Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માતૃભાષામાં જીતે તે શૂર : ગુજરાતી સ્કૂલોને બેઠી જ નહીં, દોડતી કરવી છે જરૂરી

માતૃભાષામાં જીતે તે શૂર : ગુજરાતી સ્કૂલોને બેઠી જ નહીં, દોડતી કરવી છે જરૂરી

19 February, 2023 08:22 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

નવી પેઢીમાં માતૃભાષાનું મમત્વ જાગે એ માટે ગુજરાતી સ્કૂલોનું પુનરુત્થાન અનિવાર્ય છે. જાણીએ એ માટે કેવા-કેવા પ્રયત્નો થઈ રહ્યા છે...

પ્રતીકાત્મક તસવીર

મારી માતૃભાષા

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને કૉન્વેન્ટિયાઓને ભોંઠા પાડી દે એવી સફળતા મેળવનાર ગુજરાતી યુવાનોની ગૌરવ થાય એવી યશગાથા વિશ્વ માતૃભાષા દિવસ નજીક જ છે ત્યારે લાવ્યા છીએ અમે. આમની વાતો માતૃભાષમાં શિક્ષણ લેવા માટે પ્રેરણાનો ધોધ પુરવાર થાય એમ છે. સવાલ થાય કે ગુજરાતી શાળાઓ ક્યાં છે? હા, એવી બૂમાબૂમ છે ખરી, પણ સાવ એવું નથી. કેટલાય યોદ્ધાઓ ગુજરાતી શાળાઓને ધબકતી રાખવા મથી રહ્યા છે. આ પ્રયાસની વિગતે વાતો કરી રહ્યાં છે જિગીષા જૈન અને છાતી ફૂલીને ફાટ-ફાટ થાય એવા ગુજરાતીઓ સાથે તમારી મુલાકાત કરાવી રહ્યાં છે વર્ષા ચિતલિયા. 

માતૃભાષા બોલતાં તો ઘરમાં બાળક શીખે છે, પરંતુ લખતાં અને વાંચતાં સ્કૂલમાં જ શીખે છે. આજે આપણી વચ્ચે એવા ગુજરાતીઓ વધતા જાય છે જેઓ ગુજરાતી બોલે તો છે, પણ લખી-વાંચી નથી શકતા. આ સંખ્યા વધે નહીં અને નવી પેઢીમાં માતૃભાષાનું મમત્વ જાગે એ માટે ગુજરાતી સ્કૂલોનું પુનરુત્થાન અનિવાર્ય છે. જાણીએ એ માટે કેવા-કેવા પ્રયત્નો થઈ રહ્યા છે...



માતૃભાષાનું મમત્વ દરેક ગુજરાતીના મનમાં હોય એમાં કોઈ શક છે જ નહીં. એટલે જ દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતો ગુજરાતી ઘરમાં પોતાની ભાષા જ બોલતો હોય છે. ભાગ્યે જ તમને દુનિયામાં કોઈ ગુજરાતી એવો મળે જેને ગુજરાતી બોલતાં ન આવડતું હોય. જોકે તકલીફ એ છે કે એવા લોકો મળવા લાગ્યા છે જેમને ગુજરાતી લખતાં-વાંચતાં ન આવડતું હોય. આ આંકડો દિવસે-દિવસે વધતો ન જાય એની જવાબદારી કોની? આપણી ભાષા આપણને બોલતાં, લખતાં અને વાંચતાં આવડવી એ તો મૂળભૂત જરૂરિયાત કહેવાય, પણ એ જરૂરિયાતો સંતોષે કોણ? કોઈ પણ બાળક બોલતાં તેના ઘરમાં શીખે એટલે જ કદાચ દરેક ગુજરાતી વ્યક્તિને ગુજરાતી બોલતાં આવડે છે, પરંતુ ભાષા લખતાં કે વાંચતાં દરેક બાળક તેની સ્કૂલમાં શીખે છે. અંગ્રેજી માધ્યમની બોલબાલા જ્યારથી વધી છે ત્યારથી જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા તેમનું ગુજરાતી લખતાં-વાંચતાં આવડવાનું બંધ થઈ ગયું. ગુજરાતી ભાષાને સતત દરેક ગુજરાતી વ્યક્તિના મનમાં ધબકતી રાખવી હોય તો તેને એ ભાષા આવડવી જરૂરી છે અને એના માટે ગુજરાતી શીખવતી સ્કૂલો પણ એટલી જ જરૂરી છે એ ગણિત દરેક ભાષાપ્રેમી સમજે છે.


સમસ્યા

ગુજરાતી સ્કૂલોમાં તો કોણ ભણે? આજના સમયમાં ગુજરાતી સ્કૂલોનું કોઈ ભવિષ્ય જ નથી. ગુજરાતી માધ્યમમાં ગુજરાતમાં કોઈ ભણતું નથી તો અહીં મુંબઈમાં કોણ ભણશે? ગુજરાતી ભાષા માટે અમને ખૂબ માન છે અને અમે ઇચ્છીએ છીએ કે અમારું બાળક આ ભાષા શીખે જ, પરંતુ ગુજરાતી માધ્યમમાં ભણાવવું એ આખી જુદી વાત થઈ જાય. સ્કૂલ આખરે એક બિઝનેસ જ છે. જો વિદ્યાર્થીઓ નહીં હોય તો સ્કૂલ ચાલશે કેવી રીતે? એના કરતાં ગુજરાતી માધ્યમ બંધ કરીને ઇંગ્લિશ મીડિયમને પ્રાધાન્ય આપો. આવા વિચારો ધરાવતા લોકોને કારણે છોકરાઓ ગુજરાતી માધ્યમમાં જતા બંધ થયા અને કેટલીક ગુજરાતી સ્કૂલો બંધ પણ થઈ. ભાષાપ્રેમીઓએ બળાપો પણ કર્યો કે ઘરમાં કોઈ વ્યક્તિને કૅન્સર થાય તો આખું ઘર તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી નાખે છે અને સમાજમાં એક સ્કૂલનું મરણ થઈ રહ્યું હોય ત્યારે કોઈના પેટનું પાણી પણ ન હલે એમ કેમ ચાલે?  ગુજરાતમાં એક સમય એવો હતો કે ગુજરાતી માધ્યમની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ઍડ્મિશન મળવું મુશ્કેલ હતું અને આજે એમાંની કેટલીયે સ્કૂલો બંધ થઈ ગઈ છે. મુંબઈમાં પણ વર્ષોથી અઢળક ગુજરાતી માધ્યમની સ્કૂલો છે. એક સમયે જે સ્કૂલોમાં શહેરના લબ્ધપ્રતિષ્ઠ ગુજરાતીઓનાં બાળકો ભણતાં એ સ્કૂલો આજે વિદ્યાર્થીઓને એમના સુધી લાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે. જે લોકો પ્રયત્નો કરવા માગતા નહોતા ત્યાં-ત્યાં સરસ્વતીએ લક્ષ્મી સામે ઝૂકવું પડ્યું. જોકે અમુક લોકોએ સરસ્વતી પ્રત્યેની અપાર શ્રદ્ધાને ટકાવી રાખવા લાગલગાટ કામ કર્યું અને એને કારણે લક્ષ્મીજી પણ રાજી થઈને આ સારા કામમાં જોડાયાં. આજના દિવસે વાત કરીએ એ સ્કૂલોના પ્રયત્નોની. જો સમાજને બચાવવો હશે તો માતૃભાષાને બચાવવી જોઈશે અને જો માતૃભાષાને બચાવવી હશે તો માતૃભાષાની સ્કૂલોને બચાવવી પડશે.


સ્કૂલોને બેઠી કરવાની જરૂર

ગુજરાતી માધ્યમમાં ભણતા છોકરાઓ ઘટતા જાય છે એને કારણે ગુજરાતી લિટરેચર ભણનારા પણ ખૂબ ઘટી ગયા છે એ વાતની ચિંતા જતાવતાં વિલે પાર્લેની મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘આજથી ૧૫ વર્ષ પહેલાં અમારે ત્યાં ગુજરાતી લિટરેચરમાં સ્નાતક ડિગ્રીમાં ૧૬૦ ઍડ્મિશન હતાં. ગયા વર્ષે પહેલું એવું વર્ષ હતું જ્યારે એક પણ વિદ્યાર્થી આ કોર્સમાં આવ્યો નહીં. આ વર્ષે ફરી થોડા વિદ્યાર્થીઓ થયા છે. ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં જો કોઈ ભણશે નહીં તો લિટરેચર ભણવા કૉલેજોમાં કોણ આવશે? માતૃભાષા માટે કંઈ કરવું હોય તો મહત્ત્વનું એ છે કે આપણે સ્કૂલોને બેઠી કરવી પડશે.’

પ્રયત્નો

મહારાષ્ટ્રમાં આમ તો મરાઠી અને હિન્દી મીડિયમની સ્કૂલો પણ છે, પરંતુ એ સ્કૂલોને જોડનારું માળખું નથી. ગુજરાતી સ્કૂલોને જોડતું એક સંગઠન છે જેનું નામ છે મુંબઈ ગુજરાતી સંગઠન. એના પ્રણેતા ભાવેશ મહેતા કહે છે, ‘મહારાષ્ટ્રમાં કુલ ૭૩ જેટલી ગુજરાતી સ્કૂલો છે જેમને એકઠી કરવાનું કામ અમે કર્યું. સ્કૂલોના પુન:ઉત્થાન માટેના કામમાં અમે પહેલું કામ કર્યું આત્મમંથનનું. એના દ્વારા એ સમજાયું કે કોઈ પણ પરિસ્થિતિ માટે એક જ પરિબળ જવાબદાર નથી. ગુજરાતી સ્કૂલોની આજની પરિસ્થિતિ માટે આપણી સરકારી નીતિ, સંચાલક, આચાર્ય, શિક્ષકો, પ્રચાર-પ્રસાર માધ્યમ, વાલી-વિદ્યાર્થીઓ બધાં જ જવાબદાર છે. એટલે એ સમજાયું કે જો ફરીથી બેઠું થવું હશે તો બધાંએ સાથે મળીને કાર્યરત થવું પડશે. છેલ્લાં ૧૨ વર્ષથી જે સ્કૂલમાં જે સ્તંભ નબળો હોય એના પર અમે કામ કરવાનું શરૂ કર્યું. આજે અમારા કામની સફળતા આંકવી હોય તો એટલું કહી શકું કે પ્રયત્નો સાથે ૧૫-૨૦ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. બાકીની સ્કૂલોમાં ઘટી નથી, સ્ટેબલ થઈ છે. હજી પણ ઘણું કામ ચાલુ છે અને કરતા જ રહીશું જ્યાં સુધી સ્કૂલોને પહેલાં જેવી ધમધમતી ન કરીએ.’

ફાંકડું અંગ્રેજી બોલતાં શીખે

ગુજરાતી સ્કૂલોમાં બાળકોને ન ભણાવવા પાછળ પેરન્ટ્સની એ દલીલો હોય છે કે મોટા થઈને તેમને સારું અંગ્રેજી આવડતું નથી. અંગ્રેજી ફાંકડું બોલતા છોકરાઓ જેવો આત્મવિશ્વાસ ગુજરાતી બોલતા છોકરાઓમાં બિલકુલ હોતો નથી. આ માનસિકતા સમજીને ભાવેશ મહેતા અને તેમના જેવા વિચારો ધરાવતા ૪૦ જેટલા તેમના સંગઠનના યુવાનોએ ગુજરાતી માધ્યમના છોકરાઓને નિ:શુલ્ક સ્પોકન ઇંગ્લિશ કરાવવાનું શરૂ કર્યું. આ પ્રયાસ વિશે વાત કરતાં ભાવેશ મહેતા કહે છે, ‘ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકને જ્યારે લોકો કડક અંગ્રેજી બોલતાં સાંભળે ત્યારે તેમને આત્મવિશ્વાસ આવે છે કે મારું બાળક પાછળ નહીં રહી જાય. સવાલ ફક્ત એક ભાષાનો હોય તો એ સારી રીતે શીખી લઈએ એટલે બસ છે. એના માટે તમારે અંગ્રેજી માધ્યમમાં ભણવાની જરૂર નથી. આ મેસેજ જન-જન સુધી પહોંચે એ માટે જ અમે આ કામ કરીએ છીએ.’

ગુજરાતી સ્કૂલોમાં દરેક જગ્યાએ સારા શિક્ષકો હોય જ એવું જરૂરી નથી. અમુક સ્કૂલોમાં સારા તો અમુક સ્કૂલોમાં ઍવરેજ શિક્ષકો હોય છે. જો આપણે દરેક વિદ્યાર્થીને એક જ જેવું ઉચ્ચ સ્તરનું ભણતર આપવા માગતા હોઈએ તો એક સ્ટાન્ડર્ડ પૅટર્ન હોવી જરૂરી છે. એ વિચારના અમલની વાત કરતાં ભાવેશ મહેતા કહે છે, ‘અમે જોયું કે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ગાઇડ ખરીદવાના પૈસા નથી. અમે માસ્ટર્સના વિદ્યાર્થીઓ પાસેથી સૉલ્યુશન્સ તૈયાર કરાવ્યાં. એને અમારી વેબસાઇટ પર અપલોડ કર્યાં અને વિદ્યાર્થીઓને જાણ કરી કે તમે એ ફ્રીમાં વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. આ રીતે અમે દસમા ધોરણનાં સૉલ્યુશન્સ પૂરેપૂરા મૂક્યાં. અમારી વેબસાઇટ પર એને કારણે વર્ષના બાવન લાખ વિઝિટર્સ આવે છે. આવું જ અમે આઠમા અને નવમા ધોરણ માટે પણ કરી રહ્યા છોએ. એને લીધે જે સ્કૂલોમાં ખૂબ સારા શિક્ષકો નથી ત્યાંના વિદ્યાર્થીઓના ભણતરનું સ્તર બગડશે નહીં, સારું જ રહેશે.’

સગવડો

ઘાટકોપરની મુંબાદેવી મંદિર રત્નચન્દ્રજી પ્રાથમિક કન્યાશાળાનાં પ્રિન્સિપાલ રીટા રામેકર કહે છે, ‘છેલ્લાં ૩૫ વર્ષથી હું આ સ્કૂલમાં કામ કરું છું. હું જ્યારે જોડાઈ ત્યારે પ્રાથમિકમાં ૩૨૦ સ્ટુડન્ટ્સની સંખ્યા હતી, જે ૨૦૧૬માં ૨૪૬ જેટલી થઈ ગયેલી. જોકે અમે કમર કસી. સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ, દરેક ક્લાસમાં એક સ્માર્ટ ટીવી, છોકરીઓની ફી, તેમના યુનિફૉર્મ, ચોપડા જેવો પૂરેપૂરો ખર્ચો ઉપાડતી ૫,૦૦૦ રૂપિયાની સ્કૉલરશિપ, તેમની પિકનિકનો ખર્ચ, દરેક છોકરીને મહિનાનું ૬૦૦ રૂપિયાનું રૅશન બધું જ અમે આપીએ છીએ. આજે ૨૦૨૩માં એને કારણે સ્ટુડન્ટ્સની સંખ્યા વધીને ૩૧૦ થઈ ગઈ છે. હું ૨૦૨૪માં રિટાયર થઉં એ પહેલાં આ સંખ્યા મારે ૩૨૦ જેટલી પૂરી કરવી એ મારું પરમ કર્તવ્ય છે.’

કોરોનામાં મુસીબતો

કોરોનામાં ભણતર સંબંધિત ઘણી સમસ્યાઓ હતી ત્યારે ગુજરાતી માધ્યમની સ્કૂલોને પણ એટલી જ તકલીફ પડી હતી. ઘાટકોપરની એસપીઆરજે કન્યાશાળાનાં પ્રિન્સિપાલ નંદા ઠક્કર કહે છે, ‘ગુજરાતી સ્કૂલોમાં ભણતાં બાળકો ગરીબ ઘરોમાંથી આવતાં હોય છે. તેમની પાસે કોરોનામાં ઑનલાઇન ભણવા માટે ગૅજેટ્સ નહોતાં. ફોન હોય તો રીચાર્જના પૈસા ન હોય. આ પરિસ્થિતિમાં અમે ઘણા વિદ્યાર્થીઓને ફોન આપ્યા, તેમને રીચાર્જ કરાવી આપ્યું. ઘણાને અમે પ્રિન્ટઆઉટ લઈને નોટ્સ પણ ઘરે પહોંચાડી. તેમના ઘરમાં રૅશનની તકલીફ હતી એટલે બધાને રૅશન આપ્યું. એને કારણે જ અમારી સ્કૂલમાં કુલ ૯૦૦ વિદ્યાર્થીઓ આજની તારીખે ભણે છે. ગુજરાતી સ્કૂલો માટે આ ઘણી મોટી સંખ્યા કહેવાય.’

કોરોના ગયા પછી ઊલટું અમારે ત્યાં સંખ્યા વધી છે એમ જણાવીને કાંદિવલી એજ્યુકેશનલ ટ્રસ્ટની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્ય કવિતા એસ. મારુ કહે છે, ‘અમારે ત્યાં કોરોનાને કારણે પહેલા ધોરણમાં ૧૮ છોકરાઓ જ હતા. જેવી સ્કૂલો ખૂલી એટલે એ સંખ્યા ૩૨ની થઈ ગઈ. સ્ટુડન્ટ્સની સંખ્યા વધે એટલે આજુબાજુ ઘણાં પૅમ્ફ્લેટ્સ વહેંચ્યાં. આજની તારીખે પણ સ્કૂલ વાલીની પરિસ્થિતિ જોઈને બાળકને પૂરી મદદ કરે છે. ફી, યુનિફૉર્મ, ચોપડાથી લઈને બધી વસ્તુઓ અમે તેમને આપીએ છીએ. આ સિવાય બાળકોને પિકનિક પર લઈ જઈએ, ઍન્યુઅલ ડે ભવ્ય રીતે ઊજવીએ. આમ ગુજરાતી માધ્યમમાં ભણીને પણ બાળકનો સર્વાંગી વિકાસ થાય એનું અમે પૂરું ધ્યાન આપીએ છીએ.’

આગળનું ભણતર

ગુજરાતી માધ્યમના છોકરાઓનું સ્કૂલિંગ તો સારું થઈ જાય, પરંતુ હાયર એજ્યુકેશનમાં તકલીફ આવે છે. મુંબઈમાં ઘણાં ગુજરાતી ટ્રસ્ટ એવાં છે જેમની સ્કૂલો પણ છે અને એમની જ કૉલેજો પણ છે. એટલે આ સ્કૂલોમાં ભણનારા વિદ્યાર્થીઓને એમાં ઍડ્મિશન લેવામાં તકલીફ પડતી નથી. આ બાબત સાથે સહમતી દર્શાવતાં કવિતાબહેન કહે છે, ‘ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો ઘણાં હોશિયાર હોય છે. તેમને આગળ ભણવામાં કોઈ તકલીફ પડતી નથી. આમ છતાં અમારે ત્યાં જે પેરન્ટ્સ છે તેમને એ પણ બાંયધરી છે કે અમારા ટ્રસ્ટની જ ઘણી કૉલેજો છે જેમાં અમારા વિદ્યાર્થીઓને ઍડ્મિશન મળવામાં કોઈ તકલીફ પડતી નથી. આ એક વધુપડતો ફાયદો પણ ઘણાં માતા-પિતા ધ્યાનમાં લેતાં હોય છે.’

ગુજરાતી નથી છતાં...

ગુજરાતી થઈને ગુજરાતી માધ્યમમાં ભણતા છોકરાઓની સંખ્યા જ્યાં વધારવાના પ્રયાસો કરવા પડે છે એવામાં નવાઈની વાત એ છે કે ઘણાં ગુજરાતી નથી એવાં બાળકો પણ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ભણે છે. નવાઈ લાગે એવી વાત એ છે કે જે ખુદ ગુજરાતી નથી તે બાળક શા માટે ગુજરાતી માધ્યમમાં ભણે છે? એનો જવાબ આપતાં કવિતાબહેન કહે છે, ‘અહીં ગુજરાતી સ્કૂલો પિકચરમાં આવે છે. અમારી પાસે આજુબાજુથી એવાં બાળકો એટલા માટે આવે છે કે તેઓ જાણે છે કે આ સ્કૂલો સારી છે. એમાં સારું ભણતર છે એટલે તેઓ આવે છે. મારી પાસે હાલમાં બે મારવાડી છોકરાઓ છે. તેઓ ખૂબ જ હોશિયાર છે અને ગુજરાતી માધ્યમમાં આગળ વધી રહ્યા છે.’

ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી માધ્યમમાં ભણતાં પોતાનાં બાળકો વિશે નંદાબહેન કહે છે, ‘મારે ત્યાં આ છોકરાઓ ગુજરાતી ન હોવા છતાં એટલું કડકડાટ ગુજરાતી બોલે છે કે કોઈ કહી ન શકે કે આ છોકરાઓ ગુજરાતી નથી. નિબંધસ્પર્ધા અને વક્તૃત્વસ્પર્ધામાં તેઓ ભાગ લે છે અને જીતે પણ છે. જેમ આપણા ગુજરાતી છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં જઈને એ ભાષા પર પ્રભુત્વ હાંસલ કરે છે એમ આ છોકરાઓ ઘરમાં ગુજરાતી બૅકગ્રાઉન્ડ ન હોવા છતાં ગુજરાતી શીખીને આપણી ભાષા પર પ્રભુત્વ હાંસલ કરે ત્યારે અમને ખુદ પર ગર્વ ચોક્કસ થાય છે.’

ગરીબોની સ્કૂલ

ગુજરાતી માધ્યમની સ્કૂલોની આજની પરિસ્થિતિમાં ચિંતાજનક બાબત એ છે કે અહીં ભણનારા લોકો મોટા ભાગે સમાજના ગરીબ વર્ગમાંથી આવે છે. એ વિશે વાત કરતાં ભાવેશ મહેતા કહે છે, ‘ગુજરાતી માધ્યમની સ્કૂલોને ગરીબોની સ્કૂલ બનાવવા પાછળ એના શિક્ષકો છે જેમણે પોતાની નોકરી બચાવવા માટે આજુબાજુની ઝૂંપડપટ્ટીના છોકરાઓનાં ઍડ્મિશન કરાવીને સ્કૂલો ભરી દીધી. અમે છેલ્લાં અમુક વર્ષોથી કોશિશ કરીએ છીએ કે સધ્ધર ઘરનાં બાળકો પણ આ સ્કૂલોમાં ઍડ્મિશન લે. ઘણા અંશે અમે એમાં સફળ પણ થયા છીએ. આપણે ગમે એટલી સમાનતાની વાત કરીએ, પરંતુ લોકો જ્યારે બાળકને સ્કૂલમાં મૂકે ત્યારે તેઓ જુએ જ છે કે તેમનું બાળક બીજાં કયાં બાળકો સાથે મોટું થઈ રહ્યું છે.’

અંગ્રેજી માધ્યમના પ્રયાસો

આ તકલીફને લીધે અપર મિડલ ક્લાસ અને પૈસાદાર વર્ગ આજની તારીખે અંગ્રેજી માધ્યમની સ્કૂલ તરફ આકર્ષાય છે. આમ છતાં ગુજરાતી ઘરોમાં એ ઇચ્છા તો મોટા ભાગના વાલીઓની રહે છે કે તેમનું બાળક આ ભાષા શીખે. એ માટે તેઓ અમુક ખાસ ગુજરાતી ટ્રસ્ટો દ્વારા ચાલતી સ્કૂલોમાં તેમનાં બાળકોને મૂકવાનું પસંદ કરે છે જ્યાં ઑપ્શનલ વિષયમાં તેમનાં બાળકો ગુજરાતી વિષય પસંદ કરી શકે. આવી જ એક સ્કૂલ એટલે જુહુમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલ. એનાં પ્રિન્સિપાલ કલ્પના પતંગે કહે છે, ‘અમારે ત્યાં ૫૦ ટકા બાળકો ગુજરાતી છે. અમે વર્ષોથી એક ભાષા તરીકે અમારાં બાળકોને ગુજરાતી શીખવીએ છીએ. મોટા ભાગે બધા આ બાબતે ખૂબ ખુશ રહે છે. જોકે અમુક માતા-પિતા અમારી પાસે આવે છે એમ કહેવા કે અમને પણ ગુજરાતી નથી આવડતું, અમે કેવી રીતે તેને શીખવીશું, એના કરતાં તમે તેને બીજી કોઈ ભાષા પસંદ કરવા દો. ત્યારે અમે અમારી ફરજ સમજીને એ માતા-પિતાનું કાઉન્સેલિંગ કરીએ છીએ. તેમને સમજાવીએ છીએ કે બાળક માટે તેની માતૃભાષા શીખવી કેટલી જરૂરી છે. એટલું જ નહીં, અમે દર વર્ષે ગુજરાતી દિવસ નામની એક ઇવેન્ટ કરીએ છીએ જેમાં બાળકો પર્ફોર્મ કરે છે. આ ઇવેન્ટમાં ભાષાનો ખરો ઉત્સવ હોય છે. એમાં જે બાળકો ગુજરાતી નથી શીખતાં તેમને પણ અમે સામેલ કરીએ છીએ. આ સિવાય અમારું ન્યુઝલેટર હોય એમાં અમે બાળકોએ લખેલી ગુજરાતી વાર્તા, નિબંધ અને કવિતાઓ છાપીએ છીએ. આ રીતે નવી પેઢી પોતાની માતૃભાષાથી વેગળી થતી નથી.’

બાળમંદિર જરૂરી

મુંબઈમાં ઘણી ગુજરાતી માધ્યમની સ્કૂલો છે જ્યાં બાલમંદિર નથી અને ઘણી સ્કૂલો એવી છે જ્યાં બાલમંદિર હતું, પરંતુ કાઢી નાખવાની પહેલ થઈ રહી છે. આવું ન કરવું જોઈએ એમ સમજાવતાં મલાડની જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ સંધ્યાબહેન ખંધાર કહે છે, ‘ગુજરાતી માધ્યમોએ એ સમજવું જરૂરી છે કે તેમને ત્યાં બાલમંદિર હોવું જ જોઈએ. બાલમંદિર જો તમારે ત્યાં નહીં હોય તો બાળકો પ્લે-સ્કૂલમાં ઍડ્મિશન લેશે અને ત્યાંથી અંગ્રેજી માધ્યમમાં જતાં રહેશે. આવું ન થાય એ માટે દરેક શાળામાં બાલમંદિર જરૂરી છે.’ 
કલ્યાણની માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયનાં મુખ્ય અધ્યાપિકા પૂર્વા કુલકર્ણી કહે છે, ‘અમારી સેકન્ડરી સ્કૂલ છે. મુંબઈ ગુજરાતી સંગઠનની પ્રેરણાથી અમે કોરોના વખતે બાલમંદિર શરૂ કર્યું હતું. એ સમયે અમને ૧૦ છોકરા મળ્યા હતા. બાલમંદિર શરૂ કરવાના પ્રયાસ પાછળ એ જ હેતુ હતો કે બાળક પહેલેથી જો શરૂઆત જ અંગ્રેજીથી કરે તો પછીથી તે આપણી પાસે આવશે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 08:22 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK