‘૧૯૪૨ઃ અ લવસ્ટોરી’નું સૌથી પૉપ્યુલર એવું આ સૉન્ગ કેવા સંજોગોમાં જાવેદ અખ્તરે લખ્યું અને કેટલી સેકન્ડમાં (હા, સેકન્ડમાં) રાહુલ દેવ બર્મને એની ટ્યુન બનાવી એ વાત કોઈ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ કરતાં સહેજ પણ ઓછી ઊતરતી નથી
એક લડકી કો દેખા તો ઐસા લગા...
વાત ચાલી રહી છે રાહુલ દેવ બર્મન અને તેમની છેલ્લી ફિલ્મ ‘૧૯૪૨ઃ અ લવસ્ટોરી’ના મ્યુઝિકની.
પોતાની લાઇફના સૌથી ખરાબ ફેઝમાંથી પસાર થતા રાહુલ દેવ બર્મને ૮૦ના દસકામાં બહુબધી ફિલ્મો ફ્લૉપ થતી જોઈ. ફિલ્મો પણ ફ્લૉપ રહી અને બર્મનદાનું મ્યુઝિક પણ ફ્લૉપ ગયું. કદાચ એ આખો પિરિયડ પ્રવાહી હતો અને એ પિરિયડ માટે બર્મનદા બન્યા નહોતા. તમે જુઓ, આ એ સમયની વાત છે જે સમયે ઍક્શન ફિલ્મોનો રીતસર રાફડો ફાટ્યો હતો અને ઍક્શન ફિલ્મોમાંથી અડધોઅડધ ફિલ્મોને તો મ્યુઝિક સાથે નિસબત નહોતી. આ ઉપરાંત આ તબક્કામાં જ બપ્પી લાહિરી પણ નવા મ્યુઝિક સાથે ઇન્ડસ્ટ્રી પર હિટ પર હિટ આપતા જતા હતા, જ્યારે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ જબરદસ્ત કામ કરતા હતા. ફ્લૉપ મ્યુઝિક, નવા મ્યુઝિક-ડિરેક્ટરોનું હિટ મ્યુઝિક અને રોમૅન્ટિક ફિલ્મનો પૂરો થતો જતો દોર. આર. ડી. બર્મનને આ બધાએ હાંસિયામાં ધકેલી દીધાં હતાં. એક સમયે જ્યાં પ્રોડ્યુસર બર્મનદાને મળવા માટે લાઇન લગાવીને બેસતા એ ઘરનો હૉલ ખાલી રહેવા માંડ્યો અને બર્મનદા એકલા પડી ગયા. કાયમી સાથી એવા સૌ ડિરેક્ટર-પ્રોડ્યુસરોએ પણ બર્મનદાનો સાથ છોડી દીધો. યશ ચોપડાથી માંડીને સુભાષ ઘઈ, દેવ આનંદ અને નાસિર હુસેન પણ તેમનો સાથ છોડીને નવી જનરેશનના લોકો સાથે કામ કરવા માંડ્યા અને આ જ વાત બર્મનદાને સૌથી વધારે હર્ટ કરી ગઈ હતી. કેટકેટલાં સ્ટારકિડ્સને બ્રેક આપવાનું કામ બર્મનદાએ કર્યું હતું. સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રૉકી’, સની દેઓલની પહેલી ફિલ્મ ‘બેતાબ’ અને કુમાર ગૌરવની પહેલી ફિલ્મ ‘લવ-સ્ટોરી’નું મ્યુઝિક બર્મનદાનું હતું અને તમે જુઓ, એ ફિલ્મનાં ગીતોએ જ એ સ્ટારકિડને એસ્ટૅબ્લિશ્ડ કર્યાં અને એ પછી પણ...
ઍનીવેઝ, અગાઉ કહ્યું એમ, વિધુ વિનોદ ચોપડા તેમની પાસે આવ્યા અને તેમણે ફિલ્મ ઑફર કરી, પણ એક વાત કહેવાની રહી ગઈ. ચોપડાને પણ મ્યુઝિક-કંપનીથી માંડીને અનેક લોકોએ રોક્યા હતા, કહ્યું હતું કે બહેતર છે કે તમે લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે મ્યુઝિક કરો. એક કે બે કે ચાર વાર નહીં, પણ અનેક વખત મ્યુઝિક-કંપનીએ તો વિધુ વિનોદ ચોપડાને કહ્યું હતું, પણ તેઓ માન્યા નહીં અને તેમણે આર. ડી. બર્મનનો જ આગ્રહ રાખ્યો. આ આગ્રહને કારણે જ કહેવાય છે કે બર્મનદાએ મ્યુઝિક-કંપનીની વાત પણ માનવી પડી હતી અને એ સમયે સોળે કળાએ ખીલેલા કુમાર શાનુને સૌથી મેઇન વૉઇસ તરીકે લાવવા પડ્યા. હા, બાકી બર્મનદાની ઇચ્છા તો અમિતકુમાર પાસે ગીતો ગવડાવવાની હતી, પણ મ્યુઝિક-કંપની પાસે તેમનું ચાલ્યું નહીં અને કુમાર શાનુને બર્મનદા સાથે કામ કરવાની તક મળી.
આગળની વાત પણ તમારી સાથે શૅર કરી છે.
બર્મનદાનું પહેલું કમ્પોઝિશન વિધુ વિનોદ ચોપડાને પસંદ આવ્યું નહીં એટલે બર્મનદાએ બે કટકે એક-એક વીકનો ટાઇમ લીધો અને એ પછી તેમણે સૌથી પહેલું સૉન્ગ ‘કુછ ના કહો, કુછ ભી ના કહો...’ સંભળાવ્યું અને વિધુ વિનોદ ચોપડા ઊછળી પડ્યા. ફિલ્મ ફાઇનલ થઈ ગઈ અને નવાં ગીતો પર કામ શરૂ થયું. ફિલ્મની જરૂરિયાત મુજબ વિધુ વિનોદ ચોપડાએ ગીતની ડિમાન્ડ કરી. મીનાક્ષી શેષાદ્રિ અને અનિલ કપૂરની પહેલી મુલાકાત સમયની સિચુએશન પર. નરેન જ્યારે પહેલી વાર રજ્જોને જુએ છે અને તેને જોતાની સાથે જ તે પ્રેમમાં પડી જાય છે. આ સિચુએશન પર સૉન્ગ જોઈતું હતું.
સિચુએશન આખી નેરેટ થઈ જાવેદ અખ્તર અને આર. ડી. બર્મન પાસે અને એક વીક પછી મળવાનું નક્કી થયું. આ એક વીક દરમ્યાન જાવેદ અખ્તર તો સાવ ભૂલી ગયા કે તેમણે લિરિક્સ લખવાના છે. મળવાનું હતું એ દિવસે બર્મનદાએ અખ્તરસાહેબને ફોન કર્યો અને જાવેદ અખ્તરને ગીત યાદ આવી ગયું, પણ હવે સમય હતો નહીં એટલે તેઓ તો એમ જ મળવા માટે નીકળી ગયા.
જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં વિધુ વિનોદ ચોપડા અને આર. ડી. બર્મન બેઠાં-બેઠાં તેમની રાહ જોતા હતા. થોડી આગતાસ્વાગતા થઈ અને એ પછી વાત આવી સિચુએશનની અને એ સિચુએશન પરના લિરિક્સની, એટલે જાવેદ અખ્તરે કહ્યું, ‘એક લડકી કો દેખા તો ઐસા...’
‘ઠીક હૈ...’ બર્મનદાએ કહ્યું, ‘આગે...’
ખુદ જાવેદ અખ્તરે કહ્યું છે કે તેમણે તરત જ સામે પૂછ્યું કે આ ગમ્યું હોય તો આગળની વાત કરીએ. વિધુ વિનોદ ચોપડાએ હા પાડી અને આર. ડી. બર્મને પણ હા પાડી એટલે હવે મૂંઝાવાનું આવ્યું જાવેદ અખ્તરના પક્ષે. તેમની પાસે તો કંઈ હતું જ નહીં એટલે તેમણે એ જ સમયે ગીત બનાવવાનું શરૂ કરી, મનમાં જે આવ્યું એ કહેવાનું શરૂ કર્યું, પણ એ એકેએક લાઇને દેકારો મચાવી દીધો..
‘એક લડકી કો દેખા તો ઐસા લગા...
ખિલતા ગુલાબ, જૈસે
શાયર કા ખ્વાબ, જૈસે
ઊજલી કિરન, જૈસે
બન મેં હિરન, જૈસે
ચાંદની રાત, જૈસે
નરમી બાત, જૈસે
મંદિર મેં હો એક જલતા દિયા...’
ADVERTISEMENT
બર્મનદાની એક આદત હતી. લિરિક્સ તેઓ પોતાના હાથે લખે. કોઈ પણ ભાષામાં હોય એ પણ તેઓ લખે તો બંગાળીમાં અને પોતાના અક્ષરમાં જ. જાવેદ અખ્તરે જેવું પહેલું મુખડું પૂરું કર્યું કે તરત જ બર્મનદાએ કાગળ-પેન લઈ આ મુખડું લખી લીધું અને પછી તરત જ હાર્મોનિયમ હાથમાં લઈ ગણગણાટ સાથે એની ટ્યુન બનાવી! પંચમદા જ્યારે એ લિરિક્સ પોતે લખતા હતા ત્યારે જ તેમના મનમાં ટ્યુન બનતી જતી હતી.
હા, જાવેદ અખ્તર બોલે અને પોતે લખે એ જેટલો સમય લાગે એટલી વારમાં આર. ડી. બર્મને આ ગીતનું કમ્પોઝિશન તૈયાર કરી લીધું હતું. આ ગીતની બીજી સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે આ સૉન્ગમાં ક્યાંય અંતરા છે જ નહીં. કુમાર શાનુએ એક વખત કહ્યું હતું કે ‘આ સૉન્ગ જ્યારે હાથમાં આવ્યું ત્યારે મને પહેલી વાર થયું કે લેજન્ડ તમારી કેવી-કેવી પરીક્ષા લેતા હોય છે. બસ, મુખડા-મુખડા, મુખડા-મુખડા જ ચાલ્યા આવે છે અને એ પછી પણ સૉન્ગની હાર્મની અકબંધ છે.’
વાત ખોટી નથી, તમે પોતે જ આ સૉન્ગ આગળ જુઓ.
‘એક લડકી કો દેખા તો ઐસા લગા...
સુબહ કા રૂપ, જૈસે
સરદી કી ધૂપ, જૈસે
વીણા કી તાન, જૈસે
રંગોં કી જાન, જૈસે
બલખાયેં બેલ, જૈસે
લહરોં કા ખેલ, જૈસે
ખુશ્બૂ લિયે આયે ઠંડી હવા...’
આ ગીતના ત્રીજા મુખડા અને સૉન્ગ રેકૉર્ડિંગ સમયે કુમાર શાનુને શું કામ આર. ડી. બર્મને પાછા મોકલી દીધા હતા એની વાતો હવે આપણે કરીશું આવતા શુક્રવારે. ટિલ ધેન, સ્ટે ટ્યુન...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.


