Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુજરાતી ભાષાની ‘શોલે’ બનેલી નવલકથા કઈ?

ગુજરાતી ભાષાની ‘શોલે’ બનેલી નવલકથા કઈ?

Published : 31 August, 2022 07:06 PM | Modified : 31 August, 2022 07:29 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એક જ જવાબ છે, હરકિસન મહેતાલિખિત ‘જડ ચેતન’. મુંબઈની હૉસ્પિટલમાં સારવાર લેતી અરુણા શાનબાગ પરથી પ્રેરાઈને લખાયેલી આ નવલકથાએ દુનિયાભરના ગુજરાતીઓને સ્તબ્ધ કરી દીધા હતા

જડ ચેતન

બુક ટૉક

જડ ચેતન


હરકિસન મહેતાની એક ખાસિયત હતી. કોઈ પણ સત્યઘટનાને બેઝ બનાવીને તે પોતાની દુનિયા ઊભી કરતા અને તેમની આ જ ખાસિયતે તેમને ગુજરાતી વાચકોમાં એટલા પૉપ્યુલર કર્યા હતા કે કોઈ પણ લેખકને ઈર્ષ્યા આવી જાય. હરકિસનભાઈએ લખેલી તમામ નવલકથાઓએ એક માઇલસ્ટોન ખડો કર્યો હતો, પણ જો ગુજરાતી વાચકોના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કહેવું પડે કે તેમણે લખેલી નવલકથા ‘જડ ચેતન’એ ગુજરાતી સાહિત્ય જ નહીં, ગુજરાતી પબ્લિકેશનોમાં પણ તહેલકા બોલાવી દીધો હતો.


લોકો રીતસર ‘જડ ચેતન’ના આગામી એપિસોડની રાહ જોતા બેસી રહેતા અને મૅગેઝિન માર્કેટમાં આવે એ રાતે જ ઘરની બહાર નીકળીને મૅગેઝિન ખરીદી વાર્તા સૌથી પહેલાં વાંચતા. એક વર્ગ એવો પણ હતો કે જે ‘જડ ચેતન’ના કારણે પોતાના ઘરમાં મૅગેઝિનની એટલી જ નકલ મગાવતો જેટલા ઘરના સભ્યો હોય, જેથી કરીને પહેલાં નવલકથા વાંચવાના મુદ્દે ઘરમાં ઝઘડો ન થાય.
હરકિસન મહેતાની ‘જડ ચેતન’ પરેલની કેઈએમ હૉસ્પિટલમાં જૉબ કરતી નર્સ અરુણા શાનબાગની લાઇફ પર આધારિત હતી. હરકિસન મહેતા પાસે એ કિસ્સો આવ્યો અને તેમના નવલકથાકાર દિમાગમાં એ પ્લૉટ સ્ટોર થઈ ગયો.



ઘટના શું ઘટી હતી? | વાત ૧૯૭૯ની છે, હૉસ્પિટલમાં જૉબ કરતી નર્સ અરુણા શાનબાગ પર હૉસ્પિટલના જ વૉર્ડબૉય સોહનલાલ વાલ્મીકિ પર એટલો વિકૃતિ સાથે રેપ કર્યો કે અરુણા કોમામાં ચાલી ગઈ. અરુણા કુલ બેતાલીસ વર્ષ કોમામાં રહી, પણ વચ્ચેનાં વર્ષોમાં આરોપી સોહનલાલને પેરોલ પર છોડવામાં આવ્યો અને આખો કિસ્સો હરકિસન મહેતાની નજર સામે આવ્યો. આ કિસ્સા પરથી હરકિસનભાઈના મનમાં એક વિચાર તો એ આવ્યો કે ખરેખર સજા કોણ ભોગવી રહ્યું છે. આરોપી કે પછી પીડિતા, જે હજુ પણ કોમામાં છે. જ્યારે આરોપી તો ઑલરેડી તેના સારા વર્તનના કારણે પેરોલ પર બહાર આવતો પણ થઈ ગયો છે.


નવલકથાકારના મનમાં આવેલા આ વિચારે જ ગુજરાતી સાહિત્યની ‘શોલે’ કહી શકાય એ સ્તરની સુપરહિટ નૉવેલનું સર્જન કર્યું અને ‘જડ ચેતન’ શરૂ થઈ. આગળ તમને કહ્યું એમ, ‘જડ ચેતન’એ એવી તે લહેર ઊભી કરી કે વાચકો રીતસર જકડાઈ ગયા અને નવલકથાના એકેક એપિસોડ સાથે નવલકથાકાર હરકિસન મહેતા પણ નવી-નવી કમાલ કરતા ગયા. હરકિસનભાઈએ પોતે કહ્યો છે એ કિસ્સો જાણવા જેવો છે.

હૉસ્પિટલમાં સારવાર લેતી એક કૅન્સરગ્રસ્ત પેશન્ટ હૉસ્પિટલમાં નિયમિત રીતે ‘જડ ચેતન’ વાંચતી હતી. એક દિવસ એ પેશન્ટે હરકિસનભાઈને ફોન કર્યો અને તેમને પૂછ્યું કે તમારી હિરોઇન કોમામાંથી બહાર આવવાની છે કે નહીં અને આવવાની છે તો એ ક્યારે કોમામાંથી બહાર આવવાની છે?


સ્વાભાવિક રીતે લેખક તરીકે એ વિશે વાત કરવાની હરકિસનભાઈએ ના પાડી અને એક હકીકત એ પણ હતી કે હરકિસનભાઈએ કશું વિચાર્યું પણ નહોતું. આ જ હરકિસનભાઈની કમાલ હતી. તે જ્યારે વાર્તા લખવા બેસતા ત્યારે જ પોતાની વાર્તા વિશે તે વિચારતા. હરકિસનભાઈએ જવાબ આપ્યો કે એ તો તમે નૉવેલ વાંચતાં રહેશો તો તમને ખબર પડી જશે એટલે પેલી લેડીએ પોતાની નાદુરસ્ત તબિયત વિશે વાત કરતાં કહ્યું કે હકીકત એ છે કે મને ખબર નથી કે હું કેટલું જીવીશ, પણ મને મારી લાઇફ કરતાં પણ તમારી હિરોઇન તુલસીની વધારે ફિકર છે તો પ્લીઝ તેની સાથે કંઈ ખરાબ કરતા નહીં.

આ હરકિસન મહેતાની કલમની તાકાત હતી. ઑલમોસ્ટ ત્રણ દશકા પહેલાં લખાયેલી આ નવલકથાની પકડ આજે પણ એ જ સ્તરની મજબૂત છે કે તમે એક વાર એ વાંચવાનું શરૂ કરો એટલે હજારથી પણ વધુ પાનાં ધરાવતી આ નવલકથાને પછી મૂકી ન શકો, જરા પણ નહીં.

સિરિયલ પણ અને કદાચ... | ‘જડ ચેતન’ નવલકથા પરથી ડિરેક્ટર વિપુલ મહેતાએ સોની ટીવી માટે ‘અલ્પવિરામ’ નામની સિરિયલ બનાવી હતી, જે સુપરહિટ રહી હતી. એ સિરિયલમાં અરુણા શાનબાગવાળું કૅરૅક્ટર પલ્લવી જોશીએ કર્યું હતું. હા, એ જ પલ્લવી જોશી જે ‘ધી કશ્મીર ફાઇલ્સ’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની વાઇફ છે.

સિરિયલ માટે જરૂર મુજબના ચેન્જ કરવામાં આવ્યા હતા, પણ ઑફિશ્યલ રાઇટ્સ લઈને બનેલી આ સિરિયલ એ હદે પૉપ્યુલર થઈ હતી કે આજે ફરી એક વાર એને વેબસિરીઝ તરીકે લઈ આવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જો વેબસિરીઝ આવશે તો ગૅરન્ટી સાથે કહી શકાય કે એ સોની લિવ પર જ આવશે અને એ પણ નવલકથા તથા સિરિયલ જેટલી જ સુપરહિટ થશે.

સ્ટોરી શૉર્ટકટ

‘જડ ચેતન’માં કથા તુલસીની છે. આ તુલસીનું કૅરૅક્ટર અરુણા શાનબાગ પરથી તૈયાર કરવામાં આવ્યું છે. નર્સ તુલસીની જે દિવસે હૉસ્પિટલના હોનહાર ડૉક્ટર શ્રીકાંત સાથે સગાઈ થાય છે એ જ દિવસે એકસાથે બે ઘટના ઘટે છે. હૉસ્પિટલમાં રોડ ઍક્સિડન્ટમાં ઘવાયેલા મિનિસ્ટરને લાવવામાં આવે છે, જે તુલસી સમક્ષ પોતાની બેનંબરી કમાણીની બધી વાત કબૂલે છે અને એ વસિયત તુલસીને આપીને જીવ છોડી દે છે. એ જ સાંજે તુલસી પોતાનો ડ્રેસ ચેન્જ કરવા ડ્રેસ-રૂમમાં જાય છે ત્યારે તેના પર વૉર્ડબૉય રેપની કોશિશ કરે છે. કોશિશ તો ફેલ જાય છે પણ તુલસી કોમામાં જતી રહે છે. કોમામાં રહેલી તુલસી માટે દુનિયા આગળ વધતી અટકી ગઈ છે, પણ તેની આ અવસ્થા વચ્ચે શ્રીકાંતનો પરિવાર સગાઈ તોડી નાખે છે અને તેનાં લગ્ન બીજે કરી નાખે છે તો તુલસીના પડોશમાં રહેતો અને તુલસીને એકપક્ષીય પ્રેમ કરતો ચિંતન તેની સેવાચાકરી ચાલુ રાખે છે. મૂળ કથામાં અરુણા ક્યારેય કોમામાંથી બહાર આવી નહીં, પણ ‘જડ ચેતન’માં તુલસી ભાનમાં આવે છે અને ભાનમાં આવે છે ત્યારે તેનામાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે અને તેને થનારી ઘટના પહેલેથી દેખાવી શરૂ થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2022 07:29 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK