યાદ રાખજો કે જીવનની સફળતામાં જેટલું મહત્ત્વ સ્કિલ્સનું છે એટલું જ મહત્ત્વ તમે બાંધેલા રિલેશનનું છે. રિલેશનમાં ઇન્વેસ્ટ કરો, લોકોમાં ઇન્વેસ્ટ કરો અને પછી જુઓ તમારી લાઇફ કેવી પસાર થાય છે.
ક્રિષ્ણા કોટિયન
મોટા ભાગના લોકો એકાદ કામ શરૂ કર્યા પછી ધારે કે હવે મને ફોન કરીને કામ આપવા માટે બોલાવશે, પણ રિયલમાં એવું નથી થતું. તમારે ઇન્ટેલિજન્ટ થઈને લોકો સામે સતત જાતને પ્રસ્તુત કરવી પડે, લોકોનાં મન અને દિલ પર ટૅક્ટફુલી છવાઈ જવું પડે અને એ પછીયે તમે રિજેક્ટ થાઓ એવું બની શકે. એ સમયે આ રિજેક્શન અને ઈગોને સાઇડ પર મૂકી દેવાં પડે
લોકોના જીવનમાં પોતાનો ફિફ્ટીથ બર્થ-ડે બહુ ખાસ હોય છે, મારા માટે પણ હતો.
ADVERTISEMENT
મારા જીવનમાં સૌથી સારી વાત એ હતી કે ૫૦ની ઉંમરે સોસાયટીની દૃષ્ટિએ હું ખૂબ સક્સેસફુલ હતો. કૉર્પોરેટમાં તમે જેને ટોચની પોઝિશન કહો એવી પોઝિશન પર એટલે કે સીઈઓ તરીકે પણ લાંબો અનુભવ લઈ ચૂક્યો હતો. ભરપૂર માન-પાન હતાં અને મારા કામ કરવા સતત લોકો મારી આજુબાજુમાં હતા. સારી અને હેલ્ધી સૅલેરી સાથે બીજા પણ અઢળક બેનિફિટ્સ કૉર્પોરેટના સિનિયર પોઝિશનના વ્યક્તિને મળે એ બધા મને મળતા હતા. ફીલ્ડમાં પણ ત્રણ દાયકાથી વધુનો અનુભવ હોવાને લીધે ખૂબ રિસ્પેક્ટ મળતી. પરિવાર સેટલ હતો અને મેં પણ ધાર્યું હોત તો આરામની જિંદગી જીવી કન્ટિન્યુ કરી શક્યો હોત, પણ ના, એ સમયે મેં નક્કી કર્યું કે હવે મારે સપનાંને સાકાર કરવા માટે આગળ વધવું છે. પરિવારને કન્વિન્સ કર્યો. વાઇફે સપોર્ટ કર્યો અને મેં મારી જૉબ છોડી દીધી.
યસ, આઇ કૅન સે કે લાઇફનું ધ મોસ્ટ ટફ ડિસિઝન મેં લીધું. ધારો કે નિષ્ફળ ગયો હોત તો લોકો મારા પર હસતા હોત, પણ કિસ્મત, મહેનત અને સ્માર્ટવર્ક કામ કરી ગયું. બહુ જ ભાર આપીને કહું છું કે સ્માર્ટવર્ક, બહુ જ મહત્ત્વનું છે આજના સમયમાં. તમે એને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ જ ન શકો. જો આગળ વધવું હોય, જો ઝડપથી આગળ વધવું હોય તો સ્માર્ટવર્ક અને રિલેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા વિના છૂટકો જ નથી.
હું મારો અનુભવ શૅર કરું. એને તમે કેસ સ્ટડી તરીકે લેશો તો તમને લાભ થશે. જ્યારે ઍક્ટર તરીકે એસ્ટૅબ્લિશ થવાનું નક્કી કર્યું ત્યારે ઝીરોથી જ શરૂ કરવાનું હતું. એમાં પાછો મારો લુક અને મારી ઉંમર, મને કોણ રોલ આપે એ મોટો પ્રશ્ન હતો. એવું નહોતું કે મને ઍક્ટિંગ આવડતી નહોતી. શોખ હતો એટલે સ્વાભાવિક રીતે જ મિરર સામે બેસીને જાતે જ અમુક કૅરૅક્ટરની કૉપી કરતો. ફિલ્મો જોતો તો એન્ટરટેઇનમેન્ટની સાથે ક્રાફ્ટની દૃષ્ટિએ પણ જોતો. પૅશનને કારણે બધી અપડેટ્સ રાખતો એટલે જ્યારે આ ફીલ્ડમાં આવીને ઑડિશન આપવાનું શરૂ કર્યું ત્યારે ઓડમૅન-આઉટ નહોતો. હવે ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે. ઍક્ટિંગ વધુ રિયલિસ્ટિક બનતી જાય છે એટલે મારા માટે એ વધુ સરળ બની ગયું.
નિયમિતપણે હું મારો પોર્ટફોલિયો બનાવીને કાસ્ટિંગ ડિરેક્ટર્સને મોકલતો રહેતો. ઑબ્ઝર્વ કર્યું કે બિયર્ડ લુક ચાલે છે તો બિયર્ડવાળા ફોટો મોકલવાનું શરૂ કર્યું. સતત પોર્ટફોલિયો મોકલતા રહેવાને કારણે એક તો હું તેમના માઇન્ડમાં રહેતો અને એને લીધે મને ઑડિશન માટે કૉલ આવતા. બીજું, હું ક્યારેક જે-તે ડિરેક્ટરની આજુબાજુમાંથી પસાર થતો હોઉં તો તેમને મળી આવું. કોઈ જ કામ ન હોય, બસ હાય-હેલો કહેવાથી પણ તમે લોકોના રેડિયસમાં અકબંધ રહો છો. ત્રીજું, હું સતત મારા કો-ઍક્ટર પાસેથી શીખતો રહ્યો. અભિષેક બચ્ચન, માધવન, વિકી કૌશલ, પંકજ ત્રિપાઠી જેવા શ્રેષ્ઠ કક્ષાના લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે મારું શીખવાનું પણ સતત ચાલુ જ રહ્યું. યાદ રાખજો કે પુસ્તકિયું જ્ઞાન ગમે એટલું લીધું હોય તો પણ પ્રૅક્ટિકલ ફીલ્ડમાં જે શીખશો એની કોઈ તુલના નથી. થિયરી એ થિયરી છે, પણ બૅટલ ફીલ્ડ હંમેશાં જુદું જ રહેવાનું.
હું હંમેશાં માનું છું કે દરેક સંજોગોમાં કંઈક સારું હોય છે. જેમ કે હું જે એજમાં અહીં આવ્યો અને જે પ્રકારના રોલ કરવાની મારી ઇચ્છા હતી એમાં કૉમ્પિટિશન ઓછી હતી અને છે. પ્લસ, એમાં મેં થોડા સ્માર્ટ રસ્તા અજમાવ્યા એનું પણ મને ખૂબ સારું પરિણામ મળ્યું. હા, આ આખી જર્નીમાં રિજેક્શન પણ મળ્યું. કોઈક મહિનો એવો હોય કે તમારી પાસે શ્વાસ લેવાનો પણ સમય ન હોય અને પછી કોઈ મહિનો એવો આવે જેમાં તમારી પાસે કામ જ ન હોય. નવેસરથી જુદી રીતે કામ શોધવા નીકળવાનું. તમે ઑડિશન માટે જાઓ અને લોકો તમને જવાબ પણ ન આપે કે તમારું સિલેક્શન થયું કે રિજેક્શન. તમારે બસ રાહ જોયા કરવાની, પણ જો એમાંથી તમારી શીખવાની તૈયારી હોય તો તમને કોઈ ન હરાવી શકે. મેં મારી જાતને તૈયાર કરી દીધી. મને અંદાજ હતો કે મારે સ્ટ્રગલરની જેમ શરૂ કરવાનું છે. મારી પાસે શરૂઆત સૉલિડ રિયલિટી ચેક જેવી હતી, પણ મનમાં નક્કી હતું કે જે થશે હું બધું ઍબ્સોર્બ કરીશ. મારે સપનું પૂરું કરવું હતું કે મારે કૅમેરા સામે રહેવું છે. આજે પણ અઢાર કલાક કામ કરું છું.
હું હંમેશાં માનતો આવ્યો છું કે લૉટરી ખરીદોગે નહીં તો જીતોગે કૈસે...
હું ફરીથી આગળ વધવા દરરોજ તૈયાર હોઉં, નેવર ગિવઅપના ઍટિટ્યુડ સાથે.
તમારાં નસીબ સારાં હોય અને તમને ગ્રેટ લોકો સાથે કામ કરવા મળે તો એમાંથી જ તમારો ગ્રોથ અદ્ભુત થતો હોય છે. જેમ કે રાજકુમાર સંતોષી ફૅન્ટૅસ્ટિક ડિરેક્ટર છે. તમારી પાસેથી કેટલાં ઇમોશન્સ જોઈએ છે એની પણ તેમને સ્પષ્ટતા હોય. મહેનત અને ઇન્ટેલિજન્સ બન્નેનો ઉપયોગ કરીને આગળ વધો તો તમને કોઈ અટકાવી ન શકે. પંદર વર્ષ મેં માર્કેટિંગ કર્યું એટલે પ્રોડક્ટ કેમ વેચવી એની મને ફાવટ હતી. અહીં મારે મારી જાતને ઍક્ટર તરીકે સેલ કરવાની હતી. અહીં દરરોજ નવા આર્ટિસ્ટ આવતા હોય ત્યારે તમે નીચે ન રહી જાઓ એની અલગથી મહેનત કર્યા વિના છૂટકો નથી. બીજું, ટૅલન્ટની સાથે તમારા વ્યવહારમાં ઇઝીનેસ જોઈએ અને હું એવો જ રહ્યો. મારા કોઈ ટેન્ટ્રમ નથી અને ડિરેક્ટ દસ વાર ટેક માગે તો હું શાંતિથી કરું. સૌથી પહેલાં રેડી થઈને સેટ પર આવવામાં મારું નામ ઉપર હોય. જો તમે કોઈનું કામ ન વધારતા હો અને સામેવાળાનું કામ આસાન કરતા હો તો પણ તમને પ્રેફરન્સ મળવા માંડે. તમે ડિરેક્ટરનું હેડેક નથી બનતા તો અચૂક એ નેક્સ્ટ પ્રોજેક્ટમાં તમને રિપીટ કરશે. ગ્રેટ લોકોને તમે જોશો તો સમજાશે કે ટાઇમ મૅનેજમેન્ટ, રિલેશન-બીલ્ડ કરવા જેવી બાબત તેમનામાં સહજ હોય છે.
હું લોકોમાં બહુ ટાઇમ ઇન્વેસ્ટ કરું છું. આજે ઘણા ઍક્ટર એવા છે જે અડધો ટાઇમ જિમ અને પાર્લરમાં અને અડધો સમય પાર્ટીમાં પૂરો કરી નાખે છે. એવી રીતે સંબંધોમાં હૂંફ ન જન્મે. આ ફીલ્ડમાં તમારે જાતને ભૂલીને લોકો સાથે જોડાતા જવું પડશે અને જેમની સાથે જોડાયેલા હો તેની સાથેનો સંબંધ હંમેશાં વૉર્મ રહે એવા પ્રયાસ કરવા પડશે. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે એની મારી પાસે સૌથી વધારે ઇન્ફર્મેશન છે. કયા ફિલ્મનું કાસ્ટિંગ ચાલે છે, શું લૉન્ચ થવાનું છે, કાસ્ટિંગ ડિરેક્ટર કોણ છે, મારા લાયક રોલ છે કે નહીં જેવી પૂર્વમાહિતી મારી પાસે હોય જ. ઑડિશન આપો, મહેનત કરો એ બરાબર છે, પણ મેં મહેનત કરી લીધી, હવે ફળ મળવું હોય તો મળે એવું અહીં નથી ચાલતું. પ્લસ, આજની જનરેશન બહુ ઇમ્પેશન્ટ છે. કોઈ જરા કહે કે તરત તેમને ખોટું લાગી જાય. તમારે સમજવું પડશે, ઈગો પર દુનિયા નથી ચાલતી.
હું વારંવાર એક વાત કહેવા માગું છું કે રોડ ક્રૉસ કરવો હોય તો પણ રિસ્ક લેવું પડે. જ્યૉર્જ બર્નાર્ડ શૉએ લખેલો એક કિસ્સો યાદ આવે છે...
બે વ્યક્તિ બુક વાંચતા હતા. રાતનો સમય હતો અને અચાનક લાઇટ ગઈ. એકે બુક બંધ કરી દીધી. એ રૅશનલ હતો, પણ બીજો ઇરૅશનલ હતો. તેને વાંચવું જ હતું એટલે લાઇટ વિના હવે કઈ રીતે વાંચી શકાય એના રસ્તા શોધ્યા અને તેને રસ્તો મળી ગયો.
યાદ રાખજો કે તમે બધી જગ્યાએ રૅશનલ થઈને ચાલશો તો ક્યારેય નવું કંઈ જ નહીં કરી શકો. આ દુનિયામાં જે શોધખોળ થઈ એ બધી જ ઇરૅશનલ લોકોએ જ કરી છે અને એટલે જ કહું છું કે નક્કી રાખો કે મંજિલ નહીં મળે ત્યાં સુધી હું નહીં અટકું. હું હંમેશાં કહું છું ડોન્ટ ડાઇ વિથ ડ્રીમ, ટ્રાય ધ ડ્રીમ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

