Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મિસ આહુજા, રિવૉલ્વર ફ‍ૂટવાનો અવાજ સાંભળ્યાની વાત તમે ઉપજાવી કાઢી છે‍

મિસ આહુજા, રિવૉલ્વર ફ‍ૂટવાનો અવાજ સાંભળ્યાની વાત તમે ઉપજાવી કાઢી છે‍

Published : 12 July, 2025 12:37 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પછીના દિવસે અદાલત ફરી મળી ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહીં અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં.

નવપરિણીત કાવસ અને સિલ્વિયા, મિસ મામી આહુજા, રામ જેઠમલાણી યુવાન વયે

ચલ મન મુંબઈનગરી

નવપરિણીત કાવસ અને સિલ્વિયા, મિસ મામી આહુજા, રામ જેઠમલાણી યુવાન વયે


પછીના દિવસે અદાલત ફરી મળી ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહીં અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં. ખંડાલાવાલાના હાથમાં કાગળોની એક થોકડી હતી. એ બતાવીને તેમણે મામી આહુજાને પૂછ્યું: શું તમને ખબર છે કે ૧૯૫૮-’૫૯ દરમ્યાન તમારા ભાઈને ઓછામાં ઓછી ત્રણ પરણેલી સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતો? અને તેમણે એ ત્રણ સ્ત્રીઓને લખેલા આ કાગળો એનો પુરાવો છે.

બચાવપક્ષના વકીલે આ વિશે વાંધો લેતાં કહ્યું કે આ કહેવાતા પુરાવાને અને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધની વાતને પ્રેમ આહુજાના ખૂન સાથે શી લેવાદેવા છે એ મને સમજાતું નથી. અને એટલે આ પુરાવા રેકૉર્ડ પર ન લેવા આપને વિનંતી કરું છું, માય લૉર્ડ.

ખંડાલાવાલા: લેવાદેવા છે મારા મિત્ર, ઘણી લેવાદેવા છે. આ પત્રો સાબિત કરી આપે છે કે મરનાર પ્રેમ આહુજા શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો અને પોતાની હવસને સંતોષવા માટે તે જુદી-જુદી સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. 

જજ મહેતા: ઑબ્જેક્શન ઓવર રૂલ્ડ. મિસ્ટર ખંડાલાવાલા, યુ મે પ્રોસીડ ફર્ધર.
ખંડાલાવાલા: થૅન્ક યુ માય ઓનર. હાં, તો મિસ આહુજા! તમને એ વાતની તો ખબર હશે જ કે મરનાર પ્રેમ આહુજા અવારનવાર યુવાન સ્ત્રીઓને દારૂની મિજબાની માટે ઘરે બોલાવતો હતો અને આવી મિજબાનીઓ મોડી રાત સુધી ચાલતી હતી.
મિસ આહુજા: આ વિશે મને કશી ખબર નથી.
ખંડાલાલાવાલા: તમે અને મરનાર આહુજા એક જ ફ્લૅટમાં રહેતાં હતાં અને છતાં તમે કહો છો કે તમને આ વાતની ખબર નથી? 
મિસ આહુજા: હું તેની અંગત વાતોમાં માથું મારતી નહોતી.
ખંડાલાવાલા: (હાથે લખેલા કાગળોનું એક બંડલ બતાવીને) જુદી-જુદી સ્ત્રીઓને મરનાર પ્રેમ આહુજાએ લખેલા પ્રેમપત્રોનું એક બંડલ તેમના બેડરૂમના પંચનામા વખતે મળી આવ્યું હતું એ હકીકત તો તમે જાણતાં જ હશો.
મિસ આહુજા: ના જી. મને એ વિશે કશી ખબર નથી.
ખંડાલાવાલા: પ્રમિલા, લીઝ, જેન, બેટી, આશા, આમાંથી કેટલાં નામથી તમે પરિચિત છો?
મિસ આહુજા: એક્કે નહીં. હું તેમના વિશે કશું જ જાણતી નથી. 
ખંડાલાવાલા: તો હું તમને જણાવું. આ બધી સ્ત્રીઓ મરનાર પ્રેમ આહુજાની ‘પ્રેમિકાઓ’ હતી જેને લખેલા પ્રેમપત્રોનું બંડલ તેમના બેડરૂમમાંથી મળી આવ્યું હતું. અને પ્રમિલા ઉર્ફે ‘પામ’ સાથે તો મરનાર આહુજાએ લગ્ન સુધ્ધાં કર્યાં હતાં. 
મિસ આહુજા: મારા ભાઈનાં લગ્નની વાત ખોટી છે. પામ ઉર્ફે પ્રમિલા અને તેનો પતિ અમારા મિત્રો હતાં અને બન્ને ઘણી વાર અમારા ઘરે આવતાં.  
ખંડાલાવાલા: તમારા ભાઈ પાસે કયા પ્રકારના અને કેટલા દારૂની પરમિટ હતી એની તો તમને ખબર હશે જ.  
(પ્રિય વાચક: અહીં થોડો ખુલાસો જરૂરી છે. આઝાદી પછી ૧૯૪૯માં એ વખતના મુંબઈ રાજ્યમાં ‘બૉમ્બે પ્રોહિબિશન ઍક્ટ ૧૯૪૯’ દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી. શરૂઆતમાં તો સંપૂર્ણ દારૂબંધી હતી પણ પછી ધીમે-ધીમે બહુ મર્યાદિત પ્રમાણમાં દારૂ માટેની પરમિટ આપવાનું શરૂ થયું. આવી પરમિટને આધારે કયા પ્રકારનો દારૂ કેટલા પ્રમાણમાં ખરીદી શકાય એ પણ નક્કી હતું. પરમિટ વગર કોઈ પણ પ્રકારનો દારૂ વેચવો, ખરીદવો, સંઘરવો, પીવો કે પીવડાવવો એ સજાને પાત્ર ગુનો બનતો. ૧૯૬૩ પછી મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી ધીમે-ધીમે હળવી થતી ગઈ. જ્યારે મુંબઈ રાજ્યનું બીજું વારસદાર રાજ્ય ગુજરાત હજી ચુસ્તપણે કાનૂની દારૂબંધીને વળગી રહ્યું છે. એટલે કે આ ખટલો ચાલ્યો એ વખતે મુંબઈમાં દારૂબંધી હતી.) 
મિસ આહુજા: ના જી. મને ખબર નથી.
ખંડાલાવાલા: તો હું તમને કહું. પ્રેમ આહુજા પાસે જે પરમિટ હતી એ ફક્ત સાડાછ ઔંસ બ્રાન્ડીની હતી. બીજા કોઈ પણ દારૂની નહોતી. અને તમારા ભાઈના મોત પછી જ્યારે તેમના બેડરૂમની તલાશી લેવામાં આવી ત્યારે એ રૂમમાંથી જુદા-જુદા પ્રકારના દારૂની ૨૧ જેટલી બાટલીઓ મળી આવી હતી. 
મિસ આહુજા: બાટલીઓ મળી આવી હતી એની મને ખબર છે, પણ કેટલી અને કયા પ્રકારના દારૂની એ હું જાણતી નથી. 
ખંડાલાવાલા: મરનાર પ્રેમ આહુજા પાસે દારૂની જે પરમિટ હતી એ તમે જોઈ તો હશે જ.
મિસ આહુજા: મારા ભાઈએ મને કહેલું ખરું કે તેની પાસે દારૂની પરમિટ છે પણ મેં પોતે એ જોઈ નહોતી. 
ખંડાલાવાલાએ પ્રેમ આહુજાના નામની દારૂની પરમિટ બતાવીને પૂછ્યું : આ પરમિટ પર તમારા ભાઈ અને મરનાર પ્રેમ આહુજાની સહી છે એ તો તમે ઓળખી શકશોને?
મિસ આહુજા : હા, જી. આ સહી મારા ભાઈની જ છે.  
આ તબક્કે ખંડાલાવાલાને રોકતાં જજ મહેતાએ પૂછ્યું : આ બધી બાબતો અને વિગતોની અહીં ચર્ચા કરવાનું જરૂરી છે ખરું?
ખંડાલાવાલા: હા, નામદાર. મરનાર પ્રેમ આહુજા એક બદચલન, કાયદા-કાનૂનનો ભંગ કરનાર અને શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો એ વાત પુરવાર કરવા માટે આમ કરવું જરૂરી છે.
જજ મહેતા: યુ મે પ્રોસીડ ફર્ધર, મિસ્ટર ખંડાલાવાલા. 
ખંડાલાવાલા: થૅન્ક યુ, માય ઓનર. હા, તો તમારા ભાઈને મળવા મિસિસ સિલ્વિયા નાણાવટી અવારનવાર તમારા ઘરે આવતાં એ વાત સાચી છે?
મામી આહુજા: મારા ભાઈને મળવા તેઓ ક્યારેક અમારે ઘરે આવતાં એમ કહેવું વધારે સાચું ગણાશે. 
ખંડાલાવાલા: પણ તમે પોલીસને આપેલા નિવેદનમાં તો એમ કહ્યું હતું કે મિસિસ નાણાવટી તમારા ભાઈને મળવા અવારનવાર તમારા ઘરે આવતાં.
મામી આહુજા: ‘અવારનવાર’ શબ્દનો અર્થ મારા મનમાં ‘ક્યારેક’ એવો હતો.
ખંડાલાવાલા: હકીકત તો એ છે કે તમને મળવાને બહાને સિલ્વિયા નાણાવટી મિસ્ટર આહુજાને મળવા આવતાં હતાં. 
મામી આહુજા: આ વાત સાચી નથી. 

વધુ ઊલટતપાસમાં મામી આહુજાએ કહ્યું: જાન્યુઆરીમાં હું દિલ્હી ગઈ હતી. ત્યારે પ્રેમ પણ દિલ્હીમાં હતો અને અશોક હોટેલમાં રહેતો હતો. એ વખતે સિલ્વિયા નાણાવટી પ્રેમને મળવા રોજ હોટેલ પર જતી હતી કે નહીં એની મને ખબર નથી. હકીકતમાં કૉફી હાઉસમાં હું સિલ્વિયાને અચાનક મળી ત્યાં સુધી મને તો ખબર પણ નહોતી કે તે દિલ્હીમાં છે. મોટર દ્વારા મુંબઈ જવા ૨૫ કે ૨૬ જાન્યુઆરીએ મેં પ્રેમને સમજાવ્યો. ૨૭મી તારીખે મેં સિલ્વિયાને કહ્યું કે તું પણ અમારી સાથે મુંબઈ ચાલ. એ વખતે મને ખબર નહોતી કે પ્રેમે આ વિશે મારા પહેલાં જ તેને નોતરું આપી દીધું છે. 

ખંડાલાવાલા: તમે સિલ્વિયાને નોતરું આપ્યું એ વખતે તેની અને તમારા ભાઈ વચ્ચેના પ્રેમપ્રકરણની તમને ખબર હતી?
મામી આહુજા: જો મને ખબર હોત તો મેં તેને નોતરું આપ્યું જ ન હોત.
ખંડાલાવાલા: તો તમને ક્યારે ખબર પડી?
મામી આહુજા: ૨૯મીની સવારે આગરાની હોટેલમાં નાસ્તો કરતી વખતે પ્રેમે પહેલી વાર એ વિશે કહ્યું. 
ખંડાલાવાલા: એ વખતે બીજું કોઈ હાજર હતું?
મામી આહુજા: ના જી. 
ખંડાલાવાલા: પછી આ વિશે તમે સિલ્વિયા નાણાવટી સાથે વાત કરેલી?
મામી આહુજા: ના, જી. મુંબઈ આવ્યા પછી પણ નહીં. 
ખંડાલાવાલા: કેમ? સિલ્વિયા સાથે વાત કરવાની તમારા ભાઈએ તમને ના પાડી હતી?
મામી આહુજા: ના જી. એવું કશું જ તેણે મને કહ્યું નહોતું, પણ મને લાગતું હતું કે પ્રેમ અને સિલ્વિયા લગ્ન કરે એ યોગ્ય નથી.
ખંડાલાવાલા : તો તમે એ વિશે તમારા ભાઈ સાથે વાત જ ન કરી એનું કારણ શું?
મામી આહુજા: બન્ને ઉંમરલાયક હતાં. સાચું-ખોટું શું એ સમજી શકે તેવાં હતાં. એટલે તેમની વાતમાં હું કઈ રીતે વચ્ચે પડી શકું?
ખંડાલાવાલા : શું એ સાચું નથી કે તમે પણ એ બેનાં લગ્નની તરફેણમાં હતાં?
મામી આહુજા: ના જી. બિલકુલ નહીં. 
ખંડાલાવાલા: બનાવને દિવસે તમે તમારા બેડરૂમમાં સૂઈ ગયાં હતાં?
મામી આહુજા: ના જી. હું પલંગમાં આડી પડી હતી.
ખંડાલાવાલા: પણ પોલીસને આપેલા નિવેદનમાં તો તમે કહ્યું છે કે ‘હું સૂતેલી હતી.’
મામી આહુજા: એનો અર્થ હું સૂઈ ગઈ હતી એવો નથી પણ હું પલંગમાં આડી પડી હતી એવો થાય છે. 
ખંડાલાવાલા: અચ્છા. તો તમે પલંગમાંથી ઊઠવાની તૈયારીમાં હતાં ત્યારે તમે શું સાંભળ્યું હતું? મામી આહુજા: બારીનો કાચ તૂટવાનો અવાજ અને એક ચીસ. 
ખંડાલાવાલા: ઉપરાંત બીજું કાંઈ?
મામી આહુજા: હા. ઝપાઝપીનો અવાજ. 
ખંડાલાવાલા: પોલીસને આપેલા નિવેદનમાં તમે ઝપાઝપીના અવાજનો ઉલ્લેખ નહોતો કર્યો.
મામી આહુજા: કારણ ત્યારે હજી હું આઘાતમાંથી પૂરેપૂરી બહાર આવી નહોતી. 
ખંડાલાવાલા: રિવૉલ્વર ફૂટવાનો અવાજ સાંભળવા વિશે પણ તમે પોલીસને કશું કહ્યું નહોતું. મામી આહુજા: કારણ એવો અવાજ મેં કોઈ દિવસ સાંભળ્યો નથી એટલે એ કેવો હોય એની મને ખબર નથી. 
ખંડાલાવાલા: તમે તમારા ભાઈના બેડરૂમમાં પહોંચ્યાં ત્યારે સૌથી પહેલાં શું જોયું?
મામી આહુજા: નાણાવટી બારણા પાસે ઊભો હતો અને લાગતું હતું કે તે બેડરૂમમાંથી બહાર નીકળી રહ્યો છે. તેના હાથમાં રિવૉલ્વર હતી. 
ખંડાલાવાલા : એટલે કે તમે નાણાવટીને રિવૉલ્વરમાંથી ગોળીબાર કરતા જોયા નહોતા. માત્ર તેમના હાથમાં રિવૉલ્વર હતી એટલું જ જોયું હતું. બરાબર?
મામી અહુજા: ના જી. મેં પોલીસને નિવેદન નોંધાવ્યું ત્યારે ડૉક્ટરે મને ઘેનનું ઇન્જેક્શન આપ્યું હતું એટલે હું થોડી તંદ્રાવસ્થામાં હતી. એટલે હું બધું ન કહી શકી હોઉં એવું બને.       
ખંડાલાવાલા : શું એ વાત સાચી નથી કે તમને અનિદ્રાનો પ્રૉબ્લેમ હોવાથી તમે અવારનવાર સ્લીપિંગ પિલ્સ લો છો?
મામી આહુજા: અવારનવાર નહીં, પણ ક્યારેક મારે એવી દવા લેવી પડે છે. 
ખંડાલાવાલા : એટલે કે તમે આવી દવા લેવાથી ટેવાયેલાં છો. અને જો એમ હોય તો પોલીસમાં નિવેદન નોંધાવતાં પહેલાં તમે એવી દવા લીધી હોય તો એની એટલી અસર તો ન થાય કે ખરેખર શું બન્યું હતું એ વિશે તમારા મનમાં અસ્પષ્ટતા ઊભી થાય. એટલે એમ માનવાને પૂરતું કારણ છે કે તમે રિવૉલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત પાછળથી ઉપજાવી કાઢી છે. 
બચાવ પક્ષના વકીલ: આઇ ઑબ્જેક્ટ યૉર ઓનર. મારા અસીલ પર વિના કારણ ખોટું આળ મુકાઈ રહ્યું છે.
જજ મહેતા: ઑબ્જેક્શન સસ્ટેન્ડ.

અને એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. એટલે નેવીના ઑફિસર યાજ્ઞિકનાં પત્નીની ઊલટતપાસ મુલતવી રાખવામાં આવી.
ચતુર સુજાણ વાચકો મનમાં જરૂર વિચારતા હશે: બચાવ પક્ષના વકીલનું નામ કેમ નથી આપતા આ ભાઈ! OK. તેમનું નામ હતું રામ જેઠમલાણી. તેમની કારકિર્દીનો આ પહેલવહેલો ‘હાઈ પ્રોફાઇલ’ કેસ. વધુ વાત હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2025 12:37 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK