Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ગહરે અંધેરોં મેં ભી, પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો, અરમાન હૈ વો તેરે...

ગહરે અંધેરોં મેં ભી, પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો, અરમાન હૈ વો તેરે...

09 February, 2024 11:52 AM IST | Mumbai
RJ Dhvanit Thaker

એક છોકરી છે જે કબડ્ડીની નૅશનલ પ્લેયર હતી. અઢળક સપનાંઓ વચ્ચે તે એક છોકરાને મળે છે અને તેને પ્રેમ થઈ જાય છે.

કંગના રનોટની ફિલ્મના ગીતનું પોસ્ટર

કાનસેન કનેક્શન

કંગના રનોટની ફિલ્મના ગીતનું પોસ્ટર


કંગના રનોટની ફિલ્મ ‘પંગા’ના જુગનૂ સૉન્ગની સૌથી મોટી બ્યુટી એ છે કે એ તમને સપનાં જોવાની આઝાદી પણ આપે છે અને આપેલી એ આઝાદીને સાચી દિશામાં વાળવાનું કામ પણ કરે છે. માનવામાં ન આવતું હોય તો એક વખત ફુલ વૉલ્યુમમાં સૉન્ગ પ્લે કરીને સાંભળી જુઓ

દો રંગોં મેં રંગી હૈ,
દો રૂપ મેં ઢલી
ઐસી હૈ ઝિંદગી સબકી
માયૂસી ભી હૈ થોડી, અરમાન ભી કહીં
ઐસી હૈ ઝિંદગી સબકી
સેરેના વિલિયમ્સ કા નામ સૂના હૈ? 


દરેક માણસના જીવનમાં એક સપનું હોય, કૉમન સપનું. જીવનના આધાર માટે, જીવન જીવવા માટે તેને મનગમતું પ્રિય પાત્ર મળે, પણ વાત અહીંથી જ બદલાય છે. મનગમતા પાત્રની સાથે મૅરેજ થયા પછી સપનાં બદલાઈ જાય છે. તમે જ્યારે એકલા હો, સિંગલ હો ત્યારે જે ખ્વાબ જોયાં હોય, સપનાં સેવ્યાં હોય એ બધાં સપનાં ત્યારે બદલાઈ જાય જ્યારે મૅરેજ થઈ જાય. પછી આખી જિંદગી બદલાઈ જાય. જિંદગી બદલાય અને જિંદગીની સાથોસાથ પ્રાયોરિટી પણ ચેન્જ થવા માંડે. કંગના રનોટની ફિલ્મ ‘પંગા’માં આ જ વાત બહુ સુંદર રીતે અને એકદમ અસરકારક રીતે દર્શાવવામાં આવી હતી. ફિલ્મ ચાલી નહીં એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે ફિલ્મ ખરેખર જોવાલાયક છે. ખાસ તો એ સૌએ, જેણે મૅરેજ પછી પોતાનાં સપનાંઓનું મર્ડર કર્યું છે. પહેલાં ‘પંગા’ ફિલ્મની અને એ પછી વાત કરીએ ઉપર કહ્યું એ સૉન્ગની.



એક છોકરી છે જે કબડ્ડીની નૅશનલ પ્લેયર હતી. અઢળક સપનાંઓ વચ્ચે તે એક છોકરાને મળે છે અને તેને પ્રેમ થઈ જાય છે. પોતાની મરજીથી જ તે લવ-મૅરેજ કરીને સેટલ થઈ જાય છે, પણ પેલાં સપનાં તો  અંદર અકબંધ છે અને તે હવે દરરોજ જાગવાનાં છે. રાતે તેને સપનામાં કબડ્ડી દેખાય છે. ઊંઘમાં તે પોતાના હસબન્ડને અન-કૉન્શિયન્સલી કિક માર-માર કરે છે. સપનાંનું પણ એવું જ છેને, એ તમારા સબ-કૉન્શિયસ માઇન્ડનો જ ખેલ છે. 


ગહરે અંધેરોં મેં પલપલ ચમકતે હૈં જુગનૂ... 
યસ જુગનૂ. આજે વાત કરવાની છે ‘જુગનૂ’ ટાઇટલના આ સૉન્ગની, લિરિક્સ રાઇટર જાવેદ અખ્તર, મ્યુઝિક-ડિરેક્ટર શંકર-અહેસાન-લૉય, સિંગર સની અને શંકર મહાદેવનનું આ અદ્ભુત સર્જન છે. ટિપિકલ શંકર-એહસાન-લૉય કમ્પોઝિશન. વાંચ્યુંને તમે, ‘દો રંગ મેં રંગી હૈ, દો રૂપ મેં ઢલી હૈ એસી હૈ ઝિંદગી સબકી...’ આપણા બધાની લાઇફમાં બે અલગ-અલગ સ્વરૂપ છે. દુનિયાની સામે આપણે જે દેખાઈએ છીએ એના કરતાં આપણે અંદરથી કંઈક જુદા જ છીએ. 

માયૂસી ભી હૈ થોડી, અરમાન ભી કહીં હૈ.
ઐસી ઝિંદગી હૈ સબકી...
કેટલી નરી વાસ્તવિકતા, કેટલી સચ્ચાઈ. આપણે થોડા ઉદાસ હોઈએ અને થોડા ખુશ હોઈએ. આપણી એક્સપેક્ટેશન્સ, આપણી ઇચ્છાઓ પૂરી ન થઈ હોય અને છતાં કંઈકેટલી ઇચ્છાઓનો ખજાનો મનમાં સંઘરી રાખ્યો હોય છે. આ ઇચ્છા બાકી, આ ઇચ્છા અધૂરી, આ ઇચ્છા હજી પૂરી કરવાની છે અને આ ઇચ્છા માટે હજી ભાગવાનું છે. ‘ઐસી ઝિંદગી હૈ સબ કી...’ 
ગીતની શરૂઆત બહુ સરસ હાર્મોનિયમથી થાય છે. ગીતની શરૂઆત સાંભળતી વખતે તમે અનુમાન કરી શકો અને વિઝ્‍યુઅલાઇઝ પણ થાય કે સવાર પડી રહી છે. સવારના પહોરમાં આપણા મધ્યમવર્ગીય પરિવારના ઘરમાં કેવી ચહલપહલ ચાલુ થાય. યાદ કરો, યાદ કરો. કોઈ બૂમ પાડતું હોય કે ‘મમ્મી મારાં મોજાં ક્યાં છે’, તો કોઈ કહે, ‘બ્રેકફાસ્ટને હજી કેટલી વાર.’ દાદાને પેપર જોઈતું હોય અને દાદીમા દીવાબત્તીની તૈયારી કરવા બેઠાં હોય, પણ એ બધામાં એક જ વ્યક્તિની ભાગદોડ ચાલતી હોય. 


નીંદોં કે દેશ મેં હૈં સપનોં કા એક નગર
જહાં હૈ ડગર-ડગર જુગનૂ
સૌ આંધિયાં હૈ ચલતી, સાસોં મેં રાતભર
બુઝતે નહીં મગર જુગનૂ...

મનના ગહન અંધકારમાં પ્રતિ ક્ષણ જે આગિયાની જેમ ટમટમે છે એ આપણાં અરમાન છે, સપનાં છે, ઇચ્છાઓ છે. મનનું કેટલું સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું છે જાવેદ અખ્તરે. ઇચ્છાઓનું એવું જ છે, એ ક્યારેય અટકતી નથી અને એ ક્યારેય તૂટતી નથી. એ ક્યારેય પૂરી પણ નથી થતી અને એ ક્યારેય શાંતિથી બેસવાનું પણ નથી સૂચવતી. હું તો કહીશ કે એ સારું છે. જો ઇચ્છા ન હોય, સપનાં ન હોય, મહત્ત્વાકાંક્ષા ન હોય તો જીવન જંગલનાં પ્રાણીઓ જેવું થઈ જાય. જાગો, ફરો, જમો અને સૂઓ. સપનાં હોવાં જોઈએ. કોઈએ સરસ કહ્યું છે કે જો તમારાં સપનાં પર કોઈ હસે નહીં તો માનવું કે તમારાં સપનાં નાનાં છે. બીજી પણ એક સરસ વાત યાદ આવે છે. જો તમારાં સપનાં તમને જગાડે નહીં તો માનવું કે તમે સપનાં જોવાને લાયક નથી.

લમ્હા બ લમ્હા કુછ ખ્વાબ તો હોતે હૈં,
રફ્તા બ રફતા બેતાબ તો હોતે હૈં,
ઓ તૂ માને ચાહે ના માને તૂ
દિલ હૈ અગર તો હૈ આરઝૂ
આંખોં કે પ્યાલે ખાલી નહીં, કોઈ તમન્ના હોગી કહીં
ગહરે અંધેરોં મેં ભી,
પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો
અરમાન હૈ વો તેરે...

આ આખો અંતરો જે છે એ સરસ કવ્વાલીના ફોમમાં ગવાયો છે. શું શબ્દો, શું સૂર, શું વાત અને શું પિક્ચરાઇઝેશન! કમાલ સાહેબ, સાચે જ કમાલ. જાવેદ અખ્તરનાં અનેક ગીતો એવાં છે જે તમને જીવન જીવવાનું ઝનૂન ચડાવી દે, તમને દોડતા કરી દે અને એ તમારી દોટમાં જુસ્સો ભરી દે. આ ગીતમાં પણ તેમણે ગીતકાર તરીકે કમાલ કરી બતાવી છે. ગીતના એકેક શબ્દોમાં સપનાંઓની વાત છે. તેમણે શબ્દોને સાદગીથી મૂક્યા છે, પણ એ સાદગીમાં તેમણે ઉર્દૂ પોએટ્રીના રંગો પણ ભર્યા છે. આ ગીત સાંભળતી વખતે તમને ક્યાંય પણ જો ફિલ્મ ‘લક્ષ્ય’નું ટાઇટલ-સૉન્ગ યાદ આવી જાય તો એ કમાલ માટે જાવેદ અખ્તરને સલામ કરજો. ‘લક્ષ્ય’ની વાત પરથી જ મને ‘પંગા’નું પોસ્ટર પણ યાદ આવી ગયું. ‘પંગા’નું પોસ્ટર તમે ગૂગલ કરીને જોઈ લો. એ પોસ્ટર પર ટૅગલાઇન લખી છે...‘જો સપનેં દેખતે હૈં વો પંગા લેતે હૈં.’આ ટૅગલાઇન જ્યારે પહેલી વાર વાંચી ત્યારે તરત જ મને સંજય લીલા ભણસાલીની ‘ખામોશી - ધ મ્યુઝિકલ’ની યાદ આવી ગઈ હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મની ટૅગલાઇન શું હતી ખબર છે? ‘વો ઝિંદગી હી ક્યા જિસમેં કોઈ નામુમકીન સપના ના હો.’

સાચે જ, આ બન્ને વાતને કાગળ પર લખીને કાગળ તમારા બેડ, તમારા ટેબલની સામે ચીટકાડી દો અને પછી જુઓ, લાઇફમાં કેવાં-કેવાં સપનાંઓ ઉમેરાય છે અને એ સપનાંઓને સાકાર કરવાની તાકાત પણ કેવી આવતી જાય છે. કહ્યું છેને, જાવેદ અખ્તરે...

ગહરે અંધેરોં મેં ભી,
પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો
અરમાન હૈ વો તેરે...

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 11:52 AM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK