° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


કહો દુશ્મનને, દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે

15 May, 2022 12:53 PM IST | Mumbai
Rajani Mehta

રાજ કપૂરે જ્યારે જાહેરાત કરી કે પદ્‍‍મિની તેમની નવી ફિલ્મની હિરોઇન છે એ સાંભળતાં જ વિરોધની શરૂઆત થઈ. સૌ જાણે છે કે સાઉથના કલાકારોને ત્યાંના પ્રેક્ષકો ભગવાનની જેમ પૂજે છે. એ સમયે પદ્‍‍મિની સાઉથની મોટા ભાગની ફિલ્મોમાં કામ કરતી લોકપ્રિય હિરોઇન હતી.

રાજ કપૂર અને પદ્‍મિની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં વો જબ યાદ આએ - રાજ કપૂર સ્પેશ્યલ

રાજ કપૂર અને પદ્‍મિની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં

નર્ગિસ સાથેના સંબંધવિચ્છેદ બાદ લગભગ એક વર્ષ સુધી રાજ કપૂર નિષ્ક્રિય રહ્યા. વર્ષો બાદ એ સમયની પોતાની માનસિક હાલત વિશે વાત કરતાં રાજ કપૂર બની રુબેનને કહે છે, ‘એ સમયે હું મારી જાત પર વિશ્વાસ ગુમાવી બેઠો હતો. (નર્ગિસ સાથેનાં) એ ૧૦ વર્ષ હું જીવનને ભરપૂર જીવ્યો. મારી ક્ષમતાથી ઉત્તમ મેં કામ કર્યું. અદ્ભુત ઊર્જાથી ફિલ્મો બનાવી. મારા સાથીઓ, સહયોગીઓ અને સ્ટુડિયોના સ્ટાફે એકરૂપ થઈને કામ કર્યું એના પરિણામે જે ફિલ્મો બની એ કૅન્વસ પરની કવિતા હતી. એ અનુભૂતિએ મારા જીવનને એક નવી દિશા આપી.

ત્યાર બાદ એક શૂન્યાવકાશ સર્જાયો. મને થયું કે હું કદી ફિલ્મો નહીં બનાવી શકું. મારી પાસે કોઈ ‘મોટિવેશન’ નહોતું. હું જીવનના એક એવા વળાંક પર આવીને ઊભો હતો જ્યાં ફરી એક વાર મારે મારી જાતને પુરવાર કરવાની હતી. મારા માટે મારું કામ જ મારો ભગવાન છે. લાઇટ્સ, કૅમેરા, ફિલ્મ - એના સિવાય હું મારા અસ્તિત્વની કલ્પના જ ન કરી શકું. મારી લડાઈ મારે જ લડવાની હતી. મેં નક્કી કર્યું કે વર્ષો પહેલાં જે પરિશ્રમ કર્યો હતો, ફરી વાર એ જ જુસ્સાથી મારે શરૂઆત કરવી પડશે. મારી સામે જે પડકાર છે એનો મારે હિંમતથી સામનો કરવો જ પડશે.’

આમ રાજ કપૂરે બહારની ફિલ્મોમાં કામ કરીને પોતાને વ્યસ્ત રાખવાનો નિર્ણય કર્યો. એ દિવસોમાં એલ. વી. પ્રસાદની ફિલ્મ ‘શારદા’ માટે જાણીતા હીરો ના પાડતા હતા, પણ રાજ કપૂરે એ રોલ સ્વીકાર્યો. એટલું જ નહીં, એમાં અદ્ભુત અભિનય આપ્યો. ફિલ્મનો સબ્જેક્ટ ‘બોલ્ડ’ હતો. એક સમયે જે યુવતીને પ્રેમ કરતો હોય એનો સંજોગવશાત્ માતા તરીકે સ્વીકાર કરવો પડે એવા યુવકની ભૂમિકા કરવા બદલ તેમની ભરપૂર પ્રશંસા અને એટલી જ ટીકા થઈ. આરકેના બૅનર નીચે નવી ફિલ્મ શરૂ કરવા માટે હજી રાજ કપૂર માનસિક રીતે તૈયાર નહોતા, એટલે તેમણે જે ફિલ્મો ઑફર થઈ એ સ્વીકારી લીધી. એની પાછળનો આશય વ્યસ્ત રહેવા ઉપરાંત સ્ટુડિયો અને ઘરખર્ચ માટે પૈસા મળે એ જ હતો.

કહેવાય છેને કે દુઃખનું ઓસડ દહાડા. નર્ગિસના વિરહની પીડા ધીમે-ધીમે ઓછી થતી હતી, પરંતુ જે રીતે રાજ કપૂર આડેધડ ફિલ્મો સાઇન કરી રહ્યા હતા એ જોઈને વિવેચકો કહેતા, ‘એક ફિલ્મમેકર તરીકે ‘Raj Kapoor is finished.’ જો આવી જ રીતે તેઓ ફિલ્મોમાં કામ કરશે તો એક અભિનેતા તરીકે પણ તેમની કારકિર્દીનો અંત નજીક છે.’ 
રાજ કપૂર મનોમન તેમને જવાબ આપતા, 
‘કહો દુશ્મનને, દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ, 
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.’
-મરીઝ   

રાજ કપૂરના કાને ઊડતી-ઊડતી વાતો આવી કે નર્ગિસ પણ એવું જ માને છે કે રાજ કપૂરનું ભવિષ્ય ધૂંધળું છે. રાજ કપૂરના અહમ્ પર આ ઘાત ‘blessings in disguise’ જેવો હતો. તેમને  માટે આ ટીકા એક ‘motivating force’ બની ગઈ. તેમની સર્જનાત્મક શક્તિઓને જાણે નવી ઊર્જા મળી હોય એમ તેમણે એક નવી ફિલ્મની શરૂઆત કરી. ડાકુઓના આત્મસમર્પણ જેવા શુષ્ક અને અનરોમૅન્ટિક વિષય પરથી બનતી આ ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ માટે તેમને એક  નવી હિરોઇનની તલાશ હતી. જાણીતી હિરોઇનો છોડીને રાજ કપૂરે પદ્‍મિનીને પસંદ કરી. એનું મુખ્ય કારણ એ હતું કે ભરતનાટ્યમની એક ભાવમુદ્રા કરતો પદ્‍મિનીનો ફોટો તેમના હાથમાં આવ્યો હતો. એને જોતાવેંત જ તેમણે નક્કી કર્યું કે પ્રેમની તલાશમાં બે પ્યાસી આંખોવાળો આ નિર્દોષ ચહેરો મારી હિરોઇનનો છે. 

રાજ કપૂર અને પદ્‍મિની એકમેકથી અજાણ્યાં નહોતાં. ‘ત્રાવણકોર સિસ્ટર્સ’ના નામે નૃત્યના ક્ષેત્રે જાણીતી ત્રણ બહેનોમાં પદ્‍મિની અને રાગિણી સાઉથની ફિલ્મોમાં કામ કરતી. ૧૯૫૭માં મૉસ્કોના યુથ ફેસ્ટિવલમાં પદ્‍મિની અને રાજ કપૂરની નજીકથી ઓળખાણ થઈ. મૉસ્કોથી પાછા  આવ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં પદ્‍મિની કહે છે, ‘રાજભૈયા મૉસ્કોમાં ખૂબ લોકપ્રિય હતા. અમે જ્યાં જઈએ ત્યાં લોકો અમને પૂછતાં, ‘તમે ભારતીય છો? તમે પંડિત નેહરુને જાણો છો? તમે રાજ કપૂરને ઓળખો છો?’ આ બન્ને રશિયામાં અત્યંત લોકપ્રિય છે. 

ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની બાદ અમે સ્ટેડિયમની બહાર નીકળ્યાં ત્યારે સૌ અમને ઘેરી વળ્યા. રાજભૈયા સાથે હાથ મિલાવવા લોકોએ ધક્કામુક્કી કરી. બન્યું એવું કે એ લોકોએ તેમને ઘેરી લીધા અને અમે છૂટાં પડી ગયાં. અમે દૂર રહીને જોતાં હતાં કે યુવાન છોકરીઓ રાજભૈયા પાછળ પાગલ હતી. એક છોકરી તો ‘ઓહ, રાજ કપૂર’ એટલું કહીને લગભગ ઢળી પડી હતી. 
સિક્યૉરિટીના માણસો અમને ઍમ્બ્યુલન્સમાં બેસાડીને પૅવિલિયનમાં લઈ આવ્યાં. રાજભૈયા ત્યાં હતા. તેમનાં કપડાં ફાટી ગયાં હતાં. અહીં પણ લોકો તેમની નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા. અમે જે સીટ પર બેઠાં હતાં એની ઉપરની સીટમાં પ્રેસિડન્ટ ક્રુશ્ચોવ બેઠા હતા. એ પછીના દિવસોમાં  અમે રાજભૈયા સાથે અનેક ફંક્શનમાં ગયાં. જ્યાં જઈએ ત્યાં લોકો અમને ઓળખી જાય. રસ્તા પર અમને કહે, ‘ગીત ગાઓ અને ડાન્સ કરો. જ્યારે અમે ડાન્સ કરતાં હોઈએ ત્યારે તેઓ રશિયન ભાષામાં ‘આવારા હૂં’ અને ‘ઇચક દાના બીચક દાના’ ગાય. એ ટૂર મારા જીવનની યાદગાર સ્મૃતિ છે.’ 

એ સમયે પદ્‍મિનીને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે એક દિવસ તે રાજ કપૂરની હિરોઇન બનશે. રાજ કપૂરે જ્યારે જાહેરાત કરી કે પદ્‍મિની તેમની નવી ફિલ્મની હિરોઇન છે એ સાંભળતાં જ વિરોધની શરૂઆત થઈ. આપણે સૌ જાણીએ છીએ કે સાઉથના કલાકારોને ત્યાંના પ્રેક્ષકો ભગવાનની જેમ પૂજે છે. એ સમયે પદ્‍મિની સાઉથની મોટા ભાગની ફિલ્મોમાં કામ કરતી લોકપ્રિય હિરોઇન હતી. એટલું જ નહીં, તામિલ, તેલુગુ અને મલયાલમ ધાર્મિક ફિલ્મોમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ સિવાય પ્રોડ્યુસર્સને બીક હતી કે જો તે મુંબઈ શૂટિંગ કરવા જશે તો પોતાની ફિલ્મો માટે તારીખ નહીં મળે. 

એટલું જ નહીં, પદ્‍મિની અને તેની માતા સરસ્વતી પર અનામી પત્રોનો મારો ચાલ્યો. એમાં  ધમકી આપવામાં આવતી કે જો રાજ કપૂરની ફિલ્મમાં પદ્‍મિની કામ કરશે તો એનું ખરાબ પરિણામ આવશે. અમુક પત્રોમાં ચેતવણી અપાતી કે એક વાર રાજ કપૂરની પકડમાં આવ્યા બાદ પદ્‍મિનીની હાલત પણ નર્ગિસ જેવી થઈ જશે. રાજ કપૂર ઉપર પણ અનેક ધમકીભર્યા પત્રો આવ્યા (આવું જ કંઈક ‘સંગમ’ વખતે થયું, જ્યારે વૈજયંતીમાલાને હિરોઇન બનાવવાનું નક્કી થયું).

પદ્‍મિની રાજ કપૂરની હિરોઇન બનવા ખૂબ ઉત્સુક હતી, પરંતુ તેની માતા પહેલેથી જ તેની વિરુદ્ધ હતી. તેના હિતેચ્છુઓ તેનું ‘બ્રેઇન વૉશ’ કરતા. તેમનું કહેવું હતું કે એક વાર પદ્‍મિની પર રાજ કપૂરનો જાદુ ચાલશે તો પછી તેની હાલત પણ નર્ગિસ જેવી જ થઈ જશે. સરસ્વતીઅમ્માને ખબર નહોતી કે એક અભિનેત્રી તરીકે નર્ગિસ અને પદ્‍મિની વચ્ચે કોઈ સરખામણી શક્ય જ નહોતી. તેમને ડર એટલો જ હતો કે રાજ કપૂર સાથે પદ્‍મિનીનું કોઈ પણ પ્રકારનું ‘ઇમોશનલ અટેચમેન્ટ’ થઈ જાય એ દરેક રીતે નુકસાનકારક હતું. 

રાજ કપૂર સાથે કામ કરવાનો મોકો પદ્‍મિની ગુમાવવા નહોતી માગતી. તેણે યેનકેન પ્રકારેણ અમ્માને મનાવી લીધાં. ફિલ્મ શરૂ થઈ અને ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન ફિલ્મી સ્ટાઇલમાં પદ્‍મિની સાથે સરસ્વતીઅમ્મા, ‘મેકઅપ-મૅન’ ધન્નાકોડી, બે લેડી અસિસ્ટન્ટ અને બન્ને બહેનો રાગિણી અને લલિતા સાથેનો મોટો કાફલો શૂટિંગ માટે મુંબઈ આવ્યો. આરકે ફિલ્મ્સે જોરશોરથી પદ્‍મિનીની પબ્લિસિટી શરૂ કરી. પોતાની મહેમાનનવાજી માટે જાણીતા રાજ કપૂરે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે હિરોઇન સાથે આવેલા રસાલાને કોઈ પણ જાતની તકલીફ ન પડે. સરસ્વતીઅમ્માની દરેક માગણીઓ પૂરી થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. 

પદ્‍મિનીના ‘મેકઅપ-મૅન’ ધન્નાકોડીને રમી રમવાનો શોખ હતો. આરકેના સાઉન્ડ રેકૉર્ડિસ્ટ અલાઉદ્દીન તેમની સાથે રમતા અને મોટા ભાગે હારી જતા. આને કારણે સેટ પર ભાગ્યે જ તેમની હાજરી રહેતી. અમ્મા સતત સેટ પર હાજર રહેતાં અને પોતાનું સૌથી મોંઘું અને પ્રિય ઘરેણું પદ્‍મિની નજરથી એક પળ માટે અળગું ન થાય એનો ખ્યાલ રાખતાં. શૂટિંગ દરમ્યાન (અને બ્રેકમાં) તેમને લાગતું કે પદ્‍મિની રાજ કપૂરની નજીક જઈ રહી છે ત્યારે ઘણી વાર તે જાહેરમાં  દીકરીને ટોકતાં અને યાદ દેવડાવતાં કે હીરો સાથે વધારે પડતી નિકટતા સારી નથી. પદ્‍મિની પોતાનો બચાવ કરતી. અમુક સમયે મા-દીકરી વચ્ચે ગરમાગરમી થતી. અલબત્ત આ ચર્ચા સાઉથ ઇન્ડિયન ભાષામાં થતી, પરંતુ હાજર રહેલા દરેકને એનો અંદેશો આવી જતો. આને કારણે સેટ પર ટેન્શન રહેતું અને રાજ કપૂર અપસેટ રહેતા. 

રાજ કપૂર સાથેના નિકટના સંબંધ ધરાવતા પત્રકાર બની રુબેન ફિલ્મના જબલપુરના આઉટડોર શૂટિંગ સમયે બનેલા એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં લખે છે, ‘મુંબઈના તનાવભર્યા વાતાવરણમાંથી છૂટીને અમે જબલપુર આવ્યા ત્યારે સૌ મોકળાશ અનુભવતા હતા. અહીં ‘ઓ બસંતી પવન પાગલ’ અને બીજાં અગત્યનાં દૃશ્યોનું શૂટિંગ કરવાનું હતું. એ દરમ્યાન એક એવો બનાવ બન્યો  કે શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દેવાની નોબત આવી હોત. 

મુખ્ય કલાકારો, મહેમાનો અને પૂરા યુનિટ માટે એક વિશાળ બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. પદ્‍મિની અને સરસ્વતીઅમ્મા એક રૂમમાં રહેતાં હતાં. એક દિવસ શૂટિંગ વહેલું પૂરું થયું અને બીજા દિવસે વહેલી સવારે શૂટિંગ કરવાનું હતું એટલે સૌએ ડિનર જલદી પતાવીને સૂવાની તૈયારી કરી. લગભગ રાતે અઢી વાગ્યે અમ્માની ઊંઘ ઊડી ગઈ અને આદતવશ તેમનો હાથ બાજુમાં સૂતેલી પદ્‍મિનીના હાથને શોધવા લાગ્યો, પણ પથારી ખાલી હતી. બડબડાટ કરતાં તેઓ ઊભાં થયાં અને લાઇટ કરી. જોયું તો પદ્‍મિની રૂમમાં નહોતી.

ગુસ્સામાં ધૂંવાંપૂંવાં થતાં અમ્મા રૂમની બહાર નીકળ્યાં અને વિશાળ બંગલાને છેવાડે આવેલી રાજ કપૂરની રૂમ તરફ રીતસરની દોટ મૂકી. મનમાં એક જ ભય હતો કે પદ્‍મિનીના રાજ ‘ભૈયા’ તેના ‘સૈંયા’ ન બની જાય. લૉબીમાં અંધારું હતું. હજી અડધે રસ્તે નહીં પહોંચ્યાં હોય ત્યાં સામેથી ઉતાવળે આવતી પદ્‍મિની સાથે તેઓ અથડાયાં. જે ન થવું જોઈએ એ થયું હશે એવી આશંકાને કારણે તેમણે પ્રમાણભાન ગુમાવીને પદ્‍મિનીને મારવાનું શરૂ કર્યું. ચીસો પાડતાં, મારતાં-મારતાં, અપશબ્દો બોલતાં તેઓ કહેતાં હતાં કે આવતી કાલે સવારે મદ્રાસ પાછાં જવાનું છે. 

પદ્‍મિની તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં બચાવમાં કહેતી હતી કે હું બાથરૂમ જવા માટે રૂમની બહાર નીકળી હતી. જોકે અમ્મા પર આ વાતની કોઈ અસર નહોતી થતી. ગુસ્સામાં લાલચોળ, ક્રોધમાં ધ્રૂજતાં, પુત્રીને કોસતાં તેઓ પદ્‍મિનીને ઢસડીને રૂમમાં લઈ ગયાં. પદ્‍મિની માટે આ પહેલી ઘટના નહોતી. અમ્માના સ્વભાવને જાણતી પદ્‍મિનીએ ચૂપ રહેવાનું જ યોગ્ય માન્યું. 

અડધી રાતે બનેલી આ ઘટનાની સૌને ખબર પડી ત્યારે દરેકના મનમાં પ્રશ્ન હતો કે આવતી કાલે સવારે શું થશે? રાજ કપૂર આ ક્રાઇસિસને કેવી રીતે હૅન્ડલ કરશે? તેઓ અમ્માને સમજાવશે કે પછી ફિલ્મનું શૂટિંગ અટકાવીને મુંબઈ પાછા ફરવાનો નિર્ણય કરશે? બીજા દિવસે રાજ કપૂરે જે નિર્ણય લીધો એ દરેક માટે ચોંકાવનારો હતો.

15 May, 2022 12:53 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો

કંકુ છાંટી કંકોતરી મોકલો, લગન આવ્યાં ઢૂંકડાં

આજે તો લગ્નની ઉજવણી ધીખતો ધંધો બની ગયો છે, પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની

21 May, 2022 02:48 IST | Mumbai | Deepak Mehta

ગુજરાતી નાટકનાં અવલોકન 2 અંગ્રેજી અખબારે લખેલાં એ વાંચીને પોલીસ પહોંચી નાટક જોવા

મુંબઈના પોલીસ ડિટેક્ટિવ ઑફિસરો વાડીલાલ બારોલિયા અને મણિલાલ દેસાઈ નાટક જોવા આવ્યા. પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું

14 May, 2022 08:09 IST | Mumbai | Deepak Mehta

જીભને તો દાંત નામની વાડ પાછળ કેદ કરી શકાય; પણ આંખ બેવફા છે એ ખરા સમયે જ ચાડી ખાય

મેં પાછળ વળીને જોયું તો નર્ગિસ ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. અમે એકમેકનું અભિવાદન કર્યું. થોડી ઔપચારિક વાતો થઈ અને તેણે દિલગીરીભર્યા અવાજે માફી માગતાં કહ્યું....

08 May, 2022 03:11 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK