ડૉક્ટરે જે છોકરાનું ભવિષ્ય દોઢથી બે મહિના ભાખી લીધું હતું એ પ્રતીકે કૅન્સરને હંફાવી પોતાનાં સપનાં સાકાર કર્યાં એટલું જ નહીં, બૉલીવુડમાં એ સ્થાન મેળવ્યું જે સેંકડો લોકો વર્ષોની સ્ટ્રગલ પછી પછી પણ હાંસલ નથી કરી શકતા.
પ્રતિક રાવલ
ડૉક્ટરના શબ્દોથી નાસીપાસ થવાને બદલે પોતાના પ્રેમ અને પૅશનની આગને જલતી રાખી કૅન્સરનો જંગ લડી લેનારા પ્રતીક રાવલ કૅન્સર-સર્વાઇવર્સ માટે એક રોલ-મૉડલથી કમ નથી. મેડિકલ સાયન્સને ખોટું પાડીને તેમણે જીવનનો એ જંગ જીતી તો લીધો જ, સાથે ફિલ્મજગતમાં પણ નામ બનાવ્યું. ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘જવાન’ જેવી સુપરહિટ ફિલ્મોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર એવા પ્રતીક રાવલે બૉલીવુડમાં એવું સ્થાન મેળવ્યું છે કે શાહરુખ ખાનથી લઈને રણવીર સિંહ, શાહિદ કપૂર જેવા સ્ટાર્સ આજે તેમના કામની તારીફ કરતાં થાકતા નથી
કૅન્સર એટલે કૅન્સલ.
આજે જ્યારે મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છે ત્યારે પણ મોટા ભાગના લોકો કૅન્સરનું નામ પડતાં જ મનોમન આવું બોલી નાખે છે તો જરાક વિચારો નેવુંના દશકમાં તો કેવી હાલત હોય? ૧૯૯૬ના મધ્ય ભાગમાં સાવ અચાનક જ પ્રતીક રાવલને લિમ્ફોબ્લાસ્ટિક લિમ્ફોમા પ્રકારનું કૅન્સર ડિટેક્ટ થયું અને ડૉક્ટરે નિદાન કરી નાખ્યું કે હવે પ્રતીક પાસે દોઢથી બે મહિનાનો જ સમય બાકી રહ્યો છે. પ્રતીક માટે એ વાત કોઈ વજ્રાઘાતથી સહેજ પણ ઓછી નહોતી. તેમના જીવનના બે પ્રેમ એકસાથે દૂર થવાનું શરૂ થવાનું હતું. ફિલ્મોમાં અકાઉન્ટન્ટ, પ્રોડક્શન મૅનેજર, પ્રોડક્શન ઇન્ચાર્જથી લઈને અત્યારે શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની સિનિયર પોઝિશન પર રહેલા ૪૩ વર્ષના પ્રતીક કહે છે, ‘એ સમયે મારા મનમાં એક જ વાત હતી કે મેં લાઇફને જે બે કમિટમેન્ટ કર્યાં છે એ કમિટમેન્ટ પૂરાં કર્યા વિના હું નહીં જાઉં. બસ, આ જ વાતે મને ટકાવવાનું કામ કર્યું અને હું અત્યારે અહીં છું.’
આ અમિતાભ બચ્ચનનું ઘર
પ્રતીકનાં મમ્મી હિરણબહેન રાવલ મૂળ ભાવનગરનાં. પ્રતીકનો જન્મ પણ ભાવનગરમાં થયો છે તો પપ્પા હસમુખભાઈ અમદાવાદમાં ONGCના પાઇપલાઇન કૉન્ટ્રૅક્ટર. જન્મના ચારેક મહિના પછી પ્રતીક મમ્મી સાથે અમદાવાદમાં આવી ગયો. પોતાના નાનપણને યાદ કરતાં પ્રતીક કહે છે, ‘ચારેક વર્ષનો હતો ત્યારે મને કક્કો કે ABCD ન આવડે, પણ ફિલ્મસ્ટારનો ફોટો જોઈને હું એ લોકોને ઓળખી જાઉં. અમિતાભ બચ્ચન મારા ફેવરિટ. એક વખત મારા ઘરે મુંબઈથી મારાં ફૈબા-ફુઆ આવ્યાં અને એ લોકોએ મજાકમાં પૂછ્યું કે મુંબઈમાં તારે શું જોવું છે તો મેં જવાબ આપ્યો કે અમિતાભ બચ્ચનનું ઘર. એ લોકોએ મને કહ્યું કે ચાલ અમારી સાથે, અમે તને ઘર દેખાડીશું. હું તો રેડી થઈ ગયો. મમ્મી-પપ્પાએ ના પાડી તો મેં તો દેકારો મચાવી દીધો એટલે ફૈબાએ કહ્યું કે ભલે બેચાર દિવસ અમારી સાથે આવતો અને આમ હું મુંબઈ આવ્યો અને તમે માનશો નહીં, એ પછી હું પાછો ગયો જ નહીં!’
પહેલા જ દિવસે અમિતાભ બચ્ચનનો ‘પ્રતીક્ષા’ બંગલો જોયો અને પ્રતીકે બંગલાની બહારથી રાડ પાડીને કહ્યું હતું કે એ ઍન્થની બહાર આવ... પ્રતીક કહે છે, ‘ફુઆ મને દર બે દિવસે મલાડ ઈસ્ટમાં ધનજીવાડીના તેમના ઘરેથી જુહુ લઈ આવે અને હું અમિતાભ બચ્ચનને જોવા માટે બંગલાની બહાર તેમની સાથે બેસી રહું. અમદાવાદ પાછા જવાની વાત આવી તો પણ મેં ના પાડી દીધી એટલે મારાં ફુઆ-ફૈબાએ તેમનાં બે દીકરા અને બે દીકરી સાથે મારું પણ ઍડ્મિશન શ્રી ધનજીવાડી પ્રાથમિક શાળામાં લીધું અને આમ હું મુંબઈમાં જ રહી ગયો. લોકો વેકેશનમાં ફૈબા કે મામાને ત્યાં રોકાવા જાય, હું વેકેશનમાં મારાં પપ્પા-મમ્મીને ત્યાં રોકાવા જાઉં અને વેકેશન પૂરું થાય એટલે પાછો મુંબઈ આવી જાઉં.’
એન્જિનિયરિંગ અને કૅન્સર
શ્રી ધનજીવાડી પ્રાથમિક સ્કૂલ અને એ પછી નિર્મલા મેમોરિયલ હાઈ સ્કૂલમાં ટેન્થ પૂરું કરીને પ્રતીકને તો ફિલ્મલાઇનમાં કશુંક કરવું હતું, પણ ઘરના બધાનું કહેવું હતું કે એક ડિગ્રી તેણે લેવી જોઈએ એટલે પ્રતીકે શિર્ડી પાસે આવેલા લોણી નામના ગામની ગવર્નમેન્ટ કૉલેજમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લીધું અને હૉસ્ટેલમાં રહેવા ગયો. પ્રતીક કહે છે, ‘અહીંથી મારી લાઇફમાં ટર્ન આવ્યો.’
ADVERTISEMENT
ક્રિકેટ ટીમનું સિલેક્શન ચાલતું હતું એમાં પ્રતીકે ભાગ લીધો. પ્રૅક્ટિસ સમયે પ્રતીક અજાણતાં વૉલીબૉલના પોલ સાથે અથડાયો અને થોડી મિનિટો માટે અનકૉન્શિયસ થઈ ગયો. બ્લીડિંગ થયું નહોતું એટલે બધાને માનસિક રાહત થઈ અને થોડી મિનિટોમાં પ્રતીક ભાનમાં પણ આવી ગયો એટલે કૉલેજ-મૅનેજમેન્ટને પણ માનસિક નિરાંત થઈ ગઈ, પણ એ પછી પ્રતીકને અમુક સમયગાળે અચાનક જ શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ શરૂ થયો. એક સેમેસ્ટર તેણે જેમતેમ પૂરું કર્યું અને ફરી તે મુંબઈ આવ્યો, પણ મુંબઈમાં પણ એ પ્રૉબ્લેમ અકબંધ રહ્યો એટલે પ્રતીકને હિન્દુજામાં ઍડ્મિટ કરવામાં આવ્યો. વર્ષ હતું ૧૯૯૭. સી.ટી. સ્કૅન થયું અને રિપોર્ટમાં આવ્યું કે પ્રતીકને હૃદયની નજીક ફેફસાંમાં ટ્યુમર છે, જેની બાયોપ્સી લેવી પડશે. પ્રતીક કહે છે, ‘આજે તો બાયોપ્સી માટે પણ ઘણી સુવિધા વધી ગઈ છે પણ એ સમયે તો બાયોપ્સી પણ ઑપરેશન કરીને જ લેવી પડતી. બાયોપ્સી લીધી અને રિપોર્ટ આવ્યો, જેણે સૌના શ્વાસ અધ્ધર કરી દીધા.’ પ્રતીકને લિમ્ફોબ્લાસ્ટિક લિમ્ફોમા પ્રકારનું કૅન્સર હતું, જેનું ટ્યુમર ફેફસાંમાં એવી જગ્યાએ હતું કે ઑપરેશન અસંભવ હતું. પ્રતીકને આજે પણ એ દિવસ યાદ છે, ‘ડૉક્ટરે કહ્યું હતું કે છાતીમાં જે બાજુએ ટ્યુમર છે એને ઑપરેટ કરવા જઈશું તો હાર્ટને ડૅમેજ થવાના ચાન્સિસ છે એટલે બેટર છે કે ઑપરેશન વિના એ જેટલો સમય રહે એટલો સમય તેને શાંતિથી જીવવા દો.’ ડૉક્ટરના કહેવા મુજબ પ્રતીક પાસે દોઢથી બે મહિનાનો સમય હતો. પ્રતીકને મમ્મી-પપ્પા અમદાવાદ લઈ ગયાં અને અહીંથી શરૂ થઈ એક નવી જર્ની.
રજ-રજમાં જુએ ઔષિધ
દીકરાના આયુષ્ય માટે હસમુખભાઈ અને હિરણબહેને કંઈ બાકી નહોતું રાખ્યું. આયુર્વેદથી લઈને હોમિયોપથી અને ઍલોપથી સુધ્ધાં શરૂ કરી દીધી. પ્રતીક કહે છે, ‘અમદાવાદમાં ડૉક્ટર પંકજ શાહ હતા. કીમોથેરપી એક વર્ષ ચાલી અને એ પછી રેડિયોથેરપી શરૂ થઈ. સાથે આયુર્વેદની આગ ભરેલી દવા તો ખરી જ. દોઢ-બે મહિનાને બદલે દોઢ-બે વર્ષે હું ટોટલી ક્યૉર થયો, પણ મારી હાલત મડદાથી પણ બદતર હતી. હાથ મીણબતી જેવા ને પગ મારા અગરબત્તી જેવા થઈ ગયા હતા. બટાટામાંથી છાલ ઉતારે એમ જીભ પરથી રીતસર ચામડી ઊતરે. મારે પડખું ફરવું હોય તો પણ બે જણે મને હેલ્પ કરવી પડે. આ બધું હું સહન કરી શક્યો એની પાછળ મારી લાઇફના બે પ્રેમે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એક તો ફિલ્મોએ. નાનપણથી ફિલ્મોનો મને બહુ શોખ હતો, મારે ફિલ્મલાઇનમાં જ કંઈક કરવું હતું. ટ્રીટમેન્ટ દરમ્યાન મેં દોઢ-બે હજાર ફિલ્મો જોઈ હશે. એ ફિલ્મોએ મને ટકાવી રાખ્યો અને ફિલ્મલાઇનમાં કંઈક કરવાની જે ઇચ્છા હતી એ ઇચ્છા અકબંધ રહી તો બીજો પ્રેમ એટલે શીતલ. આજે મારી વાઇફ અને એ સમયે મારી ગર્લફ્રેન્ડ. આ બે માટે જ હું ફરી મુંબઈ આવ્યો. અફકોર્સ મારે મુંબઈ આવવા માટે બધાને બહુ સમજાવવા પડ્યા, પણ ફાઇનલી મને પરમિશન મળી. શીતલની ફૅમિલીવાળા અમારા કરતાં વધારે પૈસાવાળા એટલે પહેલાં તો મારે જૉબ પર લાગવાનું હતું. એન્જિનિયરિંગ છૂટી ગયું હતું એટલે ટેક્નિકલી હું હવે ટેન્થ પાસ હતો. બસ, મને કમ્પ્યુટર આવડતું હતું. કમ્પ્યુટર આવડતું હોય તેને તો કેટલી સૅલેરી મળે?’
ટર્નિંગ પૉઇન્ટ
‘ઓમ શાંતિ ઓમ’માં ડાયલૉગ છેને, અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ. પ્રતીક સાથે એવું જ થયું. જૉબ ક્યાંય મળતી નહોતી અને ફિલ્મલાઇનમાં કશું કરી શકાય એવા આસાર રહ્યા નહોતા. ત્રણ વર્ષથી મુંબઈ છૂટી ગયું હતું એટલે હવે કોઈ ફ્રેન્ડ્સ પણ નહોતા. એવામાં કઝિનનો એક ફ્રેન્ડ પ્રતીકને કમ્પ્યુટર ઑપરેટરની જૉબ માટે ઍક્ટ્રેસ અરુણા ઈરાનીને ત્યાં લઈ ગયો. પ્રતીક કહે છે, ‘એ સમયે અરુણાબહેન પોતાના હોમ પ્રોડક્શનમાં પહેલી ફિલ્મ બનાવતાં હતાં. મેં ઑફિસ જૉઇન કરી ઍઝ ઍન અકાઉન્ટન્ટ પણ પછી તેમણે મારું કામ જોઈને મને પ્રોડક્શન મૅનેજર બનાવી દીધો. એ ફિલ્મ હતી ‘અનાડી નંબર વન’, જેમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર હતાં. એ ફિલ્મ દરમ્યાન મને પ્રોડક્શન-ડિઝાઇનર દિલીપ મિસ્ત્રી મળ્યા, જેની પાસેથી મને ખબર પડી કે ફિલ્મ માત્ર કાગળ પર લખાતી નથી, એ બને પણ કાગળ પર જ છે; જે ફિલ્મનું પ્રોડક્શન કાગળ પર સાચી રીતે નથી બનતું એ ફિલ્મ બધા જ ફીલ્ડમાં બહુ ખરાબ રીતે ફસાઈ જાય છે. મારા માટે આ ગુરુમંત્ર બની ગયો.’
સંજયથી શાહરુખ સુધી
પ્રોડક્શન અને અકાઉન્ટ બન્નેનું જબરદસ્ત કૉમ્બિનેશન પ્રતીકે હાંસલ કરી લીધું અને એને વિપુલ અમૃતલાલ શાહે ‘આંખેં’ ફિલ્મની જવાબદારી સોંપી. પ્રતીક કહે છે, ‘૨૦૦૨થી ૨૦૧૨ સુધી અકાઉન્ટ મૅનેજર, કમર્શિયલ હેડ, પ્રોડક્શન મૅનેજર તરીકે અનેક નાની-મોટી ફિલ્મો કરી અને એ પછી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ કરી ઇમરાન હાશ્મીની ‘ટાઇગર્સ’, પાકિસ્તાની જર્નલિસ્ટ કઈ રીતે ફાર્મા કંપની અને ડૉક્ટર્સની મિલીભગત ખુલ્લી પાડે છે એ ફિલ્મનો સબ્જેક્ટ હતો. ‘ટાઇગર્સ’ની પ્રોડક્શન સક્સેસ જોઈને મને ફોન આવ્યો સંજય ભણસાલીને ત્યાંથી અને એ પછી સંજય ભણસાલી સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ કરી અને ત્યાર પછી રેડ ચિલીઝ જૉઇન કરીને ‘જવાન’ કરી.’
ડૉક્ટરે જે છોકરાનું ભવિષ્ય દોઢથી બે મહિના ભાખી લીધું હતું એ પ્રતીકે કૅન્સરને હંફાવી પોતાનાં સપનાં સાકાર કર્યાં એટલું જ નહીં, બૉલીવુડમાં એ સ્થાન મેળવ્યું જે સેંકડો લોકો વર્ષોની સ્ટ્રગલ પછી પછી પણ હાંસલ નથી કરી શકતા. પ્રતીક કહે છે, ‘બધાને મારી લાઇફનો આ પિરિયડ બેસ્ટ લાગે છે, પણ હું તો મારા કૅન્સરના પિરિયડને જ બેસ્ટ કહીશ. વ્યવહાર શું હોય, સંબંધો કેવા હોય, પીઠ પાછળ કેવા ઘા લાગે, કેવી રીતે દુનિયા તમને છોડી દે અને દૂરથી જ તમને જોઈને કેવો રસ્તો બદલાવી લે એ બધું મેં એ દિવસોમાં જોઈ લીધું. આજે જ્યારે હું એ લોકોને જોઉં છું ત્યારે મને એ બધા મારા કરતાં પણ વધારે ખરાબ ‘બીમાર’ હોય એવું ફીલ થાય છે, પણ હશે, મારે કોઈ હિસાબ લેવો નથી. હું તો બસ, એટલું ધ્યાન રાખું છું કે મને જે ફીલ તેમણે આપી છે એ ફીલ હું તેમને ન આપું. અને કદાચ મારી આ જ માનસિકતા મને વધારે ને વધારે આગળ લઈ જવાનું કામ કરે છે.’

