સામા પ્રવાહે તરીને સમાંતર ગુજરાતી રંગભૂમિને જીવંત રાખનાર ડિરેક્ટર-પ્રોડ્યુસર મનોજ શાહનું નવું નાટક ‘બૉમ્બે ફ્લાવર્સ’ આજે ઓપન થાય છે ત્યારે પોતાના આ નવા નાટકની સાથોસાથ ગુજરાતી રંગભૂમિ અને અંગત જીવનની વાતો ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે કરે છે

મનોજ શાહ અને રતનબાઈ પેટિટની ભૂમિકાના રિહર્સલ દરમ્યાન ભામિની ઓઝા ગાંધી.
સૌથી પહેલાં તો એ કહો કે તમને હંમેશાં ખોટના ધંધા જ કેમ સૂઝે છે?
(હસે છે) ઍક્ચ્યુઅલી, ખોટના ધંધામાં બહુ મોટો નફો છે, જાતને ઓળખવાનો. બેઝિકલી આઇ લવ્ડ ઇટ. અખાનું છેને પેલું, ઉફરા ચાલો. બસ મને એકદમ ઉફરા ચાલવાની આદત પડી ગઈ છે. ઉફરા ચાલો તો શું થાય કે તમે જગતને અલગ રીતે જોઈ શકો. ઉફરા ચાલો તો જગત અલગ દેખાય અને બસ, મને એની મજા આવે છે.
હા, પણ એ બધાથી આર્થિક સંપન્ન તો નથી જ થવાતુંને. આંખ સામે સાવ જ મીડિયોકર કહેવાય એવા નાટકના ૧૦૦-૨૦૦ અને ૩૦૦ શો થતા દેખાતા હોય, તમે એ જ ક્રાફ્ટ જાણતા પણ હો અને એ પછી પણ ‘મરીઝ’, ‘મિસ્ટર ઍપલ’, ‘મોહનનો મસાલો’ જેવાં નાટકો શું કામ કરવાનાં?
એક વાત કહું વાલા, તમે જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હો, જે જાતનું કામ કરતા હો એ જો સાત્ત્વિક હોય તો તમને બીજી કોઈ વાતમાં રસ ઉત્પન્ન ન થાય. મારું પણ એવું જ છે. મને એ ટેરિટરીમાં પ્રવેશવાનું આકર્ષણ કે મોહ થતો નથી અને હું જ આવો છું એવું નથી. દુનિયા જોઈ લો તમે. દુનિયામાં તમને બે પ્રકારના લોકો દેખાશે. એક ખૂબ મનોરંજક હોય, ખૂબ બધો પૈસો ત્યાં હોય, તો બીજું, સાત્ત્વિકતા ભરેલું મનોરંજન અને હું આ બીજી કૅટેગરીનો છું. હું જે કરું છું એમાં મને અઢળક સંતોષ મળે છે. મારી સાથે એમાં જે પણ જોડાય છે એ પણ એટલા એનરિચ્ડ થાય છે, સાથોસાથ મારો પ્રેક્ષક પણ એટલો જ સમૃદ્ધ થાય છે.
પ્રેક્ષકો સમૃદ્ધ થાય છે એવું તમે કહો છો, પણ પહેલાં કરતાં તો હવે પ્રેક્ષકો ઓછા થઈ ગયા છે?
ના, ના વાલા, ઊલટાના વધી રહ્યા છે, નવો જે યંગ પ્રેક્ષક, એ કેટલો મોટો વર્ગ છે અને એ કેવો બ્રિલિયન્ટ છે! એ લોકોને બહુ ખબર પડે છે. વિશ્વની વાર્તાઓથી તે પરિચિત છે અને તે બધા પ્રકારના મીડિયા વિશે પણ જાગ્રત છે.
પણ ફરિયાદ તો એવી જ થાય છે કે થિયેટરમાં ઑડિયન્સ ઘટતું જાય છે.
હા, પણ જે રિપીટ કર્યા કરે છે ત્યાં ઘટે છે. બાકી હું તો કહીશ કે પુષ્કળ પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. ઑડિયન્સ વધી રહ્યું છે. હવે તો ઑડિયન્સનો છૂટકો નથી સંવાદ કરવાનો. સંવાદ કરવા એ અમારી સાથે આવશે, જ્યાંથી વળતાં પાણી થયાં છે ત્યાં તો તે વાત કરી શકે એમ નથી એટલે ઑડિયન્સનો છૂટકો નથી. હું એ વાત નથી માનતો કે ઑડિયન્સ ઘટ્યું છે.
આવતી કાલે ઓપન થાય છે એ ‘બૉમ્બે ફ્લાવર’ વિચાર કેવી રીતે આવ્યો?
મુંબઈને તર્પણ કરવાની વાત પરથી. મારે મુંબઈ માટે કંઈક કરવું હતું, પણ શું કરવું એની સ્પષ્ટતા નહોતી. એક દિવસ વાંચતાં-વાંચતાં મારા ધ્યાનમાં મોહમ્મદઅલી ઝીણા અને પારસી પરિવારમાં જન્મીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી તેની બીજી વાઇફ રતનબાઈ પેટિટની વાત આવી અને મને બૉમ્બેનું આ ફૂલ મળી ગયું.
નાટક સ્ટેજ સુધી પહોંચે એને માટે કેટલાં વર્ષની જર્ની...
ચાર વર્ષ.
અરે બાપરે....
અરે આ તો કંઈ નથી, ‘માસ્ટર ફૂલમણિ’ બનતાં ૧૭ વર્ષ લાગ્યાં હતાં. હું બનાવું એને વર્ષો લાગે, પણ એ બને એટલું નક્કી.
‘માસ્ટર ફૂલમણિ’ માટે આટલો સમય જવાનું કારણ શું?
૧૯૯૯માં એ રજૂ થયું એનાં ૧૭ વર્ષ પહેલાં મારા મનમાં એનો વિચાર આવ્યો અને મેં નાટક કન્સીવ કર્યું. એ પછી મારી લેખક શોધવાની પ્રક્રિયા શરૂ થઈ. એ નાટક લખવાનું કામ મેં ચંદ્રકાન્ત શાહને આપ્યું અને થોડા સમયમાં ચંદુ અમેરિકા ગયો. પછી ત્યાં સેટલ થવામાં તેણે સમય લીધો અને એ પછી તે પોતાના રૂટીનમાં ગોઠવાયો. નવેક વર્ષ પછી તેણે લખવાનું શરૂ કર્યું, જે પૂરું થતાં સુધી ત્રણેક વર્ષ નીકળી ગયાં. ‘માસ્ટર ફૂલમણિ’માં પહેલાં હું ઍક્ટિંગ કરવાનો હતો, પણ એ સમયગાળામાં મારામાં ઘણો બદલાવ આવી ગયો એટલે મને થયું કે એ ઇમોશન્સ હું પોટ્રે નહીં કરી શકું. મેં ઍક્ટર શોધવાનું શરૂ કર્યું અને મને ચિરાગ વોરા મળ્યો. આ બધી પ્રોસેસમાં બે વર્ષ ગયાં અને એ પછી રીડિંગ અને પ્રતિભાવ અને કયા ફેસ્ટિવલ સાથે એને ઓપન કરીએ એ બધામાં સમય ગયો. આમ ૧૭ વર્ષ સુધી એ નાટક મારી અંદર જીવ્યું.
ધીરજ ખૂટે નહીં?
નારે જરાય નહીં, હું વધારે ને વધારે એમાં ખૂંપતો જાઉં અને વધારે તૈયારી કરવા માંડું. બીજી એક વાત કહું વાલા, મને છેને સપનાંઓ સાથે જીવવાનું ગમે, સપના સાથે ફરવું અને ચાલવું બહુ ગમે.
હા, પણ એ તમારી પર્સનલ વૉક છે. ફૅમિલી ક્યારેય...
(વાત કાપે) એ લોકોએ મૂકી દીધો હવે મને કે આ ગયો છે હાથમાંથી, આને કંઈ કહેવાનો અર્થ નથી. આ આપણા કામનો નથી (હસે છે). એ લોકો મને ગણતા નથી અને મારી પાસેથી કોઈ જાતની અપેક્ષા રાખતા નથી, પણ હા, તું સરપ્રાઇઝ થશે, અઢળક પ્રેક્ષકો એવા છે જે મારી બહુ કાળજી રાખે છે. અઢળક પ્રેક્ષકો ધ્યાન રાખે કે હું કમ્ફર્ટેબલ રહું. મને પુસ્તકો મોકલે. મને જે આદત છે એ ખાવા-પીવાની એને માટે એન્ટરટેઇન કરે. બસ, બીજું શું જોઈએ, મોજથી જીવવાનું...
આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૪)
‘બૉમ્બે ફ્લાવર્સ’ની રતનબાઈ પર ફરી આવીએ. રિયલ કૅરૅક્ટર છે, પણ નાટકમાં કેટલું રિયલ, કેટલું ફિક્શન?
જો એમાં એવું છે કે તમે કોઈ પણ કૅરૅક્ટર હાથમાં લો એટલે એનું બંધારણ બદલે જ. રતનબાઈ તો છે નહીં એટલે મેં ઇન્ફર્મેશન પરથી રતનબાઈને કલ્પી, મેં કલ્પના કરી એ મુજબ મેં તેને ઘડી અને જ્યારે રીડેવલપમેન્ટ થાય ત્યારે એમાં ઇમેજિનેશન આવે જ. કેટલું અને કેટલા પ્રમાણમાં એ નક્કી ન થાય. ઘટનાઓ મોસ્ટલી હિસ્ટોરિકલ ડૉક્યુમેન્ટેશન પર આધારિત છે, પણ એમાં ડ્રામૅટિક લિબર્ટી લીધી છે, પાર્ટિશનની વાત આવશે, પણ એમાં ઝીણા અને તેની પ્રેમિકાના પાર્ટિશનની વાત છે. પાર્ટિશન ખરું, પણ બે પ્રેમીઓનું પાર્ટિશન. રોમિયો અને જુલિયટનું પાર્ટિશન. ઝીણાને ક્યારેય પૉલિટિક્સમાં આવવું નહોતું. તેમને બૅરિસ્ટર પણ બનવું નહોતું. તેમને તો સારા ઍક્ટર બનવું હતું. તેને જિંદગીમાં એક વાર રોમિયોનો રોલ કરવો હતો. આ મારા નાટકની વાત છે. ઝીણા અને રતનબાઈ વચ્ચે ઉંમરનો ૩૦ વર્ષનો ગાળો હતો. રતનબાઈ ૧૬ની અને ઝીણા ૪૬ના.
રતનબાઈની ફૅમિલીમાં કોઈને મળ્યા?
રિસર્ચ દરમ્યાન કાનજી દ્વારકાદાસ, જે ઝીણાની અને રતનબાઈની બહુ નજીક હતા. કહો કે ફૅમિલી ફ્રેન્ડ. આજે પણ બહુ મોટી સૉલિસિટર કંપની છે. તેમની સાથે વાતો થઈ, તેમની પાસેથી ઘણાં પુસ્તકો મળ્યાં. વાત જેવી બહાર ગઈ કે ‘જામ-એ-જમશેદ’ નામનું પારસીઓનું ઇન્ટરનૅશનલ મૅગેઝિન છે એના ફારુકભાઈ મળ્યા. એ કમ્યુનિટીમાંથી બીજા પણ ઘણા લોકો મળ્યા જેમણે બહુ બધી વાતો કરી, જે વાતોનો ઉપયોગ સ્ક્રિપ્ટમાં કરવામાં આવ્યો. અરે હા, એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું.
શરૂઆતમાં મારે આ નાટક સોલો કરવું હતું, એક પાત્રી અને એ પણ ઇંગ્લિશમાં, કારણ કે આ સબ્જેક્ટ ઇન્ટરનૅશનલ છે. પણ બે ઘટના એવી ઘટી જેને લીધે આજનું નાટક ઊભું થયું.
પહેલી ઘટના, અમારા ગ્રુપનાં છોકરા-છોકરીઓ મને બહુ વઢવઢ કરે કે તમે આવાં સોલો નાટક કરો છો એમાં અમને પર્ફોર્મ કરવા નથી મળતું, એકને જ ચાન્સ મળે છે. આ પહેલી વાત, જેણે મને વિચારતો કર્યો અને એ જ દરમ્યાન બીજી ઘટના ઘટી.
જેમણે પૅરિસમાં પીએચડી કર્યું હતું અને ફ્રેન્ચ પણ અવ્વલ દરજ્જાનું જાણતા એવા વેરી વેલ લિટ્રેટ (મુંબઈ પારસી સમાજના અગ્રણી) મંચેરજી કામા. મારી ઇચ્છા હતી કે અંગ્રેજી નાટક તેઓ લખે. મેં તેમને વાત કરેલી અને પછી તેમણે મને પ્રેમપૂવર્ક કહેલું, ‘આઇ લવ ટુ ડૂ, પણ આ કામ બહુ સમય માગી લે એવું છે એટલે મારાથી નહીં થાય.’ એ પછી હું આરતી પંચાલ નામની બીજી રાઇટર પાસે ગયો. આરતીએ મને જે મોકલ્યું એ વાંચતાં મને થયું કે ના, આ સોલો નાટક ન કરવું જોઈએ. એવું કરવા જતાં નાટકનાં બીજાં ડાયમેન્શન હું ગુમાવી બેસીશ અને પછી આજનું આ ‘બૉમ્બે ફ્લાવર્સ’ ઊભું થયું. (અચાનક યાદ આવતાં) અરે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આ નાટક પહેલાં મેં રતનબાઈની નજરથી જોયું જ નહોતું. મારે ઝીણાના પૉઇન્ટ-ઑફ-વ્યુ સાથે એ ડેવલપ કરવું હતું. જેને માટે હું અને ચિરાગ વોરા બન્ને ‘પ્રતિનાયક’ના લેખક દિનકર જોષી પાસે ગયા અને અમે તેમને સમજાવ્યા કે તે અમને ઝીણા પર સોલો લખી આપે, પણ એ દરમ્યાન આપણે ત્યાં જે પ્રકારની રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ એ જોતાં મને થયું કે મારે એ બધામાં પડવું નથી અને મેં નવો ટ્રૅક પકડ્યો, રોમિયો-જુલિયટવાળો. બૅકડ્રૉપ એ જ, ટેન્શન પણ એ જ. કથાનકનું નરેશન બદલાયું.
મારે મુંબઈ માટે કંઈક કરવું હતું, પણ શું કરવું એની સ્પષ્ટતા નહોતી. એક દિવસ વાંચતાં-વાંચતાં મારા ધ્યાનમાં મોહમ્મદઅલી ઝીણા અને પારસી પરિવારમાં જન્મીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી તેની બીજી વાઇફ રતનબાઈ પેટિટની વાત આવી અને મને બૉમ્બેનું આ ફૂલ મળી ગયું.
દુનિયા જોઈ લો તમે. દુનિયામાં તમને બે પ્રકારના લોકો દેખાશે. એક ખૂબ મનોરંજક હોય, ખૂબ બધો પૈસો ત્યાં હોય, તો બીજું, સાત્ત્વિકતા ભરેલું મનોરંજન અને હું આ બીજી કૅટેગરીનો છું. હું જે કરું છું એમાં મને અઢળક સંતોષ મળે છે. મારી સાથે એમાં જે પણ જોડાય છે એ પણ એટલા એનરિચ્ડ થાય છે, સાથોસાથ મારો પ્રેક્ષક પણ એટલો જ સમૃદ્ધ થાય છે.