Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાજ કપૂરને એ વાતનો અણસાર આવી ગયો હતો કે વિદાયની વેળા નજીક આવી ચૂકી છે

રાજ કપૂરને એ વાતનો અણસાર આવી ગયો હતો કે વિદાયની વેળા નજીક આવી ચૂકી છે

11 March, 2023 01:24 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

કોણ જાણે કેમ, ૧૯૮૭નું વર્ષ શરૂ થયું ત્યારે રાજ કપૂરને એક વાતનો અણસાર આવી ગયો હતો કે વિદાયની વેળા આવી ચૂકી છે

‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’નાં એડિટર ગુલશન ઈવિંગ સાથે ડાન્સ કરતા રાજ કપૂર.

વો જબ યાદ આએ

‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’નાં એડિટર ગુલશન ઈવિંગ સાથે ડાન્સ કરતા રાજ કપૂર.


‘Intuition is the whisper of the soul’ 
- Jadu Krishnamurthy 
તર્કની મદદ વિના થતું જ્ઞાન કે પ્રત્યક્ષ જ્ઞાન, જેને આપણે Intuition અથવા Gut  feeling કહીએ છીએ, એ તો આત્માએ હળવેથી કાનમાં કહેલી વાત છે. આ એક એવો સંકેત છે જે ન સમજાવી શકાય કે ન નજરઅંદાઝ કરી શકાય. ક્યાંક વાંચ્યું હતું, ‘Intuition is nose of the mind.’ સીધીસાદી ભાષામાં જેને ‘અંતરાત્માનો અવાજ’ કહીએ એનો સંકેત દરેક વખતે એક વાતનો અણસાર આપી જાય છે કે ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે. એ માનવો કે ન માનવો, એ દરેકની પસંદગીનો વિષય છે.

કોણ જાણે કેમ, ૧૯૮૭નું વર્ષ શરૂ થયું ત્યારે રાજ કપૂરને એક વાતનો અણસાર આવી ગયો હતો કે વિદાયની વેળા આવી ચૂકી છે. બન્યું એવું કે છેલ્લા થોડા મહિનાઓમાં યમરાજા ફિલ્મી દુનિયામાં વધુપડતા કાર્યરત થઈ ગયા હતા. સંજીવ કુમાર, સ્મિતા પાટીલ, કિશોરકુમાર, સંગીતકાર શંકર જેવા કલાકારોના નિધનથી સૌ દુખી હતા. રાજ કપૂર નજીકના મિત્રોને કહેતા, ‘મૂળ તો યમરાજ મારી શોધમાં હતા. ભૂલમાં આ કલાકારોને સમય પહેલાં લઈ ગયા. એમની પાસે આપવા જેવું હજી ઘણું બાકી હતું. મને લાગે છે કે કાળદેવતા વારંવાર પોતાનું નિશાન ચૂકી જાય છે અને મારા બદલે એમનો વારો આવે છે.’



ચેમ્બુરમાં આવેલી રવિ કૅફે રાજ કપૂરની ફેવરિટ હતી. ત્યાં બેસી કૉફીની ચૂસકી લેતાં રાજ કપૂર એક સાંજે પત્રકાર મિત્ર બની રૂબેનને કહે છે, ‘મને લાગે છે મારો સમય આવી ગયો છે.’ મિત્રભાવે રાજ કપૂરને પ્રેમથી ખખડાવતાં બની રૂબેન કહે છે, ‘Don’t talk nonsense. મનમાંથી આ વાત કાઢી નાખો. આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે.’ પરંતુ રાજ કપૂર ફરી-ફરીને આ વિષય પર વાત લઈ આવતા. તેમના દિલોદિમાગ પર આ વિચારે એવો કબજો લઈ લીધો હતો કે દરેક વાતને અંતે તેમનું વર્તન આ વાતની સાબિતી આપતું હતું.


એક દિવસ વર્ષો જૂના સેક્રેટરી હરીશ બીબરા તેમની પાસે આવ્યા અને રાજીનામાનો પત્ર આપ્યો. રાજ કપૂરે એ વાંચીને ઉદાસ ચહેરે કહ્યું, ‘મારી પાસે હવે વધુમાં વધુ એક કે બે વર્ષ બાકી છે. શા માટે આવા સમયે તારે મને છોડીને જવું છે?’ સેક્રેટરીએ ત્યાંને ત્યાં એ કાગળ ફાડી નાખ્યો. ત્યાર બાદ કદી તેણે એ વાતનો ઉલ્લેખ ન કર્યો.

બની રૂબેન ભલે એક પત્રકાર હતા પરંતુ રાજ કપૂર સાથેની તેમની નિકટતાને કારણે બંને વચ્ચે દિલ ખોલીને વાતો થતી. એક દિવસ રાજ કપૂરે તેમને પ્રશ્ન કર્યો. ‘આ જીવન સમાપ્ત થાય છે અને દરેક ચીજનો અંત આવે છે. શું સારું, શું ખરાબ, સુખ, દુઃખ, વ્યથા, આનંદ, મોજમસ્તી, પીડા; દરેક અવસ્થા જીવન છે ત્યાં સુધી છે. જીવનના અંત બાદ કશું જ નથી. ટોટલ ઝીરો. તમે જીવો છો અને મૃત્યુ પામો છો; બસ, Matter ends there.’


રાજ કપૂરની હાલત જોઈ એમ જ લાગે કે જાણે-અજાણે તે મૃત્યુ વિશેના ડરામણા  વિચારોના પ્રેમમાં પડી ગયા હોય. હકીકત એ છે કે ડર મૃત્યુનો નહીં, એની સાથે જોડાયેલી પીડાનો હોય છે. એક અજાણ્યા પ્રદેશમાં જવાનો ડર. જે શરીર સાથે જીવવાની ટેવ પડી છે એ શરીરને છોડવાનો ભય. આ વિચાર તેમને સતત ડિપ્રેશનમાં લઈ જતો હતો. એમ છતાં વારંવાર એને પંપાળ્યા કરવાની તેમને ટેવ પડી ગઈ હતી. એક સંવેદનશીલ કલાકાર માટે આ એક ઑક્યુપૅશનલ હૅઝર્ડ જેવી વાત હતી. રાજ કપૂરની એક સારી આદત હતી. ફિલ્મમેકર તરીકે તેમને સાથીદારોના અભિપ્રાય જાણવામાં રસ હતો. તમે ડિસ્ટ્રિબ્યુટર હો કે પછી સ્ટુડિયોના એક કામદાર, રાજ કપૂર હંમેશાં તેમના કામ વિશે લોકો શું માને છે એની પૂછપરછ કરતા અને જે રીતે લોકોની પ્રતિક્રિયા આવતી એને અનુરૂપ તે પોતાના કામને ઢાળવાનો પ્રયત્ન કરતા.

આ જ આદતવશ એક દિવસ તેમણે બની રૂબેનને પ્રશ્ન કર્યો કે જીવન અને મૃત્યુ વિશે તેમના શું વિચાર છે? જવાબ મળ્યો, ‘હું નથી માનતો કે જીવન પૂરું થતાં સઘળું સમાપ્ત થઈ જાય છે. મારા હિસાબે પુનર્જન્મ શક્ય છે. આત્મા અનંત છે, એ કેવળ શરીર બદલે છે. સંપૂર્ણપણે તમારું કર્મ કર્યા બાદ જ આત્માનું પરમાત્મામાં રૂપાંતર થાય છે.’

આ સાંભળતાં રાજ કપૂર કટાક્ષમાં એટલું જ કહે છે, ‘આ વાતો જાત છેતરામણી જેવી છે. કેવળ દિલને બહેલાવવા માટે માણસજાતે આ તર્ક શોધ્યો છે.’
એ દિવસોમાં અમુક ઘટનાઓ એવી બનતી રહી કે તેમની માન્યતાઓ દૃઢ થતી ગઈ. અચાનક મીડિયામાં તેમના કામ વિશે અનેક આર્ટિકલ્સ પ્રિન્ટ થવા લાગ્યા એટલું જ નહીં,  અનેક લોકોએ તેમની જીવનકથની લખવાની મરજી દેખાડી. ફિલ્મમેકર રાજ કપૂરના યોગદાન અને સિદ્ધિઓ પર ડૉક્યુમેન્ટરી બનાવવાની વાતો થવા લાગી.

એ અરસામાં સિમી ગરેવાલે ચૅનલ ફોર માટે ‘લિવિંગ લેજન્ડ્સ’ સિરીઝમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરવાનું શરૂ 
કર્યું. ઑલ ઇન્ડિયા રેડિયોએ તેમના ઇન્ટરવ્યુ પ્લાન કર્યા. ફિલ્મ્સ ડિવિઝન માટે સિદ્ધાર્થ કાક પણ એક ડૉક્યુમેન્ટરીની તૈયારીમાં હતા.
આ  પ્રવૃત્તિઓ જોઈ રાજ કપૂરે એક દિવસ પત્નીને કહ્યું, ‘કૃષ્ણાજી, મેં કહ્યુંને કે મારો જવાનો સમય થઈ ગયો છે. હવે તો દુનિયાને પણ ખબર પડી ગઈ છે. તમે જ કહો, એ વિના અચાનક આટલા લોકો જીવનકથા લખવાની અને ડૉક્યુમેન્ટરી બનાવવાની તૈયારી શું કામ કરે?’ પત્નીએ જવાબ આપ્યો, ‘ડોન્ટ બી સિલી. આવા વિચારો શું કામ કરો છો? આ તો તમારા માટે દુનિયાને જે પ્રેમ અને માન છે, એનું પરિણામ છે.’ એક ક્ષણનો વિચાર કર્યા વિના રાજ કપૂરે જવાબ આપ્યો, ‘જીવતે જીવ આટલો પ્રેમ અને માન દુનિયામાં કોઈને ન મળે. આ સઘળું બતાવે છે કે ઉપર જવાનું મારું ઍડ્વાન્સ બુકિંગ થઈ ગયું છે.’

અંત નજીક હોય ત્યારે મનુષ્ય વીતેલી મીઠી યાદોનો ગાભો બનાવીને આવનારી ક્ષણોનો સામનો કરવાનો મિથ્યા પ્રયત્ન કરતો હોય છે. મૃત્યુ જીવન જેટલી જ વાસ્તવિકતા છે. એમ છતાંય એનો સામનો કરવો હોય ત્યારે જીવનની સુખદ સ્મૃતિઓ જેવી ઢાલ બીજી કોઈ નથી. ૩ જૂન, ૧૯૮૮ ‘ઇન્ડિયન પોસ્ટ’ માટે પત્રકાર સંજય સાયાનીને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ કપૂર કહે છે, ‘અત્યારે મને મુકેશ, શૈલેન્દ્ર, જયકિશન અને શંકરની ખૂબ યાદ આવે છે. આર. કે. ફિલ્મ્સની સફળતામાં આ સૌનો બહુ મોટો ફાળો છે. આ કલાકારો મારી ટીમના મહત્ત્વના સભ્યો હતા એટલું જ નહીં, મારા સ્ટુડિયોના કર્મચારીઓ, ટેક્નિશ્યન્સ, પરિવાર, મિત્રો, શુભેચ્છકો, સાથીઓ; દરેકે રાજ કપૂરને એક એવા મુકામ પર પહોંચાડ્યો છે જ્યાં જૂજ લોકો પહોંચી શક્યા છે. તેમના સહકાર અને મહેનત વિના રાજ કપૂર અહીં સુધીની મંઝિલ ન કાપી  શકે. હું મારી સફળતાના સાચા હકદાર આ લોકોને ગણું છું. અત્યારે હું જે મનોદશામાં જીવી રહ્યો છું ત્યારે સતત મારા જૂના દિવસો અને સાથીઓ સાથે પસાર કરેલી યાદગાર ક્ષણોની સ્મૃતિઓ ઘોડાપૂરની જેમ આવીને મારા અસ્તિત્વને ઘેરી વળે છે.’

એ દિવસોમાં એક નહીં, અનેક વાર રાજ કપૂર આ વાતનો ઉલ્લેખ કરતા રહે છે. તેમની જીવનકથની લખતા લેખકો હોય કે પછી ડૉક્યુમેન્ટરી બનાવતાં સિમી ગરેવાલ અને સિદ્ધાર્થ કાક હોય, રાજ કપૂર સાથી કલાકારોને યાદ કરતાં આ જ વાતનું રટણ કરતા હતા કે હું જે કંઈ છું એ મારા સાથી કલાકારોને કારણે છું. ૧૪  ફેબ્રુઆરી, ૧૯૮૮ની સાંજે નેહરુ સેન્ટર ઑડિટોરિયમમાં યોજાયેલા ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ના અવૉર્ડ ફંક્શનમાં સ્ટેજ પરથી ફરી એક વાર આ એકરાર રાજ કપૂર કરે છે. પ્રેક્ષકો તાળીઓથી ‘શોમૅન’ને વધાવી લે છે. સ્ટેજ પર રાજ કપૂરની પ્રિય ‘વૉલ્ટઝ’ ધૂનમાં ‘જીના યહાં મરના યહાં’ શરૂ થાય છે. ત્યારે કોઈને ખબર નહોતી કે જૂની મિત્ર અને વિખ્યાત પત્રકાર ગુલશન ઈવિંગ સાથે મસ્તીથી નાચતા રાજ કપૂરને જોવાનો આવો લહાવો ફરી કદી નહીં મળે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 01:24 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK