયેલાં બન્ને પાત્ર એકબીજા સાથે જોડાયા પછી અટૅચ્ડ થઈ જાય અને સંબંધને નામ આપે કે મ્યુ‌ચ્યુઅલી આગળ વધારે તેમને તો હજીયે વાંધો નહીં આવે, પણ જ્યાં વન-સાઇડેડ અટૅચમેન્ટ હોય એવા લોકો ડિપ્રેશન જેવા અઢળક મેન્ટલ ડિસઑર્ડરનો ભોગ બનતા હોય છે. સાથે જ કેટલીક બાબતો પર્સનાલિટી બદલી શકે, જેમ કે આવા વધુ રિલેશન એકસાથે એન્જૉય કરનારા પછી એક પાર્ટનર સાથે લૉન્ગ ટર્મ ન રહી શકે. તેઓ કમિટમેન્ટમાં હંમેશાં પાછા પડે. પરસ્પર વિશ્વસનીયતાનો અભાવ, એકલતા જેવી બાબતો પણ પર્સનાલિટીમાં ઉમેરાઈ જતી હોય છે.’

શું કરવું જોઈએ?

આ પ્રકારના સંબંધો મોટા ભાગે કોઈ વૉર્નિંગ વિના આવતા હોય છે. તમે એવું નક્કી નથી કરતા કે આપણે સિચુએશનશિપમાં છીએ, પણ ધીમે-ધીમે વાતો વધતાં અને કમિટમેન્ટ નહીં આપવાની માનસિકતાને કારણે એ સિચુએશનશિપમાં કન્વર્ટ થઈ જાય છે. દીપલ મહેતા કહે છે, ‘દરેક યંગસ્ટર્સ કે વ્યક્તિ પોતે જેની પણ સાથે વાતો કરે છે એ વ્યક્તિ સાથેનો તેનો સંબંધ કઈ દિશામાં છે એ વિશેની ક્લેરિટી પ્રારંભિક અવસ્થામાં જ રાખવી જોઈએ. જેનું ભવિષ્ય ન દેખાતું હોય એવા સંબંધમાંથી બને એટલું વહેલું છૂટા પડી જવાની દિશામાં આગળ વધવું જોઈએ. જ્યાં કોઈ પણ વ્યક્તિ તમારી લાગણીઓને સમજ્યા વિના તમારી સાથે જરૂર કરતાં વધુ આગળ વધતી હોય અથવા તો કૅઝ્યુઅલ સંબંધમાં ઇન્ટિમસીના પ્રયાસો થતા હોય તો અલર્ટ રહેવું જોઈએ. સંબંધ તૂટશે તો શું એ માટેની માનસિક તૈયારી સતત રાખવી જોઈએ. તમારી જે-તે વ્યક્તિ માટેની લાગણીઓને ઓળખો, એના વિશે વાત કરો અને પ્રામાણિકતા સાથે લાગણીનો સ્વીકાર કરો. માત્ર મિત્ર છે એવી વ્યક્તિ સાથે જાણે તમારી પ્રેમિકા કે પ્રેમી હોય એવો હક જમાવતા હો, એ રીતે અપેક્ષા રાખતા થઈ ગયા હો અથવા તો એ પ્રકારનો ઇન્ટિમેટ વ્યવહાર કરતા હો તો સમજવા માંડો કે તમે ખોટી દિશામાં આગળ વધી રહ્યા છો. અહીં હું પેરન્ટ્સ માટે પણ એક‌ ટિપ આપીશ કે તમારા સંતાન સાથે મૈત્રી કેળવીને તે કઈ દિશામાં છે, તેના મિત્રો કોણ છે, મિત્રોમાં કયા મિત્ર વિશે તે કઈ રીતે વાત કરે છે, એક્સપ્રેસ કરતી વખતે તેના હાવભાવ કેવા હોય છે એ ઑબ્ઝર્વ કરો. પ્રત્યક્ષ નહીં, પણ પરોક્ષ રીતે પણ ભવિષ્ય વિનાના સંબંધો કઈ રીતે વ્યક્તિને અંદરથી જર્જરિત કરી શકે છે એ દિશામાં તેનું ધ્યાન દોરતા રહો. તેને પુષ્કળ પ્રેમ અને અટેન્શન આપો કે તેણે બહાર તેના માટે ફાંફાં ન મારવાં પડે.’

25 November, 2022 11:56 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

સ્કાયવૉક પરનાં ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું આ બહેને

‘જુનૂન’ ફાઉન્ડેશન અંતર્ગત શરૂ થયેલા કૅમ્પેનમાં જોડાઈને નીતા જરીવાલાએ છેલ્લાં પાંચ વર્ષમાં બાળકોને લખતાં-વાંચતાં કરવા માટે નિયમિત સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક હાઉસવાઇફ પોતાના ફ્રી ટાઇમમાં સમાજને ઉપયોગી કેવી રીતે થઈ શકે એનું તેઓ જીવંત ઉદાહરણ છે

30 November, 2022 04:50 IST | Mumbai | Ruchita Shah

આ એક આસન કરશો તો શરીરના પ્રત્યેક અવયવો તમને થૅન્ક યુ કહેશે

ડિપ્રેશન, વર્ટિગોમાં આરામ આપવામાં, કમરનો દુખાવો દૂર કરવામાં, હાથ-પગના નબળા સ્નાયુઓમાં સ્ટ્રેંગ્થ લાવવા, હાડકાંને મજબૂતી આપવામાં, શરીરનું બળ વધારવામાં જબરું પરિણામ આપે છે

30 November, 2022 04:04 IST | Mumbai | Ruchita Shah

લિવ-ઇન ‌રિલેશનશિપઃ યે ગુથ્થી સુલઝેગી નહીં...લિવ-ઇન જ્યારે બને ઇમોશનલ અત્યાચાર

અગ્રણીઓ માને છે કે આ સંબંધ ટેમ્પરરી અરેન્જમેન્ટ હોઈ શકે, પરંતુ કાયમી સોલ્યુશન તો નથી જ. તો એક વર્ગ એવું પણ કહે છે કે શું કામ વ્યક્તિ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મોકળાશ સાથે લગ્ન વિના ન રહી શકે?

27 November, 2022 10:02 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK