Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરઃ યાદ રહે, સ્વચ્છતા તમારી પ્રાથમિક આવશ્યકતા છે

સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરઃ યાદ રહે, સ્વચ્છતા તમારી પ્રાથમિક આવશ્યકતા છે

Published : 30 December, 2021 02:36 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સિંગાપોરમાં રસ્તા પર થૂંકવાની પણ મનાઈ છે અને એ નિયમ આપણો એકેક ભારતીય, જે ત્યાં જાય છે એ પાળે જ છે પણ આપણે ત્યાં આવ્યા પછી તે આ નિયમ ભૂલી જાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ એક હકીકત છે અને આ જ હકીકતને લોકોએ સાવ જ જુદી રીતે લેવાનું શરૂ કરી દીધું છે. સ્વચ્છતા, તમે જ્યાં રહો છો, જ્યાંથી પસાર થાઓ છો અને જ્યાં પણ તમે કામ કરો છો એ વિસ્તારને સાફ રાખવો એ કૉર્પોરેશનના સફાઈ કામદારોની નહીં, કૉર્પોરેશનના પદાધિકારીઓની કે અધિકારીઓની નહીં પણ સૌથી પહેલી તમારી આવશ્યકતા છે અને આ આવશ્કયતાને માન આપવાનું છે. મચ્છર અતિશય વધી જાય તો એ માટે આપણે બીએમસીને ગાળો ભાંડી દઈએ છીએ અને વૉર્ડના સફાઈ કર્મચારીઓની કામચોરીનાં ગાણાં ગાવા માંડીએ છીએ પણ અપાર્ટમેન્ટ પાસે કે સોસાયટીની નીચે કચરો કોણે કર્યો એના વિશે બોલવાનું કે એના વિશે ટીકાટિપ્પણ કરવાનું ટાળીએ છીએ. કચરો થાય નહીં એ જોવાનું કામ આપણું છે અને એ પછી પણ અનિવાર્યપણે જે કચરો થઈ જાય છે એ સાફ કરવાનું કામ સફાઈ કર્મચારીનું છે. 
સિંગાપોરમાં રસ્તા પર થૂંકવાની પણ મનાઈ છે અને એ નિયમ આપણો એકેક ભારતીય, જે ત્યાં જાય છે એ પાળે જ છે પણ આપણે ત્યાં આવ્યા પછી તે આ નિયમ ભૂલી જાય છે. કારણ શું? કારણ એક જ કે સફાઈ, સ્વચ્છતા આપણી લાઇફસ્ટાઇલ નથી. રસ્તા પર કચરો કરવો આપણો અધિકાર છે અને આપણે માનીએ છીએ કે રસ્તા પર થૂંકવાનો જ ટૅક્સ આપણે ચૂકવીએ છીએ. આપણે જે હક ભોગવવા માગીએ છીએ એ હક માટે આપણે ભોગ આપવા રાજી નથી. સફાઈ અને સ્વચ્છતા આપણને સિંગાપોર જેવાં જોઈએ છે પણ આપણે સિંગાપોર જેવી સજ્જતા અને વચનબદ્ધતા અપનાવવા માટે તૈયાર નથી. કારણ માત્ર એક જ છે કે આપણે આપણી જ ફરજને સ્વીકારવા તૈયાર નથી. ફરજ અને લોકશાહી એક સિક્કાની બે બાજુ છે. ફરજ વિનાની લોકશાહી હોય નહીં અને લોકશાહી હોય ત્યાં ફરજ પ્રત્યે બેદરકારી ચાલે નહીં.
જો તમે લોકશાહીને જાળવી રાખવા માગતા હો, જો તમે તંદુરસ્ત લોકશાહીની અપેક્ષા રાખતા હો તો તમારે તમારી ફરજનું પાલન કરવું પડશે અને એ ફરજને નિભાવવી પણ પડશે. આપણે ફરજ બજાવવાનું જ્યારે પણ ચૂકીએ છીએ ત્યારે તંદુરસ્ત સરકારને નુકસાન પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. પછી એ ફરજ મતદાનના ભાગરૂપે હોય કે પછી ભલે એ ફરજ રાષ્ટ્રને સ્વચ્છ રાખવાની બાબતની હોય, પણ આ હકીકત છે અને આ હકીકતને આપણે સ્વીકારવી જ પડશે. એ જ રીતે એ પણ સ્વીકારવું પડશે કે સ્વચ્છતા આપણી આવશ્યકતા છે અને એ આવશ્કયતાને આપણે તંદુરસ્તપણે અપનાવવી પડશે. જો તમે સ્વચ્છતા નહીં રાખો તો બીજી, ત્રીજી અને ચોથી વ્યક્તિ પણ એ કામ નહીં અને જો તમે એ બાબતમાં જાગૃત હશો તો બીજા પાંચને જાગૃત કરવાનું કામ પણ તમે કોઈના કહ્યા વિના કરી લેશો. જાગવાનું છે. જાગીશું નહીં તો માગવાનો હક આપણે કાયમ માટે ગુમાવી દઈશું એટલે બહેતર છે કે સમયસર જાગી જઈએ અને પછી હક સાથે જે માગવાનું છે એ માગીએ. સ્વચ્છતા સિવાય. કારણ કે સ્વચ્છતા એ મારી, તમારી, અને આપણા સૌની પ્રાથમિક આવશ્યકતા છે અને કાયમ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2021 02:36 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK