નાઝિમાએ ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત બાળકલાકાર તરીકે ‘બેબી ચાંદ’ નામથી કરી હતી
નાઝિમા
૧૯૬૦ અને ૭૦ના દાયકાની ઘણી હિન્દી ફિલ્મોમાં બહેન અને મિત્રની ભૂમિકા નિભાવનાર નાઝિમાનું સોમવારે ૭૭ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે પોતાના જીવનનાં અંતિમ વર્ષો પોતાના બે પુત્રો સાથે દાદર વિસ્તારમાં વિતાવ્યા હતાં. ૧૯૪૮ની ૨૫ માર્ચે નાશિકમાં મેહરુન્નિસા તરીકે જન્મેલાં નાઝિમા એક એવા પરિવારમાંથી હતાં જે સિનેમા સાથે ગાઢ રીતે જોડાયેલો હતો.
નાઝિમાએ ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત બાળકલાકાર તરીકે ‘બેબી ચાંદ’ નામથી કરી હતી. તેમની શરૂઆતની ફિલ્મોમાંથી એક બિમલ રૉયની ક્લાસિક ફિલ્મ ‘દો બીઘા ઝમીન’ હતી, જેમાં તેમણે બલરાજ સાહનીની બહેનની ભૂમિકા ભજવી હતી. તેઓ ‘દેવદાસ’માં યુવા પારોનાં સહપાઠી અને ‘બિરાજ બહૂ’માં અભિ ભટ્ટાચાર્યનાં બહેન તરીકે પણ જોવા મળ્યાં હતાં. રાજ કપૂરની બાળકોની ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’માં પણ તેઓ દેખાયાં હતાં. નાઝિમાએ પોતાની કરીઅરમાં આશા પારેખ, હેમા માલિની અને લીના ચંદાવરકર જેવી ઍક્ટ્રેસના મિત્ર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.


