Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુછ શબ્દ હી તો થે જિનસે જાના થા તૂને મુઝે, મૈંને તુઝે!

કુછ શબ્દ હી તો થે જિનસે જાના થા તૂને મુઝે, મૈંને તુઝે!

17 May, 2023 04:18 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

સાંભળ, થેકલા એટલે થાકેલા માણસોને મદદ કરતા ઓટલા. અમારા જેવી ડોશિયું પાણી પીને ઓટલાને ટેકે ભારો માથે ચડાવી હાલવા માંડે, કોઈની મદદની જરૂર ન પડે. પણ ભઈલા આ બધાં શેખચલ્લીનાં સપનાં છે. કોણ જાણે આ સપનાં ક્યારે પૂરાં થશે?’ ડોશીએ નિઃશ્વાસ નાખ્યો.

પ્રતીકાત્મક તસવીર માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


સંસારમાં સૌથી ઘાતક પ્રહાર કોનો હોઈ શકે? ઇન્દ્રના વજ્રનો, ભીમની ગદાનો, અર્જુનના ગાંડિવનો, પરશુરામની પરશુનો, શંકરના ત્રિશૂળનો, વિષ્ણુના ચક્રનો કે રામના બાણનો? જવાબ છે આમાંના કોઈનો નહીં. સૌથી વધારે ઘાતક પ્રહાર હોય છે શબ્દોનો અને એથીય વધારે ઘાતક પ્રહાર હોય છે મૌનનો. 

એક વાર કોઈકે મને પૂછ્યું હતું કે તમારો પ્રિય લેખક કોણ? મેં મજાકમાં જવાબ આપ્યો હતો કે ગોંડલના મહારાજા ભગવતસિંહજી. જી હા, જેમણે ૨૬ વર્ષની મહેનત પછી ભગવદ ગો મંડળના ૯ ભાગ આપ્યા. ૨,૮૧,૩૭૭ શબ્દ અને શબ્દના અર્થ સાથે ૮ લાખથી વધારે શબ્દોનો કોશ આપ્યો. 



 મને નવા-નવા શબ્દો ખોળવાની, જાણવાની પહેલેથી જ જિજ્ઞાસા રહી છે અને એટલે જ કૉલેજકાળથી ન પરવડતું હોવા છતાં ભગવદ ગો મંડળના નવેનવ ભાગ વસાવ્યા હતા. જ્યારે-જ્યારે કોઈ પણ એક ભાગ હાથમાં લઉં કે મહારાજને સલામ કરવાનું મન થાય. ગુજરાતી ભાષા માટે કરેલા અદ્ભુત અને અદ્વિતીય કામ માટે માથું ઝૂકી જાય. મહારાજા માત્ર ભાષાપ્રેમી જ નહીં, પ્રજાપ્રેમી, માનવતાપ્રેમી પણ હતા. તેમની માનવતાની એક વાત આજે ટાંકવાનું મન થાય છે. 


 એક વખત ઉનાળાની ભરબપોરે મહારાજા પગે ચાલીને નગરચર્યા કરવા નીકળ્યા. ગામના સીમાડેથી એક વૃદ્ધાનો સાદ સંભળાયો, ‘એ કોઈ સાંભળે છે? મને મદદ કરો. મારો લાકડાંનો ભારો મારા માથે ચડાવો...’ નિર્જન રસ્તો હતો, વૃદ્ધ હાંફી રહી હતી, કેડથી વળી ગઈ હતી, તરસથી પીડાઈ રહી હતી, છદ્‍મ વેશ ધારણ કરેલા મહારાજા તેમની પાસે આવ્યા, ‘માજી, કેટલી વારથી આમ ઊભાં-ઊભાં મદદની ધા નાખો છો?’ 

‘અરે બાપલા, અડધો કલાક થઈ ગયો, કોઈ ચકલુંય ફરકતું નથી. ૮૦ વર્ષ થયાં, પણ કાયા કામ આપે ત્યાં સુધી કામ તો કરવું જ પડેને?’ 
‘પણ ધારો કે કલાકો સુધી કોઈ મદદ કરનારું ન મળ્યું તો?’ 
 ‘ભગવતબાપાના રાજમાં આવું બને એટલી અભાગી તો હું નથી જ.’ 
‘રાજા પર આટલો બધો ભરોસો છે તમને?’


‘રાજા તો લાખ રૂપિયાનું માણસ છે, પણ તેમના કાન સુધી અમારા દખની વાત પહોંચાડે કોણ? ને હવે બહુ લવ-લવ કરવાને બદલે મારો ભારો માથે ચડાવ.’ 
રાજાએ ડોશીનો કેડો ન છોડ્યો. પૂછ્યું, ‘માજી આનો કોઈ કાયમી ઉકેલ નથી? કોઈની પણ મદદ વગર ભારો ઉપાડી શકાય એવી કરામત તમારા ધ્યાનમાં છે?’ 
‘છે તો ખરી, પણ રાજાને જઈને જણાવે કોણ?’ 
‘હું જણાવીશ. તમે મને એક વાર ઉકેલ બતાવો.’ 
ડોશી તેને ટગર-ટગર જોતાં બોલી, ‘તું રાજાને ઓળખે છે? તેનો કોઈ સગલો છે?’ 

‘માજી, સગલો હોઉં કે ન હોઉં, મારા પર વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જશે, મને ઉપાય બતાવો.’ 
ડોશીને માણસ કામનો લાગ્યો. તેનામાં ઉત્સાહનો સંચાર થયો. તે બોલી, ‘દીકરા, ઉપાય તો સહેલો ને સટ છે. થોડા-થોડા અંતરે થેકલા થઈ જાય તો બેડો પાર થઈ જાય.’
 રાજાને કાંઈ સમજાયું નહીં. ‘માજી થેકલા એટલે શું?’ 
‘લે, ગામડામાં રે છે ને થેકલા એટલે શું એની ખબર નથી? સાવ ભોટ મામો લાગે છે. સાંભળ થેકલા એટલે થાકેલા માણસોને મદદ કરતા ઓટલા. વટેમાર્ગુને થાક ખાવા મળે, સામાન મૂકવામાં મદદ થાય અને રાજાએ જો પાણીનું પ્યાઉ મુકાવ્યું હોય તો તરસ છિપાવવા મળે. અમારા જેવી ડોશિયું પાણી પીને ઓટલાને ટેકે ભારો માથે ચડાવી હાલવા માંડે, કોઈની મદદની જરૂર ન પડે. પણ ભઈલા આ બધાં શેખચલ્લીનાં સપનાં છે. કોણ જાણે આ સપનાં ક્યારે પૂરાં થશે?’ ડોશીએ નિઃશ્વાસ નાખ્યો. 

‘માજી, ચિંતા ન કરો. કોઈ તમારાં સપનાં પૂરાં કરે કે ન કરે, હું કરીશ... દર ચાર-છ ફર્લાંગે તમારા થેકલા હું ઊભા કરીશ.’ 
‘તું? તું અલ્યા છે કોણ? લાટસાહેબ છે? એમાં કેટલો ખરચ થાય, કેટલા માણસો જોઈએ એનું તને ભાન છે?’ 
‘માજી તમારે મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?’
માજી ખડખડાટ હસી પડ્યાં, બોલ્યા, ‘દીકરા, કામ તો બધાને મમમમ સાથે જ હોય, પણ ટપટપ કરનારાનું જિગર પણ જોવું જોઈએ કે નહીં? આજકાલ બોલ્યું પાળનારા કરતાં બોલ્યું બોળનારા વધારે ભટકાય છે. તું ગામમાં નવો લાગે છે. પહેલાં તારી ઓળખાણ આપ, પછી તારી વાત માનું.’ 

રાજા અવઢવમાં પડ્યો. ત્યાં દૂરથી ઘોડાઓ હણહણવાના અવાજ આવ્યા. મહારાજના સિપાઈઓ રાજાને શોધવા નીકળ્યા હતા. રાજાને જોઈને બધાના જીવમાં જીવ આવ્યો. એક સિપાહી રાજા પાસે આવીને બોલ્યો, ‘મહારાજા ભગવતસિંહને ઘણી ખમ્મા.’ 
અને ડોશીના પગ નીચેની ધરતી સરકી ગઈ. આ પોતે મહારાજા ભગવતસિંહ છે એ કેમેય કરીને માન્યામાં નહોતું આવતું. પણ આજુબાજુના સિપાઈઓનો કાફલો અને માહોલ જોઈને માન્યા વગર છૂટકો નહોતો, વળેલી કેડે રાજાના 

પગમાં પડી, ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલી, ‘ક્ષમા કરો મહારાજ, મેં તમને ઓળખ્યા નઈ એટલે જ તું’કારે મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. મને માફ કરો, બાપુ!’ 
‘બાપુ નહીં, તમારો બેટો. માનાં કડવાં વચન પણ અમૃત લાગે. હાલો મા, તમારો ભારો માથે ચડાવું.’
ડોશી એકદમ ડરી જઈને બોલી, ‘ના, ના, તમારે ભારો ઊંચકવાનો નથી, મને પાપમાં ન પાડશો.’
‘માજી, તમારો દીકરો છું. દીકરાનો ધર્મ જ એ છે કે માનો બોજ હળવો કરે...’ અને મા વધારે કાંઈ બોલે એ પહેલાં જ ભારો માથે ચડાવી દીધો. 
‘મા, આજે તમારે માથે બોજ મૂકવા બદલ મને માફ કરજો, પણ રાજની તમામ માતાઓનો બોજ હું હળવો કરીશ એ મારું વચન છે.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 04:18 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK