૨૫ મેના દિવસે અખબારમાં બે સમાચાર વાંચી હું વાલ્મીકિની જેમ દ્રવી ગયો. વાલ્મીકિ ક્રૌંચવધ જોઈને દ્રવી ગયા હતા અને રામાયણ લખવા વિવશ બની ગયા હતા. હું વાલ્મીકિ નથી, રામાયણ લખવા જેવું મારું ગજું પણ નથી એટલે આ લેખ લખી મારો ઊભરો શાંત કરું છું

પ્રતીકાત્મક તસવીર
રાવણ સામે લડવા માટે રામે વાનરસેનાને જ શું કામ પસંદ કરી, માનવસેનાને કેમ નહીં? કારણ કે રામને હતું કે માનવસેના કદાચ સોનાની લંકા જોઈને ચળી જશે તો? એનું ધ્યાન લડવા કરતાં સોનુ ભેગું કરવામાં ગયું તો?
પહેલા સમાચાર : નાગપુરના એક પેટ્રોલ પમ્પમાં લૂંટ અને એના માલિકની હત્યાના હતા. પણ પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે લૂંટ તો એક બહાનું હતું, સાજિશ તો માલિકની હત્યા કરવાની જ હતી. હત્યાનું કાવતરું બીજા કોઈએ નહીં પણ પેટ્રોલ પમ્પના માલિકની પુત્રીએ જ કરી હતી. હત્યા કરવા માટે તેણે પાંચ લાખ રૂપિયા ભાડૂતી હત્યારાઓને ચૂકવ્યા હતા. હત્યા કરાવવાનું કારણ? પિતાના અન્ય સ્ત્રીઓ સાથેના અનૈતિક સંબંધો તેને પસંદ નહોતા.
બીજા સમાચાર સાંગલી જિલ્લાના મીરજ શહેરના હતા. એક સગા દીકરાએ બાપને ટ્રૅક્ટર નીચે ક્રૂરતાથી કચડી નાખ્યા, કારણ? બાપ-દીકરા વચ્ચે અણબનાવ. બાપ જમીનનો ટુકડો દીકરાના નામે કરવાનો ઇનકાર કરતો હતો અને દીકરાની જીદ હતી કે એ જમીનનો ટુકડો તેના નામે જ થાય. આ જ કારણે દીકરાએ સંબંધોના અને બાપના ટુકડા કરી નાખ્યા.
માણસ અને માણસાઈ પરથી વિશ્વાસ ઊઠી જાય એવા આ સમાચારો એક જ દિવસના છે. દરરોજ આવા બનાવો બનતા જ રહે છે અને બનતા જ રહેવાના. જગતમાં જર, જમીન અને જોરુની જ કિંમત છે. પ્રેમ, લાગણી, સંબંધો ફક્ત નામના રહ્યા છે. સંબંધો સાચના નથી રહ્યા, કાચના થઈ ગયા છે, સ્વાર્થના થઈ ગયા છે. પહેલાં માણસો વસ્તુઓ વાપરતો અને સંબંધો સાચવતો. આ જમાનામાં માણસ વસ્તુઓ સાચવે છે ને સંબંધો વાપરે છે.
ખેર, આ સમાચારો કંઈ ઘટના નથી, રોજિંદા બનાવો છે. આવા સમાચારોથી માણસ જો અસ્વસ્થ થઈ જાય તો કોઈ દિવસ શાંતિથી જીવી જ ન શકે. ખૂન, દગાખોરી, હરામખોરી, ચોરી, લૂંટફાટ જીવનમાં એટલાં સહજ થઈ ગયાં છે કે એનો જો કોઈને આંચકો લાગે કે નવાઈ લાગે તો એ માણસ મનનો નબળો ગણાય. આ દુનિયા હવે છાતી કાઢીને ચાલનારાઓની, બેશરમ બનીને વર્તનારાઓની અને બેરહેમ થઈને જીવનારાઓની રહી છે. અહીં લાગણીવેડાંને કોઈ સ્થાન નથી.
જ્યાં સુધી હું મને જાણું છું ત્યાં સુધી હું નબળા મનનો તો નથી જ નથી. છતાં આટલી અસ્વસ્થતા કેમ અનુભવી? કારણ શોધતાં યાદ આવ્યું કે ૨૧ મેએ સુરત, નર્મદ યુનિવર્સિટીના એક પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે મને આમંત્રણ હતું. એ પ્રસંગે પ્રવચનની કેટલીક વાતો મનમાં ઘુમરાયા કરતી હતી. લોકવાર્તા અનુસાર રામને પણ માણસજાત પ્રત્યે વિશ્વાસ નહોતો. રાવણ સામે લડવા માટે રામે વાનરસેનાને જ શું કામ પસંદ કરી, માનવસેનાને કેમ નહીં? કારણ કે રામને હતું કે માનવસેના કદાચ સોનાની લંકા જોઈને ચળી જશે તો? એનું ધ્યાન લડવા કરતાં સોનુ ભેગું કરવામાં ગયું તો?
પણ મને આ વાત હાસ્યાસ્પદ લાગી. ખરું કારણ, ૨૨ મેએ રાતના રાષ્ટ્રસંત નમ્રમુનિજીના પારસધામ (ઘાટકોપર)નું વાતાવરણ હતું. મારે ‘માતૃવંદના’ વિશે બોલવાનું હતું. સિનિયર સિટીઝનો વચ્ચે પવિત્ર માહોલ હતો. માતા-પિતાના ઋણસ્વીકારની ભાવનાનાં ગીતો ગુંજતાં હતાં. મેં પણ દોઢ કલાક સુધી માતા-પિતાના ઉપકારોની વાત કરી. પ્રેક્ષકોએ ખૂબ જ ભાવુકતાથી એ સાંભળી. એ માત્ર શબ્દોના સાથિયા નહોતા, અંતરમાંથી ઊઠેલી વાણી હતી. એ યાદ આવતાં જ આ બે સમાચારોએ મને હલાવી નાખ્યો હતો.
એક જમાનો હતો કે પિતાના વચન ખાતર રામે રાજગાદી છોડી વનવાસ વેઠ્યો. આંધળાં માબાપની ચારધામ યાત્રાની ઇચ્છા પૂરી કરવા શ્રવણ જેવો દીકરો માબાપને કાવડમાં બેસાડી જાત્રા કરવા નીકળી પડ્યો. આજનાં સંતાનો માબાપની હત્યા કરવા સુધી કેમ જાય છે?
મને શ્રવણના જીવનની એક લોકકથા યાદ આવે છે. કાંધે કાવડમાં માબાપને બેસાડી શ્રવણ ધોમ ધખતા તડકામાં, કડકડતી ઠંડીમાં, અનરાધાર વરસાદમાં, ખાડાટેકરા, નદીનાળાં, દરિયા-ડુંગરા વટાવતો સતત ચાલતો રહે છે. પરસેવે રેબઝેબ છે, કમર વાંકી વળી ગઈ છે, હાંફતો-હાંફતો એક- એક ડગ ભરી રહ્યો છે. સામેથી આવતું ઋષિઓનું એક ટોળું આ બધું નિહાળી રહ્યું છે. એ લોકોને શ્રવણની દયા આવી. તેને ઊભો રાખી એક સમર્થ ઋષિ ગુરુવર્યએ શ્રવણને પૂછ્યું, ‘વત્સ, તું થોડો વિશ્રામ કેમ નથી કરી લેતો, ક્યાં જવું છે તારે? આ ડોસા-ડોસી કોણ છે?’ શ્રવણે વિનયથી જવાબ આપ્યો, ‘આ મારાં માતા-પિતા છે. તેમની ઇચ્છા જાત્રા કરવાની છે. મારે નિયત સમયે પહોંચવાનું હોવાથી મને વિશ્રામ પરવડે નહીં.’ ઋષિ ગુરુએ માબાપને કહ્યું, ‘આપને દીકરાની દયા નથી આવતી? તમારી ઇચ્છાઓનો બોજ દીકરો ઉપાડી રહ્યો છે એ સારી વાત છે, પણ ઇચ્છાઓની યોગ્યતા તમને કેમ સમજાઈ નહીં?’ આંધળા બાપે જવાબ આપ્યો, ‘માબાપનો બોજ ઉપાડવો એ સંતાનની ફરજ છે, આમાં અયોગ્ય શું છે?’
ઋષિએ સમતોલપણું ગુમાવી ક્રોધમાં શ્રાપરૂપી ભવિષ્યવાણી ઉચ્ચારી.
‘આ યુગમાં માબાપનો બોજ ભલે સંતાનો ઉપાડતાં હોય પણ એક યુગ એવો આવશે જ્યારે સંતાનોની ઇચ્છાઓનો બોજ માબાપે વેંઢારવો પડશે.’
નથી લાગતું કે આપણે બધા આ શ્રાપ ભોગવી રહ્યા છીએ? ખેર, આ બધી ભાવુક વાતો થઈ. આજનાં સંતાનોમાં વિનય-વિવેકનો અભાવ હોય તો એ માટે બીજું કોઈ નહીં, આપણે વડીલો જ જવાબદાર છીએ. એનાં કારણો અને સંજોગોની રસપ્રદ છણાવટ આવતા સપ્તાહે.
સમાપન
ગિનતી નહીં આતી મેરી માં કો યારોં
મૈં એક રોટી માંગતા હૂં વો હમેશા દો હી લાતી હૈ!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.